
ચંદુ મહેરિયા
સાર્થ ગુજરાતી જોડણીકોશ(૧૯૨૯)માં ‘સંસારસુધારો’ શબ્દનો અર્થ સામાજિક અને કૌટુંબિક બાબતોમાં સુધારો’ અને ‘સુધારક’ એટલે ‘સુધારનારું, સુધારો કરનારું, રિફોર્મર’ એમ જણાવ્યો છે. ભગવદ્દગોમંડળ(૧૯૪૪-૧૯૫૫)માં ‘સમાજસુધારા’નો અર્થ ‘જનસમુદાયના કલ્યાણ માટે સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવો તે’ અને ‘સમાજસુધારક’નો અર્થ ‘સમાજમાં સુધારો કરનાર’ દર્શાવ્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત પી.જી. દેશપાંડેની અંગ્રેજી ડિકસનેરી(૧૯૭૦)માં Reformation શબ્દનો અર્થ ‘રાજકીય, ધાર્મિક કે સામાજિક બાબતોમાં દૂરગામી સુધારો’ છે.
આપણા દેશ અને રાજ્યમાં સમાજિક સુધારણાની ચળવળનો દીર્ઘ ઇતિહાસ છે. આઝાદીના આંદોલન સમયે કાઁગ્રેસના અધિવેશનોના મંડપમાં જ, અધિવેશન પછી સમાજ સુધારણા પરિષદો મળતી હતી. ગાંધી, નહેરુ, સરદાર અને બીજા અગ્રણી નેતાઓ તેમાં ભાગ લેતા હતા. એટલે રાજકીય-સામાજિક કાર્યો સાથે ચાલતા હતા. તત્કાલીન સમાજની જરૂરિયાત પ્રમાણે ત્યારે સમાજસુધારણામાં બાળલગ્ન પર પ્રતિબંધ, કન્યા કેળવણી, સતીપ્રથાની નાબૂદી, વિધવાવિવાહ જેવી બાબતોને પ્રાધાન્ય મળતું હતું. પછી તેમાં સમાનતા અને આભડછેટ નિવારણ જેવા મુદ્દા પણ ઉમેરાયા હતા. સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ રાજકીય પક્ષોએ સમાજ સુધારણા ક્ષેત્રેથી હાથ ખેસવી લીધો. હવે તેનું સ્થાન વિવિધ જ્ઞાતિ સમાજોએ લીધું છે. જ્ઞાતિ એ ભારતની કડવી વાસ્તવિકતા છે. લગભગ બધા જ સામાજિક પ્રસંગો જ્ઞાતિ પંચો અને જ્ઞાતિ બંધારણોથી ઉકેલાય છે. દિનરાત સંવિધાન, સંવિધાન લવ્યા કરતા દલિતો પણ સારાનરસા પ્રસંગોએ ભારતના બંધારણને બદલે ‘સમાજની પત્રી’ને જ સંભારે છે.
હાલમાં પણ સમાજિક સુધારણાના ઘણાં ક્ષેત્રો પહેલા હતા તે જ રહ્યા છે અને ઘણા બધાં નવા ઉમેરાયા છે. સતી પ્રથાના અવશેષો ક્યારેક જોવા મળે છે ખરા. પણ વિધવા વિવાહ, બાળલગ્ન, કન્યા કેળવણી જેવા ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ થઈ છે. નવા જમાનામાં નવા સવાલો પણ ઊભા થયા છે. જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ, પરગણામાં વહેંચાયેલા વર્તમાન ભારતીય સમાજના જ્ઞાતિ સમાજો અને તેના સંગઠનોના શિરે જ સમાજ સુધારણાનું કામ આવ્યું છે. ઘણા જ્ઞાતિ સમાજો સામાજિક કુધારા, કુપ્રથા કે દેખાદેખીમાં થતા ખર્ચામાં બદલાવ કરે છે અને સમાજસુધારાની નવી દિશા ખોલી આપે છે.
બાળકનો જન્મ, સગાઈ, લગ્ન, સિમંત, બાબરી, જનોઈ, વાસ્તુથી લઈને મરણ સુધીના પારિવારિક અને સામાજિક પ્રસંગો માટે જ્ઞાતિપંચો, મંડળો અને સંગઠનોએ નિયમો બનાવ્યા છે. તેમાં સમયાનુસાર ફેરફારો થતા રહે છે. મુખ્યત્વે સુરેન્દ્રનગર, કડી, ચુંવાળ અને ચરોતરમાં વસતા તપોધન બ્રહ્મ સમાજે સંતાનોના લગ્નોમાં થતા લાખોના ખર્ચા બંધ કરી સમૂહ લગ્ન કરવા અને બચેલાં નાણાં યુવક-યુવતીના નામે ફિક્સ ડિપોઝીટમાં રોકવાની અનોખી પહેલ કરી છે. જ્ઞાતિના સંગઠનના પ્રયાસોથી આ સમાજની કન્યાઓનો લિટરસી રેટ ૯૨ ટકા છે.
બેતાળીસ લેઉવા પાટીદાર સમાજના પાંસઠ વરસ પૂર્વેના ૧૯૫૮ના બંધારણમાં સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગે જાનને એક જ રાત રોકવી, મામેરામાં અમર્યાદિત રકમો અને દાગીના ન આપવા ઉપરાંત જાનમાં બેન્ડ વાજા, કન્યાઓના વરઘોડા અને ફટાણા, મરણ પાછળના ખોટા ખર્ચા અને છાજિયા બંધ કરવામાં આવ્યા છે. મહિલાઓએ પી-વિડિંગ ફોટોશૂટ, ડી.જે., બેબી શાવર, હલ્દીરસમ બંધ કરવાનો નિશ્ચય કર્યો છે. યુવા મંડળે પાટીદાર સમાજના સમૂહલગ્નમાં પ્રી-વેડિંગ કરાવનાર યુગલોને બાકાત રાખ્યા છે. કડવા પાટીદાર સમાજ અને ઓલ ઇન્ડિયા અગ્રવાલ સમાજે પણ પ્રી-વેડિંગના નવા ચાલ પર પ્રતિબંધ મૂક્યો છે.
કથિત મધ્યમ સમાજો પણ સામાજિક સુધારાનો સાદ સંભળાવે છે. બનાસકાંઠા અને દસ્કોઈ ઠાકોર સમાજના આગેવાનોએ પણ ડી.જે. પર પ્રતિબંધ સહિતના ખર્ચાળ રિવાજો બંધ કરવા નિશ્ચય કર્યો છે. સગાઈમાં ૧૧ અને લગ્નમાં ૫૧ લોકોએ જવું તથા લગ્નમાં દીકરીઓને જીવનજરૂરી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં આપવા સંકલ્પ કર્યો છે. લગભગ તમામ જ્ઞાતિ સમાજોએ શિક્ષણ, રોજગાર અને વ્યસન મુક્તિના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
પછાત, નિમ્ન અને જ્ઞાતિવ્યવસ્થાના તળિયે રહેલા મનાતા સમાજો પણ સામાજિક સુધારણા માટે જાગ્રત છે. નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકો તથા વડોદરા જિલ્લામાં વસતા આદિવાસી મેવાસી સમાજે એપ્રિલ મે મહિનામાં વિધ્યાર્થીઓની પરીક્ષાઓના ગાળામાં જ લગ્નસરા હોય છે. એટલે પરીક્ષાર્થીઓને અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે માટે ડી.જે. ન લાવવાનો ઠરાવ કર્યો છે. નર્મદા જિલ્લાના તડવી સમાજે બાળકોના શિક્ષણ પર અસર ના થાય તે માટે એપ્રિલથી મે મહિનામાં લગ્નો કરવા પર જ બંધી ફરમાવી છે. દાહોદના આદિવાસી સમાજે પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કરનારને રૂ. ૧.૧૧ લાખ, દારુ પી ઝઘડનારને રૂ. ૧૧ હજાર અને લગ્નમાં ડી.જે. વગાડનારને ૫૧ હજારનો દંડ નક્કી કર્યો છે. રબારી સમાજે દીકરીઓના શિક્ષણ માટે શિક્ષણ રથ ફેરવ્યો હતો. ઘરના સારા-માઠા પ્રસંગે શિક્ષણ માટે રૂ.૫૦૦નું દાન ફરજિયાત કર્યું છે. સુરત, નવસારી, બીલીમોરા મેઘવાળ સમાજે સામાજિક પ્રસંગો સાદગીથી કરવા અને શિક્ષણ ફંડ વધારવા નક્કી કર્યું છે.
સમાજ સુધારણાના જે નવા ક્ષેત્રો ઉઘડ્યા છે તેમાં લેઉવા પાટીદાર સમાજની દીકરીઓનો સર્વાઈકલ કેન્સરના પરીક્ષણનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૩૧ દીકરીઓને કે જે કેન્સર સંક્રમિત હોવાનું જણાયું છે તેમની સારવાર શરૂ કરી છે. રબારી સમાજના શિક્ષણ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની સઘન તાલીમ અપાતાં આશરે બસો ઉમેદવારો પાસ થયા અને વિવિધ સરકારી નોકરીઓ મેળવી છે.
પ્રગતિશીલ અને ઉદારવાદી સમાજ સુધાર સાથે જ્ઞાતિ સમાજો સંકુચિત કે જમાનાને પાછળ ધકેલનારા નિર્ણયો પણ કરે છે. જેમાં આંતરજ્ઞાતિય લગ્નો પર પ્રતિબંધ, દીકરીઓને મોબાઈલ વાપરવા પર બંધી, ગામડામાંથી શહેરોમાં અભ્યાસ માટે અપડાઉન કરતી દીકરીઓને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવા દેવો, છૂટાછેડા માંગતા દીકરીના મા-બાપને દંડ જેવી બાબતો આપણે કઈ સદીમાં જીવીએ છીએ અને સ્ત્રી-પુરુષ સમાનતા કેટલી દૂર છે તેની પ્રતિતી કરાવે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે દેશમાં દરરોજ ૪,૩૨૦ બાળલગ્નો થાય છે. ઉત્તર ગુજરાતમાં ૩૨ ટકા કન્યાઓના લગ્નો ૧૮ વરસ પહેલા અને એકલા મહેસાણા જિલ્લામાં ૩૨.૩૦ ટકા બાળલગ્નો થાય છે. છેલ્લાં પાંચ વરસોમાં દલિત – બિનદલિત વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નો દેશમાં ૮૭,૦૮૨ અને ગુજરાતમાં ૩,૮૩૯ જ થયા છે. છોકરીઓને તરછોડી દેવાનું કે અનાથ આશ્રમમાં છોડી દેવાનું પ્રમાણ છોકરા કરતાં વધારે છે. આ સંજોગોમાં સમાજસુધારણાના ક્ષેત્રે કેટલું બધું કરવાનું બાકી છે તે સમજાવું જોઈએ.
ગાંધીજી અને ડો. આંબેડકર બંને એ વાતે સંમત છે કે સમાજસુધારણાનું કામ અતિ કઠિન છે. ડો. આંબેડકરે કહ્યું છે કે, “ભારતમાં સમાજસુધારણાનું કામ મોક્ષ પ્રાપ્તિ જેટલું જ કઠિન છે. આ કામમાં મિત્રો ઓછા અને દુશ્મનો ઝાઝા હોય છે.” ગાંધીજીનો મત હતો કે, “રાજ્ય પ્રકરણી ચળવળ કરતાં સંસારસુધારાની ચળવળ ઘણી વધારે મુશ્કેલ છે. સંસાર સુધારાના કામમાં રસ ઓછો છે, બાહ્ય પરિણામ નજીવું જેવું લાગે છે, અને તેમાં માનાપમાનાદિને બહુ ઓછું સ્થાન છે, તેથી આ કામ કરનારે જૂજ પરિણામથી સંતુષ્ટ રહેવું પડશે.”
ગુજરાતના ભિન્ન ભિન્ન જ્ઞાતિ સમાજોમાં હાલમાં સમાજ સુધારણાની જે હલચલ જોવા મળે છે તે શેનો સંકેત છે? આપણો જ્ઞાતિસમાજ પલટાઈ રહ્યો છે? બદલાઈ રહ્યો છે? સ્થિર છે કે પાછાં પગલાં ભરી રહ્યો છે?
e.mail : maheriyachandu@gmail.com
![]()



આબીદા બાનો બેગમ એ પ્રથમ મુસ્લિમ મહિલા હતી જેમણે સક્રિયપણે રાજકારણમાં ભાગ લીધો હતો અને ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્ત કરવાના આંદોલનનો પણ એક ભાગ હતાં. આબીદા બાનો બેગમનો ગાંધી દ્વારા બી અમ્મા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનો જન્મ ૧૮૫૨માં ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. બી અમ્માનાં લગ્ન રામપુર રાજ્યના એક વરિષ્ઠ અધિકારી અબ્દુલ અલીખાન સાથે થયાં હતાં. તેમના પતિના અવસાન પછી બાનોએ પોતાનાં બાળકો(બે પુત્રી અને પાંચ પુત્રો)નો ઉછેર એકલા હાથે કર્યો. તેના પુત્રો મૌલાના મોહમ્મદ અલી જૌહર અને મૌલાના શૌકત અલી ખિલાફત ચળવળ અને ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી વ્યક્તિઓ હતા. તેઓએ બ્રિટિશ રાજ સામે અસહકાર ચળવળ દરમિયાન મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પતિયાળાથી મહાત્મા ગાંધીની ‘દત્તક પુત્રી’ બીબી અમ્તુસ સલામ એક સામાજિક કાર્યકર અને ગાંધીનાં શિષ્યા હતાં જેમણે વિભાજનને પગલે કોમી હિંસા સામે લડવામાં અને ભાગલા પછી ભારતમાં આવેલા શરણાર્થીઓના પુનર્વસનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેણીએ કલકત્તા, દિલ્હી અને ડેક્કનમાં કોમી રમખાણો દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં જઈને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. બીબી સલામ ગાંધી આશ્રમના મુસ્લિમ કાર્યકર હતાં અને સમય જતાં તે ગાંધીની દત્તક પુત્રી બની ગયાં હતાં. નોઆખલી રમખાણો પછી, ૯ ફેબ્રુઆરી, ૧૯૪૭ના રોજ ‘ધ ટ્રિબ્યુન’માં પ્રકાશિત થયેલા એક લેખમાં નોંધવામાં આવ્યું હતું કે અમ્તુસ સલામે ૨૫-દિવસના ઉપવાસ કર્યાં હતા. અપહરણ કરાયેલી મહિલાઓ અને બાળકોને બચાવવાના પ્રયાસમાં રાજ્ય સત્તાવાળાઓની ‘બેદરકારી’ના વિરોધમાં તેણી બહાવલપુરના ડેરા નવાબ ખાતે અનિશ્ચિત ઉપવાસ પર બેઠી હતી.
૧૮૫૭ના વિદ્રોહની પ્રતિષ્ઠિત વ્યક્તિ બેગમ હઝરત મહેલ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યાં હતાં. અવધના શાસક નવાબ વાજિદ અલી શાહની પત્ની બેગમે અંગ્રેજો પાસેથી કોઈ પણ પ્રકારનો ઉપકાર કે ભથ્થાં સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બેગમે તેના સેનાપતિ રાજા જેલાલ સિંહની મદદથી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બહાદુરીપૂર્વક લડાઈ લડી હતી. હઝરત મહેલનો જન્મ ૧૮૩૦માં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં થયો હતો. ગુલામ હુસૈન તેના પિતા છે. તેણીને સાહિત્યની સમજ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હાઈવે માટે જગ્યા બનાવવા માટે મસ્જિદો અને મંદિરોના વિનાશ પછી તેઓએ બળવો કર્યો હતો. જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૫૬માં અવધમાં આક્રમણ કર્યું હતું અને અવધના છેલ્લા નવાબ તેમના પતિને કલકત્તામાં દેશનિકાલ કરવામાં આવ્યા ત્યારે બેગમે તેમના પુત્ર બિરજીસ કાદિર સાથે લખનૌમાં જ રહેવાનો નિર્ણય લીધો. ૩૧ મે, ૧૮૫૭ના રોજ, તેઓએ સ્વતંત્રતાની ઘોષણા કરવા અને અંગ્રેજોને શહેરમાંથી ભગાડવા માટે આહ્વાન કર્યું હતું. ૭ જુલાઈ, ૧૮૫૭ના રોજ, બેગમ હઝરત મહેલે તેમના પુત્ર, બિરજીસ કાદિરને અવધના નવાબ જાહેર કર્યા. તેણીએ ૧,૮૦,૦૦૦ સૈનિકો ઊભા કર્યા અને નવાબની માતા તરીકે લખનૌના કિલ્લાનું ભવ્ય રીતે નવીનીકરણ કર્યું. ૭ એપ્રિલ ૧૮૭૯ના રોજ તેણીનું ત્યાં અવસાન થયું હતું.
અનિસ કિડવાઈ ઉત્તર પ્રદેશ(યુ.પી.)ના રાજકારણી અને કાર્યકર્તા હતાં અને તેઓએ પોતાનું મોટાભાગનું જીવન સ્વતંત્ર ભારતની સેવા કરવા, શાંતિ માટે કામ કરવા અને ભારતના ભયાનક ભાગલાના પીડિતોના પુનર્વસન માટે સમર્પિત કર્યું. તેણીએ ૧૯૫૬થી ૧૯૬૨ સુધી રાજ્યસભામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(INC)નું પ્રતિનિધિત્વ કર્યું, સંસદના સભ્ય તરીકે બે વખત સેવા આપી હતી.
બેગમ નિશાતુન્નિસા મોહાનીનો જન્મ ૧૮૮૪માં અવધ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓએ મૌલાના હસરત મોહાની સાથે લગ્ન કર્યાં હતાં જેઓ બહાદુર સ્વતંત્રતા યોદ્ધા હતા અને જેમણે “ઇન્કિલાબ ઝિંદાબાદ” સૂત્ર આપ્યું હતું. બ્રિટિશ સત્તાના ઉગ્ર વિરોધી બેગમે મુક્તિ સંગ્રામના તત્કાલીન કટ્ટરપંથી બાળ ગંગાધર તિલકને ટેકો આપ્યો હતો.
મોહમ્મદ ઇસ્માઇલ સાહેબની પત્ની, હાજરા બીબી ઇસ્માઇલ, આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તેનાલીના સ્વાતંત્ર્યયોદ્ધા હતાં. ખાદી અભિયાન ચળવળ માટે પોતાને પ્રતિબદ્ધ કરનાર આ દંપતી પર મહાત્મા ગાંધીની નોંધપાત્ર અસર હતી. ગુંટુર જિલ્લામાં, તેમના પતિ મોહમ્મદ ઇસ્માઇલે પ્રથમ ખદ્દર સ્ટોર ખોલ્યો, જેનાથી તેમને ‘ખદ્દર ઇસ્માઇલ’ તરીકે ઓળખવામાં આવે છે. હાજરા અને તેમના પતિએ ગાંધીને ટેકો આપ્યો હોવાથી, તેઓને મુસ્લિમ લીગ તરફથી ઉગ્ર દુશ્મનાવટનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીય ચળવળમાં તેમની સંડોવણી બદલ તેમના પતિની વારંવાર ધરપકડ કરવામાં આવી હોવા છતાં, હાજરા બીબીએ ક્યારે ય ઉત્સાહ ગુમાવ્યો ન હતો.
૨૧ ઑક્ટોબર, ૧૯૦૦ના રોજ ગુજરાતમાં કુલસુમ સયાનીનો જન્મ થયો હતો. તેણીએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો અને સામાજિક અન્યાય સામે લડત આપી હતી. કુલસુમ અને તેના પિતા ૧૯૧૭માં મહાત્મા ગાંધીને મળ્યાં હતાં. ત્યારથી, તેણીએ ગાંધી સાથે સમગ્ર ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન, સામાજિક ફેરફારોની હિમાયત કરી હતી. ડૉ. જાન મોહમ્મદ સયાની, જે એક જાણીતા સેનાની હતા તેમની સાથે તેણીએ લગ્ન કર્યાં હતાં. તેના પતિના સમર્થન સાથે ભારતીય સ્વતંત્રતા સંગ્રામની સંખ્યાબંધ ઘટનાઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેણીએ અભણ લોકો માટે કામ શરૂ કર્યું અને ચરખા ક્લાસમાં જોડાઈ હતી. તેણીએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ‘જન જાગરણ’ ઝુંબેશ પર પણ નોંધપાત્ર અસર કરી હતી, જેણે સામાજિક રિવાજો અંગે જનજાગૃતિ વધારી હતી.
સૈયદ ફકરૂલ હાજિયા હસન, જેમણે માત્ર ભારતીય સ્વતંત્રતાની લડાઈમાં જ ભાગ લીધો ન હતો, પરંતુ તેમનાં બાળકોને પણ તેમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેણીનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જે ઇરાકથી ભારતમાં સ્થળાંતરિત થયો હતો. તેણીએ તેનાં બાળકોને સ્વાતંત્ર્ય-સેનાની તરીકે ઉછેર્યાં જેઓ પાછળથી “હૈદરાબાદ હસન બ્રધર્સ” તરીકે પ્રખ્યાત થયા.