નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેની સોગંદવિધિ પ્રસંગે ભારતના પાડોશી દેશોના શાસકોને બોલાવ્યા હતા.
તેમણે એ પછી પાડોશી દેશોનો પ્રવાસ શરૂ કર્યો હતો અને દ્વિપક્ષીય તેમ જ સાર્ક દેશોમાં સંબંધો સુધારવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તેમણે દરેક દેશનો પ્રવાસ કર્યો હતો. સાઉથ એશિયાના દેશો ચીનની સોડમાં ન જાય અને ચીન ભારતના પાડોશી દેશોમાં ઘૂસી ન શકે એ એની પાછળનો ઇરાદો હતો. બીજી બાજુ તેમણે ચીનના પાડોશી દેશોના પણ પ્રવાસ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે જપાન અને ફિલિપીન્સ જેવા ચીની સમુદ્રના કિનારે આવેલા દેશોનો પ્રવાસ કર્યો હતો. ચીન પાકિસ્તાનમાં ગ્વાદર બંદર વિકસાવી રહ્યું છે, એના જવાબમાં ઈરાનમાં બંદર વિકસાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ બધા પ્રયાસો જોઈને શરૂઆતમાં એમ લાગતું હતું કે તેમના પ્રયાસો સાચી દિશાના છે. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે એક વરસ પૂરું કર્યું, ત્યારે તેમની બીજી અનેક બાબતે આલોચના કરવામાં આવી હોવા છતાં તેમને વિદેશનીતિ માટે ફુલ માર્ક્સ આપવામાં આવ્યા હતા.
એ પછી કેન્દ્ર સરકારની વિદેશનીતિ અટવાવા લાગી. વડા પ્રધાને ચીનને ઘેરવાની અપનાવેલી આક્રમક નીતિ એનું મુખ્ય કારણ હતું. પાડોશી દેશોના મામલામાં વધારે પડતી દખલ એ બીજું કારણ હતું અને પાકિસ્તાન સાથે કઈ નીતિ અપનાવવી એની સ્પષ્ટતાનો અભાવ એ ત્રીજું કારણ હતું. ક્યારેક પ્યાર અને ક્યારેક ધિક્કારની નીતિ અપનાવવામાં આવતી હતી અને હજી અત્યારે પણ અપનાવવામાં આવી રહી છે. જે મહત્ત્વનું પરિવર્તન આવ્યું એ બાકીના દેશોની બાબતે. પાકિસ્તાન સિવાયના પાડોશી દેશોને અને એમાં ય ખાસ કરીને ભારતની નીતિથી નારાજ થયેલા નેપાળને નજીક લાવવાનું ભારત પ્રયાસ કરી રહ્યું છે. ગયા મહિને નેપાળની મુલાકાતે ગયેલા વડા પ્રધાને કાઠમંડુમાં સેતુ બાંધવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા અને એ માટે તેમની દેશમાં ખૂબ સરાહના કરવામાં આવી હતી.
હવે ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરના પ્રવાસ પછી પ્રતીતિ થઈ રહી છે કે વડા પ્રધાન નવી સ્થિતિમાં વિદેશનીતિને હજી વધુ નિર્ણાયક વળાંક આપી રહ્યા છે. વડા પ્રધાન શાંગ્રી-લા ડાયલૉગમાં ભાગ લેવા ગયા હતા, જ્યાં તેમના પ્રવચનની ખૂબ સરાહના થઈ હતી. ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રૅટેજિક સ્ટડીઝ નામની સંસ્થા ૨૦૦૨ની સાલથી એશિયા પૅસિફિક દેશો વચ્ચે સલામતી નીતિ વિશે સંવાદ યોજે છે. દર વર્ષે સંવાદ સિંગાપોરમાં શાંગ્રી-લા હોટેલમાં યોજાય છે એટલે એ શાંગ્રી-લા ડાયલૉગ તરીકે ઓળખાય છે. એ બેઠકમાં ૨૮ દેશો ભાગ લે છે, જેમાં ભારત એક છે. આ વખતે પહેલી વાર ભારતના વડા પ્રધાને ભાગ લીધો છે અને એમાં તેમણે આપેલું કી-નોટ પ્રવચન અસાધારણ હતું.
વડા પ્રધાને અલિપ્તતાની વાત કરી હતી અને એ યોગ્ય હતી. ફરી એક વાર અલિપ્ત રહેવાની કે મહાસત્તાઓથી એક સમાન અંતર રાખવાની નીતિ પ્રાસંગિક બનવા લાગી છે. આનું કારણ એ છે કે જાગતિક સ્થિતિ અનિશ્ચિત છે. અમેરિકા, રશિયા અને ચીન શું કરશે એની કોઈ ખાતરી નથી. અમેરિકાની નજીક જવામાં જોખમ છે. અમેરિકાના ભરોસે ચીન સાથે પંગો લેવામાં જોખમ છે. રશિયા લશ્કરી રીતે મહાસત્તા છે કે નઠારો દેશ છે એ વિશે કંઈ કહેવું અઘરું છે. બાકીના દેશો પોતપોતાની જરૂરિયાત મુજબ કોના તરફ ખેંચાશે અને કોની સાથે હાથ મેળવશે, એ પણ કહી શકાય એમ નથી. આ સ્થિતિમાં ભારત અમેરિકા, ચીન અને રશિયાથી સલામત અંતર રાખે એમાં ભારતનું હિત છે. ઓછામાં ઓછું જાગતિક રાજકીય સિનારિયો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ભારતે ઉતાવળ કરવામાં જોખમ છે. ચાર વરસે આટલી વાત વડા પ્રધાનને સમજાઈ ગઈ છે, એ વાતનો આનંદ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ લાગે છે કે ભારતની વિદેશનીતિ ડોભાલ ડૉક્ટ્રિનથી મુક્ત થઈ રહી હોય એમ લાગે છે. પાકિસ્તાનની બાબતમાં પણ ડોભાલ ડૉક્ટ્રિનથી મુક્ત થવાની જરૂર છે.
વડા પ્રધાને સિંગાપોરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘કોઈ દેશ મહાસત્તાઓને અનુસરવાની જગ્યાએ સિદ્ધાંતોને અનુસરે છે ત્યારે એ આપોઆપ આદરપાત્ર બને છે અને એના અવાજને જગતે સાંભળવો પડે છે. જે દેશ ઘરઆંગણે વિવિધતાઓનો આદર કરે છે, દરેક સમાજને બાથમાં લે છે એ દેશ વિશ્વમંચ પર સર્વસમાવેશકતાનો આગ્રહ કરવાનો નૈતિક અધિકાર મેળવે છે.’
અહીં આપવામાં આવેલું અવતરણ વડા પ્રધાનના પ્રવચનનો અક્ષરશ: અનુવાદ છે. જવાહરલાલ નેહરુની યાદ અપાવે છે, નહીં? વડા પ્રધાને ખેલદિલીપૂર્વક નેહરુને યાદ કરવા જોઈતા હતા. બીજું, સિંગાપોરનું ઉદાહરણ આપવાની જગ્યાએ તેઓ નેહરુનું અને નેહરુકાલીન ભારતનું ઉદાહરણ આપી શક્યા હોત. વડા પ્રધાન એટલી ઉદારતા બતાવી શક્યા નથી, એ જુદી વાત છે, પરંતુ તેમણે જે કહ્યું છે એ સો ટકાની વાત છે. અસ્સલ નેહરુશૈલી.
નરેન્દ્ર મોદીની સરકારે જે વાતે સિંગાપોરની સરાહના કરી છે એ નીતિ ઘરઆંગણે અપનાવવાની જરૂર છે. જે દેશ ઘરઆંગણે વિવિધતાઓનો આદર કરે છે, દરેક સમાજને બાથમાં લે છે એ દેશ વિશ્વમંચ પર સર્વસમાવેશકતાનો આગ્રહ કરવાનો નૈતિક અધિકાર મેળવે છે. જો કે આવું બનવાનું નથી એની ખાતરી છે. આનંદ એ વાતનો છે કે મહાસત્તાઓના પડખે ઊભા રહેવા કરતાં કે એકના સહારે બીજાનો મુકાબલો કરવા કરતાં સિદ્ધાંતોના પક્ષે ઊભા રહેવામાં અને અલિપ્ત રહેવામાં વધારે ફાયદો છે. કમસે કમ વિદેશનીતિમાં આ નવું તત્ત્વ દાખલ થાય તો ઘણું.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 જૂન 2018