ફિલ્મ ‘ધાડ’ આવકાર્ય છે. એક સારી વાર્તા પરથી બનેલી ફિલ્મ ૧૮ વર્ષના સમયગાળા પછી સૂર્યપ્રકાશમાં મુકાઈ છે
ફિલ્મ ‘ધાડ’-ને આવકાર
અહીં અમેરિકામાં જાણ્યું કે આ ૨૦૧૮-ના વર્ષમાં સાહિત્યકૃતિઓ પર આધારિત ઓછામાં ઓછી ૩૫ ફિલ્મો રજૂ થવાની છે. બીજે દિવસે જાણ્યું કે પાંચ જાન્યુઆરીએ જયન્ત ખત્રીની ‘ધાડ’ નવલિકા પરથી બનેલી ફિલ્મ ગુજરાતમાં અનેક થીએટરોમાં રજૂ થવાની છે. (હવે રજૂ થઈ ગઈ છે). આ શુભારમ્ભથી લાગે છે કે સાહિત્ય અને ફિલ્મના રસિયાઓને અમેરિકામાં અને આ નરવી ગુજરાતી ફિલ્મથી ગુજરાતમાં સાહિત્યકારોને તેમ જ ફિલ્મ-મેકરોને જરૂર આનન્દ થવાનો. કેટલાક, સાહિત્યને ગ્રેટ ગણશે; કેટલાક, ફિલ્મને. જો કે અમુકો, બન્નેમાં રહેલી કલાને ગ્રેટ ગણશે.
૧૯૯૯-માં શરૂ થયેલી ફિલ્મ ‘ધાડ’-નું અનેક વિટંબણાઓ પછી થયેલું અવતરણ આવકાર્ય છે કેમ કે એ એક સારી વાર્તા પરથી બની છે અને ૧૮ વર્ષના લાંબા સમયગાળા પછી સૂર્યપ્રકાશમાં મુકાઈ છે. નિર્માતા કીર્તિ ખત્રી અને દિગ્દર્શક પરેશ નાયકની ખુશીમાં ગુજરાતને અભિનન્દનપૂર્વક સહભાગી થવાનો અવસર સાંપડ્યો છે.
જયન્ત ખત્રીએ ‘ધાડ’ ૧૯૫૩-માં ‘આરસી’ સામયિકમાં બે હપતે છપાવેલી. ખાસ ફેરફાર વગર ૧૯૬૮-માં ગ્રન્થસ્થ કરેલી. એ પરથી પરેશે ફિલ્મ બનાવી. વીનેશ અંતાણીએ પટકથા લખી. વીનેશે નવલકથા પણ લખી. એ દરેકનું શીર્ષક, ‘ધાડ’ ! સાહિત્યકારો આમે ય ધાડપાડુ તો ખરા જ ! એકબીજામાંથી શુંયે લૂંટી લેતા હોય. પણ જોનારા કહેશે કે વીનેશે અને પરેશે જે લૂંટ્યું એને સવાયું કરીને પાછું વાળ્યું છે. ખત્રીને ભણાવતી વખતે મેં હમેશાં ‘ધાડ’ વિશે ચર્ચા કરી છે. વીનેશની નવલકથા વિશે વ્યાખ્યાન કર્યું છે, લેખ કર્યો છે. ફિલ્મ જોવી બાકી છે. ખત્રી (1909-1968) કચ્છના. વ્યવસાયે ડૉક્ટર. પેઇન્ટિન્ગ પણ કરતા. પોતાની વાર્તાઓ માટે ચિત્રો કરેલાં. વીનેશ પણ મૂળે કચ્છના; નવલકથાકાર, નવલિકાકાર. પરેશ અમદાવાદના; નવલકથાકાર, નવલિકાકાર, દિગ્દર્શક; જરૂર પડ્યે અભિનય પણ કરી જાણે. મેં જોયું છે કે એમની પાસે આગવી કલાસૂઝ છે. આ ફિલ્મ ઘાંચમાં પડેલી એની વ્યથા અમે શૅઅર કરી છે અને સાહિત્ય, ફિલ્મ કે કલામાત્ર બાબતે આપણે કેટલા તો ઊણા ઊતરીએ છીએ એવા બળાપા કર્યા છે.
નવલકથા, પટકથા અને મૂળાધાર નવલિકા, ત્રણેયને સર્જન કહેવાય. એ-ને-એ કથાવસ્તુ પરનાં આ કામને સર્જનાન્તર કહેવાય. ફિલ્મમાં તો અભિનેતાઓની સર્જકતા પણ દાખલ થવાની. આમાં, કે.કે. મૅનન, ઘૅલો છે. નંદિતા દાસ, મૉંઘી. સંદીપ કુલકર્ણી, પ્રાણજીવન. સુજાતા મહેતા, ધનબાઈ. રઘુવીર યાદવ, જુસબ. સિનેમૅટોગ્રાફી કોની હશે? મને ખબર નથી. સંગીત વનરાજ ભાટિયાનું છે. આ બધાં સો-કૉલ્ડ સ્ટાર નથી, સીઝન્ડ આર્ટિસ્ટ છે. પોતપોતાની સર્જકતા સાથે એ સૌ અને બીજાં સહયોગીઓ ‘ધાડ’-માં ભાગીદાર બન્યાં છે. ખત્રી હયાત હોત તો એમને અ-કલ્પ્ય આનન્દ થયો હોત. ૪૧ વાર્તાઓના વાર્તાકાર. બીજી આઠેક વાર્તાઓ સામયિકોમાં પ્રગટેલી. એક ધારાવાહી નવલકથા લખેલી. મંગલ પાંડે પર એકાંકી લખેલું. પહેલો વાર્તાસંગ્રહ ‘ફોરાં’ ૧૯૪૪-માં પ્રકાશિત થયેલો. બીજો, ’ખરા બપોર’ ૧૯૬૮-માં. પોતાની સૃષ્ટિમાં એમણે મુખ્યત્વે કચ્છના રણપ્રદેશની પાર્શ્વભૂ પરથી માનવીય સુખદુ:ખની રાગિણીઓ પ્રગટાવી છે. એમની કલમમાં દૃશ્યો ઊભાં કરવાની ક્ષમતા છે. આ નવલિકા પણ એ ગુણે શોભે છે. ફિલ્મસર્જનને પ્રેરનારો મુખ્ય ગુણ પણ એ જ છે.
કથાનાયક ઘૅલો ધાડપાડુ છે. એની જિન્દગીનો પરિવેશ પણ એ જ છે, કચ્છ. ‘વાંઝણી નિર્વીર્ય અને જેને ધાવણ નથી આવતું એવી ધરતી’. ધાડનો ધંધો એને વારસામાં મળેલો. માણસ માથાભારે છે. માને છે કે માથાભારે હોઇએ તો જ જીવતરનો ભેદ અને એના ઉકેલનો માર્ગ મળી આવે. માણસજાત જુલમને સહેલાઈથી વશ થાય છે, સમજાવટને નહીં. આવી ફિલસૂફી ધરાવતો ઘૅલો દાજી શેઠને ત્યાં ધાડ પાડે છે. ખત્રીનો કથાકસબ, નવલિકાની એ મુખ્ય ઘટના લગી પ્હૉંચવામાં અને પ્હૉંચ્યા પછી તેના જરૂરી નિર્વહણમાં ખરચાયો છે. ઘટના ખાસ્સી નાટ્યાત્મક પણ છે. ઘૅલો પક્ષાઘાતના હુમલાથી પછડાય છે. મ્હાત્ થાય છે. કારકિર્દીને હારી જાય છે. ધાડને ત્રીજે દિવસે એનું મૃત્યુ થયું હોય છે. એનો સાથી પ્રાણજીવન લૂંટેલી વસ્તુઓ શેઠના લાભમાં પાછી ફૅંકી દે છે. પ્રાણજીવનને ઘૅલાએ બૅળેબૅળે સાથમાં લીધેલો. છતાં એ જ સાથી અને એ જ ધાડી-ઊંટ ઘેલાના ભાંગી પડેલા શરીરને લઈ, ગામ-ઘરે પાછાં ફરે છે. એ બધું વિપરીત જોઈને ઘૅલાની પત્ની મૉંઘી બઘવઈ જાય છે. એક ઝુઝારુ, ખૂંખાર અને ઝિંદાદિલ પુરુષના આપોપા જીવન-તન્તનું આમ કરુણ પરિણામ આવે છે.
વિષમ પરિવેશ અને પરિસ્થતિ પર માણસ ગુમાનથી ઝનૂનપૂર્વક વર્તીને કદાચે ય વિજય મેળવી શકે પણ કુદરત બીજી રીતે ય વીફરે છે. પરિણામમાં ઘોર પરાજય મળે છે. જો કે વાર્તાને ખત્રીએ એવા સ્પષ્ટ પૉઇન્ટ ઑફ વ્યૂ-થી નથી ચલાવી. છતાં એક અન્ડરટોન પકડાય તો એ પકડાય કે પ્રકૃતિ અને મનુષ્યપ્રકૃતિ પાસે માણસ લાચાર સ-મર્યાદ પ્રાણી છે. અગાઉના પાઠમાં ખત્રીએ મૉંઘીને ત્રીજી વારની પત્ની કહેલી. એટલે પહેલી પત્ની રૂપે ધનબાઈ અને બીજી રૂપે રતની, વીનેશનાં ઉમેરણ છે. જુસબ પણ ઉમેરણ છે. એ ઘૅલાનું પૂરક-પાત્ર છે. ઘૅલો રંજાડમાં માને, જુસબ હળવાશમાં. વેરાન પટ વચ્ચે મોરચંગનો સ્થિર સૂર, ચામડી બાળી નાખે એવો તડકો, ખારાપાટની ગન્ધ, વગેરે સંકેતો વચ્ચે, મૉંઢે ઢાંકેલું ફાળિયું ખસેડીને ઘૅલો આપણને સમક્ષ થાય છે. પરેશની ફિલ્મમાં ઘૅલાની ઍન્ટ્રી કેવી હશે અને સમગ્ર ફિલ્મ કેવી બની હશે, જોયા પછી કહેવાય; માટે, અટકું.
આ પ્રસંગે મને અધ્યાપકમિત્રો માટે કેટલાંક બીજાં સર્જનાન્તરોનો ઉલ્લેખ કરવો ઉચિત સમજાય છે : મહાભારત’-ના ‘નલોપાખ્યાન’-ને આધારે શ્રીહર્ષે મહાકાવ્ય કર્યું, ‘નૈષધીયચરિતમ્’. પ્રેમાનન્દ વગેરે ગુજરાતી આખ્યાનકારોએ કર્યાં, ‘નળાખ્યાન’. સુરેશ જોષીએ રચી ટૂંકીવાર્તા, ‘નળદમયન્તી’. ચિનુ મોદીએ રચ્યું ‘બાહુક’. મધુ રાયે પોતાના ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો’ નાટક પરથી નવલકથા કરી, ‘કામિની’. મણિલાલ હ. પટેલે રાવજીની રચનાને ‘લલિતા’ રૂપે અવતારી. અધ્યાપકો આ રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરે તો સમજાય કે સાહિત્યજાળ જુદા જુદા સર્જકો વડે કેવી ગુંથાતી આવે છે અને સાહિત્યપદાર્થનો અવનવી રીતે ને ભાતે કેવો તો ઉછેર થતો હોય છે.
સાહિત્ય અને ફિલ્મનો સંગમ કરવા માગતા સાહસિકોને જણાવું કે એ માટે રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’ કે ચન્દ્રકાન્ત બક્ષીની ‘આકાર’ સક્ષમ છે. અનેક આધુનિક નવલિકાઓ પરથી કલાકેકની લઘુ ફિલ્મો બની શકે એમ છે. આગળ આવો અને આપણા સાચકલા કથાસાહિત્યને જાણો. એના દૈવતને ઓળખો, અને પ્રસરાવો.
વાચકોને ખાસ કહું કે ‘ધાડ’ વાર્તા વાંચીને ફિલ્મ જોવા જજો અથવા જોયા પછી વાર્તા જરૂર વાંચી લેજો. સમજાશે કે કલાનો જાદુ પ્રગટે એ માટે શબ્દની તાકાતને અને ચલચિત્રની વિશેષતાને, બેયને સાચવવા દિગ્દર્શકને કેવાં કેવાં સરવાળા-બાદબાકી કરવાં પડ્યાં છે. ૨૧-મી સદીનો બીજો દાયકો પૂરજોશમાં પ્રગતિશીલતા તરફ ધપી રહ્યો છે. સમયની માંગ એ છે કે સર્વ કલાઓ સાથે જોડાઈએ અને એ માટે બદ્ધચિત્ત સાહિત્યકારોના સાહિત્યથી વહેલી તકે છૂટા થઈ જઈએ. ક્યાં લગી બીજી કલાઓથી છેટા રહીને બંધિયાર સાહિત્યથી ખુશ રહેવું છે? મૉડું થઈ રહ્યું છે, યાર…
= = =
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 13 જાન્યુઆરી 2018
 ![]()


સાંભળ્યું છે કે નવસર્જન-ખ્યાત કર્મશીલ માર્ટિન મેકવાન ગુજરાતના નાગરિક સમાજ સક્રિયકોને ભીમા-કોરેગાંવ ઘટનાક્રમે છેડેલાછંછેડેલા વિચાર-અને-આંદોલન-મુદ્દાઓના ઉજાસમાં સહવિચાર સારુ એકત્ર કરવા ઇચ્છે છે. આ અલબત્ત એક સોજ્જો ઉપક્રમ છે, અને ઉના ઘટનાએ દેશમાં સરજેલી શક્યતાઓના અગ્રચરણરૂપે આવી એક ચર્ચાનો દોર આગળ ચાલે એ જરૂરી પણ છે.
તેમાં તેમણે મુસ્લિમોની સાફ ટીકા કરતી જે બાબતો કહી છે તેમાંથી નમૂના દાખલ કેટલીક આ મુજબ છે : મુસ્લિમો પોતાના મજહબના સવાલો માટે તેઓ હિંદુઓને દોષ દેતા રહ્યા છે, ભારતીય મુસ્લિમ બુદ્ધિવાદી વર્ગે ક્યારે ય આત્મનિરીક્ષણ કર્યું જ નથી, પાશ્ચાત્ય શિક્ષણના ઇન્કારે મુસ્લિમોને પછાત રાખ્યા, તેઓ ધર્મની ઘરેડનો પુરસ્કાર અને આધુનિકતાનો પ્રતિરોધ કરતા રહ્યા, આઝાદીની ચળવળમાં તે અવરોધો ઊભા કરતા રહ્યા, વિભક્ત મુસ્લિમ રાષ્ટ્રવાદનો એમણે સ્વીકાર કર્યો. અલબત્ત, હિન્દુ સમાજની મર્યાદાઓ હમીદ નજરઅંદાજ કરતા નથી, હિંદુ-મુસ્લિમ પ્રશ્નની બહુઆયામી સંકીર્ણતાનો તેમને પૂરતો ખ્યાલ છે. પણ તેમનો એકંદર ઝુકાવ પોતાના મજહબીઓની સમજને દુરસ્ત કરવા તરફ છે. હમીદના વિચારોના વ્યવહારુ પાસાની ઝલક મરાઠી માસિક ‘મનોહર’ ના ૨૬ ઓગસ્ટ ૧૯૭૩ના અંકમાં પ્રસિદ્ધ થયેલી એક મુલાકાતમાં પણ મળે છે.
અત્યારના ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના મૂળ ભારતીય જનસંઘ પક્ષમાં છે. એની સાથેના મતભેદો અંગે હમીદે કહ્યું: ‘ગોહત્યાબંધી હું બિલકુલ સ્વીકરતો નથી. દેશમાં વસુકી ગયેલાં ઢોરની સંખ્યામાં પદ્ધતિસર રીતે ૩૩% ઘટાડો કરવાની જરૂર છે એવું મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ કહેતા હોય ત્યારે ગોહત્યાબંધી અપનાવી એ દેશની પ્રગતિમાં આડખીલી બને છે. અલીગઢ અને બનારસ યુનિવર્સિટીઓનાં નામોમાંથી અનુક્રમે મુસ્લિમ અને હિન્દુ શબ્દો દૂર કરીને એમને રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયો જાહેર કરવાં જોઈએ. સ્ત્રીઓને પુરુષો જેટલા જ અધિકારો મળે તે માટે ગયાં કેટલાં ય વર્ષોથી કોશિશો કરતો રહ્યો છું. દેશની સરકારના  નિર્ણયો કોઈ પણ ધર્મસમુદાયની પસંદગી કે નાપસંદગીને ધ્યાનમાં રાખ્યા વિના કરોડોની જનતાની આર્થિક અને સામાજિક ઉન્નતિ માટે શું જરૂરી છે એનો વિચાર કરીને લેવા જોઈએ. બધાએ કુટુંબનિયોજન કરવું જોઈએ એટલું જ નહીં પણ એ બધા માટે ફરજિયાત હોવું જોઈએ.’