જ્યારે કોઈ ક્રૂર ઘટના બને ત્યારે આપણા મોઢામાંથી શબ્દો સરી પડે છે કે ‘એનામાં જરા પણ માનવતા નથી !’ આ માનવતા એટલે સંવેદના / લાગણી / દયા. શું માનવતામાં માનવવાદ આવી જાય છે? ના; પરંતુ માનવતા / દયા / કરુણા વગેરે સારા ગુણો માનવવાદી વિચારધારામાં છે જ. માનવતા-humanity’ અને ‘માનવવાદ-Humanism’માં મોટો ફરક છે ! માનવવાદ અને માનવતાને કેટલાંક લોકો એક જ માને છે; તે ગેરસમજ છે. માનવવાદી સંકીર્ણ હોતો નથી; જ્યારે માનવતા સંકીર્ણ હોઈ શકે છે. માનવવાદમાં સીમા નથી; જ્યારે માનવતામાં સીમાઓ જોવા મળે છે. માનવવાદીઓ માટે આફ્રિકન / અમેરિકન / યુરોપિયન / રશિયન / કોરિયન એવા ભાગલા હોતા નથી; કાળા-ધોળાના કે ઊંચનીચના ભેદભાવ હોતા નથી; ઊચ્ચ વર્ણ કે શૂદ્ર વર્ણ હોતા નથી. જ્યારે માનવતામાં આવા ભાગલા હોઈ શકે છે. માનવવાદીમાં માનવતાનું તત્ત્વ તો હોય છે; પણ તે વિશાળ હોય છે. સંકુચિત સંપ્રદાયો / સંકુચિત સ્વામિઓ / બાપુઓ પણ માનવતાના કાર્યો કરતા હોય છે; અને તેમાં પોતાના વર્તુળ પૂરતી જ માનવતા દેખાય છે; તેમાં વર્ણ મુજબ ભેદભાવ જોવા મળી શકે. જ્યારે માનવવાદીની દૃષ્ટિએ દરેક માનવ સરખા હોય છે. માનવતા ભેદભાવવાળી હોય છે. મનુસ્મૃતિમાં માનનારાઓમાં પણ માનવતા હોય છે;

પ્રો. જયંતીલાલ કે. પટેલ
પરંતુ માનવવાદી દૃષ્ટિકોણનો અભાવ હોય છે. તેથી માનવવાદીઓ મંદિર / મસ્જિદ / ચર્ચનો વિરોધ કરે છે અને શાળા / મહાશાળા / હોસ્પિટલની તરફેણ કરે છે. પોતાના ધર્મ / વર્ણના લોકોની હત્યા થાય ત્યારે માનવતાવાળાની સંવેદના વધુ જાગે છે ! જ્યારે કોઈની પણ હત્યા થાય ત્યારે માનવવાદી દુ:ખ અનુભવે છે. પૂરમાં / ભૂકંપમાં નિરાધાર થયેલને તેમના ધર્મ / વર્ણના આધારે મદદ કરાય તેમાં માનવતા છે; પણ માનવવાદી દૃષ્ટિકોણની ગેરહાજરી છે. સમસ્યાનો ઉકેલ માનવતા પાસે નથી, માનવવાદ પાસે છે !
પ્રોફેસર જયંતી પટેલ કહે છે : “માનવતાવાળા ઈરરેશનલ હોઈ શકે છે; ધર્મચુસ્ત હોઈ શકે છે; સાંપ્રદાયિક હોઈ શકે છે; કટ્ટર હોઈ શકે છે; હિંસક હોઈ શકે છે. જ્યારે માનવવાદીઓ સેક્યુલર / રેશનલ હોય છે; તે કટ્ટરતા અને હિંસાથી સો કિલોમિટર દૂર રહે છે. માનવવાદીઓ લિંગ, રંગ, ધર્મ, રાષ્ટ્ર, વર્ણ કે તેવા કોઈ ભેદભાવ વિના દરેક વ્યક્તિનું ગૌરવ કરવાનો આગ્રહ રાખે છે. માનવવાદ સમગ્ર માનવજાતના સંદર્ભમાં આચાર-વિચાર કરે છે, તે કોઈ કોમ, ધર્મ, રાષ્ટ્ર જેવી વાડાબંધીને સ્વીકારતું નથી. માનવવાદીઓ કાલ્પનિક ઈશ્વરને બદલે કુદરત / પ્રકૃતિમાં માને છે. જ્યારે માનવતાવાળા ઈશ્વર / ખુદા / ગોડ / માતાજીઓ / દેવ-દેવીઓ /ગુરુઓમાં માનતા હોય છે. ‘માનવવાદીઓ માને છે કે વિશ્વનું તથા માનવીનું સર્જન પ્રાકૃતિક પરિબળોની નીપજ છે. તેમાં કોઈ અલૌકીક વ્યક્તિ કે શક્તિનો હાથ નથી. સૂર્ય હિન્દુ કે મુસ્લિમ માટે ઊગતો નથી. સૂર્યનું ઊગવું અને આથમવું તે પ્રાકૃતિક નિયમો અનુસાર થાય છે; તેમાં કાર્ય-કારણનો સંબંધ રહેલો છે. એટલે કે કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિની મનસ્વી ઈચ્છા કે આદેશ મુજબ તેનું સંચાલન થતું નથી.”
હું 1998માં અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર હતો ત્યારે એક કૌટુંબિક પ્રસંગે જમવાનું આમંત્રણ મેં જયંતીભાઈને આપ્યું ત્યારે તેમણે પૂછ્યું : ‘કેટલાં સભ્યો હશે જમવામાં?’ મેં કહ્યું કે ‘40 જેટલાં હશે.’ તેમણે કહ્યું કે ‘મેં નિર્ણય કરેલો છે કે કોઈ પણ સામાજિક પ્રસંગમાં 30 સભ્યો સુધી સંખ્યા હોય તો જ હું જમવા જાઉં છું !’
એ સમયે મેં માનવવાદી / રેશનલ વિચારધારાનો વાસ્તવમાં અમલ થતો જોયો. એ પછી જયંતીભાઈને તેમના નિવાસસ્થાને મળવાનું થતું. છેલ્લે 29 ડિસેમ્બર 2022ના રોજ તેમના નિવાસસ્થાને મળવાનું થયું હતું. અને આ વખતે તેમને મળ્યા વિના અમેરિકા જવું નથી એવું નક્કી કર્યું હતું.
આ એ જયંતીભાઈ હતા જેમણે કહેલ કે “ગુજરાત યુનિવર્સિટીમાં હું રાજ્યશાસ્ત્ર વિભાગનો હું વડો હતો અને તે સમયે નરેન્દ્ર મોદી નામના કોઈ વિદ્યાર્થી રાજ્યશાસ્ત્ર વિષયમાં ભણતા ન હતા !”
રાજ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિશારદ. વૈજ્ઞાનિક અભિગમને અપનાવી ભણતર અને ગણતર બન્નેનું કાર્ય રાજ્યશાસ્ત્ર અને રેશનાલીઝમ વિષયક પંદરેક પુસ્તકોનાં લેખન દ્વારા તેમણે કર્યું છે. તેમની આત્મકથા ‘ઝૂમવું ને ઝઝૂમવું તે જીવવું’ યુવાનોએ વાંચવા જેવી છે. તેમનું એક પુસ્તક ‘સામુદાયિક રાજકીય હિંસા : પ્રક્રિયા-વિશ્લેષણ’ 1986માં પ્રસિદ્ધ થયેલ જે 2025માં વધુ પ્રસંગિક બન્યું છે. માત્ર લેખનકાર્ય જ નહીં; પણ જ્યાં મનુષ્યનું શોષણ હોય, અન્યાય હોય, અસમાનતા હોય, અંધશ્રદ્ધા હોય ત્યાં લડતોમાં એ અગ્રણી રહ્યા છે / પડખે ઊભા રહ્યા છે. તેમના વિચારોનો નિચોડ એ છે કે તમે માણસને ચાહો; એની જ્ઞાતિ કે હોદ્દાને નહીં ! સાદા / સરળ / સહેજ પણ દંભ-દેખાડો નહીં; માનવવાદી / રેશનાલિસ્ટ / વિદ્વાન એવા જયંતીભાઈએ 92 વર્ષે 12 ફેબ્રુઆરી 2025ના રોજ આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી છે.
અલવિદા. આદરાંજલિ !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર