ઉના-આંદોલન. ગુજરાતમાં લગભગ દોઢેક વર્ષ પહેલાં ચાલેલું ‘દલિત અત્યાચારવિરોધી’ આંદોલન. આજે તો એ ‘રાષ્ટ્રીય દલિત અધિકારમંચ’નું સ્વરૂપ લઈ ચૂક્યું છે. અત્યારે આપણે એ આંદોલનની ગતિવિધિઓ અને પરિણામો વિશે ચર્ચા નથી કરવી. ચર્ચા કરવી છે એ આંદોલન નિમિત્તે ઊભરેલા નેતૃત્વ અને એના નિમિત્તે થયેલી માંગણીઓ વિશે. આપણે જાણીએ છીએ કે દલિત અત્યાચારવિરોધી આંદોલનો દેશમાં જ્યારે જ્યારે થાય છે, ત્યારે સામાન્ય રીતે પીડિતોને ન્યાયની માંગણી જ મુખ્ય અને આખરી બની રહે છે. ઉના-આંદોલન દરમિયાન શરૂઆતમાં જ ‘ન્યાય’ ઉપરાંત પણ એક નવી માંગ ઊઠી. એ માંગ હતી જમીન-સુધારણા સમયે દલિતોને ફાળવાયેલી અને ત્યાર બાદ પણ વધેલી જમીનો દલિતોને ફળવાય, એ સંદર્ભની માંગણી. આ માંગ માટે સલામ છે એ આંદોલનના નેતૃત્વને. એણે તત્કાલ ‘ન્યાય’ની સાથે સાથે દલિતો પ્રત્યેની અસ્પૃશ્યતા અને સામાજિક, આર્થિક ક્ષેત્રે છેવાડે રહી ગયેલ દલિત-સમુદાય સાથે થતાં અન્યાય અને અત્યાચારનાં કારણોના મૂળ આધારને નાબૂદ કરવાની માંગણી ઉઠાવી.
આમતૌર પર દલિતો ઉપર થતાં અત્યાચારો, અન્યાયો માટે માત્ર સમાજની સામાજિક-સાંસ્કૃિતક વ્યવસ્થાને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાના મૂળમાં (આધાર સમી) માત્ર સામાજિક-સાંસ્કૃિતક વ્યવસ્થા નથી; પરંતુ અર્થવ્યવસ્થા અને તેના દ્વારા ઉપલા વર્ગોને મળતી સત્તા સ્વહસ્તક રાખવાની નેમ છે. જો કે, સામાન્ય રીતે દલિત અત્યાચારવિરોધી આંદોલનો આ સૌથી મૂળગત મુદ્દાને ઉજાગર કરવાનું ચૂકી જતાં હોય છે; પરંતુ ‘ઉના-આંદોલન’નું યુવાનેતૃત્વ એ ન ચૂક્યું. એણે આંદોલન શરૂ કરતાં જ આ મુદ્દાને જોરશોરથી સમાજ સામે મૂક્યો. અહીં આપણે અન્ય એક અપવાદરૂપ દલિત-આંદોલનનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. એ આંદોલન હતું લગભગ સાઠના દાયકાની મધ્યમાં, દેશનાં કેટલાંક રાજ્યોમાં ઊભરેલું અને લગભગ એકાદ દાયકા લગી ચાલેલું – ‘દલિત પેન્થર્સ’નું આંદોલન; ગુજરાતમાં પણ એ આંદોલન ચાલેલું. એ આંદોલન દરમિયાન (સ્વ.) રમેશચન્દ્ર પરમાર, વાલજીભાઈ પટેલ જેવા તે સમયના યુવા નેતાઓએ ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. એ આંદોલને પણ દલિતોના ‘જમીન-અધિકાર’ના સવાલને આક્રોશપૂર્ણ રીતે બહાર આણેલો. વાલજીભાઈ તથા રાજુ સોલંકી જેવા દલિત કર્મશીલો આજે પણ પોતાની રીતે આ મુદ્દા ઉપર ખાસ્સું કામ કરી રહ્યા છે.
ફરી આપણે ઉના-આંદોલનના યુવાનેતૃત્વ અને માંગણીઓ ઉપર આવીએ. અન્ય અત્યાચારવિરોધી આંદોલનોની જેમ એ આંદોલન પણ ક્રમશઃ શમવા માંડ્યું. એમાં દોષ એના નેતૃત્વનો હતો. આંદોલનમાંથી ઊઠેલી ‘જમીન-અધિકાર’ની માંગણીને વ્યવસ્થિત રીતે આગળ કરીને, આંદોલનને વિકસાવવાને બદલે, તે સમયે ગુજરાતમાં ચાલતાં અન્ય યુવા નેતાઓનાં બે આંદોલનો – ‘પાટીદાર અનામત-આંદોલન’ અને ઓ.બી.સી.(અન્ય પછાતવર્ગો)નું ‘અનામત બચાઓ આંદોલન’ – સાથે ગઠબંધનની તજવીજમાં એ નેતૃત્વ પડ્યું. કેમ કે – ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હતી. ત્રણેય આંદોલનોના યુવાનેતૃત્વની નજર પોતાનાં આંદોલનોની માંગણીઓ પરથી હટવા માંડી અને પોતાની વ્યક્તિગત રાજનૈતિક સત્તાની એષણા ભણી ઢળવા માંડી. ‘દલિતોના જમીન-અધિકાર’ની ક્રાંતિકારી માંગ ઉઠાવનાર આક્રોશભર્યા દલિત- આંદોલનના યુવા નેતાએ, ઓ.બી.સી. આંદોલનમાં એના નેતાએ ઉઠાવેલી એક માંગ હતી ગુજરાતમાં ‘દારૂબંધીનો કડક અમલ’; એ માંગને સમર્થન જાહેર કર્યું અને એને પોતાના એજન્ડામાં સામેલ કરી.
આશ્ચર્યજનક અને આઘાતજનક હતી ઉના-આંદોલનના નેતાની આ વર્તણૂક. ક્યાં દલિતો માટે ‘જમીન-અધિકાર’ની ક્રાંતિકારી માગણી અને ક્યાં ‘દારૂબંધીના કડક અમલ’ માટેની કાનૂની વ્યવસ્થા સુધારણાની માગણી. હા, દલિતો ઉપર થતાં અત્યાચારો સંબંધે બનેલ કાનૂનોના ચુસ્ત અમલ સંદર્ભે કાનૂની વ્યવસ્થા-સુધારણાની માંગ થઈ હોત તો બરાબર; પરંતુ આ તો દારૂ જેવા સામાજિક-સાંસ્કૃિતક દૂષણ અને ‘દારૂબંધી’ના કાયદાના અમલ સંદર્ભે ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો હતો. વળી, આવી દલિત-અત્યાચાર સાથે અસંબદ્ધ માંગણી મૂળ મુદ્દાથી ધ્યાન હટાવનારી પણ હતી. આવું એટલા માટે બન્યું કે અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ આ ત્રણેય વાજબી આંદોલનોના યુવાનેતૃત્વના દિલમાં આંદોલનના મૂળમાંના મુદ્દાઓ કરતાં વ્યક્તિગત રાજનૈતિક કારકિર્દી, વધારે મહત્ત્વની હતી. આ વાસ્તવિકતા કદાચ એકવીસમી સદી દરમિયાન આપણા ગુજરાત અને દેશમાં ઊભરેલાં મોટા ભાગનાં આંદોલનોના નેતૃત્વની કરુણતા છે.
વિધાનસભાની ચૂંટણીઓમાં આ ત્રણેય આંદોલનોના યુવા નેતાઓમાંથી બે ચૂંટણી લડ્યા. (ત્રીજા નેતા ઓછી ઉંમરને કારણે ઉમેદવારી કરી શકે તેમ નહોતા) બન્ને ચૂંટણી જીત્યા. એક વિરોધપક્ષના ઉમેદવાર બનીને અને બીજા વિરોધપક્ષના પ્રત્યક્ષ સમર્થનથી. ‘ઉના આંદોલન’ના નેતાની પ્રસિધ્ધિ માધ્યમોને કારણે સમગ્ર દેશમાં ફેલાઈ ચૂકી હતી. ધારાસભ્ય તરીકેની જીત પછી દલિત યુવા નેતાએ પોતાના ગ્રામીણ મતવિસ્તારના જિલ્લામથકે કલેક્ટરને વિસ્તારના રોડ-રસ્તા સુધારવા નિવેદન આપ્યું અને પછી તરત જ અમદાવાદ જેવા શહેરના બે શ્રમજીવી, નિમ્ન અને મધ્યમવર્ગના વિસ્તારોમાં એમની સ્વાગત-સભાઓ દરમિયાન અણધારી રીતે એ વિસ્તારોમાં ચાલતાં દારૂના અડ્ડાઓ વિરૂદ્ધ નાનકડાં આંદોલનો છેડ્યાં; તેમ જ અમદાવાદ શહેરના ઉપરી પોલીસ-અધિકારીને દારૂના અડ્ડા બંધ કરવાની ઉગ્ર રજૂઆતો કરી.
આ જ અરસામાં મહારાષ્ટ્રના કોરેગાંવમાં બસ્સો વર્ષ પહેલાં સન ૧૮૧૮ની ૧ જાન્યુઆરીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્ય અને ત્યાંના રાજકર્તા બ્રાહ્મણ પેશ્વાની વચ્ચેના યુદ્ધમાં, કંપની સૈન્યના દલિત સૈનિકોનાં અપ્રતીમ પરાક્રમો અને બહાદુરીને કારણે કંપની (બ્રિટિશ) સૈન્યની જીત થઈ હતી. સમય જતાં, છેલ્લાં ઘણાં વર્ષોથી ત્યાંના દલિતો, બ્રાહ્મણો ઉપરની પોતાની એ જીતને ‘વિજય દિવસ’ તરીકે ઊજવે છે. ઉના-આંદોલનના યુવા દલિત નેતા આ ‘વિજય દિવસ’ના સંમેલનમાં મહેમાન તરીકે ગયા. અલબત્ત, ઊના-આંદોલનને એ ઉજવણી સાથે કોઈ લેવાદેવા નહોતી, પરંતુ એ આંદોલને સર્જેલા નેતૃત્વનાં વલણો સમજવા આ ઘટના મહત્ત્વની છે.
થોડા ધ્યાનથી જોઈએ તો – ભારતને સંસ્થાન (ગુલામ) બનાવવાની પ્રક્રિયાના ભાગ રૂપે બ્રિટિશર્સ(ઈસ્ટ ઇન્ડિયા કંપની)નું સૈન્ય, ભારતમાં અલગ-અલગ પ્રદેશોમાં શાસનકર્તાં રજવાડાંઓ સાથે યુદ્ધો કરી, તેમને હરાવી એ પ્રદેશોને પોતાની સત્તા નીચે લાવતા હતા; પેશ્વા સાથે પણ કંપનીસૈન્યે કોરેગાંવનું યુદ્ધ કરી પેશ્વાને હરાવ્યા અને એમના રાજ્યને પોતાનું ગુલામ બનાવેલું. હવે જો કંપની સૈન્યમાં મહાર (દલિત) સૈનિકો હતા તો એ તો પોતાની રોજગારી માટે સૈનિક તરીકે નોકરી કરતા હતા. વળી યુદ્ધ તો કંપનીના સ્વાર્થ અને ભારતને ગુલામ બનાવવાના ભાગરૂપે હતું. એ યુદ્ધ દરમિયાન કંપની જીતી અને પેશ્વા હાર્યા તો એને દલિતોનો બ્રાહ્મણો ઉપર વિજય કઈ રીતે માની શકાય? અને આમ છતાં, ત્યાંના દલિતો એ દિવસને ‘વિજય દિન’ તરીકે જોરશોરથી, ઢોલ-નગારાં સાથે રંગેચંગે ઊજવે છે. આ ઉજવણીને યોગ્ય ઠેરવવા ત્યાંના આયોજકો ડૉ. બાબાસાહેબ આંબેડકરે એક વખત દલિતોના આ વિજયને બિરદાવ્યાનો હવાલો આપે છે. બની શકે કે બાબાસાહેબનો સમય અલગ હતો. દેશભરના દલિતોના ઉત્થાન માટે એમણે આંદોલનો છેડ્યાં હતાં, લખાણો લખ્યાં હતાં, ચિંતન-મનનો કર્યાં હતાં. મહારાષ્ટ્રમાં દલિતોને એકત્રિત અને જાગૃત કરવાની રણનીતિના ભાગ રૂપે એમણે દલિત વિજય તરીકે એ યુદ્ધમાં વિજયને બિરદાવ્યો હોય. બાબાસાહેબના જીવનચરિત્રના આલેખક ધનંજય કીરે એક સ્થળે નોંધ્યું છે કે – “આંબેડકરે આ વર્ષ(૧૯૨૭)ના કાર્યની શરૂઆત કોરેગાંવ યુદ્ધસ્મારકની સામે યોજાયેલ સભાથી કરી.” એ સભામાંના ભાષણ દરમિયાન ડૉ. આંબેડકરે કહ્યું કે – “… મહાર સૈનિકો બ્રિટિશરો તરફથી લડે એ કાંઈ ખાસ ગૌરવ લેવા જેવી વાત નથી, એ સાચું, પણ એ લોકોએ અંગ્રેજોને મદદ શા માટે કરી? અસ્પૃશ્ય હિન્દુઓએ એમને નીચ ગણીને કૂતરાં – બિલાડાને આપે તેના કરતાં ખરાબ વર્તણૂક આપી, એટલા માટે! પેટ ભરવા માટે કોઈ સાધન ન હોવાને કારણે એ લોકો મજબૂરીથી અંગ્રેજોની ફોજમાં ભરતી થયા એ ધ્યાનમાં રાખવું પડશે …”
આપણે ફરી આપણી મૂળ વાત ઉપર આવીએ. ઉના-આંદોલનથી ઊભરેલા ગુજરાતના યુવા દલિત નેતાને મહેમાન તરીકે આમંત્રણ મળ્યું; અને એમણે ત્યાં વક્તવ્ય આપ્યું. આ સમગ્ર ઘટનામાં વિવાદાસ્પદ મુદ્દો એ છે કે એક સુશિક્ષિત યુવા નેતાએ આ પ્રકારની ઉજવણીમાં ભાગીદારી કરવી જોઈએ? આ ‘વિજય દિવસ’ પોતે જ એક વિવાદાસ્પદ ઘટના નથી? જો કે ઇતિહાસને એના પૂરા પરિપ્રેક્ષ્યમાં નાણ્યા-જાણ્યા વિના આવી ઉજવણીઓ કરવી દલિત અથવા કોઈ પણ શોષિત સમુદાય માટે એ ભાવનાત્મક બાબત છે; પરંતુ શિક્ષિત, જાગૃત, બુદ્ધિજીવીઓ માટે એ ચર્ચા-વિવાદોનો મુદ્દો છે જ. વળી, રાજનૈતિક નેતાઓ માટે તો એ શોષિત સમુદાયની ભ્રમિત ભાવનાઓના તુષ્ટિકરણનો મુદ્દો પણ બની રહે છે. ઉના-આંદોલનના નિમિત્તે એની માંગણીઓ અને યુવા નેતાનાં વલણો વિશે આ બે-ત્રણ મુદ્દા લાંબી અને વિષદ ચર્ચાઓ માટે જરૂરી લાગ્યા, તેથી આ લખાણ. અપેક્ષા છે કે આ સંદર્ભે જરૂરી ચર્ચાઓ થાય, મતમતાંતરો, અભિપ્રાયોની જાહેરમાં આપ-લે થાય.
E-mail : darshan.org@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 05-06
![]()


નારીને પૂજવાનો આપણી સંસ્કૃિતનો દાવો કેટલો દંભભર્યો છે તેનો આનાથી સાફ પુરાવો બીજો કોઈ નથી. ઘરની બહાર કલાકો વીતાવવાં પડતાં હોય તેવી નોકરિયાત મહિલાઓ, અને ખાસ તો શ્રમજીવી બહેનોને પેશાબઘરના અભાવે ખૂબ વેઠવું પડે છે. બાંધકામ મજૂરી, પાથરણાં, લારી, ફેરી, સફાઈ જેવાં ખુલ્લામાં કરવાં પડતાં શ્રમનાં કામ સાથે સંકળાયેલી બહેનો માટે તો કોઈ આશરો જ હોતો નથી. જાહેર પેશાબઘરોને અભાવે આપણે ત્યાંની મહિલાઓને અનેક વ્યાધિઓનો ભોગ બનવું પડે છે. પુરુષો કદાચ ન જાણતા હોય, પણ ઘરની બહાર લાંબો સમય ગાળવો પડતો હોય તેવી આપણી અનેક મહિલાઓ પેશાબ કરવા જવાની જરૂરિયાત જ ન ઊભી થાય તે માટે ઓછું પાણી પીવે છે. તેને પરિણામે તેમને ડિહાઇડ્રેશન સાથે સંકળાયેલી શારિરીક તકલીફો ઉપરાંત કિડની ઈન્ફેક્શન થાય છે. વળી પાણી પીવાય અને પેશાબ કરવા ન જવાય તો મૂત્રાવરોધને કારણે બ્લૅડરને લગતાં રોગો થાય છે. ગામડાંની શાળાઓમાં સારાં ટૉઇલેટ્સને અભાવે દીકરીઓનું ભણતર, ખાસ કરીને તેઓ માસિકમાં પ્રવેશ કરે ત્યાર બાદ, ખૂબ અનિયમિત થાય છે અથવા અટકી પણ જાય છે. ઘરથી દૂર, અંધારે, અવાવરુ જગ્યાએ કુદરતી હાજતે જતી કન્યાઓ છેડતી અને બળાત્કારનો ભોગ બને છે. તેમાંથી આ પ્રકારના અત્યાચારનો ઉત્તર પ્રદેશના બદાયુંમાં 2014ના મે મહિનામાં બનેલો કિસ્સો વધુ ફેલાયો એટલું જ. નોબલ પુરસ્કાર સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને લેખો અને મુલાકાતો ઉપરાંત તેમના ‘અનસર્ટન ગ્લોરિ’ ગ્રંથમાં પણ ભારતમાં મહિલાઓના આરોગ્ય અને સ્વચ્છતાની ઘેરી ચિંતા વ્યક્ત કરી છે.
ભારતમાં લગભગ બધે જ મહિલાઓ માટેનાં જાહેર શૌચાલયોમાં પેશાબ કરવાનાં પણ પૈસા લેવામાં આવે છે. મહિલાઓને પેશાબ કરવા દેવા માટેના એક રૂપિયાથી પાંચ રૂપિયા સુધીની રકમ મોટે ભાગે પહોંચ આપ્યા વિના લેવામાં આવે છે. આવું એટલા માટે ચાલી જાય છે કે મહિલાઓ મજબૂર હોય છે. પુરુષોના પેશાબઘરમાં આવી રીતે પૈસા લેવામાં આવે તો મોટા ભાગના પુરુષો બહાર પેશાબ કરી લે. પુરુષની બાબતમાં ખુલ્લામાં પેશાબ આપણે ત્યાં શરમની બાબત ગણાતી નથી. જ્યારે મહિલાઓ માટે ખુલ્લામાં પેશાબ કરવો એ અત્યંત શરમજનક બાબત હોય છે. આ મજબૂરીને કારણે મહિલાઓને જાહેર પેશાબઘરમાં પૈસા ચૂકવવા જ પડે છે. એમ છતાં મોટે ભાગે એ જગ્યાઓ ખૂબ ગંદી હોય છે. દિવસ આખો ઘરની બહાર મજૂરી કરીને સો-બસો રૂપિયા કમાતી ભારતની નાગરિક એવી મહિલાને કુદરતી ક્રિયા માટે દરરોજ પાંચ-દસ રૂપિયા ખર્ચવા પડે તે દેશ માટે શરમજનક બાબત છે.
કેતન મહેતાની ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ અમદાવાદના એડવાન્સ સિનેમામાં ઓગણીસસો એક્યાશીની સાલમાં રજૂ થયેલી. ત્યારે એડવાન્સ સિનેમાનાં માલિક રમોનાબહેને પોતાની નાજુક તબિયત છતાં અંગત રસ લઈને હિંમતભેર એનું વિતરણ કરવાનું બીડું ઝડપેલું. ફિલ્મ માંડ એક અઠવાડિયું પૂરું કરી શકેલી. મોટી ફિલ્મો અને મુંબઈના વિતરકો-નિર્માતાઓ પ્રયોગાત્મક ફિલ્મો વિશે ત્યારે જે ભેદભાવભર્યો વ્યવહાર રાખતા, તેના સાક્ષી થવાનું બનેલું.
‘ધાડ’ની વિતરણ-પ્રક્રિયામાં, કલાત્મક સિનેમા માટેના પોતાના અંગત પેશનને લીધે છેલ્લા કેટલાક મહિનાઓથી અમારી સાથે રિલીઝ – પાર્ટનર તરીકે સઘન રીતે જોડાયેલા વંદન શાહ જૂના રૂપમ સિનેમાના માલિક છે. ઓગણીસસો બાવનની સાલમાં બંધાયેલું રૂપમ થિયેટર અમદાવાદના પહેલવહેલાં સિનેમાઘરોમાંનું એક હતું. સંભવતઃ પહેલું. વંદન શાહના દાદાજી બિહારીભાઈ પોપટલાલ શાહ ગાંધીવાદી હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા હતા, જેમણે આઝાદી પછીના તરતના ગાળામાં એ સમયમાં અજાણ્યે ને આધુનિક કહેવાય તેવો ફિલ્મ-વિતરણનો વ્યવસાય અપનાવેલો. એમના પુત્ર યોગેશભાઈ બિહારીલાલે રૂપમ થિયેટરમાં ન્યૂ ફિલ્મ સોસાયટીની ફિલ્મોને પણ પ્રોત્સાહન આપેલું. કેતન મહેતાની ‘સરદાર’ ફિલ્મ એમણે નહીં નફો નહીં નુકસાનની રાહે પચ્ચીસ સપ્તાહ ચલાવેલી અને માત્ર બે રૂપિયાના દરે ગુજરાતની નિશાળોના વિદ્યાર્થીઓને પોતાની પહેલથી આ ફિલ્મ બતાવેલી. બિહારીલાલ શાહની પરંપરાને જાળવી રાખીને વંદન શાહે આજે ‘ધાડ’ ફિલ્મને પડદા સુધી પહોંચાડવામાં નિમિત્તરૂપ ભૂમિકા ભજવી છે.