તા. ૮-૧૧-’૧૬ના રોજ વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકો માટે એક સાવ અણધાર્યું પગલું ભર્યું. તેમણે તે દિવસની મધરાતથી રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટોને ગેરકાયદેસરની જાહેર કરી, એટલે કે એ નોટોને ચલણમાંથી દૂર કરવામાં આવી. ઐતિહાસિક પગલા તરીકે ઓળખવામાં આવેલું આ પગલું કેવળ કાળાનાણાને નાબૂદ કરવા માટે જ ભરવામાં આવ્યું નથી, બીજા અનેક ઉદ્દેશો તેનાથી હાંસલ થશે, એવું લોકોને જાહેર ખબરના માધ્યમથી જણાવવામાં આવ્યું છે. આ ઉદ્દેશ વર્ણવતા પૂર્વે ‘ગરીબો, નવોદિત મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ’ને એવી આશા આપવામાં આવી છે, કે તેમના માટે ‘આ ઐતિહાસિક પગલું નવી તકો સર્જશે.’
પ્રસ્તુત પગલાની જે અન્ય અસરો પડવાની અપેક્ષા રાખવામાં આવી છે તે આ પ્રમાણે છે : (૧) મકાનો અને જમીનના ભાવ ઘટશે. ઉચ્ચ શિક્ષણ અને તબીબી સારવારનો [લાભ] આમ આદમી લઈ શકશે. મતલબ કે એ સેવાઓ સોંઘી થશે. (૨) દાણચોરી, જાસુસી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે મળતાં નાણાં બંધ થઈ જશે. આમાં એ અભિપ્રેત છે કે આ પગલાને પરિણામે એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ નાણાંના અભાવે બંધ થઈ જશે; અને (૩) મોટા જથ્થામાં ચલણમાં ફરતી નકલી નોટો ચલણમાં ફરતી બંધ થઈ જશે.
આ કારણોસર, રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ કરાતાં નાગરિકોને દિવસો સુધી કેટલીક હાડમારી ભોગવવી પડશે, પૂરતા પૈસાના અભાવે લોકો સંખ્યાબંધ ચીજોની ખરીદી મુલત્વી રાખશે તેથી કેટલાક દિવસો સુધી બજારો સુસ્ત રહેશે. એ દરમિયાન જૂની ૫૦૦ અને ૧૦૦૦ની નોટોના બદલામાં નવી રૂ. ૫૦૦ અને ૨૦૦૦ની નોટો આપવામાં આવશે. અલબત્ત, નોટોની આ ફેરબદલી સરકારે ધારી છે એટલી સરળ નહીં નીવડે પણ આમ આખરે આ પગલું નોટો બદલવાની પ્રક્રિયા બની રહેશે.
પણ જેમણે કાળું નાણું હાથ પર રાખ્યું છે એ લોકો તેમનું બધું કાળું નાણું ‘ધોળું’ નહીં કરી શકે. એ રીતે કેટલીક ચલણી નોટો રદ થઈ જશે. આ રીતે કાળા નાણાના રૂપમાં રહેલી કેટલી સંપત્તિનો વિલય થશે એ અનુમાનના વિષય છે. એ જાણીતી વાત છે કે કરચોરી અને ભ્રષ્ટાચાર દ્વારા મેળવવામાં આવતી આવકનો મોટો ભાગ જમીનો, મકાનો અને સોના જેવી ભૌતિક અસ્કામતોમાં રોકવામાં આવે છે. કેટલુંક કાળું નાણું વિદેશોમાં રાખવામાં આવે છે. (એ નાણું દેશમાં લઈ આવવાનું વચન મોદીએ આપ્યું હતું તે સુવિદિત છે.) આમ કાળા નાણાનો એક પ્રમાણમાં નાનો ભાગ ચલણી નોટોના રૂપમાં સંઘરવામાં આવે છે. એમાંથી સરકારના જણાવ્યા પ્રમાણે રૂ. સવા લાખ કરોડની આવક સ્વૈચ્છિક રીતે જાહેર કરવામાં આવી છે. તેથી ચલણી નોટોના રૂપમાં ઝાઝું કાળું નાણું લોકો પાસે હોવાથી સંભાવના ઓછી છે. માર્ચ ૨૦૧૬માં દેશમાં રૂ.૫૦૦ અને ૧૦૦૦ની ૧૪,૧૮,૦૦૦ કરોડના મૂલ્યની નોટો ચલણમાં હતી. (આઠમી નવેમ્બર સુધીમાં તેમાં વધારો થયો હશે.) એ પૈકી કેટલા મૂલ્યની નવી નોટો ૨૦૧૭નાં માર્ચની ૩૧મી સુધી આપવાની થાય છે તેના આધારે કેટલું કાળુ નાણું નાશ પામ્યું છે તેનો એક જાડો અંદાજ મળી રહેશે.
સરકારના આ પગલાથી ભવિષ્યમાં લોકો ઓછી કરચોરી કરતા થશે તેથી સરકારને આવકવેરાના રૂપમાં મળતી આવક વધશે અને એ વધેલી આવકમાંથી સરકાર ઇન્ફ્ર્ાસ્ટ્રક્ચરમાં વિશેષ મૂડીરોકાણ કરશે. એને પરિણામે અર્થતંત્રમાં આવક અને રોજગારી વધશે. આવી આશા કેટલાક સમીક્ષકોએ રાખી છે. એમાં એ અભિપ્રેત છે કે સરકારના આ પગલાથી ગભરાઈને લોકો ભવિષ્યમાં કરચોરી કરવાની અને ભ્રષ્ટાચાર આચરવાની હિંમત નહીં દાખવે. સરકારે પોતે પણ આ દાવો કર્યો છે. આ આશાવાદ કેટલો સાચો છે તે તો આગામી વર્ષોનો અનુભવ જ કહેશે. એના વિશે અટકળો કરવાનો કોઈ આધાર આપણી પાસે નથી. આ કેવળ શુભેચ્છા છે.
સરકારે તેના આ પગલાથી જમીન અને મકાનોની કિંમતો ઘટશે એવો જે દાવો કર્યો છે તેમાં તથ્ય છે. એ બે ભૌતિક અસ્કામતોના ખરીદ વેચાણમાં મોટા પ્રમાણમાં રોકડ નાણું રદ થતા એ અસ્કામતોની માંગમાં મોટો ઘટાડો થશે. તેથી બિલ્ડરોને એની કિંમત ઘટાડવાની ફરજ પડે એ પૂરેપૂરું સંભવિત છે. પણ એને પરિણામે બાંધકામ ઉદ્યોગ કેટલાક મહિનાઓ માટે સ્થગિત થઈ જશે.
ઉચ્ચ શિક્ષણ આપતી સ્વનિર્ભર કૉલેજો અને તબીબી સારવાર આપતી ખાનગી હૉસ્પિટલો તેમની ફીમાં મોટો ઘડાટો કરશે એવી જે આશા સરકારે આમ આદમીને બંધાવી છે તે કેટલી સાચી નીવડશે તે એક પ્રશ્ન છે. તેની પાછળનો તર્ક સ્પષ્ટ નથી. સરકારનો આ દાવો કેટલો સાચો નીવડે છે તે તો ૨૦૧૭ના વર્ષમાં જે જોઈ શકાશે.
આતંકવાદીઓ, દાણચોરો ઇત્યાદિને તેમની દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે મળતાં નાણાં હાલ તુરત બંધ થઈ જશે અને તેમની પાસે રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટોમાં જે નાણું હશે તે નિરુપયોગી બની જશે. પણ સમય જતાં આ દેશ વિરોધી તત્ત્વો ફરીથી નાણાં નહીં મેળવી શકે એમ કહેવાની સ્થિતિમાં આપણે નથી. એ જે થાય તે, દેશમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિ, દાણચોરી અને જાસુસી તદ્દન બંધ ન થાય, પણ તેમાં આગામી વર્ષોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય તો પણ નોટો રદ કરવાનું આ પગલું તેનો એક ઉદ્દેશ પાર પાડવામાં સફળ નીવડ્યું છે એમ કહી શકાશે.
છેલ્લે, ચલણમાં ફરતી નકલી નોટો આ પગલાથી આપમેળે દૂર થઈ જશે એ નિશ્ચિત છે. પણ આ બાબતમાં બે અવલોકનો પ્રસ્તુત છેેેેે. એક, ચલણમાં ફરતી નકલી નોટોનો જથ્થો રૂ. ૪૦૦ થી ૫૦૦ કરોડનો હોવાનો એક અંદાજ છે. એની સામે દેશમાં ફરતાં નાણાંનો જથ્થો રૂ. ૧૬.૬૩ લાખ કરોડથી અધિક છે. આમ દેશમાં ફરતી જાલી નોટોનો જથ્થો સાપેક્ષ રીતે નગણ્ય છે. એની કોઈ માઠી અસર અર્થતંત્ર પર પડી શકે નહીં. બીજું, રિઝર્વ બેંક દ્વારા મૂકવામાં આવેલી નવી નોટોની નકલ કરવાનું મુશ્કેલ હશે, પણ તેની નકલ નહીં જ થઈ શકે એમ આપણે કહી શકીએ નહીં.
સરકારનું એક ન સમજાય તેવું પગલું છે તે તેણે રૂ. બે હજારની નોટ ચલણમાં મૂકી છે. યુરોપિયન સેન્ટ્રલ બૅંકે એવી જાહેરાત કરી છે કે તે હવે પછી ૫૦૦ યુરોની નોટ પ્રગટ નહીં કરે કેમ કે તેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાનું સરળ થાય છે. એક નિષ્ણાતે આ જ ઉદ્દેશથી ઇંગ્લૅન્ડ, અમેરિકા સહિતના ૨૦ દેશોને મોટા મૂલ્યની નોટો બહાર નહીં પાડવાની સલાહ આપી છે. ભ્રષ્ટાચાર, કરચોરી, દાણચોરી, આતંકવાદી પ્રવૃત્તિઓ, નાણાંની આંતરરાષ્ટ્રીય હેરફેર વગેરે ગુનાહિત પ્રવૃત્તિઓ છે. એ પ્રવૃત્તિઓને અનુકૂળતા ન સાંપડે એ માટે મોટા મૂલ્યની ચલણી નોટો ચલણમાંથી દૂર કરવાનું ઇષ્ટ છે. આમ છતાં, રૂ. બે હજારની નોટો ચલણમાં મૂકવા પાછળ કયો ઉદ્દેશ રહેલો છે તેની સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવે ત્યારે આપણે જાણી શકીશું.
આ ઐતિહાસિક પગલાથી ગરીબો અને નવા તથા જૂના મધ્યમ વર્ગના લોકો માટે કઈ અને કેટલી તકો સર્જાય છે તે તો ભવિષ્ય જ કહેશે. પણ ચલણી નોટો સરકારની ઑથોરિટી પર નથી ચાલતી, વિશ્વાસ પર ચાલે છે. રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ કરવાનું પગલું વિશ્વાસઘાત કરનારું છે. આવું ગંભીર પગલું ભરવું પડે એવી કોઈ આર્થિક કટોકટીમાંથી અત્યારે દેશ પસાર થઈ રહ્યો નથી. ઊલટું દેશમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૬ ટકા છે, જે ૪૨ મોટા દેશોમાં સહુથી વધારે છે. ફુગાવો એના માટેના નિર્ધારિત લક્ષ્યાંકોની મર્યાદામાં છે. લેણદેણના સરવૈયાની કોઈ સમસ્યા નથી. કરચોરી દ્વારા તથા ભ્રષ્ટાચાર દ્વારા કાળા નાણાનું સર્જન એ વહીવટી પ્રશ્નો છે. એ પ્રશ્નો વહીવટી સુધારાઓ અને તેના અસરકારક અમલ દ્વારા હલ કરવાના છે. ચલણી નોટોની નાબૂદી આવા વહીવટી સુધારાનો વિકલ્પ ન બની શકે.
ચાલુ નોટોના સ્થાને નવી નોટો મૂકવાનું અંદાજિત ખર્ચ રૂ. બારથી પંદર હજાર કરોડનું છે. આ નોટો બદલવાની વહીવટી કામગીરીમાં કર્મચારીઓનાં જે સમય અને શક્તિ ખર્ચાશે તથા નાગરિકોનો રદ થયેલી ચલણી નોટો બૅંકમાં આપવામાં અને નવી નોટો મેળવવામાં જે સમય ખર્ચાશે તેનું મૂલ્ય ગણીએ નોટોની આ ફેરબદલીનું ખર્ચ ઘણું વધી જાય. આશા રાખીએ કે નાગરિકોને આ ભારે ખર્ચનું વળતર મળી રહેશે.
તા. ૧૦-૧૧-’૧૬; પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2016; પૃ. 03 અને 07
![]()



આજે મનુભાઈ આપણી વચ્ચે નથી, છતાં પણ તેઓ આપણને વૈશ્વિક સ્તરે વિચારવા હંમેશાં પ્રેરણા આપતા રહે છે. ‘દર્શક’ની આ પ્રેરણાને સ્વતંત્ર વિચારવિમર્શને ધોરણે વધુ ને વધુ લોકો સુધી વિસ્તારવાના જ એક પ્રયાસ રૂપે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ‘ઓપિનિયન’ પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી. યુનાઇટેડ કિંગ્ડમથી પ્રસારિત થતા સામયિક ‘ઓપિનિયન’ની પહેલથી, (ખાસ તો સદ્ગત હીરજીભાઈ શાહ અને વિપુલ કલ્યાણીની હોંશથી), ‘દર્શક’ના વિદેશવાસી ચાહકોએ એકત્ર કરેલ નિધિમાંથી આ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ થઈ શક્યો. આ વ્યાખ્યાનમાળાના શ્રીગણેશ ૧૫ ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ ખંડ ખાતે થયા. દર્શક વ્યાખ્યાનમાળા વ્યવસ્થાપક સમિતિએ પ્રથમ વ્યાખ્યાન માટે રાજકીય ચિંતન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સુપ્રતિષ્ઠિત વિદ્વાન અને ઇંગ્લેન્ડના હાઉસ ઑફ લૉડ્ર્ઝના સભ્ય એવા પ્રોફેસર ભીખુ પારેખ પર પસંદગી ઉતારી હતી. પ્રો. ભીખુ પારેખે પોતાના તાજા પ્રકાશિત પુસ્તક ‘ડિબેટિંગ ઇન્ડિયા’ના આધારે ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા’ વિષય પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.
સભ્ય એવા પ્રકાશ ન. શાહે બોબ ડિલન અંગે સલમાન રશ્દીએ વાપરેલા ‘બાર્ડિક ટ્રેડિશન’ એ શબ્દોનો હવાલો આપીને ડિલનને માટે ગુજરાતીમાં નર્મદને યાદ કરીને ‘કડખેદ’ શબ્દ વાપર્યો હતો અને ડિલનને નોબેલ મળ્યાના સમાચારને વધાવ્યા હતા. પ્રકાશભાઈએ કાર્યક્રમના નિર્ધારિત અધ્યક્ષ હસમુખભાઈ શાહ શારીરિક તકલીફને કારણે હાજર રહી શક્યા નથી, એની વાત કરીને હસમુખભાઈના અધ્યક્ષીય પ્રવચનના ટાંચણના આધારે તેમની ભાવનાને વાચા આપી હતી. હસમુખભાઈએ ભીખુભાઈ જેવી મેધાવી વ્યક્તિ સંબોધવાની છે, એ બાબતનો રાજીપો વ્યક્ત કર્યો હતો. હસમુખભાઈએ મનુભાઈની લેખક, સાહિત્યકાર, ઇતિહાસકાર તરીકેની બહુમુખી પ્રતિભાની વાત કરીને તેમણે સમગ્ર જીવનનાં પાસાંઓને આવરી લેતું શિક્ષણ આપવાનું કામ કર્યું, તેને વિશેષ સંભાર્યું હતું તેમ જ ઇતિહાસને સમજવા માટેના તેમના ખંત અને પ્રતિબદ્ધતાને યાદ કર્યા હતા. કૃષિ માટેની તેમની ખાંખતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રકાશભાઈએ દેશ-વિદેશથી આવેલા અન્ય મહાનુભાવોના સંદેશાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ વ્યાખ્યાનમાળામાં પાયાના પથ્થરથી માંડીને મોભ સુધીની વિવિધ ભૂમિકાઓ અદા કરનારા વિપુલ કલ્યાણીને પ્રકાશભાઈએ (ભલે તેઓ ઇંગ્લંડની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ હોય, પણ) ‘સ્વભાવના કાર્યકર’ ગણાવીને પ્રારંભિક વક્તવ્ય માટે આમંત્રિત કરેલા. વિપુલભાઈએ આ સમગ્ર વ્યાખ્યાનમાળાનો ઉપક્રમ કઈ રીતે સાકાર થયો, તેની સંક્ષિપ્તમાં વિગતો આપી હતી. વિપુલભાઈએ સમગ્ર કાર્યક્રમ માટે સહયોગ આપનારા સાથીઓમાં પ્રકાશભાઈ શાહ, નયનાબહેન શાહ, કેતનભાઈ રૂપેરા અને રાજેન્દ્રભાઈ ખીમાણી (વિદ્યાપીઠના કુલસચિવ) વગેરેનો નામજોગ ઉલ્લેખ કરીને આભાર માન્યો હતો. આ વ્યાખ્યાનમાળા કઈ રીતે શરૂ થઈ, તેની વાત કરતાં વિપુલભાઈએ ૨૦૦૨ની સાલમાં ૪૦મા નાનાભાઈ સ્મૃિતવ્યાખ્યાન વખતે વક્તા રઘુવીરભાઈ ચૌધરી અને અનિલભાઈ ભટ્ટ વચ્ચે મનુભાઈના નામે કાયમી વ્યાખ્યાનમાળા શરૂ કરવા અંગે થયેલી ચર્ચા સંભારી હતી. મનુભાઈના વ્યક્તિત્વ અને સાહિત્યના વિદેશવાસી ચાહકોને ‘ઓપિનિયન’ના માધ્યમથી બીજી ફેબ્રુઆરી, ૨૦૦૪થી આ વ્યાખ્યાનમાળા માટે દાન આપવાની ટહેલ નાખવામાં આવેલી, જેને બહુ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ૧૩ ઑગસ્ટ, ૨૦૦૪થી દાનનો પ્રવાહ શરૂ થયેલો. વિપુલભાઈએ સદ્ગત હીરજી ધરમજી શાહનો વિશેષ ઉલ્લેખ કરીને તેમણે આપેલા મોટા સહયોગને સંભાર્યો હતો અને સાથે સાથે હીરજીભાઈના ગયા પછી તેમનાં પત્ની મણિબહેનની પ્રતિબદ્ધતાને પણ બિરદાવી હતી. વ્યાખ્યાનમાળાના પ્રથમ વ્યાખ્યાન માટે ભીખુભાઈ સાંપડ્યા, એને સૌભાગ્ય ગણાવ્યું હતું. વિપુલભાઈએ પોતાના વક્તવ્યમાં એક વાત બહુ માર્કાની કરેલી કે આઝાદીનાં ૭૦ વર્ષ પછી આપણે એક વસ્તુ જાણે કોરાણે મૂકી દીધી છે, એ છે વિચારવાનું. વ્યક્તિ નહિ, વિચારની શક્તિ અગત્યની છે. અમદાવાદથી શરૂ થયેલો આ વિચારનો યજ્ઞ સતત ફેલાતો રહેશે એવી આશા છે. વક્તવ્યના અંતે વિપુલભાઈએ આહ્વાન કરેલું કે આપણે એક એવો કેડો ઊભો કરીએ, આશાનો એક પહાડ ઊભો કરીએ, જેથી આપણી આવનારી પેઢી મજબૂત બને.
ભીખુભાઈએ વિપુલભાઈના આગ્રહને માન આપીને ગુજરાતીમાં જ ‘ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા’ પર વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાનના પ્રારંભે ભીખુભાઈએ મનુભાઈના નામ સાથે સંકળાયેલી વ્યાખ્યાનમાળામાં બોલવાનું થયું, એનો આનંદ પ્રગટ કર્યો હતો. મનુભાઈના વિચારો અને વિવિધ ક્ષેત્રોનાં કાર્યોને સંભારીને ‘સોક્રેટિસથી માર્ક્સ’ પુસ્તક અંગે કહ્યું હતું કે આ પુસ્તક જો અંગ્રેજીમાં અનુવાદ પામે તો મનુભાઈની પ્રતિભાનો ખ્યાલ આખી દુનિયાને આવી શકે. વધતા જતા અંધારામાંથી રસ્તો કાઢવામાં મનુભાઈ દીવાદાંડી રૂપ બની રહેશે. આટલી માંડણી પછી ભીખુભાઈએ જે વક્તવ્ય આપેલું તેના મુદ્દાઓ મુખતેસર જોઈએ :

ડૉ. ઘનશ્યામભાઈ શાહે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે ભીખુભાઈને દાયકાઓથી સાંભળતો આવ્યો છું ને તેમની પાસે ભણ્યો પણ છું. ઘનશ્યામભાઈએ ગુજરાતમાં જાણ્યે-અજાણ્યે વિચાર કરવાનું, ચર્ચા કરવાનું માંડી વળાયું છે, એ મામલે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. અમદાવાદ જેવા શહેરમાં પણ ચર્ચા કરવાનો અવકાશ નથી મળતો, તેનું દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ભલે અસહમત થઈએ છતાં ચર્ચા કરીએ, એ જરૂરી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે ૧૯૮૯થી ગુજરાત સામે અનેક સવાલો આવ્યા, તેને આપણે અવગણતા આવ્યા છીએ, જે સ્વસ્થ સમાજ માટે નુકસાનકારક છે. કોઈને ચુપ કરાવી દેવાથી વિચારને કે વ્યક્તિને કોઈ ફાયદો થતો નથી. આપણે ક્યાં આવીને ઊભા છીએ, એની આપણે ચિંતા કરતા નથી. સમાજ તરીકે આપણે સવાલોનો સામનો ટાળીએ છીએ. આજે લોકશાહી રાજ્યવ્યવસ્થામાં રાજાની સત્તા રાજા પૂરતી મર્યાદિત નથી, એ લોકો પાસે પણ છે ત્યારે લોકોએ જાગૃત થઈને ચર્ચા કરવી પડે. આપણે ત્યાં રાજ્યસત્તા છે, એ સિવાય પણ સત્તાનાં જુદાં જુદાં કેન્દ્રો છે, પરંતુ સરકાર ઉપરાંતનાં સત્તાનાં કેન્દ્રો સાથે ચર્ચા કરવાનો કેટલો અવકાશ છે, એ વિચારવા જેવું છે.
લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેએ આભારદર્શન કર્યું હતું. અરુણભાઈએ વ્યાખ્યાન અંગે આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરીને સૌથી પહેલા તો વ્યાખ્યાન સાંભળવા માટે મોટી સંખ્યામાં પધારેલા શ્રોતાઓનો આભાર માન્યો હતો. ત્યાર બાદ મુખ્ય વક્તા, સભાના અધ્યક્ષ, સંચાલક તથા ગૂજરાત વિદ્યાપીઠ પરિવારનો પણ આભાર માન્યો હતો.


