
મશહૂર અદાકાર બલરાજ સાહનીએ 1972માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં દીક્ષાન્ત પ્રવચન આપ્યું હતું. યુનિવર્સિટીનો વિદ્યાર્થી સંઘ નિયમિતપણે આ પ્રવચનની પુસ્તિકા પ્રગટ કરતો હતો, પણ પછી એ પ્રવચન ગુમનામીમાં ખોવાઈ ગયું. 2007માં યુનિવર્સિટીના ટીચર્સ સંગઠનના તત્કાલીન પ્રમુખ પ્રોફેસર ચમનલાલ એ પ્રવચનને પાછું શોધી લાવ્યા અને ત્યારથી એ પ્રવચન સંગઠનની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ દીક્ષાન્ત સમારોહમાં બલરાજ સાહનીએ એ જ્યારે કૉલેજમાં ભણતા હતા ત્યારનો એક કિસ્સો કહેલો. યુવાનીના સમયે બલરાજ સાહાની પરિવાર સાથે વેકેશન માણવા રાવલપિંડીથી કાશ્મીર જઈ રહ્યા હતા.
અડધે રસ્તે પહોંચ્યા તો ખબર પડી કે આગલી રાતે ધોધમાર વરસાદમાં ભેખડ ધસી છે, અને આગળનો રસ્તો ધોવાઈ ગયો છે. બંને બાજુ ટ્રાફિક જામ. વાહનચાલકો અને મુસાફરોએ બંને બાજુ બુમાબુમ કરી મૂકી. આજુબાજુનાં ગામડાંમાં પણ લોકો પરેશાન થઈ ગયા. એકાદ-બે દિવસ પછી પી.ડબલ્યુ.ડી.વાળાએ રસ્તો ખોલ્યો. બલરાજ સાહાનીએ જોયું કે ‘સબ સલામત’ની ખાતરી આપવા છતાં એકેય બાજુથી કોઈ ડ્રાઇવર વાહન આગળ ધપાવવા તૈયાર ન હતો. એક તરફ ઊંડી ખીણ અને ઉપર ઊંચો પર્વત. ડ્રાઇવરોને પી.ડબલ્યુ.ડી.ના સુપરવાઇઝરના નિર્ણય પર ભરોસો ન હતો.
આગલા દિવસ સુધી બધાં એકબીજા પર બુમાબુમ કરી રહ્યાં હતાં, અને હવે રસ્તો ખૂલ્યો તો ‘પહેલે આપ પહેલે આપ’ની જેમ ખામોશી છવાઈ ગઈ. બલરાજ સાહની કહે છે, ‘અડધો કલાક પસાર થયો, બે ય બાજુથી એકે ય વાહન આગળ ન વધે. સહસા લીલા રંગની એક સ્પોટ્્ર્સ કાર બાજુમાં આવીને ઊભી રહી. એક ગોરો અંગ્રેજ એને ચલાવી રહ્યો હતો. વાહનોની લાંબી કતાર જોઈને ગોરો થોડો તાજ્જુબ હતો. મેં એક મસ્ત જેકેટ અને ટ્રાઉઝર પહેરેલું હતું તે જોઈને એને લાગ્યું કે હું કોઈ જાણીતો – જાણકાર માણસ છું, એટલે મને પૂછ્યું કે, શું મામલો છે. મેં એને બે દિવસની રામાયણ કહી. મારી વાત સાંભળીને એ જોરથી હસ્યો અને કારનું હોર્ન વગાડતો જ્યાં ભેખડ ધસી હતી એ રસ્તા પરથી પસાર થઈને બીજી બાજુ ઓઝલ થઈ ગયો.’
અંગ્રેજનું સાહસ જોઈને રસ્તાની બંને બાજુ હલચલ થવા લાગી. બે દિવસથી ખચકાઈને ઊભેલાં વાહનો આગળ જવા માટે ધક્કા-મુક્કી કરવા લાગ્યાં, અને ખામોશ વાતાવરણ અચાનક શોરબકોરથી ઊભરાઈ ગયું. બલરાજ સાહાની આ કિસ્સાનું અર્થઘટન કરીને કહે છે કે, ‘એક માણસ, જે આઝાદ દેશમાં મોટો થયો હોય, અને બીજો માણસ જે દાસ્તામાં રહ્યો હોય, એ બંનેનાં વિચાર-વ્યવહારમાં શું તફાવત હોય એ મને એ દિવસે સમજમાં આવ્યું. એક સ્વાધીન વ્યક્તિ પાસે વિચાર કરવાનો, નિર્ણય કરવાનો અને એનો અમલ કરવાનો ઇખ્તિયાર હોય છે. ગુલામીથી પીડિત વ્યક્તિ પાસે આ સામર્થ્ય નથી હોતું. એ બીજાના વિચારો ઉછીના લે છે, નિર્ણય પર આવવામાં હિચકિચાય છે, અને મોટા ભાગે એ જ માર્ગ પર જાય છે જે માર્ગ પર બીજા પણ ગયેલા હોય.’
બલરાજ સાહાનીએ આ શીખ ગાંઠે બાંધી હતી, અને જીવનમાં જ્યારે પણ સ્વતંત્રતાથી નિર્ણાયક કદમ ભરવાનાં અાવ્યાં હતાં ત્યારે એમને એની અપાર ખુશી થઈ હતી. દીક્ષાંત સમારોહના એ પ્રવચનમાં સાહની જે.એન.યુ.ના વિદ્યાર્થીઓને કહે છે, ‘મેં આજીવન મારા ચહેરા પર સ્વાધીનતા (સ્વને આધીન)નો શ્વાસ મહેસૂસ કર્યો છે. હું મારી જાતને આઝાદ માણસ કહું છું. મારો જોશ સાતમાં આસમાન ઊડ્યો હતો, અને મેં જિંદગીનો લુફ્ત માણ્યો છે, કારણ કે મને લાગ્યું કે જિંદગીનો એક અર્થ, એક ઉદ્દેશ્ય, એક તાત્પર્ય છે.’
44 વર્ષ પછી આ જ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 28 વર્ષના કનૈયાકુમારે એના વિદ્યાર્થી સહયોગીઓને સંબોધતાં કહ્યું હતું, ‘મૈં આજ ભાષણ નહીં દૂંગા, આજ મૈં સિર્ફ અપના અનુભવ આપકો બતાઉંગા, ક્યોંકી ઈસ બાર પઢા કમ હૈ, સિસ્ટમ કો ઝેલા જ્યાદા હૈ. દેશ કે અંદર જો સમસ્યા હૈ .. ક્યા ઉસ સમસ્યા સે આઝાદી માંગના ગલત હૈ? યે ક્યા કહેતે હૈ કિસસે આઝાદી માંગ રહે હો? તુમ્હી બતા દો કિ ક્યા ભારતને કિસી કો ગુલામ કર રખા હૈ? નહીં … તો સહી મેં ભારત સે નહીં માંગ રહે હૈં. મેરે ભાઈઓ, ભારત મેં આઝાદી માંગ રહે હૈ. ‘સે’ ઔર ‘મેં’ મેં ફર્ક હૈ. ઇસ મુલ્ક કે અંદર જો ભૂખમરી ઔર ગરીબી હૈ, શોષણ ઔર અત્યાચાર હૈ ઉસસે આઝાદી માંગ રહૈ હૈ.’
કનૈયાનું ભાષણ, બલરાજ સાહાનીના ભાષણની જેમ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઇતિહાસની દીવાલોમાં જડાઈ ગયું છે. કોઈ વ્યક્તિનો નિર્ણય જો માત્ર એના ભાષણથી જ કરવાનો હોય (જેમ આપણે વર્ષો પહેલાં મોદીનો કર્યો હતો અને છેલ્લે સ્મૃિત ઇરાનીનો કર્યો) તો કનૈયાનું ભાષણ ‘પુત્રનાં લક્ષણો પારણાંમાંથી’ જેવું છે. એમાં ય કનૈયાનું ભાષણ સ્મૃિત ઇરાની માટે તો ખાસ જરૂરી હતું. ગુસ્સામાં ફાટ ફાટ સ્મૃિત ઇરાનીએ સંસદમાં જે અંદાજથી ભાષણ આપ્યું હતું, તેમાં ભાષણ ઓછું અને દમદાટી અને ગુંડાગર્દી વધારે હતી. કનૈયાએ જેલમાંથી નીકળીને સીધા જે.એન.યુ.ના મંચ પર જઈને બતાવી દીધું કે તમે હસતા મુખે કોઈને વ્યક્તિગત નિશાન બનાવ્યા વગર, મુદ્દા અને વિચારધારાઓ પર વાત કરી શકો છો.
પોતાની વાત કહેવા માટે ના તો તમારે કોઈની પર આંગળી ચીંધવાની જરૂર છે, ના તો આંખમાં રોષ ભરવાની. સંસદમાં આટલા માટે જ સંવાદ અને વિવાદનો અવસર આપવામાં આવે છે, જેથી જનહિતમાં, તર્કસાધ્ય બહસ થઈ શકે. એક સભ્ય સમાજ વાદ-સંવાદથી જ આગળ વધી શકે છે. કનૈયાકુમારે ત્રીજી માર્ચે યુનિવર્સિટી-કેમ્પસના અંધકારમાં આપણા સાંસદ, મંત્રી અને યુવાનો માટે એક મિસાલ પેશ કરી દીધી. જે આઝાદીના નારા માટે સરકારે કનૈયાને રાષ્ટ્રદ્રોહી ગણીને જેલમાં બંધ કરી દીધો હતો, કનૈયાએ બહાર આવીને એ જ આઝાદી શબ્દ સરકારને પાછો આપતાં કહ્યું, ‘ભારતથી નહીં, ભારતમાં જ આઝાદી જોઈએ છે.’ સ્વતંત્રતાના અડધી સદીના ઇતિહાસમાં પહેલી વાર કોઈએ આઝાદીની ધારણાને સાઇક્લોજિકલ અને ફિલોસોફિકલ દૃષ્ટિકોણથી પેશ કરી.
સામ્યવાદી-માર્ક્સવાદી પક્ષના નેતા મોહમ્મદ સલીમના કહેવા પ્રમાણે ભારતીય જનતા પક્ષ અને સંઘને ‘આઝાદી’ તેમ જ ઉર્દૂ અને ફારસીમાંથી આવેલા આવા શબ્દો સાથે સમસ્યા છે. દિલ્હી પોલીસે જે ‘પુરાવા’ રજૂ કર્યા હતા એમાં ‘આઝાદી’ શબ્દથી કનૈયા ગદ્દાર પુરવાર થતો હતો, પણ કનૈયાએ જેલમાંથી બહાર આવીને એ જ ‘આઝાદી’ શબ્દથી ખુદનો રાષ્ટ્રપ્રેમ સાબિત કરી દીધો. ‘આઝાદી’ શબ્દ કાશ્મીરના રોજિંદા જીવનનો ભાગ છે. કાશ્મીરી યુવાનો વર્ષોથી ‘હમ ક્યા ચાહતે .. આઝાદી’ એવા નારા પોકારતા રહ્યા છે. એટલા માટે જ જે.એન.યુ. કેમ્પસમાં અફઝલ ગુરુના નામ સાથે આઝાદી શબ્દનું અનુસંધાન થયું એટલે સરકારના કાન સરવા થઈ ગયા.
હકીકતમાં ‘આઝાદી’ શબ્દ કાશ્મીરી અલગતાવાદીઓની દેન નથી. કમલા ભસીન નામની જાણીતી મહિલા કાર્યકરે પુરુષોના પ્રાધાન્યતામાંથી સ્ત્રીઓને મુક્ત કરવા માટે આ નારો દક્ષિણ એશિયામાં વહેતો મૂક્યો હતો.
1985માં પાકિસ્તાનમાં મહિલા સંબંધી એક પરિષદમાં કમલાએ ‘મેરી બહેનેં માંગે આઝાદી’ એવો નારો સાંભળેલો. 1995માં બેજિંગ પરિષદમાં કમલાએ આ નારામાં સુધારો કરીને મજબૂરીથી આઝાદી, હિંસાથી આઝાદી, ન્યૂક્લીઅર ધમાકાથી આઝાદી અને મીડિયાના દરિંદાથી આઝાદી એવાં સૂત્રો આપેલાં.
આઝાદી મૂળ ફારસી શબ્દ છે, અને એનો ઇતિહાસ ત્રણ હજાર વર્ષ જૂનો છે. ફારસીમાંથી આ શબ્દ કુરર્દીશ, પશ્તો, ઉર્દૂ અને હિન્દીમાં આવ્યો છે. ઉર્વશી બુટાલિયા નામની અન્ય એક મહિલા કાર્યકર કહે છે કે, સામાજિક અન્યાય સામે લડી રહેલા ડાબેરી વિચારધારાવાળાં પક્ષો અને સંગઠનોમાં આઝાદી શબ્દ ઈશ્વરના શ્લોક જેવો છે. મોટાભાગના લોકો (કાશ્મીરના સંદર્ભમાં) આઝાદીનો અર્થ ભૌગોલિક ભાગલાના અર્થમાં કરે છે, પરંતુ કાશ્મીરમાં જ એના અર્થ જુદા જુદા છે. કેટલાક માટે આઝાદીનો મતલબ ભારતમાંથી છુટકારો છે, તો કેટલાક માટે આર્ટિકલ 370માં આપેલી સ્વાયત્તતા છે. કેટલાક માટે આઝાદીનો અર્થ બંદૂકના ડર વગર સન્માનથી જીવવાનો છે, તો કેટલાક માટે એનો અર્થ આત્મગૌરવ અને રાજનૈતિક નિર્ણયકર્તાનો છે.
અારિફ અયાઝ પરે નામનો એક કાશ્મીરી એના બ્લોગમાં લખે છે, ‘મારા સાથી કાશ્મીરીઓ જો એમ માનતા હોય કે કનૈયાકુમારે આઝાદી શબ્દ હાઇજેક કરી લીધો છે, અને એનો ગલત ઉપયોગ કર્યો છે તો મારે એટલું જ કહેવું છે કે આઝાદી કિસી કે બાપ કી જાગીર નહીં હૈ, એ કોઈ વ્યક્તિ કે સંગઠનની માલિકી નથી. એના પર ભારત કે કાશ્મીરનો હક નથી. આઝાદી એ હર એક જીવની અભિલાષા છે.’ ‘ભારતથી નહીં, ભારતમાં આઝાદી’નો કનૈયાનો નારો સશક્ત છે, અને એમાં અનેક સંભાવનાઓ છે.
કાશ્મીરીઓ કનૈયાના દૃષ્ટિકોણને સ્વીકારે કે નહીં એ બીજો પ્રશ્ન છે, પણ કનૈયાએ કાશ્મીરની ખીણમાં છેલ્લી અડધી સદીથી ગુંજતા આ શબ્દને રાષ્ટ્રીય સંવાદ(નેશનલ ડિસ્કોર્સ)માં રમતો કરી દીધો છે. એનો મતલબ એમ પણ થાય કે કાશ્મીરીઓ જ રાજનૈતિક આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યા છે એવું નથી, ભારતની અંદર કાશ્મીરીઓથી બદતર ગુલામીમાં રહેવાવાળા પણ છે. 44 વર્ષ પહેલાં બલરાજ સાહનીએ એ જ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એ જ દીક્ષાંત સમારોહમાં એ જ આઝાદીની વાત કરતાં સવાલ કર્યો હતો, ‘આ વર્ષે આપણે સ્વતંત્રતાની 25મી સાલગિરહ મનાવી રહ્યા છીએ, પણ આપણે ઇમાનદારીથી એ કહી શકીએ કે આપણે આપણી દાસવૃત્તિથી આઝાદ થયા છીએ?’
સ્વતંત્રતાની અડધી સદી પછી કનૈયાકુમારે પણ એ જ વાત કરી હતી? એ દેશદ્રોહ કહેવાય? સોચો.
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 13 માર્ચ 2016
http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-breaking-views-by-raj-goswami-in-sunday-bhaskar-5272631-NOR.html
 


 Gandhi kept his new philosophy and technique of Satyagraha, that is, resistance to tyranny through truth and nonviolence, before the nation for its fight against British imperial domination, for its freedom, reconstruction and advancement, some twenty-five years before Independence. It is now more than thirty years since we achieved our Independence. No new ideas have emerged since then for the country's reconstruction and advancement. However, people are wondering, after these fifty- five years, whether Gandhi's ideas and techniques of Satyagraha have any relevance at the present time and hereafter. It is true that they are now better known and received by the learned than they were before. This may be due to the fact that the Janata Government has declared its adherence to Gandhi's basic principles, ideas, and main programmes for the reconstruction and progress of the country. In India, it is even now a fact that whatever the rulers approve of is accepted by the people, including the so-called intellectuals.
Gandhi kept his new philosophy and technique of Satyagraha, that is, resistance to tyranny through truth and nonviolence, before the nation for its fight against British imperial domination, for its freedom, reconstruction and advancement, some twenty-five years before Independence. It is now more than thirty years since we achieved our Independence. No new ideas have emerged since then for the country's reconstruction and advancement. However, people are wondering, after these fifty- five years, whether Gandhi's ideas and techniques of Satyagraha have any relevance at the present time and hereafter. It is true that they are now better known and received by the learned than they were before. This may be due to the fact that the Janata Government has declared its adherence to Gandhi's basic principles, ideas, and main programmes for the reconstruction and progress of the country. In India, it is even now a fact that whatever the rulers approve of is accepted by the people, including the so-called intellectuals.