નારાયણ દેસાઈ કાળ સામે લડત આપીને આજે [24 ડિસેમ્બર 2014] એકાણુંમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. સો કરતાં વધુ વખત ગાંધીકથા કરનાર નારાયણભાઈએ ગુજરાતની સાહિત્યિક સંપ્રજ્ઞતાને ઢંઢોળવાનો જે અ-પૂર્વ પ્રયત્ન કર્યો તેની નોંધ લેવી ઘટે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની 2008-9ની અવધિમાં વિચાર અને કાર્ય બંને સ્તરે વિશિષ્ટ કામ કર્યું. પરિષદના મુખપત્ર ‘પરબ’માં લખેલા ચોવીસ પ્રમુખીય લેખોમાં તેમણે એકંદર ગુજરાતી સાહિત્યની વાત સીધી સામાજિક-રાજકીય નિસબતના સંદર્ભમાં કરી. એ લેખોનો સંચય રંગદ્વાર પ્રકાશને ‘ઘણું જીવો ગુજરાતી’ નામે બહાર પાડ્યો છે. નારાયણભાઈનું બીજું મહત્ત્વનું કામ તે અમદાવાદ સિવાયના ગુજરાતના કસબા અને શહેરોમાં સાહિત્યયાત્રા માટેની પહેલ અને તેની સાથે યથાશક્તિ ખુદનું રૂબરૂ જોડાણ.
ગાંધીજીએ 1936માં પરિષદ પ્રમુખ તરીકે આપેલાં ભાષણમાં કોશિયાને પણ સમજાય તેવું સહિત્ય સર્જવાની હિમાયત કરી હતી. બોંતેર વર્ષ પછી એ જ પદ પરથી તેમના ‘બાબલા’ આપેલા પહેલવહેલા વ્યાખ્યાનમાં ‘છેવાડાના માણસના હૈયા સુધી’ પહોંચતું સાહિત્ય રચવાની હાકલ કરી. ‘સાહિત્યને સર્વસમાવેશક બનાવવાની’ જરૂરિયાતને સ્પષ્ટ કરતાં તે કહે છે : ‘ગુજરાતીના શિષ્ટ સાહિત્યનો વ્યાપ હજી મર્યાદિત વર્ગ સુધી જ પહોંચવા પામ્યો છે. આદિવાસી, દલિત, મુસ્લિમ સમાજનું જીવન આપણા સાહિત્યનું ક્ષેત્ર ભાગ્યે જ બનવા પામ્યું છે … નારીના પ્રશ્નો આપણે નારીવાદી લેખિકાઓ પૂરતાં મર્યાદિત નથી રાખ્યા?’ આ દૃષ્ટિએ પરિષદના કાર્યપ્રદેશને વિસ્તારવાનો જે પ્રયત્ન કર્યો તેની ઝાંખી તેમના કાર્યકાળ દરમિયાન થયેલા સંસ્થાના કાર્યક્રમોમાં મળે છે. ખુદને ‘સંપૂર્ણ ક્રાન્તિના સિપાઈ’ તરીકે ઓળખાવનાર નારાયણભાઈને લાગે છે કે ‘સમાજના સળગતા પ્રશ્નોમાં જ્યારે સાહિત્યકાર રસ લેવા માંડશે’ ત્યારે તે કર્મશીલની જ ભૂમિકા ભજવશે.
પાટનગરમાં આપેલાં ઉપર્યુક્ત વ્યાખ્યાનમાં જે મુખર થયું તે અત્યાર સુધી ભાગ્યે જ કોઈ અગ્રણી ગુજરાતી સાહિત્યકારને કોઈ મુખ્ય મંચ પરથી કહેવા જેવું લાગ્યું હતું. ‘જિગરના ચીરા’, નામે ભારતના ભાગલાની વ્યથાકથા આલેખનાર નારાયણભાઈએ કહ્યું: ‘ મને સન 2002માં જે કાંઈ બન્યું એ મહાપાતક લાગે છે … આમ કહેતાં મારું હૃદય એટલા માટે ચિરાય છે કે એ મહાપાતકમાં મારો પણ ભાગ છે …’ બંગાળના નંદિગ્રામના ‘સામાજિક પાપ’ના ત્યાંના સાહિત્યકારોએ કરેલા વિરોધને તે યાદ કરે છે અને પૂછે છે : ‘ ગુજરાતમાં ઘટેલી દુર્ઘટના નંદિગ્રામના ગોળીબારથી સેંકડો ગણી વધારે અમાનવીય હતી. તે વખતે શું આપણું હૈયું હચમચ્યું હતું એવું આશ્વાસન આપણે પોતાની જાતને એ ઘટના પછી લાંબે ગાળે ‘ભાવભૂમિ’ પુસ્તક પ્રકાશિત કરીને આપી શકીએ ખરા?’
સાહિત્યકારની આવી સામાજિક સંવેદના ઉપરાંત નારાયણભાઈની દૃષ્ટિએ તેનું સ્વમાન પણ મહત્ત્વનું છે. એટલા માટે તે સર્જકને ‘ખાસ કરીને શાસન પ્રત્યે ઓશિયાળાપણું’ કાઢી નાખવા જાણે તાકીદ કરે છે. શાસન માન-મરતબા કે પુરસ્કાર ‘એની ગરજે આપે’. પણ એથી એની પાસે સર્જક પોતાની ‘સ્વતંત્રતા ગીરવી ન મૂકી શકે’. તે લખે છે : ‘શાસનની દેખીતી ભૂલો કે તેણે ઇરાદાપૂર્વક ભરેલાં ખોટાં પગલાં અંગે ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય.’
પરિષદ પ્રમુખ તેમના લેખોમાં કેટલાં ય એવાં વિષયો અને સંવેદનોને સાંપ્રત સંદર્ભમાં સીધાં જ સ્પર્શ્યા છે કે જે વિશે ‘પરબ’ના પૃષ્ઠો પર તેમના પૂર્વસૂરિઓ કે અનુગામી પ્રમુખોએ ભાગ્યે લખ્યું હોય. જેમ કે ‘બુદ્ધિજીવીઓની હૃદયશૂન્યતા’, દલિતો અને સ્ત્રીઓ પરના અત્યાચારો, સાહિત્યિક સંસ્થાઓમાં સરકારની દખલગીરી, હિન્દ સ્વરાજનો વિચાર, હિંસાવિહીન પ્રતિકારના દુનિયાભરના પ્રયોગો, પાંચ કરોડ જનતા વતી બોલનારી ગાંધીનગરમાં વિરાજમાન વ્યક્તિ, ફાવેલાંઓ અને રહી ગયેલાંઓ વચ્ચેના બીભત્સ ભાગલા, ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનના દોરમાં શિક્ષણનું વેપારીકરણ.
પરિષદ પ્રમુખની એક આકાંક્ષા ‘ગિરાગુર્જરીને વિશ્વગિરા બનાવીએ’ એવી છે. [ગાંધીજીવનનો ત્રેવીસો પાનાંનો ગુજરાતી આકરગ્રંથ આપનાર] નારાયણભાઈ માતૃભાષા અને માતૃસંસ્કૃિતના દ્રોહને એકસરખા ગણે છે. વાલીઓ, શાસકો અને પ્રસારમાધ્યમો સહિત સમગ્ર સમાજ ‘ભાષાને ભૂંસાઈ જવા દેવાની અત્મઘાતી પ્રવૃત્તિમાંથી બહાર આવે’ તે માટે તેમની પાસે નક્કર વિચારો છે. [અનુવાદપ્રવૃત્તિ પર પણ તે ભાર મૂકે છે. તેમનાં સૂત્રો છે ગુજરાતમાં ‘માધ્યમ ગુજરાતી – ઉત્તમ હિન્દી અને અંગ્રેજી’ અને ગુજરાત બહાર ‘માધ્યમ માતૃભાષા – ઉત્તમ રાષ્ટ્રભાષા કે અન્ય રાષ્ટ્રીય ભાષા’.] વળી ભાષા લાદવાના પરિણામે થયેલા હિંસાચાર બાબતે તે પૂર્વ પાકિસ્તાન, આફ્રિકાના દેશો અને તિબેટના દાખલા આપે છે.
પરિષદની સાહિત્યયાત્રાનો નોખો ઉપક્રમ નારાયણભાઈના જ કાર્યકાળમાં શક્ય બન્યો [તેના વિશે તેમના ઉપરાંત સાહિત્યના કર્મશીલ રાજેન્દ્ર પટેલે પણ લખ્યું છે.] અનેક સાહિત્યકારોને સાથે રાખીને ત્રણ તબક્કામાં થયેલી આ આ સંવાદયાત્રા ઉત્તર અને મધ્યગુજરાત તેમ જ કચ્છ-સૌરાષ્ટ્રમાં થઈને પચાસેક જગ્યાએ ફરી. ભૂમિદાનના પદાયાત્રી તેમાંથી દરેક ક્ષેત્રમાં ત્રણ-ચાર દિવસ ફર્યા – ચોર્યાંશીની ઉંમરે, હૃદયરોગ માટેની દવાઓ લઈને, કોઈપણ વાહન વિના પગપાળા ફર્યા.
ઇન્દોરમાં પરિષદના રવિવારે પૂરાં થયેલાં જ્ઞાનસત્રના આયોજનની આ મહિનાના ‘પરબ’માં આવેલી નોંધમાં ઘટનાસ્થળની આસપાસ ‘ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ’ ધરાવતી જોવાલાયક જગ્યાઓમાં ઉજ્જૈન અને માંડુનો ઉલ્લેખ છે. પણ બાબાસાહેબ આંબેડકરના જન્મસ્થળ મહુનો નથી.જો કે આ અસ્વાભાવિક નથી. આંબેડકરના નામ અને કાર્યનો પરિષદના પ્રમુખીય લેખમાં ઉલ્લેખ કરનારા એકમાત્ર સાહિત્યકાર નારાયણભાઈ દેસાઈ જ છે ને !
17 ડિસેમ્બર 2014
+++++
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામે લેખકની કટાર, “નવગુજરાત સમય”, 24 ડિસેમ્બર 2014
e.mail : sanjaysbhave@yahoo.com
![]()


સનસની ખેજ (જેને ખોદી ખોદીને કાઢ્યા હોય એવા) સમાચારને અંગ્રેજીમાં ‘સ્કૂપ’ કહે છે. પત્રકારોની જે પ્રજાતિ વિલુપ્ત થઈ રહી છે તે પૈકીના વિનોદ મહેતા એમની પહેલી જ નોકરી ‘ડેબોનિયર’માં, પ્રતિમા બેદી (પૂજા બેદીની મમ્મી, કબીર બેદીની પત્ની) મુંબઈના જુહુ બીચ પર 1974માં પગથી માથા સુધી અનાવૃત્ત થઇને દોડી હતી તેની તસવીરોનું ‘સ્કૂપ’ લઈ આવેલા. એમનું છેલ્લું ‘સ્કૂપ’ એમની છેલ્લી નોકરી ‘આઉટલુક’માં હતાં જેમાં, ટેલિકોમમંત્રી એ. રાજા અને કોર્પોરેટ એજન્ટ નિરા રાડિયા વચ્ચેની ટેલિફોનિક વાતચીતમાં પત્રકારો, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની ક્રિમિનલ સાંઠગાંઠ ખુલ્લી પડી હતી.
Mahatma Gandhi's grandson has said that the father of the doctrine of non-violence would have adapted to modern times if alive, to counter the terrorism of ISIL (Islamic State). A day before the unveiling of the statue of Mahatma Gandhi at the historic Parliament Square by prime minister David Cameron and India's finance minister Arun Jaitley, TOI decided to quiz him on the relevance of Gandhi in modern times.