ત્રીજો દન. હીત વાર, ભગતનું લોક અમથાની વાડિયેં ભેળું થ્યું છે. માંયમાંય વાતું કરે છે. ‘મેં ભાળ્યા.’ ‘મેંય ભાળ્યા.’ જાગતી જોત. ભગત પંડે. હાજરાહજૂર પરચો. ટામો ભગત : “ભાયું મારા! ફીફાં ખાંડો માં. આ મેરાંને ને તમુ સંધાયને પરચા થ્યા કો’છ, ઇ સંધી આપાપણા મનની ઝૂરણ ને લોચ. સૌને ઇમ જ થાય. ભગત કેવા, ને વાત કેવી? ઈ તો કબરકોઠલામાં નો જડ્યા તાણેં જ મીં કીધું’તું કે નક્કી ઈમના કળેવરને ઓલ્યાવ માં’તવાળા ઉપાડી ગ્યા. પલીત અભાગિયા. હવેં હાલો સઉ ઘર્યે પાછા.”
“પણ મેં સગી આંખ્યે ભાળ્યા ને ભગતને!” ‘મેંય ભાળ્યા.’ ‘મેંય ભાળ્યા!’
ટામો ભગત : “કીધું નંઈ. ઈ સંધીયું આપણા મનની લોચ્યું ને શમણાં. ઇમ કાંઈ મૂવાં બેઠાં થાતાં હશે? હા, ઈ જો પાંખડું સાઈને રામરામ કરે, તો માનું કે સાચું.”
એક : “એલા ટામા! ચાંપલો મ થા. અણવશવાસી નત્ય અપવાસી. માળા મૂરખ! ઇમ ગુરુનાં પારખાં લેવાતાં હશે?” “માંય જો. તારું હૈયું ફંફોસ. હૈયે ગરુ હાજરાહજૂર ઝળહળ જોત બેઠા છે.”
બીજો : “કરો ને હાથ લાંબો. તરત ઝાલશે ને રામરામ કરશે. પરચો થાશે હાજરાહજૂર. જોડો હાથ. અમે ભાળ્યા ઈ ખોટું?”
ટામો ભગત સુનકાર થઈ જાય છે. “કાં ટામા? મૂંગો કાં થઇ ગિયો?”
ટામો ભગત : “માળું કાંક કોત્યક થ્યું ખરું – જાણે કે કોકે મને ઝાલ્યો. હાથ અડાડ્યો!”
“ચ્યમ તાણેં? કે’તો’તો ને ઈ સંધી મનની લોચ?”
ટામો : નાં, પણ હું પંડ્યે ઈને અડ્યો ખરો – કે પછી કોક મને અડ્યું?”
ત્રીજો : “હાલો હાલો હવે સંધાય. ચોવટ મેલો. ઇમ કાઈ દેવુંનાં પારખાં નો લેવાય.”
“હવે જો આપડી ભગતિ સાચી હોય તો હાલી નીકળો દુનિયા સંધીને ઈમના દીધા બોધની લાણી કરવા, ને આપડે અજવાળાં થિયાં ઇમ સઉનાં હૈયાં ઝોકાર કરવા.”
***
ના, જી. આ શબ્દો કોઈ ખ્રિસ્તી પાદરીએ ધર્મપ્રચાર માટે લખેલા કોઈ પુસ્તકમાંથી લીધા નથી. એ જેમાંથી લીધા છે તે પુસ્તકના લેખક તો છે એક સંત મતના રામકૃષ્ણાનુયાયી સાધુ.
નામ હિંમતલાલ રામચંદ્ર દવે. પણ એ નામે ભાગ્યે જ કોઈ ઓળખે. કારણ એ તો એમનું પૂર્વાશ્રમનું નામ. સાધુ બન્યા પછીનું નામ તે સ્વામી આનંદ. જન્મ ૧૮૮૭માં, અવસાન ૧૯૭૬માં. એમનું એક ઓછું જાણીતું, પણ અસાધારણ પુસ્તક છે ‘ઈશુ ભાગવત.’
સ્વામી દાદાના લેખનની શરૂઆત ‘ઈશુનું બલિદાન’ નામના પુસ્તકથી થઈ હતી. તો આ ‘ઈશુ ભાગવત’ના લેખો જુદા જુદા સામયિકોમાં તેમની હયાતી દરમ્યાન છપાયેલા ખરા, પણ તે બધા પુસ્તક રૂપે તો પ્રગટ થયા સ્વામીદાદાના અવસાન પછી, ૧૯૭૭માં. પણ આ પુસ્તકને ‘અસાધારણ’ કહેવાનું કારણ? એક નહિ, એક કરતાં વધારે કારણ. પહેલું તો એ કે એક સંત મતના રામકૃષ્ણાશ્રયી સાધુ ઈશુ ખ્રિસ્ત વિશેનું પુસ્તક લખે. આ તો બીજાના ધરમની વાત એવો બાધ એમને આડો ન આવ્યો. બીજું, વાત ભલે ઇશુની, પણ વાતને તેમને વાઘા પહેરાવ્યા આપણી ભૂમિના. એ વગર અમથું ઈશુના નામ જોડે એમણે ‘ભાગવત’ જોડ્યું હશે. પુસ્તકનું પહેલું પ્રકરણ ‘પરથારો’ વાંચતા જ સમજાઈ જાય કે આ લેખકને મન રામ, કૃષ્ણ, ઈશુ જુદા નથી, કેવળ જુદાં રૂપ છે, એક પરમ તત્ત્વના.
સ્વામીદાદા કહે છે : “સાંભળો તાણેં. જૂનવાણી વારતા કરું છું. જૂની તોય નવી. કાં’કે મારો રામ થોડો જ કોય દિ’ જૂનો થાય ઇમ છે? ઈ તો નત્ય નવા અવતાર લ્યે છે ને નવાંનવાં રૂપ ધરીને, પંડે દખ વેઠી વેઠીને પર્થમીનાં પ્રાછત પીએ.” કૃષ્ણના ગીતામાંના ‘યદા યદા હિ’ વચન સાથે તેઓ ઈશુને જોડી દે છે અને તેમને ‘હરચંદ સતિયા’ (રાજા હરિશ્ચન્દ્ર) સાથે સરખાવે છે, દુઃખ વેઠવાની બાબતમાં. ત્રીજું, આખું પુસ્તક લખાયું છે સાવ તળપદ લોકબોલીમાં. પણ આમ કરવાનું કારણ? ઈશુના જીવનની કથાઓ પણ સૌથી પહેલાં તો લોક બોલીમાં અને લોક સ્મૃિતમાં જ સચવાઈ હતી. તેને આધારે પછીથી અંગ્રેજી, જર્મન, સ્પેનીશ, ફ્રેંચ વગેરે ભાષાઓમાં તે લખાઈ. સ્વામી કહે છે : ખ્રિસ્તી પંથના ઉદયકાળના અનુનાયીઓ કહેવાતા ઉચ્ચ કે અમીર-ઉમરાવ જાતિકુલના નહોતા પણ કોળી, માછી, સુતાર લુહાર કડિયા કારીગર અગર તો એવી હલકી લેખાતી કોમોના શ્રમજીવીઓ હતા, જેમણે અપરંપાર દુઃખ અને જુલમ-જોરાવારી સામે અસંખ્ય બલિદાન તેમ જ જાન કુરબાનીપૂર્વક ટકી રહીને ઈશુ ભગતની પેઠે જ ‘માથા સાટે મોંઘી વસ્તુ’ મેળવવા પોતાના જીવતર સોંઘાં કર્યા.” એટલે જ અહીં સ્વામીદાદાએ પણ એવા કોળી, માછી, વસવાયાની બોલીનો ઉપયોગ કર્યો છે. હા, શરૂઆતમાં ઘણા વાચકોને ભાષા સમજતાં થોડી વાર લાગે, પણ પછી તો ગાડી સડસડાટ ચાલે. અને પછી તો સ્વામીદાદાની આ અનોખી ભાષા એક આગવું આકર્ષણ બની રહે.
પુસ્તકનું પહેલું પ્રકરણ ‘ઈશુ ભાગવત : પરથારો’ પુસ્તકના પ્રાસ્તાવિક રૂપ છે. પછી આવે છે પુસ્તકનો મુખ્ય ભાગ – લીલામૃત. ઈશુના જીવન સાથે સંકળાયેલી કથાઓ અહીં કહેવાઈ છે. કુલ ૨૫ કથાઓમાં લેખકે ઈશુના જીવનની ઘણીખરી મહત્ત્વની ઘટનાઓને આવરી લીધી છે. પછીનો ખંડ છે ‘કથામૃત.’ બાઇબલમાંની સાત કથાઓ તેમાં રજૂ થઇ છે. અને પુસ્તકને અંતે પાંચ પરિશિષ્ટો મૂક્યાં છે. તેમાં ઈશુના બાર શિષ્યો, નાતાળ, બાઈબલની ભાષા વગેરે, હિંદમાં ઈશુ અને ખ્રિસ્ત ધર્મ, ‘મીનીસ્ટ્રી’નો મૂળ અર્થ, જેવી બાબતોની ચર્ચા કરી છે.
ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસી પૂરી થાય તે પહેલાં તો લંડન મિશનરી સોસાયટીના બે પાદરીઓએ બાઈબલનો ગુજરાતી અનુવાદ કરીને સુરતમાં છાપી સુરતથી જ પ્રગટ કરેલો. ત્યારથી ખ્રિસ્તી પાદરીઓએ ગુજરાતી ગદ્યના વિકાસમાં, મુદ્રણ-પ્રકાશનમાં, મહત્ત્વનો ફાળો આપ્યો છે. પણ આપણા સાહિત્યના વિવેચન કે ઇતિહાસ લખનારાઓએ મોટે ભાગે તે અંગે આંખ આડા કાન કર્યા છે. ધર્માંતરણની પ્રવૃત્તિનો બચાવ ન જ હોય, પણ એને કારણે ખ્રિસ્તી પાદરીઓએ જે થોડાં સારાં વાનાં કર્યાં હોય તેની અવગણના કરવાની ન હોય. સ્વામી આનંદ જેવા આપણા એક સમર્થ ગદ્યસ્વામી પાસેથી આપણને ઇશુની જીવનકથા મળી એ આપણાં અહોભાગ્ય. ગુડ ફ્રાઈ ડેને દિવસે ક્રૂસારોહણ પછી રવિવારે ઈશુએ ભક્તોને ફરી દર્શન દીધેલાં એમ મનાય છે. આજે એ ઇસ્ટર સન ડેનો પવિત્ર દિવસ. અને એટલે આ ‘ઈશુ ભાગવત’ વિશેની વાત.
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 19 એપ્રિલ 2014
e.mail : deepakbmehta@gmail.com
![]()


ઓગણીસમી સદીનાં આપણાં સમાજ, ધર્મ, શિક્ષણ, ભાષા, સાહિત્ય, આ બધાંની જે તાતી જરૂરિયાત હતી તે કવિ નર્મદના આ શબ્દોમાં છતી થાય છે. સમાજ સુધારો એ ઓગણીસમી સદીનાં જીવન અને સાહિત્યનું એક મહત્ત્વનું પરિબળ ખરું, પણ તે એકમાત્ર પરિબળ નહોતું. એ જમાનાનાં કેટલાંક સામયિકોનાં નામ જુઓ: વિદ્યાસાગર (૧૮૪૦), ખોજદોસ્ત (૧૮૪૨), જ્ઞાનપ્રસારક (૧૮૪૮), બુદ્ધિપ્રકાશ (૧૮૫૦), રાસ્તગોફતાર (૧૮૫૧), સત્યપ્રકાશ (૧૮૫૩), જ્ઞાનદીપક (૧૮૫૬), અને બુદ્ધિવર્ધક (૧૮૫૬). આ સામયિકોનાં નામમાં આવતા વિદ્યા, જ્ઞાન, સત્ય,બુદ્ધિ, જેવા શબ્દો સૂચક છે. એ વખતે પશ્ચિમ ભારતમાં જે મથામણ ચાલી રહી હતી તે માત્ર સમાજ સુધારા અંગેની ન હતી. વ્યક્તિ અને સમાજના જીવનમાં વિદ્યાની, જ્ઞાનની, સત્યની, બુદ્ધિની પ્રતિષ્ઠા કરવાની હતી. બ્રિટીશ પદ્ધતિના શિક્ષણને પ્રતાપે જે નવી નવી વિદ્યાશાખાઓ આપણી નજર સામે ખુલી રહી હતી તેની પ્રતિષ્ઠા કરવાની હતી. આ વ્યાખ્યાન સાથે જેમનું નામ જોડાયેલું છે તે આપણા અગ્રણી વિવેચક અનંતરાય રાવળે બહુ યોગ્ય રીતે કહ્યું હતું તેમ “અંગ્રેજો દ્વારા પ્રવૃત્તિપુરુષાર્થી પશ્ચિમનું, એટલે વૈજ્ઞાનિક અને અન્ય સાધનો દ્વારા ભૌતિક ઉત્કર્ષની સાધના પુરસ્કારતી અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિનું, ભારતમાં થયેલું આગમન અને તેણે સ્ફુરાવેલ જાગૃતિ અને નવચૈતન્ય, અંગેજી કેળવણી, મુદ્રણકળા, એ બધાંએ બદલી નાખેલી હવામાં જ સાંસારિક સભાનતા પ્રગટી. તેણે સાહિત્યનું સુકાન બદલી નાખતાં અર્વાચીન સાહિત્ય પ્રભુલક્ષી મટી માનવલક્ષી અને સંસારલક્ષી એટલે જીવનાભિમુખ બન્યું. પરિણામે સમાજ સુધારો, ધર્મસુધારણા, રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રાગટ્ય, વગેરેએ આપણા અર્વાચીન સાહિત્યને ઉપાદાનભૂત જીવનસામગ્રી પૂરી પાડી છે.”1 આપણે જેને ‘સુધારક યુગ’ કહીએ છીએ તેને માટે આ જ લેખમાં રાવળસાહેબે ‘જાગૃતિ યુગ’ એવી વધુ વ્યાપક સંજ્ઞા પ્રયોજી છે. એટલે સુધારક યુગનું સાહિત્ય એવી ઓળખને બદલે પ્રબોધન યુગનું અથવા જાગૃતિ યુગનું સાહિત્ય એવી ઓળખાણ વધુ સાચી ઓળખાણ બની રહે. આજે આપણે જેને પંડિત યુગના સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે પણ હકીકતમાં તો આ પ્રબોધન યુગના સાહિત્યનું જ એક્સટેન્શન – વિસ્તરણ – હતું. એટલે ૧૯મી સદીના સાહિત્યને બે ભાગમાં વહેંચવા કરતાં આખી ઓગણીસમી સદીના સાહિત્ય માટે ‘પ્રબોધન યુગનું સાહિત્ય’ એવી સંજ્ઞા યોજવાનું વધારે ઉચિત ગણાય.