ટેરવાંઓ મ્યૂટ છે ને લાગણી મ્યૂટન્ટ છે,
પ્રશ્નની પીડા જવાબો પાર ને પર્યંત છે.
સાંભળું તો ક્યાંથી મર્મર રક્તની હું સાભળું?
ઉર મહીં વાગ્યા કરે શું? કોઈ ઘેરા ઘંટ છે?
છે જરૂર લક્ષ્મણને મૃતસંજીવનની તે છતાં,
રામની સામે ચીરી છાતી ઊભા હનુમંત છે.
પથ્થરો ઊચકીને સૌના હાથમાં આંટણ પડ્યા છે,
વાંદરાઓ ઝાડ પર પાછા જવા ઉત્કંઠ છે.
અગ્નિને ખોળે નથી કેવળ સીતાનું શીલ, અહીં –
રાજ્યની ને ધર્મની અંત્યેષ્ટિયે નિર્બન્ધ છે.
2 / 5 / 2021
* કોરોનાકાળમાં બંગાળ ઈલેક્શનના પરિણામ પછી.
* પ્રથમ પંક્તિના વિચારબીજનું સૌજન્ય: ખેવના દેસાઈ
![]()


વાત છે પહેલી ઑગસ્ટ ૧૯૬૬ની. સ્થળ છે અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીની અગાસી. ચાર્લ્સ વ્હીટમેન નામનો એક “સજ્જન” પોતાની બંદૂક લઈને યુનિવર્સિટીના ૧૪ લોકોને મારી નાખે છે. અનેક લોકોને ઘાયલ કરે છે. ઘેરથી નીકળતા પહેલાં તેણે પોતાની મા અને પત્નીને પણ મારી નાખ્યાં. આ ઘટનાએ આખા અમેરિકાને હચમચાવી દીધું! ત્યાં સુધી કે ટાઈમ મેગેઝીને તેના કવર-પેજ પર આ વ્યક્તિનો ફોટો છાપ્યો. અંતે પોલીસે તેને ઠાર માર્યો. આ વર્તનનું કોઈ ખાસ કારણ? એ તપાસવા માટે પોલીસે એક ઇન્વેસ્ટીગેશન હાથ ધર્યું. પડોશીઓને ચાર્લ્સ વિશે પૂછ્યું તો લોકોએ કહ્યું એ તો એકદમ સજ્જન માણસ હતો અને કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો નથી કર્યો. અને અમારાં પડોશીઓના કૂતરાને પણ એ ફરવા લઈ જતો, એટલો માયાળુ માણસ હતો. પોલીસે એનું ઘર તપાસ્યું તો એમને ચાર્લ્સની ડાયરી મળી જેમાં એણે લખ્યું હતુંઃ “છેલ્લા કેટલાક સમયથી મારી અંદર શું ચાલી રહ્યું છે એ સમજાતું નથી. મને ઢંગધડા વગરના વિચારો આવે છે અને ખૂબ માથું દુઃખે છે. હું કંઇક એવું કરી બેસું કે જે મારે ન કરવું જોઈએ તો હું એવું ઇચ્છું છું કે મારાં મગજની autopsy કરવામાં આવે અને જોવામાં આવે કે એમાં કોઈ પ્રોબ્લેમ છે કે કેમ.” આ કામ માટે એણે ત્રીસ હજાર ડોલરનો ચેક પણ ડાયરીમાં મૂકેલો. ત્યાર બાદ એની ઇચ્છા પ્રમાણે તેના મગજનો ક્લિનિકલ અભ્યાસ કરવામાં આવ્યો અને જે પરિણામ આવ્યું એ સૌ માટે આશ્ચર્યજનક હતું. ચાર્લ્સના મગજમાં મોટી ગાંઠ હતી. મગજના જે ભાગમાં ગાંઠ હતી તેને amygdala કહેવાય છે જે આપણામાં રહેલા ગુસ્સા, હિંસા, ભય વગેરે જેવા ભાવોનું નિયંત્રણ કરે છે. એટલે એણે જે હત્યાઓ કરી તેને માટે એના મગજના amygdalaમાં જે ગાંઠ હતી તે જવાબદાર હતી એવું તારણ નીકળ્યું!