માહિતી અધિકાર : કાયદાને લૂલો કરવાની ચાલ
વાત એમ છે કે, સરકાર કોઈ યોજના જાહેર કરે તે પછી તેનો લાભ કોને–કોને મળ્યો એવી પૃચ્છા જો તમે માહિતી અધિકારને અન્વયે કરશો તો સુચિત સુધારા પછી તમને જે–તે લાભાર્થીની ‘પ્રાઈવસી’નું પાવિત્ર્ય જાળવવાને નામે પ્રસ્તુત માહિતીથી વંચિત કરી શકાય. તેઓ બાઈ પ્રાઇવસીના શિયળની ફિકરચિંતાને નામે સરકારની જવાબદેહી અને વહીવટી પારદર્શિતાનો ધરાર ઉલાળિયો કરવા સારુ તડે પેંગડે છે … સાવધાન!

પ્રકાશ ન. શાહ
સરકાર જેનું નામ, પછી તે લોકશાહી હોય કે અન્ય કોઈ ‘શાહી’ પ્રકૃતિએ કરીને પ્રજાને સત્તાને ચશ્મે જોતી એટલે કે જોતે છતે નહીં જોતી અવસ્થામાં રાખવા સભાન નહીં તો છેવટે અભાનપણે તો ઇચ્છે જ છે. સદ્ભાગ્યે, મનુષ્યજાતિએ શાસન-પ્રબંધનની પોતાની લોકશાહી મજલ દરમિયાન એવી બંધારણીય જોગવાઈઓ ઉપજાવવાની મહારત હાંસલ કરી છે કે અંકુશ અને સમતુલાના નિયમ થકી સરકાર પર નિગરાની અને નિયમન રાખી શકાય.
2004-2014નો મનમોહન દસકો ભ્રષ્ટાચારના ખરાખોટા, કેટલાક કિસ્સામાં તો કેવળ નોશનલ ખયાલે ગવાઈ તેમ જ ખરડાઈને ગયો. તે પછીના મોદી દસકાની અને એની તટસ્થ સરખામણી કરવામાં આવે તો, બને કે, ત્યારે થયેલી ટીકાઓ (ટીકા અલબત્ત થવી જ જોઈએ, પણ) માળ બહાર ફુગાવેલી પણ લાગે. ઇતિહાસ પોતાને અંગે ન્યાયકારી રીતે જોશે એવું મનમોહનસિંહે કહ્યું પણ હતું. અહીં મોદી-મનમોહન તુલનામાં ઊંડે ઊતરી કોઈ વિશેષ તપાસ કરવાનો ખયાલ અલબત્ત નથી. માત્ર, આ દિવસોમાં જે એક મુદ્દો, માહિતી અધિકારને અનુલક્ષીને ચર્ચાની એરણે છે એને વિશે બંને શાસનને સાથે રાખીને ચર્ચા કરવાનો ખયાલ જરૂર છે.
મુદ્દો એ છે કે મનમોહન સરકારની ભેટ તરીકે ઠીક પંકાયેલ માહિતી અધિકાર હાલ ખંડિત ને ખોડંગાતો બને એવા સંજોગો સત્તાવાર ધોરણે સામે આવી ઊભા છે. એ વર્ષોમાં સોનિયા ગાંધીની સલાહકાર સમિતિરૂપે કેટલાક કાર્યરત હતા. એમના આગ્રહી રજૂઆતથી રાઇટ ટુ ઇન્ફર્મેશન કહેતાં માહિતી અધિકાર જેવો કાયદો તેમ જ ‘મનરેગા’ જેવી આછીપાતળી પણ રોજગાર જોગવાઈ શક્ય બની હતી. મોદી સરકારે નોટબંધી દાખલ કરી ત્યારે નાના રોજગાર પર નભતા લોકોએ જે વેઠવું પડ્યું એના એક ઉગાર ઉપાય તરીકે પણ ‘મનરેગા’એ કંઈક ઠીક કામ આપ્યું છે.
માહિતી અધિકારનો લાભ એ રહ્યો છે કે તે સરકારને પક્ષે ઉત્તરદાયીપણું (જવાબદેહ) તેમ જ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં મદદગાર થઈ શકે છે. મનમોહન સરકારે 2005માં માહિતી અધિકાર કાનૂન કર્યો તે પછી એક તબક્કે એના ક્ષેત્રને સીમિત કરવાની કોશિશ ખુદ સત્તાપક્ષનાં વર્તુળોમાંથી ઊઠી હતી એ વખતે અડવાણી ભા.જ.પે. વાજબી રીતે જ એની સામે વિરોધ અવાજ ઉઠાવ્યો હતો.
કમનસીબે, હાલ વળી પાછી માહિતી અધિકારને ટુંપાવવાની ચેષ્ટા સરકારી રાહે શરૂ થઈ છે. તે માટે લેવાયેલું ઓઠું 2023ના ડિપીડિપી ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટનું છે. તમે જ્યારે સરકાર પાસે માહિતી માગો છો ત્યારે તે ચોક્કસ માહિતી સાથે સંકળાયેલ વ્યક્તિનો પોતાનો ખાનગીપણાનો અધિકાર (રાઇટ ટુ પ્રાઇવસી) ભયમાં મુકાય છે એવી દલીલ સર ડિજિટલ પર્સનલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કાયદાની જોગવાઈ અન્વયે માહિતી અધિકારને મર્યાદિત કરવાની કોશિશ છે.
વાત એમ છે કે સરકાર કોઈ યોજના જાહેર કરે તે પછી એનો લાભ કોને કોને મળ્યો એવી પૃચ્છા જો તમે માહિતી અધિકારને અન્વયે કરો તો સૂચિત સુધારા પછી તમને જે તે લાભાર્થીની ‘પ્રાઇવસી’નું પ્રાવિત્ર્ય જાળવવાની નામે પ્રસ્તુત માહિતીથી વંચિત કરી શકાય. મતલબ, સરકારે પક્ષીય રાજકારણી સગવડની રીતે કે વહીવટી પક્ષપાતના આશયથી જે તે યોજનાનો લાભ ભળતા લોકોને આપ્યો એની જનતાને કશી ખબર ન પડે એ જ રીતે આ યોજનાઓમાં ગરબડ કરનારા તફડંચીબાજો(ફ્રોડસ્ટર્સ)ના નામ પણ બાઈ પ્રાઇવસીના શીલસન્માનને નામે જ ખાનગી રાખી શકાય. ટૂંકમાં, જવાબદેદી અને પારદર્શિતાનો મૂળ ખયાલ બચાડો માર્યો ફરે.
દેખીતી રીતે જ ‘આની સામે એક અવાજ ઉઠાવવાની જરૂર હતી અને છે. સદ્ભાગ્યે ‘રોલ બેક એમેન્ડમેન્ટ્સ મેઇક ટુ ધ આર.ટી.આઈ. એક્ટ થ્રૂ ધ ડિજિટલ પર્સલન ડેટા પ્રોટેક્શન એક્ટ’ એ માંગ સાથે ઓનલાઈન પીટીશન ઝુંબેશ શરૂ થઈ છે. 99240 85000 પર ફોન કરતાં આ સંદર્ભે વિશેષ માહિતી ને માર્ગદર્શન મળી રહે છે.
કાશ, સરકાર આ નાગરિક પહેલને સરખો કાન આપી શકે!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 05 માર્ચ 2025