મરાઠીમાં પણ સાંસ્કૃિતક પતનની શરૂઆત થવા માંડી છે. મરાઠી પ્રજાની સાહિત્યપ્રીતિને કેટલાક ચલતા પુર્જા લોકો વટાવી રહ્યા છે. કાર્યપદ્ધતિ બહુ સિમ્પલ છે. જે લોકો નબળું લખે છે અને નબળું પ્રકાશિત કરે છે એને સાહિત્ય તરીકે ખપાવો. રેખા એટલી લાંબી ખેંચો કે એમાં મરાઠીના મૂર્ધન્ય કવિ વિંદા કરંદીકર અને ઉત્કૃક્ટ સાહિત્યનું પ્રકાશન કરતું મૌજ પ્રકાશન નાનાં લાગે

તાયફો : વીતેલા સપ્તાહના અંતમાં પુણે નજીક પિંપરી ખાતે મળેલા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં શરદ પવાર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વગેરે હાજર હતા; પણ અવ્વલ દરજ્જાનો એક પણ મરાઠી સાહિત્યકાર ઉપસ્થિત નહોતો.
ત્રીસેક વર્ષ પહેલાં મુલુંડમાં મરાઠી સાહિત્યના એક કાર્યક્રમમાં મરાઠી પ્રજાનો ભાષાપ્રેમ અને સાહિત્ય તેમ જ સાહિત્યકારો માટેનો પ્રતિસાદ જોઈને આ લખનારે અક્ષરશ: શરમ અનુભવી હતી. મરાઠી પ્રજાની રસિકતા સામે ગુજરાતીઓ નાદાર લાગે. મરાઠી કવિ મંગેશ પાડગાંવકર અને ગુજરાતી કવિ લાભશંકર ઠાકરનું એક જ અઠવાડિયામાં અવસાન થયું. મારી દૃષ્ટિએ લાભશંકર ઠાકર વધારે પ્રતિભાવંત કવિ હતા. મંગેશ પાડગાંવકર માટે મરાઠી અખબારોમાં સરેરાશ ચાર આખાં પાનાં ફાળવવામાં આવ્યાં હતા, જ્યારે ગુજરાતી છાપાંઓમાંથી ગણતરીનાં છાપાંઓમાં અંદરના પાને લાભશંકર ઠાકરના અવસાન વિશે એક ફકરો આપવામાં આવ્યો હતો. મોટા ભાગનાં અખબારોમાં તો લાભશંકર ઠાકરના જવાની નોંધ સુધ્ધાં લેવામાં નહોતી આવી.
પણ હવે એમ લાગે છે કે મરાઠીમાં પણ સાંસ્કૃિતક પતનની શરૂઆત થવા માંડી છે. મરાઠી પ્રજાની સાહિત્યપ્રીતિને કેટલાક ચલતા પુર્જા લોકો વટાવી રહ્યા છે. કાર્યપદ્ધતિ બહુ સિમ્પલ છે. જે લોકો નબળું લખે છે અને નબળું પ્રકાશિત કરે છે એને સાહિત્ય તરીકે ખપાવો. રેખા એટલી લાંબી ખેંચો કે એમાં મરાઠીના મૂર્ધન્ય કવિ વિંદા કરંદીકર અને ઉત્કૃક્ટ સાહિત્યનું પ્રકાશન કરતું મૌજ પ્રકાશન નાનાં લાગે. નાનાં શું નજરે પણ ન પડવાં જોઈએ. નબળા મહત્વાકાંક્ષી અને લોકપ્રિય સાહિત્યકારો ચલતા પુર્જા પ્રકાશકો સાથે મળીને સાહિત્યસંસ્થાઓને કબજે કરી રહ્યા છે. મરાઠી સાહિત્યની સર્વોચ્ચ સંસ્થા મરાઠી સાહિત્ય મહામંડળ અત્યારે હાઇજૅક થઈ ગયું છે. આ મહામંડળ દર વર્ષે મરાઠી સાહિત્ય સંમેલનનું આયોજન કરે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. વિભાગીય બેઠકોમાં સાહિત્યકાર અને સાહિત્યકૃતિ વિશે ચર્ચા થાય છે. આ સિવાય સમાંતરે અનેક કાર્યક્રમો અને બેઠકો થાય છે. અત્યારે સ્થિતિ એવી છે કે મરાઠી સાહિત્ય સંમેલન નામનો મુખ્ય મંચ અને એની છાયામાં સંમેલન વખતે કામ કરતા લગભગ ડઝનેક મંચો પર મીડિયોકરોએ કબજો કરી લીધો છે. વિંદાની વાત જ નહીં કરવાની અને નાના લોકપ્રિય મીડિયોકર સાહિત્યકારોને સ્થાપવાના. ટૂંકમાં, મીડિયોકર લેખકો અને પ્રકાશકોએ મળીને સાહિત્યને કૉમોડિટી બનાવી દીધી છે અને સાહિત્યરસિક મરાઠી પ્રજાને ગ્રાહક.
નિશાનચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન એવી ખુદ્દારી બતાવતી એક કહેવત છે. હવે ઊંધી સ્થિતિ છે. જો મોટું નિશાન સર કરવાની આવડત ન હોય તો નિશાન નીચે લઈ આવો એટલે આસાનીથી એને સર કરીને સિદ્ધિ મેળવી શકાય. આમ જે લોકો ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન કરવાની ક્ષમતા ધરાવતા નથી એવા લોકો રસિકોની રસિકતાને અભડાવી રહ્યા છે. ટેસ્ટ જ નીચે લઈ આવો એટલે મરાઠી ભાવક બાપડો વિંદાને ગોતવા જવાનો જ નથી. મીડિયોકર સાહિત્યકારો પ્રતિષ્ઠાની વાસનાથી પ્રેરાઈને અને પ્રકાશકો પૈસાની વાસનાથી પ્રેરાઈને સાથે મળીને મરાઠી સાહિત્યરસિકની રસિકતા નીચે લાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકારણીઓ, શિક્ષણનો ધંધો કરનારા શિક્ષણસમ્રાટો, બિલ્ડરો અને સત્તાના દલાલોએ સાહિત્યસંસ્થાઓ પર કબજો જમાવ્યો છે.
વીતેલા સપ્તાહના અંતમાં પુણે નજીક પિંપરી ખાતે મળેલું અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન આવો એક તાયફો હતો. સંમેલનમાં શરદ પવાર હતા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હતા, પિંપરી ચિંચવડના પાલક પ્રધાન હતા, બીજા પ્રધાનો અને રાજકારણીઓ હતા, શિક્ષણસમ્રાટ ડી. વાય. પાટીલ હતા; પણ અવ્વલ દરજ્જાનો એક પણ મરાઠી સાહિત્યકાર સંમેલનમાં ઉપસ્થિત નહોતો. મરાઠીઓ જેને દર્જેદાર સાહિત્ય કહે છે એ માટે કોઈ જગ્યા જ બચી નથી ત્યાં એ લોકો આવીને કરે શું? જે સાહિત્યકારો પુણે અને પુણેની નજીકના પરિસરમાં રહે છે તેમણે પણ સંમેલનનો બહિષ્કાર કર્યો હતો. સંમેલનના અધ્યક્ષપદ માટે કોઈ શ્રીપાલ સબનીસ નામના સાહિત્યકાર ચૂંટાઈ આવ્યા એ મરાઠી સાહિત્યજગત માટે આઘાતજનક ઘટના હતી. આ માણસ કોણ છે અને તેમનું સાહિત્યમાં શું યોગદાન છે એવા પ્રશ્નો પુછાવા લાગ્યા હતા. સંમેલનના અધ્યક્ષપદ માટેની ચૂંટણીપ્રક્રિયામાં જરૂર એવી કોઈક ખામી છે જેને કારણે સાહિત્ય સાથે સીધો સંબંધ ન હોય એવા અ-સાહિત્યકાર પણ ચૂંટાઈ શકે છે. મરાઠી અખબારોમાં છેલ્લા એક મહિનાથી સાહિત્ય સંમેલનના નીચે જતા ધોરણ વિશે ચર્ચા ચાલી રહી છે. આમાં પાછા શ્રીપાલ સબનીસ વધારે પડતા બોલકા છે. તેઓ સાહિત્યની વાત કરવા જેટલું કૌવત ધરાવતા નથી એટલે સાહિત્ય કરતાં રાજકારણ વિશે વધારે બોલે છે. એક વખત ગુસ્સામાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ તેમણે તુંકારે કર્યો હતો. સહિષ્ણુતાની તરફદારી કરો અને વડા પ્રધાનનો ઉલ્લેખ કરતી વખતે સભ્યતા પણ ન જાળવો એ કઈ સહિષ્ણુતા!
છેલ્લા એક દાયકાથી મરાઠી સાહિત્ય સંમેલનનું ભજવાતું સર્કસ જોઈને અને કુપાત્ર માણસોને સંમેલનના અધ્યક્ષપદે પહોંચી જતા જોઈને શનિવારે શરદ પવારે સાહિત્યકારોને સલાહ આપી હતી કે હવે અધ્યક્ષની ચૂંટણી કરવાનું બંધ કરો; ચૂંટણીનું ગંદું રાજકારણ અમે (રાજકારણીઓ) કરીએ છીએ એટલું પૂરતું છે, એને સાહિત્ય અને સર્જકતા સુધી લઈ જવાની જરૂર નથી; કમસે કમ એને અભડાવવાનું બંધ કરો. તેમણે સલાહ આપી હતી કે હવે પછી મરાઠી સાહિત્ય સંમેલનના માજી અધ્યક્ષો નવા અધ્યક્ષની નિમણૂક કરે. આમાં સાહિત્યનું, સાહિત્યકારોનું અને મરાઠી ભાષાનું ગૌરવ જળવાશે. બરાબર ચાલીસ વર્ષ થયાં એ ઘટનાને જ્યારે દુર્ગા સમાન મરાઠી સાહિત્યનાં વિદુષી દુર્ગા ભાગવતે ઇમરજન્સીના વિરોધમાં યશવંતરાવ ચવાણને સાહિત્યના મંચ પરથી ઉઠાડી મૂક્યા હતા. કહેવાની જરૂર નથી કે એ પછી દુર્ગા ભાગવતને જેલમાં જવું પડ્યું હતું અને જેલમાં જવું પડશે એની દુર્ગા ભાગવતને જાણ હતી. ક્યાં એ ખુદ્દારી અને ક્યાં અત્યારની લાચારી!
પિંપરીનું અધિવેશન ડી. વાય. પાટીલની શિક્ષણસંસ્થામાં યોજાયું હતું. ડી. વાય. પાટીલ મુખ્ય યજમાન હતા. મંચ પર સાહિત્યકારો કરતાં નેતાઓ અને સત્તાના દલાલો વધુ હતા. સંમેલનમાં ફાઇવસ્ટાર હોટેલ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મરાઠી અખબાર ‘લોકસત્તા’એ સંમેલનને અખિલ ભારતીય ખર્ચીક (ખર્ચાળ) સંમેલન તરીકે ઓળખાવ્યું હતું. સંમેલનના અધ્યક્ષ શ્રીપાલ સબનીસ પોતાના ઔપચારિક ભાષણમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા હતા કે પછી જાણીબૂજીને ઉલ્લેખ નહોતો કર્યો. મુખ્ય પ્રધાન સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન થાય એ પહેલાં ઊઠીને ચાલ્યા ગયા હતા.
મરાઠી સાહિત્ય સંમેલનમાં મર્યાદાનું છેલ્લું તળિયું પણ તૂટી ગયું છે. એકમાત્ર ગુલઝારને છોડીને આદરણીય કહેવાય એવો એક પણ સાહિત્યકાર ડી. વાય. પાટીલ વિદ્યાપીઠમાં બાંધવામાં આવેલા મંગેશ પાડગાંવકર સભાગૃહમાં ઉપસ્થિતિ નહોતો. જો મંગેશ પાડગાંવકર હયાત હોત તો તેમણે પણ કહ્યું હોત કે બસ થયું, મારું નામ સભાગૃહ સાથે ન જોડો!
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 જાન્યુઆરી 2016
http://www.gujaratimidday.com/features/columns/marathi-sahitya-sammelan-2016-2
![]()


ગુજરાતી ગદ્યની સરળતા, સહજતા અને પ્રાસાદિકતાને પ્રગટાવવામાં ગાંધીજીનું અમૂલ્ય યોગદાન છે. એ જ રીતે ગુજરાતી આત્મકથાનું એક મહત્ત્વનું સ્થિત્યંતર રચવામાં પણ તેમનો ફાળો કંઈ ઓછો નથી. તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વિશ્વસાહિત્યની સર્વશ્રેષ્ઠ આત્મકથાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે. અહીં ‘સત્યના પ્રયોગો’ સંદર્ભે વાત કરવાનો મારો આશય છે.