કુસુમબહેન મેઘાણીના, જયાબહેન શાહની સ્મૃિતને તાજી કરતા લેખથી, મારી સ્મરણ પટારીના આગળા ખૂલી ગયા. મારા માતા-પિતા સરોજબહેન (હાલમાં રાજકોટ છે) અને સ્વ. નરેન્દ્રભાઈ અંજારિયા મારા જન્મ પહેલાં જ વજુભાઈ અને જયાબહેનના પરિચયમાં આવેલા અને સૌરાષ્ટ્ર હિન્દી પ્રચારના પરીક્ષા મંત્રી અને બાદમાં મંત્રી તરીકે જવાબદારી સંભાળેલી. અન્ય રચનાત્મક કાર્યોમાં સક્રિય હોવાને નાતે જયાબહેન-વજુભાઈનું સતત માર્ગદર્શન મળતું રહ્યું અને સાથે મળીને અનેક કાર્યો પાર પાડ્યાં.
હું અને અક્ષય હમઉમ્ર અને અમિતા અમારાથી બે વર્ષ નાની. 1954માં અમે સેનેટોરિયમમાં રહેવા આવ્યાં, ત્યારથી જોડાયેલો સંબંધ હજુ એવો ને એવો ઘનિષ્ઠ રહ્યો છે. અમે એક બીજાના ઘરમાં જ મોટાં થયાં એમ કહી શકાય. નાનપણથી જયાબહેન-વજુભાઈનાં વિચારો, કાર્ય પદ્ધતિ અને અન્ય સાથેના હુંફાળા વ્યવહારના અમે સાક્ષી બનેલાં અને અક્ષય-અમિતા પ્રત્યેના તેમના વહાલની ભાગીદાર પણ હું બનતી. જયાબહેન દિલ્હીથી રાજકોટ આવે ત્યારે એક પ્રકારનું ઉત્સાહનું વાતાવરણ છવાઈ જતું. એમનું રોકાણ અત્યંત ટૂંકું રહેતું જેમાં પોતાના મતવિસ્તારમાં જવું, બીજા નેતાઓ અને કાર્યકરોને મળવું વગેરે અનેક જવાબદારીભર્યાં કામ વચ્ચે બંને બાળકોનાં અભ્યાસ, સ્વાસ્થ્ય અને એમની પ્રગતિ વગેરે વિષે પૂછતાછ કરીને બરાબર સંભાળ લેતાં જોયેલાં છે. કામની ઝડપ તો જયાબહેનની જ. અમારાં ભણતર અને મોટી થઈ પછી કારકિર્દીમાં પણ તેમણે સક્રિય રસ લીધો, પ્રોત્સાહન આપ્યું, એટલું જ નહીં, મારા કામના સ્થળે આવી, મારું સામાજિક કાર્ય જોઈને શાબાશી પણ આપી.
જયાબહેનનું વ્યક્તિત્વ કેવું? એમ કોઈ પૂછે તો કહું કે તેઓ સ્વતંત્ર વિચારધારા ધરાવનાર, સ્પષ્ટ વક્તા, નીડર, શક્તિઓથી ભરપૂર અને સતત કાર્યરત રહેનાર વ્યક્તિ હતાં. પોતાની અને બીજાની કન્યાઓ પણ નીડર બને, સર્વોદય વિચારધારા પ્રમાણે જીવન જીવે અને કોઈના પણ દબાણ હેઠળ આવ્યા વિના નિર્ણય લે, એવો તેમનો આગ્રહ. બહારથી ક્યારેક રુક્ષ લાગતું તેમનું વ્યક્તિત્વ ખરેખર તો પ્રેમાળ જ હતું. અમારા બંને કુટુંબ વચ્ચેના અત્યંત નિકટ સંબંધોને કારણે, દુ:ખના સમયે, એક વડીલ તરીકે પોતાની પાંખમાં સમાવીને આશ્વાસન આપ્યું. એમની પ્રેમ ધારા છેક મારાં સંતાનો સુધી પહોંચી.
આજે (14 અૅપ્રિલ 2015) એમને પ્રિય એવા રાજકોટના પરિસરમાં કેટલાક રચનાત્મક કાર્યકરોનું મિલન યોજાયું છે જેમાં એમના વિશેના પુસ્તકનું વિમોચન, કાંતણ અને રચનાત્મક કાર્યકરોના સન્માનનું આયોજન થયું છે જે જયાબહેનને યોગ્ય અંજલી આપી કહેવાશે.
જયાબહેનમાં હતી તેનાથી દસમા ભાગની હિંમત અને કાર્યશક્તિ કેળવીને નિષ્ઠાથી કામ કરી શક્યાં હોઈએ, તો પણ તેમને ગૌરવ થાય એવા અન્યનાં ગુણ જોનારાં અને સદા બીજાને છાંયડો આપનાર એક અડીખમ સ્ત્રી શક્તિને શત શત વંદન.
e.mail : 71abuch@gmail.com
![]()


ગાંધી-સર્વોદય મૂલ્યો તથા વિચારોને વરેલાં પીઢ ગાંધીવાદી, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, પૂર્વ સાંસદ તથા આજીવન સમાજ-સેવિકા જયાબહેન વજુભાઈ શાહે 14 એપ્રિલ 2014નાં રોજ, 91 વર્ષની વયે, આપણી વચ્ચેથી વિદાય લીધી. જીવનનાં અંતિમ દિવસે જયાબહેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત સ્વાતંત્ર્ય-સંગ્રામ તેમ જ ગાંઘી ગીતોનું ગુંજન કરતાં હતાં, જે ખાસ ઉલ્લેખનીય છે.
1945માં, હું છ વર્ષની હતી, ત્યારે તેમનાં લગ્ન વજુભાઈ સાથે થયા. મુંબઈની કોર્ટમાં થયેલાં તેમના લગ્નમાં હું પણ ગઈ હતી તેનું મને આજે ય સ્મરણ છે. લગ્ન પછી બન્ને મહાત્મા ગાંધીના આશીર્વાદ લેવા ગયાં, અને મને સાથે ન લઈ ગયાં, તેથી હું ખૂબ રડી હતી. વજુભાઈના પરિવારનો પણ મને ખૂબ પ્રેમ મળ્યો. વજુભાઈના ભાઈઓ કાંતિભાઈ, બાબુભાઈ, અનુભાઈ તથા બહેનો નાનીબહેન, શાંતાબહેન મને લાડથી `બેબી’ કહેતાં. જયાબહેન-વજુભાઈ ભાવનગરનાં આંબાવાડી વિસ્તારમાં `બ્રહ્મ નિવાસ’ મકાનમાં રહેતાં, ત્યારે શહીદ રજબ અલી લાખાણી પણ તેમની સાથે રહેતા. ઊંચા-પાતળા અને સફેદ ખાદીનાં વસ્ત્રો પહેરે. મને રમાડતાં. 1946માં અમદાવાદનાં કોમી હુલ્લડ વખતે વસંતરાવ હેગીસ્ટે અને રજબ અલી લાખાણીએ શહાદત વહોરી ત્યારે હું ખૂબ રોઈ હતી. પછીથી જયાબહેન-વજુભાઈ રાજકોટ ગયાં. શરૂઆતમાં સદર વિસ્તારમાં અને પછીથી સેનેટોરિયમમાં રહેતાં. મારા બાપુજીને મળતા રેલવે-મુસાફરીનાં ફ્રી-પાસ અમે રાજકોટ આવવા-જવામાં જ વાપરી નાખતા. વજુભાઈ-જયાબહેનનાં જીવન-કાર્યની સાથે એમનાં નિકટનાં મોરારજીભાઈ દેસાઈ, દરબારસાહેબ ગોપાળદાસ-ભકિતબા, દાદા ધર્માધિકારી, ઢેબરભાઈ, રતુભાઈ અદાણી, મોહનભાઈ મહેતા `સોપાન’, મનુભાઈ પંચોળી `દર્શક’, વિમલાતાઈ જેવાં મહાનુભવોને પણ નજીકથી જાણવાનો મોકો મળ્યો.
કેટલાક એવા મહાન લોકો હોય છે, જેમની કમનસીબી સમગ્ર રાષ્ટ્રની કમનસીબી બનીને રહી જતી હોય છે. મોરારજી દેસાઈ જેવા ખમતીધર અને ખમીરવંતા નેતા માંડ સોળેક મહિના (૨૪ માર્ચ, ૧૯૭૭ થી ૨૮ જુલાઈ, ૧૯૭૮) વડાપ્રધાન પદે રહી શક્યા, એ તેમના કરતાં દેશની વધારે કમનસીબી હતી. દેશના સર્વપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન એવા મોરારજી દેસાઈની જનતા સરકારનો અકાળે અંત આવ્યો ન હોત, તો ભારતનો ઇતિહાસ કંઈક જુદો હોત, એવું માનનારો એક મોટો વર્ગ છે. મોરારજીભાઈ કરતાં પણ આપણા માટે બીજી કમનસીબી એ છે કે તેમનો જન્મ ૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ના રોજ થયેલો. ૨૯ ફેબ્રુઆરી એવી તારીખ છે, જે દર ચાર વર્ષે આવતી હોય છે, એટલે જન્મતિથિ નિમિત્તે તેમને યાદ કરવાની તક પણ દર ચાર વર્ષે મળતી હોય છે. આ વર્ષે જ તેમની જન્મતિથિ આવી નહોતી ! જો કે, કેન્દ્ર સરકારે મોરારજી દેસાઈ જેવા મહાન ગુજરાતી નેતાને યાદ કરવાની એક સુખદ તક પૂરી પાડી છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહ રાવની સાથે સાથે મોરારજી દેસાઈનું સ્મારક પણ દિલ્હીમાં એકતા સ્થળ સ્મારક સંકુલમાં તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.