જૉલી એલ.એલ.બી. ફિલ્મમાં જજના પાત્રનો એક સંવાદ છે, ‘વકીલસાહબ, કાનૂન અંધા હોતા હૈ … જજ નહીં, ઉસે સબ દિખતા હૈ’. આ સંવાદની યાદ અપાવે તેમ, સતત ઢાંકપિછોડાના મુડમાં રહેલી ગુજરાત સરકારની આરોગ્ય વ્યસ્થા વિશે ગુજરાત હાઇ કોર્ટે માર્ચ, ૨૦૨૦થી અત્યાર સુધીમાં ૧૧ વખત ટિપ્પણી કરી છે. અત્યાર સુધી ગુજરાત મૉડેલની ચર્ચા દેશ-વિદેશમાં થતી હતી. પરંતુ કોરોનાકાળમાં ગુજરાત મોડેલની આરોગ્ય વ્યવસ્થા વિશે ઘણા સવાલ ઊભા થયા. છે અને ખુદ અદાલતે એ મુદ્દે સરકારને ટપારવી પડી છે. ગુજરાત હાઇ કોર્ટ દ્વારા કરવામાં આવેલી મહત્ત્વની ટિપ્પણીઓ.
૧. એશિયાની સૌથી મોટી ગણાતી એવી સિવિલ હૉસ્પિટલને dungeon – અંધારકોટડી કહી છે. ઉપરાંત તેની આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે પણ કહ્યું છે.
૨. ગુજરાત હાઇકોર્ટના બે જજોની બેન્ચે કહ્યું કે તે ગમે ત્યારે સિવિલ હૉસ્પિટલની મુલાકાત લઈ શકે છે અથવા વીડિયો કોલ દ્વારા પણ સિવિલ હૉસ્પિટલના સ્ટાફ સાથે વાતચીત કરીને હૉસ્પિટલની સ્થિતિ અંગે જાણી શકે છે.
૩. અદાલતે કહ્યું કે સિવિલમાં મફત સારવાર કરાવનારા ગરીબ લોકો પણ માણસ છે. એમની માણસની જેમ સારવાર કરો, જાનવરની જેમ નહીં.
૪. એક ડૉક્ટરે કોર્ટને પત્ર લખીને સિવિલ હૉસ્પિટલની ખરાબ સ્થિતિ વિશે જણાવ્યું હતું. તેથી હાઇકોર્ટે આ વાતની તપાસ માટે એક સમિતિ નીમવાનો આદેશ આપ્યો છે.
૫. ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લેવાતી બેફામ ફીની પણ હાઇકોર્ટે નોંધ લીધી અને કહ્યું કે આ યુદ્ધની પરિસ્થિતિ છે. આવી સ્થિતિનો ફાયદો ઉઠાવવાનું ન વિચારશો.
૬. હાઇકોર્ટે કહ્યું કે ગુજરાતની સરકારી હૉસ્પિટલ આ મહામારીનો મુકાબલો કરવા માટે સક્ષમ નથી.
કોરોનાના કેસની સંખ્યામાં ૧૬,૭૫૨ કેસ સાથે ગુજરાત ચોથા નંબરે છે. પહેલાં ત્રણ રાજ્યો છેઃ મહારાષ્ટ્ર (૬૮,૧૦૮ કેસ), તમિલનાડુ (૨૨,૧૨૨ કેસ) અને દિલ્હી (૧૯,૭૧૨ કેસ). પરંતુ કોરોનાનો ભોગ બનેલા લોકોની સંખ્યાની રીતે ૧,૦૩૪ મૃત્યુ સાથે ગુજરાત મહારાષ્ટ્ર (૨,૨૯૬ મૃત્યુ) પછી બીજા ક્રમે છે. દિલ્હીનો મરણાંક ૪૩૨ અને તમિલનાડુનો ૧૬૬ છે. આમ, પ્રતિ હજાર દરદી મૃત્યુ આંક બાબતે ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં પ્રતિ હજારે ૬૧ દરદીઓ મૃત્યુ પામે છે. મહારાષ્ટ્ર (૩૩), દિલ્હી (૨૨) અને તમિલનાડુ (૭) ગુજરાત કરતાં ઘણાં પાછળ છે. (આંકડા ૧ જૂન, ૨૦૨૦ સુધીના)
e.mail : poojachaudhari5290@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020
![]()


(પ્લેગનિવારણનું) કામ કરતાં કરતાં લગભગ દરેક ગામે અમને બહુ જ મીઠો અનુભવ થતો. એવા એક બે પ્રસંગ તો બની જ જાય કે જેથી અમે પ્રેમસાગરમાં ડૂબકાં મારીએ અને અમને કાર્ય કરતાં ઉમળકો થાય. ઘરમાં જુવાન છોકરો પ્લેગથી ગુજરી ગયો હોય તેનાં માબાપ તે મરણના દુઃખમાં સીમમાં ઝૂરતાં હોય. જુવાનની માતા ઘેર આવે. અમે તેમને ઘર ઉઘાડવાનું કહીએ. તે ન ઉઘાડે. અમે સમજાવીએ કે ઘરને સાફ કરવું છે, દવા છાંટવી છે. તે બહેન દુઃખ સાથે કહે, ‘મારો જુવાનજોધ છોકરો પ્લેગમાં ગુજરી ગયો. ઘરની હવા બગડેલી, ઉંદર પડ્યા હતા, પણ અમે વેળાસર ઘર ન છોડ્યું અને તેને પ્લેગ લાગુ પડ્યો. મને લાગુ પડ્યો હોત તો આ વિયોગ સહન ન કરવો પડત. પણ હું તમને ઘર ઉઘાડવા નહીં દઉં. મારા છોકરા જેવા જ તમે બધા છો. તમારી માને પણ તમે મારા છોકરા જેટલા જ વહાલા હશો. તમને આવા જોખમમાં નહીં પડવા દઉં.’
જે લોકો એન્જિનિયરિંગ કંપનીઓ સાથે સંકળાયેલા હોય તેમને ખબર હશે કે આવી કંપનીઓ માટે માર્ચ મહિનો બહુ અગત્યનો હોય. સામાન્ય રીતે એ મહિને વર્ષનું સૌથી વધુ કામ થાય. ઘણી રાતોના ઉજાગરા થાય. એ મહિને સૌથી વધુ માલ રવાના થાય. આમ, માર્ચ મહિનો એ કમાવાનો મહિનો. મને યાદ છે કે આજથી 20 વર્ષ પહેલાં મશીનો મોકલવા અમારે એક મહિના પહેલાં ટ્રકો બૂક કરાવવી પડતી. એક-બે દિવસમાં બહારના રાજ્ય માટે ટ્રક માગો તો ન મળે. તેમાંયે માર્ચનું છેલ્લું અઠવાડિયું તો ભારે વ્યસ્ત હોય. કંપનીના દરેક સ્તરનો કર્મચારી — એન્જિનિયર કે કારીગર, ક્યારે ઘરે જશે તેનું કોઈ ઠેકાણું ના હોય. પછી એપ્રિલનો મહિનો એકદમ આરામનો મહિનો.