વિક્રમ સંવત ૨૦૬૯ના આસો સુદના શુક્લ પક્ષમાં જન્મેલ એક નવજાત શિશુને ગોદમાં શાંતિથી સૂતેલો જોઈને સહેજે વિચાર આવ્યો કે આ તાજાં જન્મેલાં બચ્ચાં બોલી શકે તો તેમની ઇચ્છાઓ કાંઈક આવી હોઈ શકે :
ગુગલ ફોઈએ મારું નામ બતાવ્યું
મારી ફોઈ હવે તમે બતાવો
Lullaby તમે રોજ ગાઓ છો
તો હાલરડાં પણ ગાશોને?
Nursery rhymes હું જરૂર શીખવાનો
સાથે બાળગીતો પણ સાંભળવાનો
Italian અને Mexican ખાણું રોજ જમવાનો
કદીક ખીચડી ‘ને ભાખરી પણ ચાખવાનો
I pad પર આંગળી હમણાં રમતી થશે
તો સંતાકૂકડી પણ ગમતી થશે
Three Billy Goatsની વાર્તા વાંચજો
સાથે એકલવ્ય ‘ને પ્રહલ્લાદની કહાની કહેજો
હું તો હોકી ‘ને લક્રોસ રમતો થઈશ
કદી ખો ખો ‘ને હુતુતુ શીખતો હોઈશ
ભલે ઈંગ્લિશ હો મારી પહેલી ભાષા
તોયે ગુજરાતી શીખું હું એવી આશા
e.mail : 71abuch@gmail.com
![]()


પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો, શહેરના દરવાજા બહાર થઈ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.