ગુટ્ટુ આમ તો કોઈ નથી, કારણ કે, તે તો તેનું નામ જ નથી. પણ શું કરીએ, અમે બધાં મોટાં અને તે નાનું. અમારા બધાંના એક પછી એક નામ પડી ગયાં’તાં, તો તેના ભાગે આજ નામ આવ્યું – ‘ગુટ્ટુ’.
એ બીજું કોઈ નહિ, મારું નાનું ભઇલું, હોં, એને અમે પ્રેમથી ગુટ્ટુ જ કહી બોલાવીએ. એના આવવાથી ઘરમાં કેટલી ય ખુશી આવી. અને મેં તો થાળીઓ વગાડી વગાડીને બધાનાં માથાં દુખવ્યાં’તાં. ત્યારથી એને ઉમ્મરમાં ભેદ હોવા છતાં, મેં પણ એની સાથે બાળપણ શરૂ કર્યું.
એ જેમ જેમ મોટો થતો ગયો, તેમ તેમ તેમ ચંદ્રની માફક ખીલતો ગયો અને પક્ષીઓની જેમ કલરવ કરતો રહ્યો.
મારો ભાઈ, એને શું ગમે અને શું ન ગમે મને બધી જ ખબર.
મમ્મી અને પપ્પા બંને પાસેથી અમે ખિસ્સાખર્ચ લેતા, ગલ્લામાં ભેગા કરતા અને અઠવાડિયામાં તો અમે એ ગલ્લાની કંઈ વલે કરતાં. જાણે કે ગલ્લો જ બિચારો ગરીબ બની જતો.
એને મારા ખભે હાથ રાખવાની ટેવ, એટલે એ દોસ્તાર બની જાય, હું તો એના ખભે હાથ રાખી લઉં પણ એ તો નાનો પડે ને; તો કેમ હાથ રાખે ?
આખરે મારે ઝૂકવું પડે, ગોથણીએ પડીને હું એની હારોહાર થાઉં ત્યારે એ ખુશ થઇ જાય. એના એ એક સ્મિત ખાતર મારા ગોઠણ ઘસાય જતા, અને રાત્રે જ્યારે દુ:ખે ત્યારે મમ્મી વઢતાં. પણ બીજે જ દિવસ ફરી ગુટ્ટુનું એ મોહક સ્મિત જોવા માટે હું ઘૂંટણ પણ છોલવા દેતી. તે હસતો હસતો આખા ઘરમાં ફરી વળતો. મારું ભઇલું ગુટ્ટુ.
રીસાવાની એની રીત જ અલગ. જ્યારે મમ્મી-પપ્પા વઢે, એટલે એક ખૂણામાં બેસીને કાગળ, પેન્સિલ, રંગો, સ્કેચપેન જે હાથમાં આવે તે લઈને લીટોળિયા કરવા લાગે. હું જ્યારે એની પાસે જાઉં તો કહે, ‘ઓયે, આઘી રે’જે, હું કામ કરું છું.’
એનો ગુસ્સો અને એનું લાલચોળ મો જોઇને હસવું કે રડવું ?
પણ એ તો એની મસ્તીમાં જ હોય.
એ દિવસે ગામમાં મોટા ઉપાડે ચૂંટણી આવી. અમારા માટે તો ગામમાં કંઈ નવું આવે એટલે ઉત્સવ. સાથે સાથે ચૂંટણીની રજા, અમને પડી મજ્જા.
ગુટ્ટુ કહે, ‘રોજ ચૂંટલી આવવી જોઈએ, રજા તો પલે.’
એના ભોળા પ્રશ્નોથી હું પણ ખુશ થઇ ગઈ, મેં પણ સૂર પુરાવ્યો.
‘હા હો, ગુટ્ટુ આપણે કોઈ કે નઈ કે, લેશન કર, વાંચ, આમ કર તેમ કર. હવે તો મોજ. હાલ આઈસ્ક્રીમ કોન ખાઈ આવીએ.’
અને અમે બંને અમારા ખિસ્સા ખાલી કરવા નીકળી પડીએ.
એ દિવસે ચૂંટણી માટેનો મતદાન દિવસ હતો. બધા લોકો માટે એ દિવસ રજા હતી. ખેતરમાં કામ કરનારા લોકો પણ આ દિવસે સવાર સવારમાં લાંબી લાઈનોમાં આવી ઊભી ગયા હતા.
અમે બાળકો પણ આજના દિવસે સ્કૂલે ભણવા નહિ પણ મોજ મસ્તી કરવા અને ઝાડવાઓ પર ચડી રમવા માટે આવી ગયાં હતાં.
ગુટ્ટુને પોલીસ અને મિલેટ્રીને જોવાનો શોખ જાગ્યો.
પપ્પા પાસે જઈને એણે વેન કર્યું કે, હું તો આવીશ જ તમારી સાથે. પપ્પા પણ તેના રાગડાથી તો ડરતા જ હતા, એણે એને ઊંચકી લીધો અને લઇ ગયા અંદર.
પાછા વળતા કંઈ નવું જોઇને આવ્યો હોય તેમ ચાલવા લાગ્યો. હસવા લાગ્યો ને ફરી મારી સાથે રમવા લાગ્યો.
પાંચ વાગી ગયા હતા. બધા ઘરે જવા લાગ્યા. અમે પણ ગુટ્ટુ ટોળી ઘર તરફ જવા નીકળ્યાં. ગુટ્ટુ કહે, ‘ઓ નથી ચલાતું, મને ઊંચકી લે.’
મેં જોયું તો એને ચપ્પલ નહોતા પહેર્યાં, પણ સવારે તો પહેરેલાં હતાં !
માંડ માંડ તેને સમજાવીને સ્કૂલ પાસે બેસાડીને પૂછ્યું ત્યારે, ‘મને શું ખબર, પણ પપ્પાને ખબર’.
મને સમજાયું કે ગુટ્ટુ સ્કૂલમાં ચપ્પલ ભૂલી ગયો.
હું સ્કૂલ પર ગઈ, ખાખીવાળાએ મને રોકી.
મેં કહ્યું – ‘જૂઓ ભાઈ, મારો નાનો ભાઈ ચપ્પલ વગર કેમ ચાલે ? એ આ સ્કૂલમાં જ ભૂલી ગયો.’
પેલાએ હસતા હસતા મને અંદર જવાની રજા આપી.
જલદી જલદી મેં એની ચપ્પલ શોધી, બહાર નીકળી, ત્યારે હાશ થઇ.
પેલા ખાખીવાળા કહેતા હતા, ‘ગજબની છોકરી હો, કેવું પડે.’
બંને અમને જોઇને હસતા હતા.
મેં ગુટ્ટુને ચપ્પલ પહેરાવ્યાં. એ ખુશ થઇ ગયો. મને કહે –
‘એ તો હું કોઈ દિવસ ન કઉં કે મને તેડી લે, જો હવે હું મોટો થઇ ગયો.’
અને અમે બંને હસતાં હસતાં દોડવા લાગ્યાં ઘરની વાટે.
Email : nvyadarsh67@outlook.com
 


 Soulmates : The Story of Mahatma Gandhi and Hermann Kallenbach; By Shimon Lev; Orient Blackswan Private Limited 2012; First Published 2012
Soulmates : The Story of Mahatma Gandhi and Hermann Kallenbach; By Shimon Lev; Orient Blackswan Private Limited 2012; First Published 2012



