મહાત્મા ગાંધીને અંગત કહી શકાય તેવા મિત્રો ન હતા, પરંતુ મિત્રતાની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું હતું, "જે મિત્રતા દરેક બાબતમાં સહમતીનો આગ્રહ રાખે તેને મિત્રતા ન કહેવાય. સાચી મિત્રતા એને કહેવાય જે પ્રમાણિક અને તીક્ષ્ણ મતભેદોને પણ સહન કરી શકે." મિત્રતાની તેમણે આ વ્યાખ્યા જાહેરજીવનમાં આવ્યા પછી કરી હતી, કારણ કે તેઓ એ રાહ પર ચાલતા હતા, જ્યાં ડગલેને પગલે મતભેદોને અવકાશ હતો. ગાંધીજી દરેકને પોતાનો મિત્ર જ માનતા હતા, કારણ કે સમભાવ રાખવો તેમનો સૌથી મોટો ગુણ હતો. એટલા માટે જ, ૨૩ જુલાઈ, ૧૯૩૯ના રોજ તેમણે એડોલ્ફ હિટલરને પત્ર લખ્યો, ત્યારે તેમાં તેમણે હિટલરને પણ 'માય ફ્રેન્ડ'નું સંબોધન કર્યું હતું.
એ અર્થમાં તેમના અનેક મિત્રો હતા, પરંતુ આપણે જે ઇન્ટિમેટ અથવા દિલોજાન દોસ્તીની વાત કરીએ છીએ, એ અર્થમાં ગાંધીજીના કોઈ મિત્રો હતા? તમને આશ્ચર્ય થશે, પરંતુ તેમને એવા કોઈ મિત્રો ન હતા એટલું જ નહીં, ગાંધીજી એ પ્રકારની અંગત મિત્રતાના વિરોધી હતા. આપણે મિત્રો સાથે મોટા થઇએ છીએ અને મિત્રતા આપણને મોટા કરે છે. આપણે બે પ્રકારની જિંદગી જીવીએ છીએ; અંગત અને ખુલ્લી. આપણા મિત્રો પણ બે પ્રકારના હોય છે; જેની સાથે સુખ-દુઃખની ખાનગી વાતો શેઅર કરી શકાય તેવા, અને જેની સાથે સામાજિક કે વ્યવસાયિક જીવનની આપલે થઇ શકે તેવા.
એવું કહેવાય છે કે જે લોકો અધ્યાત્મની કક્ષાએ પહોંચી જાય છે, તેઓ અંગત સંબંધોની દુનિયામાંથી મોક્ષ લઇ લે છે. ગાંધીજીના કિસ્સામાં એ પ્રક્રિયા યુવાનીમાં જ શરૂ થઇ ગઈ હતી. એ જ્યારે હાઇ સ્કૂલમાં ભણતા હતા, ત્યારે જ તેમને પહેલીવાર એવો અહેસાસ થયો હતો કે તેઓ અંગત મિત્રતા માટે બન્યા જ નથી. અંગત મિત્રતાથી મોઢું ફેરવી લેવા વિશે તેમણે વિગતવાર લખ્યું છે.
ત્યારે તેમને અમુક અંગત મિત્રો હતા. તેમાંથી બે મિત્રોના સંબંધમાં તેમનો અનુભવ સારો ન હતો. એક મિત્રતા લાંબી ટકી ન હતી, કારણ કે ગાંધીજીએ બીજો એક મિત્ર બનાવ્યો તો પહેલા મિત્રએ નારાજ થઈને સંબંધ કાપી નાખ્યો. બીજાની મિત્રતા ઘણાં વર્ષો ચાલી, પણ ગાંધીજી તે સંબંધને 'મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ' ગણાવે છે.
એ મિત્ર(ગાંધીજીએ તેનું નામ નથી આપ્યું) હકીકતમાં તેમના વચેટ ભાઈ કરસનદાસ ગાંધીનો મિત્ર હતો. આ મિત્ર અને કરસનદાસ એક જ ક્લાસમાં હતા. ગાંધીજી કહે છે કે આ મિત્રમાં દુર્ગુણો હતા (કદાચ એ શરાબ, માંસાહાર અને બીડીઓ પીવા તરફ ઈશારો હતો) અને તેમના ભાઈ તેમાં 'અભડાઈ' ગયેલા હતા. ગાંધીજી તેને સુધરવા માટે તેના મિત્ર બન્યા હતા, પણ એમાં ગાંધીજી પોતે માંસાહાર(અને બીડીઓ પીવાના)ના રવાડે ચઢ્યા.
તેમનાં માતા પૂતળી બાઈ, મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધી અને પત્ની કસ્તૂરબાને ગાંધીજીની આ મિત્રતા ગમતી ન હતી અને ત્રણેએ ગાંધીજીને ચેતવ્યા હતા. ગાંધીજી ન માન્યા. ઉપરથી મિત્રતાને ઉચિત ઠેરવતાં કહ્યું, "તમને તેના દોષની ખબર છે, પણ ગુણ ખબર નથી. મને તે આડે માર્ગે નહીં લઇ જાય, કેમ કે મારો તેની સાથેનો સંબંધ કેવળ તેને સુધારવાને ખાતર છે. તે જો સુધરે તો બહુ સરસ માણસ નીવડે એમ મારી ખાતરી છે. તમે મારા વિશે નિર્ભય રહેજો."
પરિવારે વિશ્વાસ કરી લીધો. આ મિત્રના પ્રતાપે જ ગાંધીજીને 'જ્ઞાન' થયું હતું કે રાજકોટના શિક્ષકો, ગૃહસ્થો અને હાઇ સ્કૂલના વિધાર્થીઓ માંસાહાર અને મદ્યપાન કરે છે. ગાંધીજીને તેનું દુઃખ અને આશ્ચર્ય તો થયું, પણ વાત ત્યાં ન અટકી. આ મિત્ર અને તેના ભાઈબંધોએ ગાંધીજીને એવું ઠસાવી દીધું કે આપણે માંસાહાર નથી કરતા એટલે જ આપણે માયકાંગલા રહી ગયા છીએ અને અંગ્રેજો એ ખાઈને તગડા થયા છે એટલે આપણા પર રાજ કરે છે! તેમના વચેટ ભાઈએ પણ એમાં સૂર પુરાવ્યો.
અંગ્રેજોને સમજવાનું ગાંધીજીનું એ સૌ પહેલું 'લેશન' હતું, પણ એમાં તેઓ એ પાઠનો અમલ પોતાના પર જ કરતા થઇ ગયા. ગાંધીજીની સરખામણીમાં તેમનો મિત્ર પહેલવાન અને હિમ્મતવાન હતો. એ દોડતોકુદતો હતો અને માર ખાવાની શક્તિ હતી. ગાંધીજી માયકાંગલા અને બીકણ હતા. એ બીમાર રહેતા હતા અને ચોર, ભૂત, સાપ વગેરેથી ડરતા હતા. ગાંધીજીએ મિત્ર જેવા થવા માટે માંસાહાર ચાલુ કરી દીધો! “દેશ આખો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય, એમ હું માનતો થયો.” એમ તેઓ લખે છે.
ગાંધીજીએ એક વર્ષ સુધી પાંચ-છ વખત માંસાહાર કર્યો, પણ એમાં ઘરે જૂઠું બોલવું પડતું હતું. તેમનો આત્મ ડંખવા લાગ્યો, અને માતાપિતાને છેતરવાં ન પડે એટલે પછી માંસાહાર બંધ કરી દીધું. મિત્રનો પ્રભાવ હજુ પણ પડવાનો હતો. એકવાર એ મિત્ર ગાંધીજીને વેશ્યા પાસે લઇ ગયો. પૈસાનો વ્યવહાર મિત્રએ કર્યો હતો. ગાંધીજીએ સ્ત્રી સાથે રૂમમાં પુરાયા. તેઓ લખે છે, “આ કોટડીમાં હું તો આંધળો જ થઇ ગયો. મને બોલવાનું ભાન ન રહ્યું. શરમનો માર્યો સ્તબ્ધ થઇ એ બાઇની પાસે ખાટલા પર બેઠો, પણ બોલી જ ન શકયો. બાઇ ગુસ્સે થઇ ને મને બેચાર ‘ચોપડી’ ને દરવાજો જ બતાવ્યો. તે વેળા તો મારી મરદાનગીને લાંછન લાગ્યું એમ મને થયું, ને ધરતી મારગ દે તો તેમાં પેસી જવા ઈચ્છ્યું.”
આવા બીજા ચાર પ્રસંગો તેમની જિંદગીમાં આવ્યા હતા, પણ તે તેમાંથી બચી ગયા હતા. આ અનુભવોમાંથી ગાંધીજી અંગત મિત્રતાથી વિમુખ થઇ ગયા. તેમની આત્મકથામાં તેઓ લખે છે, “સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે. જેને આત્માની, ઈશ્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે.”
ગાંધીજીએ એ પછી ક્યારે ય કોઈ અંગત મિત્રતા કેળવી ન હતી. પાછળથી તેમના જે પણ મિત્રો બન્યા હતા, તે તેમના સાર્વજનિક જીવન સાથે સંકળયેલા હતા. ગાંધીજીએ તેમનું અંગત જીવન જ સાર્વજનિક કરી નાખ્યું હતું એટલે ઘનિષ્ઠ મૈત્રીની જરૂરિયાત ખતમ થઇ ગઈ હતી.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 ઑગસ્ટ 2021
![]()


લેખિકા મધ્ય પ્રદેશનાં આદિવાસીબહુલ જિલ્લા ઝાબુઆમાં નઈ તાલીમ પ્રેરિત આદિવાસી બાળકોની શાળાનું સંચાલન કરી રહ્યાં છે. કોરોના દરમિયાન પગપાળા નીકળેલા આપણા દેશના સ્થળાંતરિત શ્રમિકોની વેદના અને પીડાના સંદર્ભમાં એમણે સ્ટાઇનબેકની પ્રથિતયશ નવલકથાને સાંકળવા સાથે સરકાર અને કઠિત સુખી વર્ગનું વાસ્તવચિત્ર અહીં પ્રસ્તુત કર્યું છે.
નવલકથાનો આરંભ ઓકલેહમા પ્રાંતની ખડકાળ અને ધુસર ભૂમિવાળા પ્રદેશથી થાય છે. સન ૧૯૩૦નો દુર્ભાગ્યશાળી દશક ચાલી રહ્યો છે, સાથે કુદરત પણ રિસાઈ ગઈ છે. વરસાદ બિલકુલ નથી પડ્યો, અત્યંત ધૂળવાળી આંધીઓના આવવાથી બધાં ખેતરોમાંની ખેતી નષ્ટ પામી છે. ભારી તાપથી ધરતી ફાટી ગઈ છે. દૂર-દૂર સુધી સુસવાટા મારતો પવન ધૂળની ડમરીઓથી આખા વિસ્તારમાં તોફાન મચાવી રહ્યો છે. ખેતીની બરબાદીથી ખેડૂતો કંગાળ થયા છે અને તેમાં પણ મોટા ખેડૂતોને ત્યાં કામ કરતાં મજૂરવર્ગના ખેડૂતોની સ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે. નવલકથાનો આરંભ જ એટલો વિષાદપૂર્ણ છે કે વાંચક હવે આગળ શું થશે-ની ફિકર કરવા લાગે છે.
આ બંને કોઈ પક્ષના કે ધર્મના ન હતા. માનવધર્મ તેમનો ધર્મ હતો અને અન્યને નહીં, પણ પોતાની જાતને વફાદાર હતા અને આત્માના અવાજને જ અનુસરતા હતા. પોતે અન્યને અંતરાયરૂપ બને છે કે તેવું જરા પણ વાતાવરણમાંથી જણાય તો પોતાનું કાર્યક્ષેત્ર બદલાવી નાખતા. રજબઅલી તો ૧૯૩૦ના સમયમાં કરાંચીથી કાઠિયાવાડના લીંબડી ગામે આવ્યા અને કૉલેજના અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા. સ્વાતંત્ર્યની પ્રવૃત્તિઓ માટે ભાવનગર રાજ્યના તત્કાલીન દીવાન અનંતરાય પટ્ટણીનો પૂરો સાથ હતો. ઉંમરના પ્રમાણમાં તેમની દેહ્યદ્રષ્ટિ ખૂબ જ સરસ હતી. ભાવનગરના સુપ્રસિદ્ધ બોરતળાવમાં સાથે બોટિંગ કરતાં અનંતરાયે આશ્ચર્ય વ્યક્ત કરતાં રજબઅલી માત્ર ૧૬ વર્ષના છે, તે માનવા તૈયાર નહતા, પણ કમનસીબે તે વખતના ભાવનગરના કેટલાક રાજકારણીઓ રજબઅલીના વધતા જતા પ્રભાવથી ખિન્ન હતા. તેથી રજબઅલીએ તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર ભાવનગરથી અમદાવાદ કરી નાખ્યું. ભાવનગરમાં હતા, ત્યારે રજબઅલી અને તેમના મિત્રોની પ્રવૃત્તિઓનું સ્થળ ભાવનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર હાલમાં આવેલા કલાક્ષેત્રના મકાનમાં રહેલું, જેમાં ઝવેરચંદ મેઘાણીના જમાઈ અનિલભાઈ શાહ અને ચિત્તરંજન પાઠક, પ્રેમશંકરભાઈ ન. ભટ્ટ અને મહેન્દ્રભાઈ મેઘાણી સાથે જોડાયેલા રહેતા. આ બધા જ સ્વાતંત્ર્યસેનાનીઓ હતા, પણ દેશ સ્વતંત્ર થયા પછી આવા સેનાનીઓને અપાતું માસિક પેન્શન કોઈ લેતા હતા, તેવું યાદ નથી. મહેન્દ્રભાઈ મેઘાણીની વય ૯૬ વર્ષની છે. પ્રેમશંકરભાઈએ શાન્તિનિકેતનમાં ભાવનગર રાજ્યની સ્કૉલરશિપથી અભ્યાસ કર્યાનું જાણમાં છે.