આ અવસર દલિત હિલચાલને ઝકઝોરે છે અને કથિત મુખ્ય ધારા અને સમાંતર પ્રવાહો વચ્ચે સંવાદનો સુયોગ સાધે છે

પ્રકાશ ન. શાહ
પંક્તિ દેસાઈની પહેલથી અમદાવાદમાં ‘નવજીવન’માં ગુજરાતમાં દલિત પેન્થર આસપાસ યોજાયેલી પ્રદર્શિની (જે હજુ 24મી ફેબ્રુઆરી સુધી ચાલુ છે) ગુજરાતના જાહેર જીવનની એક સમાંતર ધારાને જાણવા, સમજવા અને સંભારવાનો (બને કે સંકોરવાનો પણ) અવસર લઈને આવે છે.
આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે 1974ની 14મી એપ્રિલ ને આંબેડકર જયંતીનો જોગ સાધીને જે.વી. પવાર, રાજા ઢાલે, ભાઈ સંગારે અમદાવાદ આવ્યા હતા. એમનું આવવું ઐતિહાસિક હતું તે એ અર્થમાં કે 1972થી મુંબઈમાં જેનો સૂત્રપાત થઈ ગયો હતો તે ‘દલિત પેન્થર’નો નેજો લઈને એ આવ્યા હતા.
મૂળે પવાર અને નામદેવ ઢસાળે આરંભેલ દલિત પેન્થર ચળવળમાં તરતના ગાળામાં રાજા ઢાલે જોડાયા હતા અને જોતજોતામાં એણે મુંબઈમાં કાઠું કાઢવા માંડ્યું હતું. બ્રાહ્મણ નેતાઓ ને દલિત શાખાપ્રમુખો પર કાઠું કાઢી ગયેલ હિંદુત્વનિષ્ઠ શિવસેનામાંથી બહાર એક જુદી ભૂમિકાએ આવવા સારુ દલિત પેન્થર ચળવળે અચ્છું આકર્ષણ પૂરું પાડ્યું. કાઁગ્રેસ સિવાયનું એક નવું હૂંફઠેકાણું પણ દલિત તરુણો માટે એ હોઈ શકતી હતી.
એની પૂંઠે એક જે વિશ્વસંદર્ભ કામ કરી રહ્યો હતો તે પણ લક્ષમાં લેવા જોગ છે. પવારે સંભાર્યું છે કે એમણે વિશ્વવિશ્રુત અમેરિકી અઠવાડિક ‘ટાઈમ’માં બ્લેક પેન્થર વિશે વાંચ્યું ત્યારથી એમને એક નવો વિકલ્પ આવી મળ્યાનો તીવ્ર ધક્કો લાગ્યો હતો. અમેરિકાની બ્લેક પેન્થર પાર્ટી, વંશીય અને આર્થિક ભેદભાવો અને ત્યાંના આફ્રિકી-અમેરિકી સમુદાયનો જે ઉત્કટ અજંપો હતો એમાંથી આવી હતી. પવાર અને મિત્રોને સ્વાભાવિક જ એમાં આપણે ત્યાંના દલિતોને માર્ગદર્શક થઈ પડે એવો એક પેરેલલ વરતાયો હતો. આંબેડકરથી પ્રભાવિત પરિવર્તનવાંછુઓ માટે નાનામોટા ઝઘડા ને ગુટબંધીવાળી રિપબ્લિકન પાર્ટી કે પરંપરાગત કાઁગ્રેસ રાજનીતિ અગર હિંદુવાદી શિવસેના સિવાયનું એક દ્વાર એનાથી ખૂલતું હતું. વીસમી સદી અધવચ અમેરિકામાં ખીલી આવેલી સિવિલ રાઈટ્સ ચળવળ તેમ જ સાઠનાં વર્ષો ઊતરતે વિયેટનામ યુદ્ધના વ્યાપક સંદર્ભમાં અમેરિકી કેમ્પસો પર વરતાયેલો વ્યાપક છાત્ર ઉદ્રેક, આ બધું જેમ બીજે તેમ હિંદમાં પણ પહોંચું પહોંચું હતું અને એની છાલકે ભીંજ્યા પવાર વગેરે સારુ દલિત પેન્થર શી કોઈ રચના કદાચ દુર્નિવાર હતી.
યુવા અજંપાની વૈશ્વિક લહર ગુજરાતના છાત્ર સમુદાયમાં 1973 ઊતરતે ને 1974 બેસતે એની આગવી રીતે પ્રગટી, એને આપણે નવનિર્માણ આંદોલન તરીકે ઓળખીએ છીએ. છાત્ર ઉદ્રેક અને નાગરિક સંધાનનું એ પ્રગટીકરણ દેશની રાજનીતિમાં પરિવર્તનનું કારણ બની રહેનાર જે.પી. આંદોલન માટે જરૂર એક ઉદ્દીપક બળ હતું.
એપ્રિલ 1974માં પવાર, સંગારે અને ઢાલે અમદાવાદમાં આવ્યા ત્યારે પેન્થર ચળવળ માટે એમને મળી રહેલા વડા સાથી રમેશચંદ્ર પરમાર હતા જે રિપબ્લિકન પાર્ટીથી ખસી રહ્યા હતા. નારણ વોરા કે ઝડપથી નેવું નાબાદ તરફ જઈ રહેલા વાલજીભાઈ પટેલ અને બીજાં પણ નામો પેન્થર સહિતની દલિત હિલચાલ સંદર્ભે લઈ શકાય, જેમ કાળક્રમે ભા.જ.પ. ભણી ઢળેલ જ્યોતિકર પરિવાર આદિયે ધ્યાનાર્હ છે.

પંક્તિ દેસાઈ
સહેજ પોરો ખાઈ આ લંબાયેલ પ્રસ્તાવનાને લગીર વળ ને આમળો આપી આપણે પાછા પંક્તિ દેસાઈ તરફ વળીએ. અંગ્રેજીનાં આ અધ્યાપિકાનું એક પ્રમુખ શોધકાર્ય લઘુ સામયિકો અંગેનું છે. ‘સંજ્ઞા’ (1966-67), ‘ડ્રાઉ ડ્રાઉં’ (1968-70), ‘યાહોમ’ (1967-70), ‘સંદર્ભ’ (1968-70), ‘હું’ (1971-74), ‘આક્રોશ’ (1978થી) અને ‘કાળો સૂરજ’ (1978થી) વ. જોતાં, ખાસ કરીને પાછલાં બેના પરિચયથી પંક્તિ ખેંચાયાં હશે કે કેમ, પણ એમને ‘પેન્થર’ સામયિક અને પેન્થર ચળવળ બેઉમાં રસ જાગ્યો. આ લઘુ સામયિકો, એક રીતે, સ્થાપિત નહીં પણ સમાંતર ધારાના વાહક ને ઉદ્દઘોષક હતાં.

રમેશચંદ્ર પરમાર
‘પેન્થર’નું દાયિત્વ રમેશચંદ્ર પરમારનું હતું. મેં એમને પહેલવહેલા જોયાજાણ્યા તે જે.પી. આંદોલનના દિવસોમાં: ઓક્ટોબર 1974માં બિહાર આંદોલનના સમર્થનમાં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વમાં દિલ્હીમાં નાગરિક કૂચ યોજાઈ હતી. એને અંગેની અમદાવાદના કાર્યકરોની સભામાં રમેશચંદ્ર હાજર રહ્યા એટલું જ નહીં પણ બને એટલા વધુ મિત્રો દિલ્હી પહોંચે તે માટે ખરી દૂંટીની અપીલ પણ કરી હતી.
1981 અને 1985માં અનામતવિરોધી ઉત્પાતમાં નાગરિક દરમ્યાનગીરી માટે મારે ત્યાં યોજાયેલી એક બેઠકમાં એ સામેલ થયા હતા, બોડીગાર્ડ સમેતની એમની હાજરી એક જુદો જ અનુભવ હતો. આ આંદોલનોમાં જે દલિત અસ્મિતાનો સાક્ષાત્કાર થયો એનો પ્રારંભિક ધક્કો આગલો દસકો ઊતરતે આવેલી અગનકૂલ શી પત્રિકા ‘આક્રોશ’માં પ્રકાશિત રચનાઓનો હતો. નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી વગેરે તે લઈને આવ્યા હતા. એક અર્થમાં પેન્થર પ્રમુખ તરીકે એની પૂંઠે યોજકત્વ રમેશચંદ્રનું હશે એમ પણ તમે કહી શકો. વિદ્રોહનો અને ન્યાય માટેનો, રચના અને સંઘર્ષનો આ જે સ્વર એમાં ભાનુ અધ્વર્યુએ રુદ્રવીણાનો ઝંકાર નોંધ્યો હતો.
પ્રદર્શિનીના ઉદ્દઘાટન પછીની અનૌપચારિક વાતચીતમાં જે.વી. પવારે આઈડેન્ટિટી પોલિટિક્સના અતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ક્યારેક પેન્થર પ્રકારની હિલચાલ સાથે હોઈ શકતા રામદાસ આઠવલેનાં તકવાદી જોડાણો બાબતે પણ એમની સમજ સાફ જણાતી હતી.
ગમે તેમ પણ, આ અવસર દલિત હિલચાલને ઝકઝોરે અને કથિત મુખ્ય ધારા અને સમાંતર પ્રવાહો વચ્ચે સંવાદનો સુયોગ સંપડાવે તો એથી રૂડું શું.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 ફેબ્રુઆરી 2025
![]()



ગુજરાતી અખબારોને આ કામમાં કઈ રીતે જોડી શકાય એ વિચારવા અને ઉભયપક્ષના સક્રિય સહકારથી લોકશિક્ષણનું કામ કરવા દરેકને ડૉ. ભીખુ પારેખે વિનંતી કરી હતી. અત્યારથી સક્રિયપણે સજાગ બનીને આ કામ સહિયારી રીતે નહીં થાય તો સને 2010 કે 2020 સુધીમાં ગુજરાતી ભાષાનો અહીં મૃત્યુઘંટ વાગી જશે, એવી ચિંતા એમણે વ્યક્ત કરી હતી.
‘મારી પત્ની સાથે બ્રિટન આવ્યો ત્યારે હું પચીસ વર્ષથી થોડોક નાનો હોઈશ. ગુજરાતના એક નાના ગામના રૂઢિગત મધ્યમ વર્ગના એક પરિવારમાં ઉછરેલો હોવા છતાં, અનુસ્તાક અને સ્નાતક વિદ્યાર્થી તરીકે મેં મુંબઈમાં
25 જુલાઈ 2009ના રોજ ગુજરાત ચેમ્બર ઑવ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટૃીના મકાનમાં યોજાયેલા એક પરિસંવાદમાં વિશેષે બોલતા ભીખુ પારેખ કહેતા રહ્યા, સંસ્કૃતિ ઉપરાંત અભ્યાસ, સંશોધનો અને સંવાદ બિનનિવાસી ગુજરાતીને વતન આવવા પ્રેરિત કરશે. જો કે આપણા અહીં આ માટેના સાહિત્ય અને સંશોધનનો હજુ અભાવ છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર માઇગ્રેશન ઍન્ડ રિસર્ચ માઇગ્રેટ થઈ ગયેલા લોકો પરના તમામ અભ્યાસ અને સંશોધનો કરે છે.
‘બ્રિટનમાં રંગભેદ સામે પગલાં લેવા માટે ત્યાની સરકારે નીમેલા ‘કમિશન ફોર રેશિયલ ઇક્વોલીટી’ના તેઓ સભ્ય અને ઉપાધ્યક્ષ હતા. ‘પારેખ રિપોર્ટ’ તરીકે ઓળખાતો, બહુસાંસ્કૃતિક બ્રિટનના ભાવિ વિષયક અભ્યાસ, વર્ષ ૨૦૦૦માં તેમણે રજૂ કર્યો, જે આજે પણ આ વિષયનો એક સીમાચિહ્નરૂપ દસ્તાવેજ ગણાય છે. ૨૩મી મે ૨૦૦૦ એ એમની કારકિર્દીનો કદાચ સૌથી મહત્ત્વનો દિવસ છે, જ્યારે તેમની બ્રિટનના ‘હાઉસ ઓફ લોર્ડ્ઝ’માં ‘લાઈફ પિયર’ તરીકે નિમણૂક કરવામાં આવી. બહુસંસ્કૃતિવાદ, લઘુમતીના અધિકારો, બિનસાંપ્રદાયિક સહિષ્ણુ સમાજરચના વિષયક તેમણે કરેલા પ્રદાનોથી તેઓ બ્રિટનના જ નહીં પરંતુ વિશ્વના અગ્રણી ‘પોલિટિકલ થિયરિસ્ટ’ તરીકે ગણના પામ્યા છે. તેમની સિદ્ધિઓને બિરદાવતાં, ભારત સરકારે ૨૦૦૭માં તેમને ‘પદ્મભૂષણ’ એનાયત કર્યું. તેમને મળેલાં અનેક સન્માનો પૈકી બી.બી.સી.એ ૧૯૯૯માં તેમને અર્પણ કરેલો ‘સ્પેશિયલ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ફોર એશિયન્સ’, ૨૦૦૩નું બ્રિટનના ‘પોલિટિકલ સ્ટડીઝ એસોસિયેશન’નું સર ઇસૈયાહ બર્લિન પારિતોષિક, અને બ્રિટનની કેટલીક યુનિવર્સિટીઓએ તેમને અર્પણ કરેલી માનદ્દ ડોકટરેટની ઉપાધિઓનો સમાવેશ થાય છે.
મૂંગા પશુઓ-જીવજંતુ તરફનો દયાભાવ, તેમને મારવું એ પાપ છે એવી ધાર્મિક ભાવનામાંથી, વિશેષ કરીને જૈન ધર્મમાં જે અહિંસાની વાત છે ત્યાંથી આવેલો છે. પ્રાણી, પક્ષી, મૂંગાજીવ પ્રત્યે દયાભાવ રાખવો એ ખોટું તો હરગીઝ નથી જ પણ પ્રશ્ન ત્યારે થાય કે આવી જ કોઈ પાંજરાપોળ જે વિશાળ જમીનમાં પથરાયેલી હોય કે ગામના ઢોર પશુઓના ચરાણ માટે ગૌચરની મોટી જમીન હોય અને ત્યાં કોઈ ધનપતિ, રાજકીય નેતાઓ અને સંચાલકોના મેળાપીપણામાં તેને ખરીદી લઈ ત્યાં મોટ્ટો મોલ કે કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો ઊભા કરી દેવા માંડે ત્યારે કેટલા લોકો તેનો ભારોભાર વિરોધ કરવા, સત્તાધારીઓની સામે લડવા મેદાને પડે છે? અને આ ‘સોદા’ને લઈ આંખમિચામણા કરતાં લોકોને, ચૂપ રહેતાં લોકોને કોઈ ‘પાપી’ કહેશે ખરું ? કદાચ એવું જરૂર કોઈ કહેનાર ધાર્મિક વ્યક્તિ નીકળે કે ‘મૂંગા પશુઓની જગા વેચી નાંખનાર, પાપમાં પડનાર મૂઆ નર્કે જશે ! ઉપરવાળો બધું જુએ છે !’ પણ આ બધો ખેલ જોનારા જે આ અગાઉ પાપ ન લાગે એમ માની ખોડાઢોર કે ઘવાયેલાં પંખી કે પ્રાણીઓ પાંજરાપોળમાં મૂકવા ગયા હશે કે જતાં હશે યા આ પાંજરાપોળનાં રખરખાવ માટે નાણાંકીય મદદ કે ઘાસપૂળા ખરીદીને આપ્યાં હશે. એવાં બધાંની ચૂપકીદીને આપણે ‘પાપ’ કેમ નથી કહેતાં ? આ પ્રકારના સવાલ એટલા માટે ઊભા થાય છે કે સમાજમાં આવી ઘણી બાબતો છે. મંદિર બહાર કે રસ્તા પર ભીખ માંગતા કે ભૂખ્યા અજાણ્યા વ્યક્તિને ક્યારે ય આપણે કે કોઈક વાર તહેવારે દાન આપી, ખાવાનું આપી, આપણે સંતોષ અનુભવીએ છીએ કે ગરીબોને દાન આપવું, ભૂખ્યાને અન્ન આપવું એ ‘પુણ્ય’નું કામ છે, માનવતાનું કામ છે અને ધર્મમાં તે લખાયું છે, કહેવાયું છે. આ પ્રકારની માન્યતા અને ખ્યાલો માત્ર આપણા દેશમાં જ છે એવું નથી. દુનિયાના દરેક ખૂણામાં, દરેક ધર્મ પાળતાં લોકોમાં જોવા મળે છે.