મિત્ર રમેશ સવાણીનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ થયેલું છે … પણ તેમની તેજાબી કલમ અટકી નથી. રોજ તેમનાં લખાણો મિત્રોની વોલ પર જોવા મળે જ છે. મારા કાવ્યસંગ્રહ વિશેનું ગઈકાલે લખાયેલું લખાણ મિત્રની વોલ પરથી અહીં મૂકતાં આનંદ અનુભવું છું.
— મનીષી જાની
•••
કવિ દીર્ઘદૃષ્ટા હોય છે, ભવિષ્યવેત્તા હોય છે. સામાજિક નિસબત હોય છે એટલે વેદના અનુભવે છે અને એટલે સ્વાભાવિક રીતે તેનામાં આક્રોશ જોવા મળે છે. ભ્રષ્ટ રાજકારણ, સામાજિક ન્યાયથી વેગળો વિકાસ, ખાડે ગયેલું શિક્ષણ, કથળેલી આર્થિક-સામાજિક સ્થિતિ, ભરડો લેતી જતી કોમવાદી રાજનીતિ, જૂઠાણા અને ગેરપ્રચાર, ધર્મવાદ-રાષ્ટ્રવાદનો નશો; અને બુદ્ધિજીવીઓની / સાહિત્યકારોની શાહમૃગવૃતિ ! કેટકેટલા અંધારા? જે સાહિત્યકારો પ્રેમ / સ્નેહ / આધુનિકતા / ગાંધીજીના સત્યાગ્રહ વિશે લખે છે, તેઓ ગુજરાત સરકારે બળાત્કારીઓને છોડી મૂક્યા, તેમનું જાહેર સન્માન થયું, ત્યારે ચૂપ કેમ રહી શક્યા હશે? આ બધું કવિને અકળાવે છે. કવિ સાંપ્રત સમયના સવાલો ઊઠાવે છે. પોતાના સમયના અંધકારને એટલે નિરુપે છે કે કોઈક તો જાગશે !
આ કવિ છે Manishi Jani. એમણે નવજીવન ખાતે 8 ફેબ્રુઆરી 2025ના રોજ પોતાનો કવિતા સંગ્રહ ‘મને અંધારા બોલાવે’ મને ભેટ આપ્યો હતો. આ સંગ્રહની કવિતાઓ વાંચી રહ્યો છું. કવિતા સમજ આપે છે, કવિતા માણસ બનાવે છે.
અડધી આલમ-મહિલાઓના હકની વાત સાથે શરૂ થતી કવિતા – ‘બંગડીબંધન’માં કવિ આપણને ક્યાં ખેંચી જાય છે? વ્યક્ત થયેલ આક્રોશ જૂઓ :
જેમ અડધી આલમને
બંધનની બંગડીઓમાં પૂરી રખાઈ છે,
એમ જ મારા દેશની લોકશાહીને
બંગડી આકારના પાર્લામેન્ટમાં પૂરી દેવાઈ છે …
એ બંગડીમાં બેઠેલા બગલા જેવા સફેદ વસ્ત્રધારીઓ
એકબીજાને કલંકિત કાળામેશ વસ્ત્રધારી કહીને બસ,
ભાંડ્યા કરે છે,
એક દળ બીજા દળને ચોર કહે છે,
બીજું દળ પહેલા દળને ચોર કહે છે,
પછી એકબીજા પર માઈકો ફેંકવાની રમત રમે છે
પછી એકબીજાને ભેટીને ખાધું પીધું ને રાજ કરે છે !
બંગડીની બહાર દલ દલ કાદવમાં
બેરોજગાર ઊછળતું લોહી ખૂંપી રહ્યું છે,
પેટ્રોલના ઊંચા ઊછળતાં ભાવ મોંઘવારીના નશામાં ચકચૂર છે,
નીચે ને નીચે પડી રહેલો,
ખાંસતો, ગબડતો, બબડતો રૂપિયો …
મોંઘીદાટ કૉલેજોની દુકાનોની બહાર ઊભાં ઊભાં
ચમકદાર, ભભકદાર શોકૅસને જોયાં કરતાં યુવક યુવતીઓ,
વિન્ડો શોપિંગમાં ખોવાઈ ગયેલાં છાત્ર-છાત્રાઓ !
ડૉક્ટરોએ લખી આપેલાં દવાઓનાં લાંબાં પ્રિસ્ક્રિપ્શનના
કાગળોને સુંઘી રહેલાં વૃદ્ધો ને વૃદ્ધાઓ …
ખિસ્સામાં અફવાઓનાં ટોળાં લઈ ફરતા ચહેરાઓ
જે મરેલી ગાયનાં ચામડાં ઊતરડનારને
અસ્પૃશ્ય ગણી પાણીના છાંટે સ્નાન કરે છે
એ જીવતા માણસની ચામડી ઉતરડી નાખવાના
સામૂહિક આનંદના મેળા યોજે છે …
બધું જ દલદલમાં ખૂંપી રહ્યું છે …
ભૂખ્યાં તરસ્યાં લોકોની ખાલી થાળીઓની
ઉઠાંતરી કરી ભક્તો થાળીઓનાં મંજીરાં બનાવી
લોકશાહીનાં ભજનો ભસી રહ્યાં છે …
મારા દેશની લોકશાહી
બંગડી આકારના પાર્લામેન્ટનાં બંધનમાં
બંધાઈ ગઈ છે …
કવિ માત્ર દેશસ્થિતિની વાત કરતા નથી. ‘કપડાં’ કવિતામાં માણસમાં રહેલી મેલીવૃત્તિ સામે પણ કવિએ સવાલ ઊઠાવ્યો છે :
મેલાં, ગંદાં, ડાઘા પડી ગયેલાં હોય
તો ય કપડાં ધોવાઈ જાય.
પથરા પર પછડાઈને
કે ધોકાથી ધીબાઈને
કે વોશિંગમશીનમાં નંખાઈને કપડાં ધોવાઈ જાય, તાર પર ટીંગાઈને હસતાં હસતાં સૂકાઈ જાય.
ગડી વાળીને મૂકાઈ જાય.
ઈસ્ત્રી કરો તો ય પહેરાય
ને ના કરો તો ય પહેરાઈ જાય.
ફાટે તો સંધાઈ જાય,
થીંગડાં મારો તો મરાઈ જાય …
કપડાં પહેરનારા આટલા
સહજ અને સરળ કેમ નહીં હોય?
આપણામાં સ્પષ્ટતાનો જ અભાવ છે. કવિ બિલકુલ સ્પષ્ટ છે. ‘આઝાદી’ કવિતામાં કહે છે :
કોઈ કાંકરીચાળો કરે ને સામે પથરા ફેંકું
એવો લડનારો હું નથી.
કોઈ નફરતથી ભરચક બોમ્બ ફેંકે
ને એના ઘરમાં બોમ્બ મૂકું
એવો લડનારો હું નથી.
હું પથ્થરથી પથ્થર ટકરાવી તણખો પેદા કરનારો માણસ છું.
હું વિચારથી વિચાર ટકરાવી આઝાદી પેદા કરનારો માણસ છું.
હું લડનારો છું.
હું માણસ છું.
કવિ, અખા ભગતની જેમ દંભને પડકારે છે :
હા, પણ ગાયને અમે માતા કહીએ છીએ.
ગૌમાતા, ગાયને અમે ખાતા નથી.
હા, પણ ગૌચરની જમીન અમે
ભચડક ભચડક ચાવી જઈએ છીએ …
આઠ વરસની આસિફા
કે ત્રણ છોકરાંની મા
કે ગંગાસ્વરૂપ એંસી વરસની ડોસીને
અમે રસોડે ને ખાટલે પછાડવાની વસ્તુ માનીએ છીએ.
હા, પણ મંદિરમાં પથ્થરની, ચાંદીની, સોનાની,
પ્લાસ્ટિકની, રેતીની, માટીની કે રબ્બરની
લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, અંબા, જગદંબા માતાજી માટે,
અમે પવિત્ર પુરુષો
તેમના કાનને ઝંકૃત કરવા ઘંટ વગાડીએ છીએ,
અમે પવિત્ર પુરુષો ઘંટડીઓ વગાડીએ છીએ.
હા, પણ અમે મંદિરમાં ખાટલા પણ રાખીએ છીએ …
અમે પવિત્ર પુરુષો …
ફિલ્મ સર્ટિફિકેટ બોર્ડે અમર્ત્ય સેન ઉપરની ડોક્યુમેન્ટરી ફિલ્મમાંથી ગાય, ગુજરાત જેવા શબ્દો કાઢી નાંખવા કહ્યું ત્યારે કવિએ લખ્યું :
તમે વિચાર લઈને આવો,
તો કહે તમે આ વિચાર કેમ કર્યો?…
લડનારી, ઝઝૂમનારી
કે મુઠ્ઠી ઊંચેરી વ્યક્તિઓ
કદી કોઈની મુઠ્ઠીમાં હોય કે?
ઝબકતા ચમકતા ભભકતા
દીવડાને મુઠ્ઠીમાં બંધ કરાય કે?…
લોકશાહી,
તને ઘડિયાળના ઊંધા ફરતા કાંટા સાથે દોડાવી દોડાવી
દ્રોપદી બનાવી દીધી છે …
લોકશાહી તું કેવી કેવી એવી?
બહુમતીની રાત્રે કચાકચ ખચાખચ
લોકોની જીભ કાપતી ફરે?
સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર