કાળમુખો કહે ભાગ હવે, ને કાળ કહે કે આવ,
બંધ પડી સૌ ચોખટો, તેની કોને કરવી રાવ ?
શહેર સડ્યું છે સન્નાટે, ને બંધ સમયના કપાટો !
પૂર્યા પેટના ખાડા જેણે, એ જ મારતું થપાટો ?
તારા હાથમાં ચાબૂક છે, ને મારે હાથ ચકામા
કામ પત્યું તો કાઢી મૂકયાં સમજીને નકામા !
માંગ્યા પેટે ઠોકે પોલીસ, મળ્યો ડંડાનો માર,
પાપી પેટે ખખડાવ્યું પણ ખૂલ્યું ન એકે દ્વાર !
લઈને માથે, લૂ વરસતું વૈશાખી આ આભ,
નીકળ્યા ખાલી પેટ, પાટા છે કે છે ભાવિનો ગાભ ?
ગતિમાન સૌ ગંઠાયાનો અમ જીવનમાં ખાર,
જીર્ણવસ્ત્રની ફાટી ધાર, ને થયું’તું તારે તાર.
વાટે આવી વૈતરણી તે કોણ કરાવે પાર ?
આવીશ, એવું કહી ગયો ‘તો, આવ્યો ન ધરાર !
સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ – 380 001
![]()


અમદાવાદમાં કોરોનાના કેસ ઓછા થવાનું જરા ય નામ જ નથી લઈ રહ્યા! પરિણામે કોરોનાને નિયંત્રણમાં લાવવા નવી ટીમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર પણ નિયુક્ત કરાયા. નવી ટીમે અમદાવાદને ૭મીથી ૧૫મી મે સુધી સંપૂર્ણ લૉક ડાઉન હેઠળ જાહેર કર્યું. દૂધ અને દવાની દુકાન સિવાય કંઈ જ ખુલ્લું રાખવાની પરવાનગી નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના મુજબ એ એક અઠવાડિયામાં શાકભાજીના ફેરિયાઓ અને કરિયાણાની દુકાનના દુકાનદારોના કોરોના ટેસ્ટ કરીને તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યાં, જેથી કરીને તેમનામાંથી કોઈ કોરોના સંક્રમિત હોય તો તેમને 'સુપર સ્પ્રેડર' બનતા અટકાવી શકાય.