તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
સંવાદો કોઈ જ યાદ નથી, ને તો ય હું રોલ ભજવું છું.
નાયક છું, ખલનાયક છું, વક્તા છું ને શ્રોતા પણ છું,
તાળી સાંભળી ફુલાઈ મનમાં, દરિયા જેટલું હરખું છું.
અંધાર તેજની વચ્ચે વચ્ચે, ચાંદ સૂરજ ભમતા જાય,
દૃશ્યો, અંકો ફરતા જાય, ને રોલ બદલાતાં મલકું છું.
વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
ક્યાંથી શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.
હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.
e.mail : ddhruva1948@yahoo.com
![]()


સહેજ પણ પરસેવો ન પડે એવો અંગૂઠાદાબ વ્યાયામ કરી રહ્યો હતો. હાથમાં રિમોટ-કંટ્રોલ પકડીને ખુરશીમાં આરામથી બેઠા બેઠા સેટેલાઇટ ચેનલને કુદાવી રહ્યો હતો. ત્યાં કોઈ એક ચેનલ ઉપર ગોરી ગાયિકા શકીરાને ગાતાં-નાચતાં, ઊછળતાં-કૂદતાં જોઈ. થોડી વારમાં ફળિયાની બહાર પાકા રસ્તા ઉપર ઝાડુ ઘસવાનો કર્કશ અવાજ કાને અથડાયો. મારો નજરભંગ થયો. એક સફાઈ-નારી જાહેરમાં પરસેવા-સ્નાન કરતી કરતી કચરો વાળી રહી હતી. રસ્તાની ધૂળ ઘરમાં ભરાઈ જશે એ મધ્યમ વર્ગીય બીકે મેં બારી-બારણાં ધડાધડ બંધ કરી દીધાં. હું તો ઘરમાં સલામત રીતે જાતે જ પુરાઈ ગયો.
આજે મહિલા દિવસ. ખરી ખોટી વાતોથી દિવસ પૂરો થશે. નેતાઓ ને કલાકારો નારીનાં ગુણગાન ગાશે, નારી છે ત્યાં દેવતાઓનો વાસ છે – જેવી વાતોથી આરતી ઉતારાશે અને દિવસ દરમિયાન જ નારી વળી અપમાન, છેડતી, બળાત્કાર કે હત્યાનો ભોગ બનશે. મહિલા દરેક ક્ષેત્રે આગળ વધી છે ને ઉજવણી વગર કે ઉજવણી સાથે પણ આગળ વધતી જ રહેશે. મહિલાઓને મફત શિક્ષણ અને નોકરી, રાજનીતિ, વગેરેમાં ભાગીદારી અપાઈ છે એની ના નથી, પણ આ બધું અધિકારને નામે દયાદાન જેવું વધારે છે, કારણ તેમાં સચ્ચાઈ ઓછી છે. મહિલા દિવસે થતાં સન્માનોમાં મહિલાઓ જ બીજી મહિલાનો હક મારીને કેવી રીતે સેલિબ્રિટિઝ સાથે ફોટા પડાવવા તે જાણી ગઈ છે એટલે એ મામલે તે પુરુષોને પાછળ મૂકી દે તો નવાઈ નહીં !