‘અબ કી બાર ૪૦૦ પાર’ – વાળા નારાને સાચો પાડવા માટે ભા.જ.પા.ને જીતેલી બેઠકો ઉપરાંત કૂલ ૯૮ બેઠકો પર જીત મેળવવાની છે અને એ માટે ભા.જ.પા.માં અત્યારે ટોચથી લઇને તળિયા સુધીના બધા જ પ્રકારના સભ્યો કામે ચઢી ગયા છે

ચિરંતના ભટ્ટ
આવતા વર્ષે માર્ચ મહિનાની આસપાસ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હશે. ભા.જ.પા.એ 2024ની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. 2019ની ચૂંટણીમાં ભા.જ.પા.એ લોકસભાની 303 બેઠકો જીતી હતી અને ત્યારે ભા.જ.પા.ના જ એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે 2024માં તેઓ આ કરતાં વધુ બેઠકો જીતશે. 2024ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ ઘણાં બધા પ્લાન એક્શનમાં મૂકી દીધા છે. કેટલાક તો પૂરા પણ થયા છે. અમુક યોજનાઓ દેખીતી છે તો અમુક ગ્રાઉન્ડ લેવલનું કામ છે.
જેમ કે સંસદભવનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવું તો 2024 સુધીમાં અયોધ્યામાં રામ મંદિર પૂરું કરવાનું એલાન પણ થઇ ચુક્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના રાજસ્થાન સેક્શનનું ઉદ્ઘાટન પણ ફેબ્રુઆરીમાં કરાયું જેને કારણે દેશના બે મુખ્ય શહેરો વચ્ચેનો ડ્રાઇવિંગ ટાઇમ માત્ર ૧૨ કલાક થઇ ગયો છે. આ એક્સપ્રેસ વે પાંચ મોટા રાજ્યો – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડનારો છે. ૧,૪૦૦ કિલોમિટર લાંબા આ એક્સપ્રેસવેને લોકસભા ચૂંટણીના રાજકારણ સાથે સીધી લેવા-દેવા છે એવું કહેવાઇ ચૂક્યું છે. વળી બીજી માળખાકીય સુવિધાની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ થઇ અને બીજી ટ્રેન્સને વંદે ભારત ટ્રેનમાં ફેરવવામાં આવશેની ચર્ચા તો છે જ. વળી વડા પ્રધાને ડિજીટલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું તો દેશના પહેલા વૉટર મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને પણ લીલી ઝંડી આપી. આ તમામ પ્રોજેક્ટ્સ લાંબા સમયથી ચાલી રહ્યા હતા અને અમુક હજી પણ ચાલી રહ્યા છે પણ તેનો છેલ્લો તબક્કો ૨૦૨૪ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેની સાથે જ જાણે આવી રહ્યો છે. ભા.જ.પા.ને તો પૂરો વિશ્વાસ છે કે તેઓ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં જીતી જ જશે પણ છતાં ય તેઓ કોઇ કસર છોડવા નથી માગતા. માળખાકીય સુવિધાઓ પર જ્યારે કામ થાય ત્યારે સત્તા પક્ષને એક કાંકરે બે પક્ષી મારવાનો મોકો મળે – એક તો માળખાકીય સુવિધાઓ દેખીતો વિકાસ છે અને જે તે રાજ્યમાં આ વિકાસ થાય ત્યાં જો ભા.જ.પા.ની સરકાર ન હોય તો મતદાર વિકાસના મુદ્દાને ધ્યાનમાં આપીને જ મતદાન કરે.
વ્યૂહાત્મક રીતે પણ ભા.જ.પા. સજ્જ છે અને ૨૦૨૨થી જ ‘ગ્રાઉન્ડવર્ક’ શરૂ કરી દેવાયું છે. રાષ્ટ્રવ્યાપી પ્રચાર અભિયાન ચાલુ થઇ ચૂક્યા છે જેમાં વિસ્તૃત સરવેથી માંડીને નાનામાં નાના સ્તરે જાતિ, જ્ઞાતિ આધારિત કામગીરી ચાલુ કરી દેવાઇ છે. જે ૧૬૦ બેઠકો પહેલાના જનરલ ઇલેક્શનમાં ન જીતી શક્યા તેનો બુથ આધારિત ડેટા એકઠો કરી તેનું વિશ્લેષણ કરવાની કામગીરી ગયા વર્ષે મે મહિનાથી જ ચાલુ થઇ ગઇ છે. ત્યાં મતદારોએ જે ઉમેદવારને જીતાડ્યા એમાં તેમને શું ગમ્યું પ્રકારના પ્રશ્નોથી મતદારોની માનસિકતાનો તાગ મેળવવાની જહેમત કરાઇ. એક અહેવાલ અનુસાર ૪૦ હજાર જેટલા બુથ કામદારોએ ૧ લાખ જેટલા બૂથ જે ૫૪૩ લોકસભાની બેઠકોમાં આવેલા છે ત્યાંના મતદારો પાસેથી આ પ્રતિક્રિયાઓ મેળવી છે. ભા.જ.પા.ના લઘુમતિ મોરચાએ ‘મોદી મિત્ર’ આઉટરીચ પ્રોગ્રામ પર કામ શરૂ કરી તે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું હોવાનું પી.ટી.આઇ.ના એક અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું. આ બધું ઓછું હોય તેમ ભવ્ય રેલીઓ કાઢવી એ ભા.જ.પા.ની ચૂંટણી માટેની વ્યૂહ રચનાનો એક બહુ મોટો હિસ્સો છે. જે ૧૬૦ બેઠકોમાં ભા.જ.પા.એ હાર મેળવી હતી ત્યાં બધે જ વડા પ્રધાન હાજર રહી શકે તે રીતે રેલીઓ કાઢવામાં આવશે અને જાહેર સભાઓના આયોજનો કરાશે – આ માટે આ બેઠકોને અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવી છે અને દરેક જૂથમાં ૪ બેઠકો આવરી લેવાશે. આ રેલીઓના આયોજન એ રીતે થશે કે પહેલાં ભા.જ.પા. પ્રમુખ જે.પી. નડ્ડા રેલીઓમાં જશે તો પછીથી અમિત શાહ પણ રેલીઓનું આયોજન કરશે અને વડા પ્રધાન મોદીની હાજરીનો માસ્ટરસ્ટ્રોક તો ખરો જ. નરેન્દ્ર મોદી તો બાકીની ૩૮૩ બેઠકો માટેના પ્રચારમાં પણ ભાગ લેશે. વળી જે પક્ષના પ્રમુખ જેવા જે માળખા બનાવાયા હતા તે જ રીતે મહિલા મોરચા, કિસાન મોરચા પણ કામે લાગશે. મહિલા મોરચા ‘કમલ દૂત’ નામે કાર્યક્રમ કરી પંચાયત સાથે સંપર્ક સાધી મોદી સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓના લાભ અંગે પ્રચાર કરવા મંડી પડ્યા છે. ‘અબ કી બાર ૪૦૦ પાર’ – વાળા નારાને સાચો પાડવા માટે ભા.જ.પા.ને પોતાની નિયત બેઠકો ઉપરાંત બીજી કૂલ ૯૮ બેઠકો પર જીત મેળવવાની છે અને એ માટે ભા.જ.પા.માં અત્યારે ટોચથી લઇને તળિયા સુધીના બધા જ પ્રકારના સભ્યો કામે ચઢી ગયા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં જીત નિશ્ચિત રહે તે માટે વડા પ્રધાન મોદીની ટીમમાં જે.પી. નડ્ડા, અમિત શાહ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય વ્યવસ્થા મંત્રી બી.એલ. સંતોષ અને યુ.પી.ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો સમાવેશ કરાયો છે.
એવું નથી કે માત્ર બધું જોરદાર આયોજન અને વ્યવસ્થા શક્તિથી કરવાથી ભા.જ.પા.ને જે જોઇએ છે તે મેળવી શકાશે અને આ હકીકતથી પક્ષ અજાણ નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોય કે વિદેશ પ્રવાસ હોય તે તમામમાંથી કંઇક શોધી કાઢીને તેની લીટી નાની કરવામાં પણ ભા.જ.પા. કંઇ જ બાકી નહીં રાખે એ તો નક્કી છે. કાઁગ્રેસ ચૂંટણીને મામલે વ્યૂહરચના ઘડી કાઢવામાં સફળ નથી એ પણ એક વાસ્તવિક્તા છે અને એક પક્ષ તરીકે કાઁગ્રેસની દૃષ્ટિ જાતને લઇને ગુંચવાયેલી છે – આ સંજોગોમાં ભા.જ.પા.ને માટે પણ ઘણી બાબતો સરળ થઇ જાય છે. પ્રાદેશિક વિવિધતાનો લાભ ખાટી લેતા હવે ભા.જ.પા.ને બરાબર આવડી ગયું છે. વળી સંજોગો એવા છે કે જ્યાં ભા.જ.પા.ની પકડ નથી એવા રાજ્યો જેમ કે આંધ્ર પ્રદેશ, કેરળ, ઓરિસ્સા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં જીતવું હશે તો કાઁગ્રેસને આ રાજ્યોની પ્રાદેશિક પાર્ટીઓની મદદ જોઈશે જ. કાઁગ્રેસે જરૂર છે એવી તરકીબ કરવાની જેથી તે ભા.જ.પા. સામે મજબૂત રાષ્ટ્રીય વિરોધ પક્ષ ખડો કરી શકે જેનાથી એ તમામ રાજ્યોમાં કાઁગ્રેસને ચૂંટણીલક્ષી ડિવિડન્ડ મળે જ્યાં ભા.જ.પા.ની પકડ મજબૂત છે. કાઁગ્રેસે પોતાના પડકારોને મૂળિયાંથી સમજીને તેની પર કામ કરવું જરૂરી છે.
બાય ધી વેઃ
એક સત્ય એ પણ છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ સારું છે ત્યાં ધ્રુવીકરણની રાજનીતિ ચાલે એમ નથી. જેમ કે કેરળ. નરેન્દ્ર મોદીએ કેરળમાં પારંપરિક પરિધાન પહેરીને રોડ શો કર્યા, માળખાકીય પ્રોજેક્ટ લૉન્ચ કર્યા એ એક વ્યૂહાત્મક ફેરફાર છે. અહીં હિંદુત્વનું કાર્ડ રમવાનું ભા.જ.પા.એ ટાળ્યું કારણ કે કેરળમાં તે પહેલાં પણ નથી ચાલ્યું. બલકે અહીં ભા.જ.પા. પહેલાં ખ્રિસ્તીઓને આકર્ષવા માગે છે પછી તેમનું બીજું લક્ષ્ય છે યુવાનોને આકર્ષવા અને ત્રીજો રસ્તો છે માળખાકીય વિકાસનું બરાબર બ્રાન્ડિંગ કરવું. આમ જોવા જઇએ ભા.જ.પા. મોટાભાગની બેઠકોમાં પોતાના પગ જમાવવા માટે ધર્મ, યુવા અને વિકાસ વાળી ત્રિરાશિ માંડે છે – વળી જરૂર પડે ત્યાં દલિત કાર્ડ રમવું, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડવો જેવી સોગઠી રમતાં પણ ભા.જ.પા.ને આવડે છે. ભા.જ.પા.ની વ્યૂહરચના સજ્જડ છે પછી તે મૂર્ત બાબતોની હોય કે અમૂર્ત બાબતોની, જોવાનું એ છે કે મતદારોના મન કળવામાં શું ભા.જ.પા.ને તેનો વધુ પડતો આત્મવિશ્વાસ આડે આવે છે કે પછી ‘અબ કી બાર ૪૦૦ પાર’ વાળો ભા.જ.પા.નો દાવો સાચો પડે છે?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 જૂન 2023