માર્ચ ૨૦૧૯ના ‘અભિદૃષ્ટિ’માં આચાર્ય એમ.કે. પટેલનો માહિતીપ્રદ લેખ ‘ડૉ. પી.જી. પટેલ’ વાંચ્યો. આમાંથી ફલિત થતા એક મુદ્દા વિશે લેખકને મેં પત્ર લખ્યો છે. મુદ્દો સમગ્ર શિક્ષણ જગતને તથા ગુજરાતી ભાષાના ગૌરવને સ્પર્શતો હોઈ જાહેરમાં મૂકવો આવશ્યક બને છે.
ગુજરાતી લખાણમાં અંગ્રેજી આદ્યાક્ષરો ટાળી ગુજરાતી આદ્યાક્ષરો વાપરવા એ ‘અભિદૃષ્ટિ’ની નીતિ છે. વળી, નામપૂર્વે ‘ડૉ.’, ‘પ્રા.’ જેવી પદવી / પદસૂચક શબ્દો પણ ટાળવાની નીતિ રહી છે. આ સંદર્ભે સંપાદક રોહિત શુક્લ દ્વારા વખતોવખત સૂચનાઓ પણ અપાઈ છે, ત્યારે આ લેખનું શીર્ષક તથા લેખકનામ વિપરીત કેમ હશે? આપણે આ વિચિત્રતાથી ટેવાઈ ગયા છીએ ને લેખમાં આ અંગે સુધારા કરવા હોય, તો સંપાદકે સમય આપવો પડે એ કારણે અપવાદ તરીકે આમ ચલાવાતું હશે?
પુરુષોત્તમભાઈ ગોકળદાસ પટેલનું ગુજરાતી ટૂંકું રૂપ પુ.ગો. પટેલ થાય; પી.જી. પટેલ કેવી રીતે થાય? હા, પીતાંબરભાઈ જીવરામદાસનું પી.જી. જરૂર થાય. અન્યથા એ ગુજરાતી લિિપમાં અંગ્રેજી જ ગણાય. આ મુદ્દે મેં પુ.ગો. જોડે દાયકા અગાઉ રૂબરૂ વાત પણ કરેલી. એટલું જ નહીં, એમને મેં સૂચવેલું કે એક લેખ ‘હવેથી હું પી.જી. નહીં, પુ.ગો. છું,’ એવા શીર્ષકે પણ આપો. જવાબમાં એમણે કહેલું કે ગૂજરાત વિદ્યાપીઠમાં હતો, ત્યાં સુધી પુ.ગો. હતો, પછી પાલનપુર પ્રાધ્યાપક – આચાર્ય તરીકે ગયો, ત્યારથી પી.જી. બન્યો! પુ.ગો. માતૃભાષા અભિયાન સાથે પણ સંકળાયેલ હતા, તેથી એમણે મારી વાત સ્વીકારવા જેવી હતી. વિદ્યાપીઠની મ.જો., મ.દે. મ.પ્ર.દે. જેવી માતૃભાષાનું ગૌરવ જાળવતી ટૂંકાક્ષરી પાલનપુરમાં છોડી દેવાઈ તે બરાબર નહોતું. ખેર! આવું કેમ બન્યું? આની પાછળ એક જ કારણ હોઈ શકેઃ અંગ્રેજીથી મળતી સાચીખોટી પ્રતિષ્ઠા છોડવી નથી. માતૃભાષાના ખરા પ્રેમીને, ‘પ્રગતિશીલ શિક્ષણ’ના તંત્રીને એ શોભે?
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કુલીનચંદ્ર પોપટલાલ યાજ્ઞિક કે.પી. યાજ્ઞિક ને કુ.પો. યાજ્ઞિક બંને રીતે જાણીતા છે, પરંતુ આ બંને નામ કંઈ વિકલ્પ નથી, કુ.પો. જ ગુજરાતી ગણાય, કે.પી. તો ગુજરાતી લિપિમાં અંગ્રેજી જ ગણાય (નહિતર કોઈ કેશવલાલ પીતાંબરદાસ પણ સમજી બેસે!) સાહિત્ય પરિષદના એક કાર્યક્રમમાં, દશ-બાર વર્ષ અગાઉ, રૂબરૂ મળવાનું થતાં તેમણે મને જણાવેલું કે તેઓ મારી વાત જોડે સંમત છે. કુ.પો. જ ગુજરાતી ગણાય. મેં એમને વિનંતી કરેલી કે આ વાત જાહેરમાં પણ મૂકો. પછી પત્ર દ્વારા પણ યાદ કરાયેલું પરંતુ કોઈ કારણે મારી વિનંતી હજી સુધી સ્વીકારાઈ નથી! આની પાછળનું કારણ પણ અંગ્રેજીથી મળતી પ્રતિષ્ઠા છોડવાની તૈયારી ઓછી હશે. એ જ હશે ને?
યાજ્ઞિકસાહેબ કુલપતિ હતા, ત્યારે ૨૨-૦૧-૧૯૯૧ના રોજ આ મુદ્દે મેં એમને, ઉ.ગુ. યુનિવર્સિટીના પરીક્ષા-નિયામકને તથા વડનગર કૉલેજના આચાર્યને સંયુક્ત પત્ર પાઠવેલો. ત્રણ મહાનુભાવો પૈકી કોઈનોયે ઉત્તર મળ્યો નહોતો. ૧૯૯૫માં પ્રગટ થયેલ મારા પુસ્તક ‘અબકડ કબ તક?’માં પરિશિષ્ટ-૨ તરીકે એ છપાયો છે.
હ.કા. કૉલેજના ગુજરાતીમાં એચ.કે. કૉલેજ કેમ કહી શકાય? કેમ લખી શકાય? આમ કરવું એ માતૃભાષાદ્રોહ ન ગણાય?
‘નવનીત-સમર્પણ’માં ઑગસ્ટ-૨૦૧૭ સુધી ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના પ્રમુખનું નામ સુરેન્દ્રલાલ જી. મહેતા આવતું હતું, તે સપ્ટેમ્બર ૨૦૧૭થી સુરેન્દ્રલાલ ગિ. મહેતા આવવા લાગ્યું છે. આમ અંગ્રેજી આદ્યાક્ષર જી. પડતો મૂકી ગજરાતી આદ્યાકાર ગિ. અપનાવ્યો છે. આ ભાષાસુધાર અનુકરણીય નથી?
ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળના માસિક ‘પુસ્તકાલય’માં થોડા મહિના અગાઉ સંપાદકોનાં નામ અંગ્રેજી આદ્યાક્ષરમાં આપતાં હતાં. ધ્યાન ખેંચવાથી હવે તે ગુજરાતી આદ્યાક્ષરોવાળાં આવે છે. (જયેન્દ્ર એસ. ભાવસાર નહીં, જયેન્દ્ર શાં. ભાવસાર અવિનાશ બી. મણિયાર નહીં, અવિનાશ ભો. મણિયાર વગેરે) સંસ્થાપ્રમુખનું નામ પણ જશવંતભાઈ એમ. પટેલને બદલે જશવંતભાઈ મ. પટેલ આપે છે. આ સુધારવૃત્તિ અનુકરણીય છે.
પુ.ગો.એ ધ્યાન ખેંચવા છતાં પી.જી. છોડ્યું નહીં. હવે તો તેઓ દિવંગત થયા, તો આપણે પણ પી.જી. લખતા રહેવું? મારો નમ્ર મત છે કે ના, પી.જી. શૈલી આપણે છોડી દેવી ને પુ.ગો. શૈલી જ અપનાવવી. મ.ક. પટેલ(એમ. કે. પટેલ)ના પ્રસ્તુત લેખમાં તેઓ આવી નોંધ કરી શક્યા હોત. પી.જી. તરીકે જાણીતા બનેલા પુ.ગો. વિશે હું લખું છું …. આવું બની શકે? હા, જરૂર બની શકે! ‘નવચેતન’કાર મુકુન્દ પી. શાહના કિસ્સામાં એમના દીકરાઓ વિજયભાઈ અને હેમન્તભાઈએ ‘નવચેતન’ના ડિસેમ્બર, ૨૦૧૪ના અંકથી સંવર્ધકનામ મુકુન્દ પી. શાહને બદલે મુકુન્દ પ્રા. શાહ આપવું શરૂ કર્યું છે. (કેમ કે પ્રાણજીવનદાસનું ટૂંકું રૂપ પ્રા. જ થાય.) સાહિત્ય-સામયિકજગતે આ પરિવર્તનીય નોંધ ભલે ન લીધી હોય અને તેને અનુસરનારા પણ ખાસ મળ્યા ન હોય છતાં એ મહત્ત્વની ઘટના છે. આજે નહીં તો આવતી કાલે ‘કુમાર’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’ સહિત અન્ય પત્રો પણ પુ.ગો. શૈલી અપનાવશે. એવી આશા રાખવામાં વાંધો નથી.
પી.જી.નું પુ.ગો. કરવામાં થોડી તકલીફ પડે તો તે, માતૃભાષાપ્રેમ ખાતર, સહર્ષ સપ્રેમ સ્વીકારી લેવી રહી. ગાંધીજીએ એમ.કે. ગાંધી યા મોહનદાસ કે. ગાંધી ક્યારે ય લખ્યું નથી, એ વાત ગાંધીજીની ૧૫૦મી જયંતી પ્રસંગે જો આપણે યાદ કરીએ, તો મો.ક. ગાંધી શૈલીનું પ્રચલન વધવા લાગે. ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત સરકાર સહિત સત્તાધીશ સંસ્થાઓએ આ મુદ્દે ગંભીર વિચારણા કરવી ઘટે.
ગુજરાતી લખાણમાં આદ્યાક્ષરો પણ ગુજરાતી જ જોઈએ, એ મુદ્દો ટૂંકમાં પણ સ્પષ્ટ રીતે કિશોરલાલ મશરૂવાળાએ ૩૧-૧૦-૧૯૪૮ના ‘હરિજનબંધુ’માં સમજાવ્યો છે. ઉપરાંત ગુજરાત સરકારે આ વાતના સમર્થનમાં સ.ઠ. (સરકારી ઠરાવ – G.R.) પણ ૨૦મી એપ્રિલ, ૧૯૬૭ના રોજ કરેલો છે. આ બંને લખાણો ‘અભિદૃષ્ટિ’ના એપ્રિલ ૨૦૦૮ના અંકમાં પ્રગટ થયેલ છે ને મારા પુસ્તક ‘જોડણીશુદ્ધિ’, ‘જોડણીસુધાર’માં ગ્રંથસ્થ પણ થયેલ છે. મારા પુસ્તક ‘અબકડ કબ તક?’માં પણ આ સંદર્ભે વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવી છે.
બાલેશ્વર વિહાર, બોપલ, અમદાવાદ.
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, [વર્ષ 13 • અંક : 138-139] મે – જૂન 2019; પૃ. 11-12