Opinion Magazine
Number of visits: 9448973
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

2023 નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદીની સંઘર્ષકથા

હિમાદ્રી આચાર્ય દવે|Opinion - Opinion|14 October 2023

નામ : નરગીસ મોહમ્મદી, સરનામું – ઇરાનના તેહરાનની ખતરનાક એવીન જેલ, અપરાધ – હિજાબ, સ્ત્રી શોષણ, માનવધિકાર, મૃત્યુદંડ રદ્દ કરવા માટે, જેલનાં કેદીઓની દુર્દશા તેમ જ વિશેષ મહિલા કેદીઓનાં યૌન શોષણ સામે લડત.

પરિણામ : સ્થાપિત હિતો તેમ જ ધાર્મિક–રાજકીય સત્તા તરફથી પ્રતાડના, જૂઠા આરોપો, બે બાળકોની માતા આઠ વર્ષથી બાળકોને જોવા નથી પામી, અતિ દીર્ઘ જેલવાસ, કોરડા વીંઝાયાં .. વર્ષો સુધી યાતનાઓ સહન કરી અને હવે શાંતિનું નોબેલ પ્રાઇઝ!

2023નો નોબલ શાંતિ પુરસ્કાર ઈરાની મહિલા એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને મળ્યો છે ત્યારે નરગીસ મોહમ્મદીનું કાર્યફલક તેમ જ યોગદાન કંઈ રીતે વિશિષ્ટ છે એ જાણવા માટે આપણે ઇરાનના રાજનૈતિક પ્રવાહો તેમ જ સામાજિક જીવનને સમજવું પડશે.

લાંબા ભૂતકાળમાં ન જતાં, ઈરાન પર 1925થી લઈને 1979 સુધી ચોપન વર્ષ શાસન કરનાર પહલવી રાજવંશના શાસનના અંતથી શરૂ કરીએ. પહલવી શાસન સામેના આંદોલનોની શૃંખલાને ઈરાની ક્રાંતિ અથવા ઇસ્લામિક ક્રાંતિના નામે ઓળખાય છે, જેનાં મુખ્ય કારણોમાં ઈરાનના પહલવી શાસકોની પશ્ચિમી દેશો અને ખાસ કરીને અમેરિકા સાથે સારાસારી રાખીને અંગત હિતોનું પોષણ કરવાની વૃત્તિ, પશ્ચિમી સભ્યતાનું અનુકરણ અને સુધારાવાદી અનુસરણ તેમ જ અસફળ આર્થિક વ્યવસ્થાપન હતું. અલબત્ત, આ બધા વચ્ચે પણ સામાજિક વ્યવસ્થાને નામે મહિલાઓનું શોષણ કે તેમના પર અમાનવીય પ્રતિબંધો ન હતા! પહલવી યુગ દરમિયાન,  સ્ત્રીને ઘર બાળકો અને મર્યાદિત સત્તા સુધી સીમિત રાખવાની પુરાણી પરંપરા તુટતી ચાલી હતી. બુરખા પર પ્રતિબંધ, મત આપવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન વેતન અને સાર્વજનિક કાર્યાલય રાખવાનો અધિકાર .. આ બધા મુદ્દે સ્ત્રીઓ તરફી વ્યાપક સામાજિક પરિવર્તન આવ્યું હતું.

ઇરાનમાં સ્થાપિત હિતો, કટ્ટરવાદી સંકુચિત ઇસ્લામિક વિચારધારામાં માનતા ધર્મગુરુઓના એક મોટા વર્ગને મોહમ્મદ રેઝા પહલવીના સુધારા તેમ જ આધુનિકતા તરફનો ઝોક ખૂંચતા હતાં. પરિણામે 1979માં આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીની ધાર્મિક સત્તા, કે જેમાં ઘણા ધર્મગુરુઓએ નેતૃત્વ કર્યું હતું તેના દ્વારા મોહમ્મદ રેઝા પહલવી રાજાશાહી સરકારને ઉથલાવી દેવામાં આવી.

ઈરાનની રાજશાહીની જગ્યાએ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન અસ્તિત્વમાં આવ્યું. વળી, ઇસ્લામિક ક્રાંતિ પછી તરત જ, ઇરાકના નવા શાસક સદ્દામ હુસૈને, તેના દેશમાં ઇરાન સમર્થિત શિયા ચળવળ ફાટી નીકળવાના ભયથી, ઇરાન પર આક્રમણ કર્યું, જે આઠ વર્ષ સુધી ચાલ્યું અને અનિર્ણાયક રીતે સમાપ્ત થયું. આવી ડામાડોળ પરિસ્થિતિ દરમ્યાન લાગુ કરવામાં આવેલા ઈરાની સંવિધાનના અનુચ્છેદ 20માં પુરુષ અને સ્ત્રીના સમાન હક્ની જોગવાઈ કરવામાં તો આવી પરંતુ સમાંતરે શરિયા કાનૂનનું પાલન ફરજિયાત થયું. આમ, શિક્ષણનો અધિકાર, ગાડી ચલાવવાની છૂટ વગેરે વગેરે તો ચાલુ રહ્યા પણ સ્વતંત્રતા કેવળ નામની અને અસંખ્ય બંધનો ફરી ઊભા કરી દેવામાં આવ્યાં. સ્ત્રીને માટે હિજાબ ફરજિયાત થયો એ ત્યાં સુધી કે જાહેરમાં ચહેરો અને હાથને છોડીને શરીરનું એક અંગ કે વાળ ન દેખાવા જોઈએ અને ભૂલેચૂકે પણ એવું થયું તો સત્તા દ્વારા ધાકધમકી અને આકરી સજા મળે! (એક સર્વે જણાવે છે કે ઈરાનમાં 53% પરિણીત મહિલાઓ તેમનાં લગ્નના પ્રથમ વર્ષમાં જ પતિ દ્વારા અથવા સાસરિયાઓ કોઈને કોઈ પ્રકારની ઘરેલું હિંસાનો ભોગ બને છે! નવાઈની વાત એ છે કે પુરુષના અત્યાચારની વિરુદ્ધમાં ઈરાનમાં કોઈ મજબૂત સંસ્થાગત સુરક્ષા વ્યવસ્થા નથી! તો રૂઢિચુસ્ત માનસિકતાવાળા સમાજમાં, લગ્ન પછી સાસરિયામાં ત્રાસના મુદ્દે માબાપ પણ દીકરીને સાથ નથી આપતાં! એ સમાજ સુધારના નામે અહીં સ્ત્રી પર થતા અત્યાચારનો અભ્યાસ પણ હવે શરૂ થયો છે એ પણ તંત્ર દ્વારા નહીં, પરંતુ સામાજિક મહિલા સંગઠનો દ્વારા! લંડનસ્થિત માનવધિકાર એમ્નેસ્ટી ઇન્ટરનેશન તેણે હાથ ધરેલા ઇરાનના સર્વેના આધારે જણાવે છે કે, સમાજિક તેમ જ કાનૂની સ્તરે પણ સ્ત્રીઓએ ભેદભાવનો સામનો કરવો પડે છે. લગ્ન, છૂટાછેડા, પારિવારિક સંપત્તિ તેમ જ બાળકો પર હક જેવા મહત્ત્વના મુદ્દે સ્ત્રીઓ પોતાનો મત રાખી શકતી નથી. એ ત્યાં સુધી કે રાષ્ટ્રીય તેમ જ આંતરાષ્ટ્રીય યાત્રામાં પણ સ્ત્રીઓએ ભેદભાવનો સામનો કરવો પડે છે!)

ફરી મુદ્દા પર આવીએ તો, અધૂરામાં પૂરુ, પ્રમુખ મહમૂદ અહમદી નેજાદ 2005ની ચૂંટણીમાં અને  બીજીવાર 2009માં ચૂંટાયા બાદ તેના કટ્ટરવાદી સંકુચિત નિર્ણયોનાં કારણે સમાજમાં મહિલાઓની સ્થિતિ વધુ કથળી. ધીમે ધીમે સરકારના આ વલણ સામે અસંતોષ અને રોષ વધતાં ગયાં અને આવા જુલ્મી વલણની વિરોધમાં મહિલાઓ સડક પર ઉતરીને જાહેરમાં બોલતી થઈ. ધીમા ધીમા નાના મોટા ગણગણાટમાંથી આખરે 2017-2018માં એક જંગી સામૂહિક આંદોલન થયું જેમાં અસંખ્ય મહિલાઓ હિજાબ ઉતારી ખુલ્લા માથે સડક પર ઉતરી આવી. આવી મહિલાઓને ‘ગર્લ્સ ઓફ રિવોલ્યુશન સ્ટ્રીટ’ તરીકે ઓળખવામાં આવી.

ધાર્મિક સત્તાઓ ચિંતામાં પડી ગઈ અને આ આંદોલનનો અવાજ દબાવવા સરકાર તરફથી મહિલાઓ પર જાતજાતના દમન કરવામાં આવ્યા. આંદોલનકારી મહિલાઓ પર, રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ પ્રચાર, વિવિધ દેશવિરોધી જૂથોમાં સભ્યપદ, ભ્રષ્ટાચાર અને વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપવું, ન્યાયતંત્રમાં ઇસ્લામિક હિજાબ વિના હાજર થવું, જાહેર શાંતિ અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવી અને જાહેર અભિપ્રાયને ખલેલ પહોંચાડવાના હેતુથી જૂઠાણું પ્રકાશિત કરવું. વગેરે વગેરે કેસ દાખલ કરીને તેમનું મનોબળ તોડવા હિંસક અને અનૈતિક પ્રયાસો અને આકરામાં આકરી સજા! ઠેર ઠેર પોલીસ તેમ જ સરકારી કર્મચારીઓ દ્વારા હિજાબ તેમ જ અન્ય બાબતે મહિલાઓની હેરાનગતિએ એવી માઝા મૂકી કે મહિલાએ ઘરની બહાર પગ મુકવો ભારે પડી જાય.

જૂન 2018માં, ઈરાની માનવાધિકાર મહિલા વકીલ નસરીન સોતૌદેહ, કે જેણે હેડસ્કાર્ફ દૂર કરવા માટે ધરપકડ કરાયેલી મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમની ધરપકડ કરવામાં આવી અને રાષ્ટ્રીય સુરક્ષા-સંબંધિત ગુનાઓ માટે 38 વર્ષની જેલની સજા તેમ જ 148 કોરડા મારવામાં આવ્યા! તે 2018માં ઈરાનમાં ધરપકડ કરાયેલા સાત માનવ અધિકાર વકીલોમાંની એક છે.

16 સપ્ટેમ્બર 2022ના રોજ, મહસા અમીની નામની 22 વર્ષીય ઈરાની મહિલાની ખોટી રીતે હિજાબ પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી અને ત્યાર બાદ પોલીસના દમનથી તેનું મૃત્યુ થઈ જતાં આ ઘટનાએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું અને દુનિયાના વિવિધ હિસ્સામાં હિજાબ વિરોધી પ્રદર્શન થયા.

ઈરાન માનવધિકાર પંચના કહેવા મુજબ જાન્યુઆરી 2023 સુધીમાં  ઈરાનમાં  64 સગીર સહિત 481 લોકો માર્યા ગયાં. આ સિવાય હજારો લોકો ઘાયલ થયાં. પોલીસની ક્રૂરતા એટલી હદની હતી કે તેમણે આ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો તો વળી ક્યાંક રબરની ગોળીઓથી અનેક લોકોની આંખોને નુકસાન થયું. એટલું જ નહીં, વિરોધને કચડી નાખવા માટે વીસેક હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી. 

તેમ છતાં, ઈરાનમાં માનવધિકાર અને સ્વતંત્રતાની લડતનો જાણીતો અને લોકપ્રિય ચહેરો, મહિલા સ્વતંત્રતાનું સમર્થન કરનાર નરગીસ મોહમ્મદીએ જેલમાં રહીને આ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. તેણે જેલમાંથી જ પોતાના સાથીઓની રાહબરી કરી અને દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન માટે પોતાનું સમર્થન નોંધાવ્યું. લોકોએ તેના માર્ગદર્શન તેમ જ તેના આદર્શોને અનુસરીને અભિયાનને સંપૂર્ણ સમર્થન આપ્યું. પરિણામે વિરોધ પ્રદર્શનો, આંદોલનો એટલા તેજ થયાં કે આ પરિસ્થિતિ 1979માં ઈસ્લામિક ક્રાંતિ પછી ઈરાનની સરકાર માટે “સૌથી મોટો પડકાર” બની ગઈ!

ઉપરની પૂર્વભૂમિકાનું કારણ એ જ કે જ્યાં પુરુષનાં અત્યાચાર વિરુદ્ધ બોલવું સુધ્ધાં ગુનો કે પાપ લેખાય છે ત્યાં માનવાધિકારનું હનન કરતી ઈરાન સરકારની આ અને આવી અનેક દમન નીતિઓ, મહિલાઓનું દમન -તેમનાં સ્વાતંત્ર્ય પર તરાપ, શરિયા કાનૂન અને ઇસ્લામિક કટ્ટરવાદ અને તેના અમાનવીય મૂલ્યોને પડકારતી એક મહિલા, નરગીસ મોહમ્મદી સતત ત્રીસ વરસથી આવી અમાનવીય જાલિમ સરકાર સામે, માનવ હોવાના મૂળભૂત હક્ક માત્ર માટે લડી રહી છે અને આ લડતમાં તેણે પોતાની જિંદગીનો એક નોંધપાત્ર હિસ્સો જેલમાં પસાર કરવો પડ્યો છે, પારાવાર યાતના વેઠવી પડી છે.

કોણ છે ઈરાનની નરગીસ મોહમ્મદી?

નરગીસનો જન્મ 21 એપ્રિલ 1972ના રોજ ઈરાનના કુર્દીસ્તાનના ઝંઝાન શહેરમાં થયો. મોહમ્મદીનું બાળપણ ઝંઝાનમાં સેન્ટ્રલ સિટીમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં વીત્યું હતું. તેના પિતા ખેડૂત હતા અને રસોઈયા તરીકે કામ કરતા હતા. જો કે તેમની માતાનો પરિવાર રાજકારણ સાથે સંકળાયેલો હતો. જ્યારે ઇસ્લામિક ક્રાંતિએ 1979માં રાજાશાહીનો અંત લાવ્યો, ત્યારે તેના એક્ટિવિસ્ટ મામા અને બે પિતરાઇ ભાઇઓની ધરપકડ કરવામાં આવી હતી. મોહમ્મદીએ કાઝવિન શહેરમાં પરમાણુ ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અહીં તે કોઈ મહિલા વિદ્યાર્થી સંગઠનમાં જોડાવા માંગતી હતી, પરંતુ ત્યાં એવું કોઈ સંગઠન હતું નહીં. આ પછી નરગીસે ​​પોતે જ, મહિલા હાઇકિંગ જૂથ અને નાગરિક જોડાણ જૂથ નામની સંસ્થાઓ બનાવી. તેની યુનિવર્સિટી કારકિર્દી દરમિયાન, તેણે વિદ્યાર્થી સમાચારપત્રમાં મહિલા અધિકારોના સમર્થનમાં લેખો લખ્યાં હતાં અને આ સંદર્ભે રાજનૈતિક વિદ્યાર્થી  “પ્રબુદ્ધ વિદ્યાર્થી જૂથ” =ની બે બેઠકોમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે પર્વતારોહણમાં પણ સક્રિય હતી, પરંતુ બાદમાં તેની રાજકીય પ્રવૃત્તિઓને કારણે પર્વતારોહણમાં જોડાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ યુનિવર્સિટીમાં જ તેની મુલાકાત તેના ભાવિ પતિ, માનવ અધિકારોના હિમાયતી અને ધર્માંધતાના વિરોધી પ્રોફેસર રહેમાની સાથે થઈ હતી.

ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરનાર નરગીસે ​​અભ્યાસ પૂરો કર્યા બાદ એન્જિનિયર તરીકે કામ કર્યું.  1990 આસપાસ, આ સાથે તેણે ઘણા અખબારો માટે લેખિકા તરીકે કામ કર્યું. ધીમે ધીમે તેણે મહિલા અધિકારો સમર્થનમાં લખવાનું શરૂ કર્યું અને સરકારને સવાલો કર્યા. મોહમ્મદીએ ઘણા સુધારાવાદી અખબારો માટે પત્રકાર તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું અને “ધ રિફોર્મ્સ, ધ સ્ટ્રેટેજી એન્ડ ધ ટેક્ટિક્સ” નામનું, રાજકીય નિબંધોનું પુસ્તક પ્રકાશિત કર્યું. બાદમાં તેઓ ઈરાનમાં માનવધિકાર તેમ જ મહિલા માટે કાર્યરત મહિલા એક્ટિવિસ્ટ શિરીન એબાદી, કે જેઓ 2003ના નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા છે; તેમની સંસ્થા ડિફેન્ડર ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર (DHRC) સાથે જોડાયાં અને તેના ઉપાધ્યક્ષ બન્યાં.

1999માં, તેણે તેના સાથી અને સુધારાવાદી પત્રકાર – પ્રોફેસર તાગી રહેમાની સાથે લગ્ન કર્યા. નરગીસ મોહમ્મદીના પતિ તાગી પણ સોશ્યલ-પોલિટીકલ એક્ટિવિસ્ટ ખરા અર્થમાં સમાજસેવી અને ક્રાંતિકારી છે. લગ્ન બાદ ટૂંક સમયમાં જ રહેમાનીની સુધારાવાદી અને ધર્માંધતાને પડકારતી પ્રવૃત્તિને લઇને ધરપકડ થઈ અને તેઓ 14 વર્ષની જેલની સજા ભોગવીને 2012માં ફ્રાન્સમાં સેટલ થયાં, જ્યારે મોહમ્મદીએ ઈરાનમાં રહી તેના માનવાધિકાર કાર્ય ચાલુ રાખ્યાં. નરગીસનું કહેવું છે કે મારો પરિવાર ઈરાનમાં સ્થિત હોય તો સરકાર પરિવારને હથિયાર બનાવીને મારા કામમાં અવરોધ ઊભો કરી શકે. માટે મારો પરિવાર મારાથી દૂર, બીજા દેશમાં જ રહે એ સુરક્ષિત છે; એ વિચારીને અમે પતિ-પત્નીએ આ નિર્ણય લીધો છે. મોહમ્મદી અને રહેમાનીને એક દીકરો એક દીકરી, બન્ને જોડિયાં બાળકો છે.

નરગીસે મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવવાની સાથે મૃત્યુદંડ નાબૂદ કરવા અને કેદીઓના અધિકારોની સુરક્ષા માટે વકીલ તરીકે માનદ્દ સેવાઓ આપી છે. માનવાધિકાર સાથે જોડાયેલાં આ કાર્યોને કારણે નરગીસ ઈરાન સરકારની આંખોમાં કાંટો બની ગયાં. જ્યારે ઈરાન સરકાર તેમને રોકવામાં નિષ્ફળ રહી તો તેઓએ નરગીસ પર અનેક આરોપો લગાવ્યા અને પરિણામે સરકારી દમન તેમ જ ઘણી વખત જેલમાં જવું પડ્યું. નરગીસ મોહમ્મદીને તેના બહાદુરીભર્યા સંઘર્ષની ભારે કિંમત ચૂકવવી પડી છે. ઈરાનમાં તેની અત્યાર સુધીમાં 13 વખત ધરપકડ કરવામાં આવી છે, પાંચ વખત દોષિત ઠેરવવામાં આવી છે, 31 વર્ષની જેલ અને 154 કોરડાની સજા મળી છે. સરકાર વિરુદ્ધ બોલવા અંગે નરગિસને 1998માં એક વર્ષની જેલની સજા થઈ હતી. ત્યારબાદના વર્ષોમાં સરકારે તેમના પર કેદીઓના પરિવારને મદદ કરવાનો આરોપ લગાવ્યો અને આ માટે તેની 2011માં ધરપકડ કરવામાં આવી હતી. 2 વર્ષ જેલમાં રહ્યા બાદ તેને  એપિલેપ્સી જેવા રોગથી અસરગ્રસ્ત થવાનાં કારણે જામીન મળી ગયા. આ પછી પણ સમાનતા માટે લડતાં નરગીસ ફાંસીની સજા વિરુદ્ધના અભિયાનમાં જોડાયાં. આ કારણે 2015માં ફરી એકવાર તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સજામાં વધારો કરવામાં આવ્યો. ત્યારથી તે જેલમાં છે. પરંતુ તે ન તો અટક્યાં કે ન ક્યારે ય ડર્યાં છે!

તેમણે ઈરાનમાં સામાજિક સુધારાની દલીલ કરતા અનેક લેખો લખ્યા છે. તેના પુસ્તક ‘વ્હાઈટ ટોર્ચરઃ ઈન્ટરવ્યુઝ વિથ ઈરાની વુમેન પ્રિઝનર’માં તેણે, જેલમાં મહિલા કેદીઓની દુર્દશા, તેમનું યૌન ઉત્પીડન અને અનેક મહિલાઓને કેવા કેવા નજીવા કારણોસર જેલની સજા મળી છે તેના વિશે સ્ફોટક માહિતી લખી છે. આ પુસ્તકને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને હ્યુમન રાઈટ્સ ફોરમમાં રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ માટે એવોર્ડ પણ મળ્યો છે.

ઉપર જણાવી ગયાં એ 2022-2023ના સરકાર વિરોધી આંદોલનો પછીથી જેલ સત્તાવાળાઓએ નરગીસ પર વધુ કડક નિયંત્રણો લાદી દીધાં છે. તેને ફોન પર કોઈની સાથે વાત કરવા કે કોઈને મળવા પર પણ પ્રતિબંધ છે. પરંતુ કોઈક રીતે નરગિસ ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ને એક લેખ મોકલી આપવામાં સફળ રહ્યાં અને આ અખબારે તેને મહસા અમીનીની હત્યાના પ્રથમ વર્ષે પ્રકાશિત કર્યો. મોહમ્મદીએ આ લેખમાં બીજી અનેક સ્ફોટક વાતો સાથે કહ્યું હતું કે, “તેઓ અમારામાંથી જેટલા વધુ લોકોની ધરપકડ કરશે, અમે એટલા જ વધુને વધુ મજબૂત થતાં રહીશું.”

નોર્વેજિયન નોબેલ સમિતિએ 259 વ્યક્તિઓ અને 92 સંસ્થાઓ સહિત 351 ઉમેદવારોમાંથી વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ શાંતિ પુરસ્કાર માટે આ વર્ષના વિજેતાની પસંદગી કરી છે. નરગીસ નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર 19મી મહિલા છે અને 2003માં શિરીન એબાદી પછી આ એવોર્ડ જીતનાર બીજી ઈરાની મહિલા છે. વળી 122 વર્ષના ઇતિહાસમાં આ પાંચમી વખત છે જ્યારે શાંતિ પુરસ્કાર એવી વ્યક્તિને આપવામાં આવ્યો છે જે જેલમાં કે નજરકેદ છે.

નોર્વેની નોબેલ કમિટીએ નરગિસ વિશે કહ્યું કે, “નરગિસ મોહમ્મદીને આ વર્ષનું નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરીને, નોર્વેજિયન નોબેલ સમિતિ ઈરાનમાં માનવાધિકાર, મહિલાઓના દમન, સ્વતંત્રતા અને લોકશાહી માટે તેમની હિંમતવાન લડતને સન્માનિત કરવા ઈચ્છે છે.” સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે “આ વર્ષનું શાંતિ પુરસ્કાર ઇરાનના એવા લાખો લોકોને પણ સન્માનિત કરે છે જેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલાઓ સામે ભેદભાવ અને દમનની ધાર્મિક નીતિઓનો વિરોધ કર્યો છે.”

છઠ્ઠી ઓક્ટોબરે નોબેલ શાંતિ પુરસ્કાર તેને એનાયત કરવામાં આવ્યો, ત્યારે જેલમાં બંધ નરગિસ મોહમ્મદી કહ્યું કે, “આ સન્માન માત્ર જુલમ સામે લડવાના મારા સંકલ્પને મજબૂત કરે છે, પછી ભલે તેનાં માટે પોતાની બાકીની જિંદગી જેલના સળિયા પાછળ વિતાવવી પડે. હું લોકશાહી, સ્વતંત્રતા અને સમાનતા માટે પ્રયત્ન કરવાનું ક્યારે ય બંધ કરીશ નહીં. ઈરાનની બહાદુર માતાઓ સાથે ઊભા રહીને હું મહિલાઓની મુક્તિ સુધી દમનકારી ધાર્મિક સરકાર દ્વારા સતત ભેદભાવ, જુલમ અને લિંગ આધારિત જુલમ સામે લડતી રહીશ.”

નરગિસના પારિવારિક સૂત્રએ જણાવ્યું કે, “જો કે તેની ગેરહાજરીનાં વર્ષો અમારા માટે ક્યારે ય ભરપાઈ થઈ શકશે નહીં, પરંતુ વાસ્તવિકતા એ છે કે નરગિસના શાંતિ માટેના પ્રયત્નોને માન્યતા આપવાનું સન્માન એ અમારી અવર્ણનીય વેદના માટે આશ્વાસનનો સ્રોત છે, હું જાણું છું કે નોબેલ પુરસ્કાર તેમને તેમના ધ્યેયો હાંસલ કરવામાં મદદ કરશે, આ દિવસ એક ધન્ય દિવસ છે.”

2003 નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા ઈરાની મહિલા અને નરગિસના આદર્શ, એબાદી શિરીન કહે છે કે, “આ પુરસ્કારનો અર્થ એ છે કે વિશ્વ ઈરાનમાં મહિલાઓના અધિકારો માટે થઈ રહેલી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી રહ્યું છે, વિશ્વ જુએ છે કે સંસ્થાન કેવી રીતે  મહિલાઓ પર જુલમ કરે છે,”

ડિસેમ્બરમાં યોજાનારા નોબેલ સમારોહ વિશે નોબેલ સમિતિએ કહ્યું કે, “જો ઈરાની સત્તાવાળાઓ યોગ્ય નિર્ણય લઈને તેને મુક્ત કરી દેશે તો તે આ સન્માન પ્રાપ્ત કરવા માટે હાજર રહી શકશે, જેની અમે મુખ્યત્વે રાહ જોઈ રહ્યા છીએ.” નોબેલ સમિતિ, હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનસ સહિત એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે મોહમ્મદીની તાત્કાલિક મુક્તિ માટે અપીલ કરી છે.

પણ ઇરાનની સત્તાનું આક્રમક વલણ જોતાં એવું થવું શક્ય લાગતું નથી.

આ પુરસ્કારની આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા જ્યારે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી રહી છે ત્યારે ઈરાને તેને “પૂર્વગ્રહયુક્ત અને રાજનૈતિક” કાર્યવાહી તરીકે વખોડી કાઢ્યો છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનાનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, “અમે એ વાતની નોંધ લઈએ છીએ કે નોબેલ શાંતિ સમિતિએ એક એવી વ્યક્તિને શાંતિ પુરસ્કાર એનાયત કર્યો છે જે કાયદાઓ અને ગુનાહિત કૃત્યોના વારંવાર ઉલ્લંઘન માટે દોષિત છે! અમે આ પક્ષપાતી અને રાજકીય પગલાંની નિંદા કરીએ છીએ!”

જ્યારે નરગિસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે ત્યારે ઈરાનની જેલમાં સૌથી કઠિન અંધારી કોઠરીમાં જેલવાસ કાપી રહેલી નરગિસની હાલત ઈરાન સરકારે બદતર કરી રાખી છે. જેલવાસ દરમ્યાન તે કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બની ચૂકી છે. ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ના એક પત્રકારને જણાવતા તેણે ખૂબ ભાવુક થઈને કહ્યું હતું કે, બીજી યાતના તો ઠીક પણ હું આઠ આઠ વર્ષથી મેં મારાં બાળકોને નથી જોયાં!  છેલ્લે એક વર્ષ પહેલા તેની જોડિયા દીકરી-દીકરો, અલી અને કિયાનાનો અવાજ સાંભળ્યો હતો, એમ કહેતાં તેની આંખમાંથી આંસુ સરી પડે છે પણ છતાં ય તે બીજા અનેક બેજુબાન નિર્બળ લોકોનાં આંસુની કિંમત વસૂલ કરવાં કે એમની આંખોમાં હવે આંસુ ન આવે એટલાં માટે લડે છે! સત્તા સામે સત્યના આ સંઘર્ષમાં તે પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકી છે પણ છતાં ય તેની હિંમત, પીડિતો પ્રત્યેની દયા, કરુણા અને માનવીય ફરજો પ્રત્યેની નિષ્ઠા હજુ ય અકબંધ છે. તેથી જ તેહરાનની કુખ્યાત ઇવિન જેલની અંધારી કોટડી અને એકાંતવાસ પણ તેના શક્તિશાળી અવાજને કચડી શક્યા નથી.

તેણે અમાનવીય વલણો અને ધર્માંધતા વિરુદ્ધ એવી મોટી જંગ છેડી છે કે જે વિશ્વ ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપે હંમેશાં હંમેશાં લેખાશે અને વળી તેને મળેલો નોબેલ શાંતિ પુરસ્કાર, જંગી રૂપ ધારણ કરી ચૂકેલાં સ્થાપિત હિતો અને આંતરાષ્ટ્રીય ધાર્મિક તાકાતો સામે એક એકલવીર યોદ્ધાની ભવ્ય જીત લેખાશે!

[21 ઑક્ટોબર 2023ના “અભિયાન”માં આ લેખ પ્રગટ થયો છે.]
હિમાદ્રીબહેન આચાર્ય દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

14 October 2023 Vipool Kalyani
← સ્ત્રીને પોતાનું આકાશ મળવું બાકી છે …
ચલ મન મુંબઈ નગરી—218 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved