એક હતો ચકો
અને
એક હતી ચકી,
બન્નેને ભૂખ લાગી.
ચકો લાવ્યો ચોખાનો દાણો,
ચકી લાવી દાળનો દાણો.
ના,
આવી સંવેદનાની સગડી
પર
ચઢેલી ખીચડી
અમોને નાપસંદ.
કોઈને ભૂખ લાગે
ને
ભૂખની આગ ઠારે
એવી ખીચડી
અમોને નાપસંદ.
ચકી-ચકો ભેગાં થઈને
ખીચડી રાંધે
એ
અમોને નાપસંદ.
સબકી પસંદ કપડાં ધોવાનાં
સાબુની જાહેરખબર હોઈ શકે,
પણ ખીચડી તો નહીં જ.
ઘણા રોજ ખીચડી ખાય
તો જ ઊંઘ આવે,
કોઈને ખીચડી ખાવી જ પડે
તો ઊંઘ નો આવે.
બીમારીના ખાટલે
ઘણાને ફરજિયાત
ખાવી પડે ખીચડી.
કેટલાક પરિવારોમાં
પરિવારજનના મોતના
દા’ડે
ખવાય ખીચડી.
આવું બધું તો ચાલ્યા કરે.
આખો દેશ બીમારીના
ખાટલે છે.
ફરજિયાત ખીચડી.
અમોને ઇતિહાસની
ખીચડી
બનાવવામાં
ને
ખવડાવવામાં રસ છે.
ફરજિયાત કાયદેસર
કાનૂની કાગળિયાં
તૈયાર કરીને,
સહીસિક્કા સાથેની
ઇતિહાસની ખીચડી
ખવડાવવામાં ને બનાવવામાં
અમોને રસ છે.
અમો
સરકારી સ્ટાન્ડર્ડ રૅસિપી પ્રમાણે
ઇતિહાસની ખીચડી
ચૂલે ચઢાવીએ છીએ.
જેમ હવનમાં હાડકાં
નાખી ના શકાય
એમ
સ્વાદ પ્રમાણે મીઠું
ખીચડીમાં
કોઈ નાખી શકે નહીં.
અમોને અમારી બનાવેલ
ખીચડીને
રાષ્ટ્રીય વાનગી
બનાવવામાં
ને
ખવડાવવામાં રસ છે.
રાષ્ટ્ર એટલે ખીચડી
ને
ખીચડીમાં રાષ્ટ્ર.
ઇતિહાસની ખીચડી
ને
ખીચડીમાં ઇતિહાસ.
તમોને સ્પેિશયલ,
રાષ્ટ્રીય ખીચડી ખાવા
તમોશ્રીઓને
અમારું
ફરજિયાત ઐતિહાસિક નોતરું.
(૨૭ ડિસેમ્બર, ૨૦૧૭; ગાલીબ ઉર્ફે ગુલાબ જયંતી, કર્ણાવતી ઉર્ફે અમદાવાદ)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 08
![]()


છેલ્લા દોઢ દાયકાથી રશિયા પર મજબૂત પકડ ધરાવીને શાસન કરનારા પુતિનની ઇમેજ માત્ર રશિયામાં જ નહીં, વિશ્વસ્તરે એક પાવરફુલ લીડરની રહી છે. પણ પુતિનના આ શાસનને ચૅલેન્જ કરનાર એલેક્સી નાવાલ્ની નામનો (આપણી નજરે) નવો ચહેરો સામે આવ્યો છે, જે પુતિનની પોલ ખોલી રહ્યો છે અને તેની સામે બરાબર ફાઇટ આપી રહ્યો છે. એલેક્સી આમ તો છેલ્લાં કેટલાં ય વર્ષોથી પુતિન શાસન સામે અને રશિયામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, પણ વર્તમાન સ્થિતિ એવી છે કે, આ ૪૨ વર્ષીય એલેક્સી નાવાલ્નીને ૨૦૧૮ની પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં પુતિન સામે લડવા જેટલા સપોર્ટર્સની જરૂર હોય, તેનાથી વધુ લોકોનો ટેકો મળી ગયો છે. એટલે તેઓ આ ચૂંટણી લડવા માટે રજિસ્ટ્રેશન માટેના જરૂરી માપદંડને પૂરા કરી ચૂક્યા છે! આપણી જેમ રશિયામાં પણ તટસ્થ ચૂંટણી થવાને લઈને સવાલ ખડા થતા રહ્યા છે, તે સ્થિતિમાં એલેક્સી સફળ થશે કે નહીં તે સમય બતાવશે. પણ એલેક્સીનો અવાજ આજે કરોડો રશિયાવાસીઓનો અવાજ બન્યો છે; અને જે રીતે પુતિન સામે તેણે બાથ ભીડી છે, તે જોતાં એવું લાગે છે કે ભવિષ્યમાં પુતિનના વિકલ્પ તરીકે તે મજબૂત પ્રેસિડેન્શિયલ કૅન્ડિડેટ છે.