સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
રવીન્દ્ર પારેખ
નવરાત્રિ મહોત્સવ હવે સંપન્ન થવાની દિશાએ છે. આજે માતાની આઠમ છે. મંદિરો, ઉત્સવોની ઝાકઝમાળમાં આકાશ રંગી રહ્યાં છે ને રાત્રે તો દરેક શેરીથી માંડીને મેદાનો, અનેક સ્ત્રી-પુરુષોથી ગરબે ઘૂમવા થનગની ઊઠશે. એમાં જ ક્યાંક આંખો મળશે તો ક્યાંક છલકાશેય ખરી. ક્યાંક પ્રસાદ વહેંચાશે તો ક્યાંક પ્રાસાદ શૃંગાર-શણગારથી મહેકશે પણ ખરા. કોણ જાણે કેમ પણ ભક્તિનું ઘોડાપૂર આ વખતે તો અનેક કંઠ ને કાંઠાઓ છલકાવતું વધારે જ આવ્યું છે. એમાં ક્યાંક માતા ને ભક્તિ ગૌણ થઈ જાય તો ય, ઉજવણું તો ધોધમાર થાય જ છે ને એમાં સ્ત્રીઓ પણ રંગેચંગે ઊતરે છે. અપાર રંગરૂપનો વૈભવ ગરબા, દોઢિયું ને રાસ વગેરેમાં ઊતરે છે. હજી ક્યાંક શેરીની રોશનીમાં સ્ત્રીઓ ગરબે ઘૂમતી ગાય પણ છે, પણ મોટે ભાગે ઘૂમવાનું એટલું વધ્યું છે કે ગાવાનું ગૌણ થઈ ગયું છે. કોઈ ખાસ ગાતું નથી, પણ તાલ પર ઘૂમવાનું ધ્યાન બરાબર રખાય છે. ગાવાનું ગૌણ થયું તો ગરબો ગાનારા ગાયકોને મંચ મળી ગયો છે. એ ગાય છે ને પછી તો એ જ ગાય છે ને ઘૂમનારા યાંત્રિક રીતે ઘૂમ્યા કરતાં હોય છે. રેકોર્ડેડ ઇન્સ્ટ્રુમેન્ટલ ફિલ્મી ધૂનો તો વધુ તીવ્રતાથી ગરબૈયાઓને મેદાનોમાં દોડાવે છે. મોટે ભાગે હવે ઘૂમનારાઓ ગાવાની પ્રેક્ટિસ નથી કરતા, પણ ઘૂમવાની પ્રેક્ટિસ તો મહિનાઓથી કરતા હોય છે. થોડાં વર્ષો પર તો નવરાત્રિને દિવસે ઘરેલુ અવસ્થામાં જ છોકરીઓ ને ગૃહિણીઓ શેરીમાં ઊતરી પડતી ને એ જ એની પ્રેક્ટિસ ને એ જ એનો ગરબો થઈ જતો. કોઈ બુલંદ સ્વરે ગવડાવતું ને એવા જ કંઠે ગરબો ઝીલાતો, પણ હવે એવું રહ્યું નથી. હવે તો ગરબામાં પણ ઘણો વિકાસ થયો છે. ઘૂમનારાઓ વાર્ષિક પરીક્ષા આપવાના હોય તેમ એની તૈયારીઓમાં મહિનાઓથી લાગે છે.
એમાં આ વખતે હાર્ટ ટ્રબલનો ઉમેરો થયો છે. યુવાનો એકાએક ઢળી પડે છે. જેમને એવી તકલીફ છે તે આમ તો ઘરમાં આરામ કરી શકે, પણ યુવાધન કોઈ ચાન્સ લેવા તૈયાર નથી. એનું પણ આશ્ચર્ય જ છે કે હાર્ટ ટ્રબલ મોટે ભાગે પુરુષોને જ થાય છે, એ કદાચ સ્ત્રી શક્તિ હોવાને કારણે હશે. જો કે, ગરબા સ્થળે એમ્બ્યુલન્સ, ડોકટરોની ટીમ ખડે પગે રાખવાના આદેશો થયા છે, તે એકલાં પુરુષ માટે જ છે, એવું નથી. સમય હોય તો પોલીસ પણ આંટાફેરા કરી લે છે. જો કે, હવે તો એ દખલ પણ નહીં રહે એવું સરકારે કરી આપ્યું છે. રાત્રે 12 પછી પણ ગરબે ઘૂમવાની છૂટ મળી છે એટલે ખેલૈયાઓ ઝાલ્યા ન ઝલાય એમ બને. ક્યાંક ભાડેથી લવાતા હશે, પણ મોટે ભાગે મહિલાઓ ડ્રેસ, ઘરેણાં, મેકઅપ માટે બજેટ ફાળવે છે ને રોજના ડ્રેસ વગેરેની વ્યવસ્થા પણ કરે છે. સારું છે કે મહિલાઓ આટલો ખર્ચ ઊભો કરી શકે છે.
તહેવારોમાં કે રોજિંદા વ્યવહારમાં મહિલાઓ બહારની ટાપટીપમાં ભારે રસ લે છે. આછો મેકઅપ, જંક ફૂડ ને ફેશન સ્ત્રીઓની જ નહીં, પુરુષોની પણ ઓળખ છે. કુદરતી દેખાવનું સ્થાન મેકઅપે લઈ લીધું છે, પણ આ બધાંમાં આંતર વિકાસ કે ચેતના માટે ભાગ્યે જ કોઈ પ્રયત્નશીલ છે. સૌંદર્ય અંતરનું પણ હોય છે, પણ એમાં ઘણું અંતર આજની પેઢીમાં જણાય છે. સ્ત્રીઓની વાત કરીએ તો તેનું આજ્ઞાંકિતપણું કે જી-હજૂરિયાપણું ઘણુંખરું અકબંધ છે. આમ તો આજ્ઞાંકિત હોવું સારી વાત છે, પણ આજ્ઞાપાલનમાં શોષણ ઉમેરાતું હોય તો તે ગુલામી સૂચવે છે. ગરબામાં મસ્તીથી ઝૂમતી સન્નારીઓ ઘરે પહોંચે છે ત્યારે, મેકઅપની સાથે સાથે પેલી મસ્તી પણ ઊતરી જાય છે. પિતા કે પતિના કે સાસુ-નણંદના ઠપકાથી ભીની આંખે સવાર પડતી હોય એવી ઘણી સ્ત્રીઓ હશે. એનો અર્થ એ થયો કે બહાર અપટુડેટ રહેતી મહિલાઓ ઘરોમાં જોઈતી મોકળાશ મેળવી શકતી નથી. મોકળાશ એટલે અભિવ્યક્તિ, બેફામપણું નહીં !
સ્ત્રીઓ અનેક ક્ષેત્રે મોખરે રહી હોય તો પણ, તે પતિ કે પિતાના દાબમાં રહેતી આવી છે. એમાં કુટુંબ ઘણીવાર સહાયકની ભૂમિકામાં હોય છે. કેટલાંક નિયંત્રણો જરૂરી હોય તો પણ, તે અતૂટ કે અસહ્ય બંધનની સ્થિતિએ આવકાર્ય નથી. એક બાબત ક્યારે ય ભુલાય તે ઇચ્છનીય નથી, તે એ કે જેમ પુરુષ છે એમ જ સ્ત્રી પણ છે. પુરુષ સિદ્ધિ -મર્યાદા ધરાવે છે, એમ જ સ્ત્રી પણ ધરાવે છે. બંનેએ એકબીજાનું મનોબળ મજબૂત કરવાની દિશામાં સક્રિય રહેવું જોઈએ. એમ થશે તો એનો લાભ કુટુંબ અને સંબંધી મિત્રો વગેરેને પણ થશે. જો કે, મોટે ભાગે પુરુષ ઘરમાં કે બહાર, સ્ત્રીને નીચી બતાવવાના પ્રયત્નો કરતો રહે છે, પણ એથી હકીકતમાં બહુ ફેર પડતો નથી. સમભાવથી જે પરિણામો મળે તે નકલી સ્પર્ધાભાવથી મળતાં નથી. સ્પર્ધાભાવ પતિ-પત્નીમાં વધુ હોય તો સરવાળે લગ્નજીવન પ્રભાવિત થયાં વગર રહેતું નથી. પતિ-પત્નીમાં મૈત્રીભાવ જ પરિણામદાયી નીવડે છે એ વાત સમજી લેવાની રહે.
પતિ-પત્ની વચ્ચે સાધારણ કુટુંબમાં મૈત્રીભાવ લગભગ હોતો નથી, સિવાય કે કોઈ સ્વાર્થ કે ગણતરી હોય. તે સિવાય મોટે ભાગે અધિકાર અને અહંકાર જ કેન્દ્રમાં હોય છે. આજકાલ તો નજીવી વાતોમાં છરી મારી દેવાનું સામાન્ય થઈ પડ્યું છે ને તે જીવ ન જાય ત્યાં સુધી મારવાનું ચાલે છે. પતિ સભાન-અભાન અવસ્થામાં હુમલો કરી દે છે. હુમલો કરવાથી કાયદો કેવી રીતે વર્તશે એનો અંદાજ હોય તેમ, સજાની પરવા કર્યાં વગર જ પતિ વર્તે છે. સજાનો જાણે તેને ખોફ જ રહ્યો નથી. ગોંડલ તાલુકામાં, ઘરમાં પીવાનું પાણી ન ભર્યું એટલે પતિએ ધોકો મારીને પત્નીને પતાવી દીધી ને કૂવામાં ફેંકી દીધી. આ કોઈને પણ મારી નાખવાનું કારણ છે? આવી માનસિકતા હવે આમ વાત બનતી આવે છે ને એ સૂચવે છે કે સમાજ ખરાબ રીતે માંદો પડી ગયો છે. આવી હિંસા પતિ-પત્ની વચ્ચે જ થાય છે એવું નથી. વડોદરાનાં તરસાલીમાં ભાણેજને મિલકતમાં ભાગીદાર ન બનાવ્યો તો એક વૃદ્ધાની હત્યા કરી દેવાઈ. અગાઉ ક્યારે ય ન હતું એવું એક પરિબળ છેલ્લાં થોડાં વર્ષમાં પતિ કે પત્ની, એમ બંને પક્ષે ઉમેરાયું છે તે લગ્નેતર સંબંધોનું. એને કારણે પતિ-પત્નીના સંબંધો વણસ્યા છે ને પરિણામો ઘાતક આવે છે. પતિ, પત્ની અને ત્રીજી વ્યક્તિ વચ્ચે ઘણીવાર તો જીવનું જોખમ પણ ઊભું થાય છે.
આ ઉપરાંત ઘરેલુ હિંસાનો ભોગ પણ પત્ની બનતી રહે છે. વાત બોલવા પૂરતી જ સીમિત નથી રહેતી, માનસિક અને શારીરિક ત્રાસ તેમાં એવી રીતે ઉમેરાય છે કે કાચીપોચી પત્નીનો આત્મહત્યા કર્યે જ છૂટકો થાય. સાધારણ કુટુંબોમાં એવું બનતું રહે છે કે પત્નીનું અનેક રીતે શોષણ પતિ કે કુટુંબનાં અન્ય સભ્યો કરે છે. લગભગ 18થી 48ની ઉંમરની 30 ટકા મહિલાઓ ઘરેલુ કે જાતીય હિંસાનો ભોગ બને છે. આજ ઉંમરની ત્રણેક ટકા મહિલાઓ તો ગર્ભવતી હોય ત્યારે પણ આવી હિંસાનો ભોગ બનતી હોય છે. આમ છતાં ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત પૂરતી માત્રામાં કેસ જ નોંધાતા નથી. 87 ટકા મહિલાઓ એવી છે જે આ મામલે ચૂપ રહે છે ને કાનૂની મદદ લેતી નથી. આવું કેમ થાય છે? ઘણા એવું માને છે કે હુમલાનાં કારણમાં પતિનું વ્યસન, તેની શારીરિક, માનસિક, આર્થિક સ્થિતિ જવાબદાર છે, પણ એવું નથી. એવું હોત તો પતિ કામનાં સ્થળે અન્ય પુરુષ કે સ્ત્રી પર પણ હુમલો કરતો હોત, પણ, હુમલો પત્ની પર જ થાય છે. બીજે આ જોર ચાલે એમ નથી, પણ પત્ની પર હુમલો થશે તો એ સામે પ્રતિકાર કરશે નહીં, એટલે બધું જોર ઘરમાં પત્ની પર જ અજમાવાય છે.
આવું કરવામાં કુટુંબ એકલું જ જવાબદાર છે? ના, એમાં કુટુંબથી વધુ જવાબદાર તો પત્ની પોતે છે. તે એ વિચારે સતત ભયમાં જીવે છે કે પોતે બોલશે કે પ્રતિકાર કરશે તો સાસરિયાઓ વહુનાં પ્રતિકારને બેફામ ગણાવી વગોવશે. તેને ભય હોય છે કે પોતે બોલશે તો પિયરમાં વાત પહોંચશે ને ઘરની આબરૂ જશે. આબરૂ વહુને જ વહાલી હોય ને તે સાચવવાની જવાબદારી વહુની જ છે, એ માનસિક્તાને કારણે વહુ બોલતી નથી. સાસરિયાઓને પણ ખાતરી હોય છે કે વહુ આબરૂ જવાની બીકે મોં નહીં ખોલે, એટલે સાસરિયાઓની હિંમત વધે છે ને તેમની જુલમ ગુજારવાની ક્ષમતા પણ વધે છે. આ ત્રાસ પતિ કે સાસરિયાઓ તો અટકાવવાના નથી, એ વહુ જ અટકાવી શકે. ઘરની આબરૂની ચિંતા તેની એકલીની જ જવાબદારી તો ન હોયને ! જુલમ ગુજારવાથી કુટુંબની આબરૂ તો વધતી નથી, તો જુલમ રોકીને સાસરું પણ આબરૂ જાળવી શકેને ! એ સ્થિતિ વહુ પણ ઊભી કરી શકે – અવાજ ઉઠાવીને ! અહીં વિદ્રોહ કે બળવો પોકારવાની વાત નથી, પણ સ્વબચાવ ન કરવો કે શોષણ વેઠી લેવું એ પણ માનવતાની વિરુદ્ધ જતી વાત છે.
કાયદો સ્ત્રીઓને 2005થી ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ રક્ષણ આપે છે, એટલે કારણ વગર પરિણીત સ્ત્રીઓએ ચૂપ રહેવાની કે સહન કરવાની જરૂર નથી. ઘરની આબરૂ એકલી સ્ત્રીઓએ જ સાચવવાની નથી, એ જવાબદારી પુરુષની પણ છે. સ્ત્રી શક્તિ છે, તે હિંસા વેઠીને કે ચૂપ રહીને અશક્તિનું પ્રદર્શન ન કરે એ જોવાની કુટુંબની અને સમાજની ફરજ બને છે…
000
રાજ ગોસ્વામી
જે લોકોએ રેડિયો પર વિવિધ ભારતીના કાર્યક્રમો સાંભળ્યા હશે, તેમને ‘જયમાલા’ કાર્યક્રમ યાદ હશે. તેમાં રોજ રાતે 8 વાગે, સોમવારથી શુક્રવાર સુધી, “ફૌજી ભાઈઓ” માટે હિન્દી ફિલ્મોનાં ગીતો આવતાં હતાં, અને શનિવારે તેમાં કોઈ ફિલ્મી હસ્તી સાથે મુલાકાત આવતી હતી. 1986માં, આવા જ એક કાર્યક્રમમાં સંગીતકાર રાહુલ દેવ બર્મન ઉર્ફે પંચમની મુલાકાત આવી હતી. તેમાં, તેમની સંગીત સફરની વાતો કરતાં તેમણે એક જગ્યાએ કહ્યું હતું;
“દોસ્તો, અબ મેં અપને એક પ્રિય દોસ્ત કે લિયે કુછ કહૂંગા, ગુલઝાર. વો મેરે ઘર ગાના લિખને આતે હૈ, ડિરેક્શન ભી દેતે હૈ. ઉસકે સાથ મેરા બહુત જમતા હૈ. લેકિન જબ વો ગાના લિખને બૈઠતા હૈ, તો હમારી દુશ્મની હો જાતી હૈ, ક્યોંકી ઉસકે ગીત કો સમજને કે લિયે મુજે એક યા દેઢ ઘંટે લગતે હૈ, ઔર મૈં ઉસકી ધૂન બનાતા હું તો ઉસે સમજને મેં ઉન્હેં દો દિન લગ જાતે હૈં. દો-તીન દિન કે બાદ, જબ દોનો કો એક દુસરે કા કામ સમજ મેં આતા હૈ, તો દુશ્મની ખતમ હો જાતી હૈ. બહુત દિન પહેલે, ફિલ્મ પરિચય કે સમય, એક દિન મૈં કિસી કારન સે બહુત દુઃખી થા. ગુલઝાર આયે ઔર કહા કે અગર મૂડ હો તો યે ગાના બના દેના. ગાના પઢતે હી એક મિનિટ કે અંદર મૈંને ધૂન બના દિયા, ક્યોંકી મૈં દુઃખી થા ઔર ગાને કા મૂડ ભી કુછ ઐસા થા. દો દિન કે અંદર ગાના રેકોર્ડ ભી કર લિયા.”
‘એક્ચુઅલી … આઈ મેટ ધેમ’ નામના સંસ્મરણમાં ગુલઝારે પંચમની આ વાતમાં ખૂટતી કડીઓ ઉમેરી હતી. તેમના કહેવા અનુસાર, પંચમ રાજકમલ સ્ટુડીઓમાં એક ફિલ્મનું બેકગ્રાઉડ રેકોર્ડ કરાવી રહ્યા હતા, ત્યારે ગુલઝાર ત્યાં આવ્યા હતા અને ધૂન વિચારવા માટે પંચમને એક ગીત આપ્યું હતું. ગુલઝાર કહે છે, “મેં તેને ગીતનું મુખડું અને ફિલ્મનું દૃશ્ય સમજાવ્યું.
“એ રાતે, લગભગ મધરાતે, પંચમ મારા એપાર્ટમેન્ટ નીચે આવ્યો અને જોર જોરથી કારનું હોર્ન મારવા લાગ્યો. તેણે કહ્યું, ‘નીચે આવ, મારા દિમાગમાં ધૂન છે.’ હું આજ્ઞાંકિત બનીને તેની સાથે રાતની રખડપટ્ટીમાં જોડાઈ ગયો. તેણે કારના કેસેટ પ્લેયરમાં સંગીતની અમુક લાઈનો સંભળાવી, પછી મારી તરફ જોઇને કહ્યું, ‘આ ધૂન માટે શબ્દો શોધ, નહીં તો હું આ ભૂલી જઈશ.’
“મેં કહ્યું, ‘અત્યારે? આ કારમાં? એ કેવી રીતે શક્ય છે?”
“તેણે આગ્રહ કર્યો, ‘તારે કરવું જ પડશે. આ તારી ફિલ્મનું ગીત છે.’”
“મેં નમતું જોખ્યું અને અંતરા માટે અમુક લાઈનો લખી. પછી થોડી બીજી લાઈનો ઉમેરી, પછી ત્રીજી ઉમેરી. પંચમ પણ રેકોર્ડ કરેલી મૂળ ધૂનમાં સંગીતની લાઈનો ઉમેરતો ગયો. અમારા આ સર્જનમાં ઊંઘી રહેલા મુંબઈની સડકો અને શેરીઓમાં એકમાત્ર સાથીદાર હતી. સવારના ચાર વાગ્યા સુધી આ જુગલબંધી ચાલતી રહી. એ રીતે એ ગીત બન્યું હતું.”
‘પરિચય’(1972)નું એ ગીત એટલે કિશોર કુમારે જેમાં તેનો ફિલોસોફિકલ આત્મા રેડી દીધો હતો તે – મુસાફિર હું યારો, ના ઘર હૈ, ના ઠીકાના … મુજે ચલતે જાના હૈ, બસ, ચલતે જાના હૈ. ગુલઝાર, પંચમ અને કિશોર કુમારની ત્રિપુટીએ અનેક શાનદાર ગીતો આપ્યાં છે, પણ એમાં ‘પરિચય’નું આ ગીત એક વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે ગુલઝાર અને પંચમ પહેલી વાર આ ફિલ્મમાં ભેગા થયા હતા. પંચમ અને કિશોર દોસ્ત હતા અને પંચમે જ ગુલઝારને કિશોરનો ભેટો કરાવ્યો હતો.
ફિલ્મ નિર્દેશક તરીકે ગુલઝારની આ બીજી જ ફિલ્મ હતી. આગલા વર્ષે 1971માં, ‘મેરે અપને’થી તેમણે નિર્દેશનમાં ઝુકાવ્યું હતું. 72માં ગુલઝારની ત્રણ ફિલ્મો આવી; પરિચય, અચાનક અને કોશિશ. ‘પરિચય’ બનાવવાનો મૂળ વિચાર ફિલ્મના હીરો જિતેન્દ્રનો હતો. તે જમ્પિંગ જેકની તેની ઊછળકૂદની ઈમેજથી ધરાઈ ગયો હતો અને તેને એક અચ્છા એક્ટર તરીકે સ્થાપિત થવું હતું.
‘ફિલ્મફેર’ સામયિકને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં ગુલઝાર કહે છે, “હું ‘મેરે અપને’માં વ્યસ્ત હતો, ત્યારે મારો પડોશી અને દોસ્ત રવિ (તે જીતેન્દ્રને તેના મૂળ નામ રવિથી બોલાવતા હતા) એકવાર મારી પાસે આવ્યો અને મને તેના માટે એક ફિલ્મનું નિર્દેશન કરવા કહ્યું. મેં તેને અમુક વાર્તાઓના આઈડિયા આપ્યા, પણ તેણે બધા ખારીજ કરી નાખ્યા. એ પછી એક દિવસ, એક શૂટિંગમાં રાખીએ તેને એક વાર્તા સંભળાવી. તેને એ ગમી ગઈ. તેણે મને તરત ફોન કર્યો અને પૂછ્યું કે આના પરથી કેમ ફિલ્મ ન બને? મેં કહ્યું કે મેં તને આ વાર્તા પણ સંભળાવી હતી, પણ તે ખારીજ કરી નાખી હતી. તે સામો ગરજ્યો કે એનો અર્થ એટલો જ થાય કે તને વાર્તા કહેતાં નથી આવડતું. મેં ય સામું સંભળાવ્યું કે વાર્તા કહેવામાં કોઈ ખોટું નથી, પણ તું રાખીથી ઈમ્પ્રેસ થઇ ગયો હતો. મેં ઉમેર્યું, હવે પછી વાર્તા કહેવા માટે હું રાખીને જ મોકલીશ.”
‘પરિચય’માં બેરોજાગાર યુવાન રવિ (જીતેન્દ્ર), એક નિવૃત્ત કર્નલ રાય સાહેબ(પ્રાણ)નાં પાંચ પૌત્રી-પૌત્રોને ભણાવાનું કામ હાથમાં લે છે. રાય સાહેબના લશ્કરી મિજાજથી ત્રાસીને, તેમનો દીકરો નિલેશ (સંજીવ કુમાર) તેના સંગીતના પ્રેમને પોષવા માટે ઘર છોડીને જતો રહે છે. એમાં અચનાક નિલેશનું અવસાન થઇ જાય છે અને રાય સાહેબ તેનાં નાનાં છોકરાંને પોતાની પાસે લઈ આવે છે. છોકરાઓને એવું લાગતું હોય છે દાદાના કડક સ્વભાવથી જ તેમના પિતાનું અવસાન થયું છે. પરિણામે છોકરાં ઉદ્ધત થઇ જાય છે અને રાય સાહેબને ગાંઠતાં નથી.
એટલે રાય સાહેબ એક સારા શિક્ષકની તલાશમાં હોય છે અને રવિ એ નોકરી સ્વીકારે છે. રવિ જ્યારે ટાંગામાં બેસીને શહેરમાંથી ગામમાં રાય સાહેબના બંગલા તરફ જતો હોય છે, ત્યારે આ ‘મુસાફિર હું યારો …’ગીત આવે છે. છોકરાંને ભણાવવા અને સીધાં કરવાની તાલીમ દરમિયાન રવિ મોટી દીકરી રમા (જયા ભાદુરી) પ્રત્યે આકર્ષાય છે. વચ્ચે વિરહના થોડા ઉતાર-ચઢાવ પછી રાય સાહેબને તેમની પૌત્રીના દિલની વાત સમજાય છે અને તેઓ રવિ સાથે તેનું મિલન કરાવે છે.
1965માં, ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ નામની એક ફિલ્મ પરથી ‘પરિચય’ પ્રેરિત હતી, પરંતુ ગુલઝારને તેનો વિચાર બંગાળીમાં પ્રકાશિત રાજ કુમાર મૈત્રાની વાર્તા ‘રંગીન ઉત્રૈન’ પરથી આવ્યો હતો. ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’માં, ઈસાઈ નન બનવા માગતી એક તોફાની છોકરીને, તેની માતા એક નૌસેનાના નિવૃત્ત અધિકારીનાં સાત બાળકોની સંભાળ રાખવા મોકલે છે તેવી વાર્તા હતી. ગુલઝાર કહે છે રાખીએ બંગાળી વાર્તા વાંચી હતી અને તેને થતું હતું કે તેના પરથી એક સારી ફિલ્મ બને તેવી છે. ગુલઝારે તેનો હિન્દી અનુવાદ કરી રાખ્યો હતો.
સંજીવ કુમારના જીવનચરિત્ર્યમાં લેખક હનીફ ઝવેરી લખે છે કે સંજીવ કુમારે જીતેન્દ્રને તેની ઈમેજમાંથી બહાર આવવા માટે ગુલઝારની ફિલ્મમાં કામ કરવા પ્રેરણા આપી હતી. યોગાનુયોગ કેવો કે જે સમયે સંજીવ કુમાર ગુલઝારની ‘કોશિશ’માં જયા ભાદુરીના પતિની ભૂમિકા કરતા હતા તે જ સમયે તે તેમની ‘પરિચય’માં જયાના પિતાની ભૂમિકામાં હતા!
જીતેન્દ્રને સંદેહ હતો કે આમાં તો ફિલ્મનો ધબડકો થશે પણ હરિભાઈએ કહ્યું હતું કે ગુલઝાર પર શ્રદ્ધા રાખજે. તેમના નિર્દેશનમાં જાદૂ છે. એ ગુલઝારની જ કમાલ હતી કે તે સંજીવ કુમાર અને જયાને એકદમ વિરોધાભાસીમાં એટલી જ વિશ્વસનીયતા સાથે પેશ કરી શક્યા હતા. ફિલ્મ રિલીઝ થઇ ત્યારે લોકોએ તેને બહુ સરાહી હતી અને ‘પરિચય’ ફિલ્મથી જ લોકો જીતેન્દ્રને એક ગંભીર એક્ટર તરીકે લેતા થયા. ફિલ્મમાં જીતેન્દ્ર બીજી એક જગ્યાએ પણ ખોટો પડ્યો હતો.
ફિલ્મમાં કુલ ચાર ગીતો હતાં; મુસાફિર હું યારો, મિતવા બોલે મીઠે બૈન, સા રે કે સા રે ગ મ કો લેકર અને બીતી ના બીતાઈ રૈના. એમાં ‘બીતી ના બીતાઈ રૈના …’ ગીત સૌથી પહેલું રેકોર્ડ થયું હતું. ગુલઝાર અને પંચમને આ ગીત બહુ પસંદ આવ્યું હતું, પરંતુ જીતેન્દ્રને લાગતું હતું કે આવું શાસ્ત્રીય ગીત તેની ફિલ્મમાં અનુકૂળ નહીં લાગે. જીતેન્દ્રના દોસ્તારોને પણ આ ગીત ગમ્યું નહોતું. તેની ઈચ્છા હતી કે આ ગીત પડતું મુકવામાં આવે અને બીજું બનાવવામાં આવે. ગુલઝાર અને પંચમે ઘસીને ના પાડી દીધી.
ગુલઝાર લખે છે, “અમે આર.કે. સ્ટુડીઓમાં ફિલ્મનો સેટ ગોઠવ્યો હતો. એક દિવસ ત્યાં અમિતાભ બચ્ચનનું પણ કોઈક શુટિંગ હતું. હું બધી ગોઠવણમાં હતો અને રવિએ અમિતાભ માટે કારમાં આ ગીત વગાડ્યું. એ ઉત્સાહ સાથે પાછો આવ્યો અને મને કહે, ‘અમિતાભ તો રો પડા ગાના સુન કે. તેને બહુ ગમ્યું અને બોલ્યો કે હમે તો ઐસે ગાને મિલતે હી નહિ કરને કે લિયે.”
પછી તો જીતેન્દ્રને પણ ગીત ગમવા લાગ્યું. લતા મંગેશકરને એ ગીત માટે એ વર્ષનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.