તેઓ મુંબઈ ઘટનાને કારણે એક રીતે નવેસર કેન્દ્રમાં આવ્યા હતા, અને હવે લાહોર ઘટના સાથે તત્ક્ષણ નવેસર પ્રકાશ્યા છે : અમારો સંકેત અલબત્ત કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમની એ પ્રારંભિક પ્રતિક્રિયા પરત્વે છે કે લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટપટુઓ પર થયેલા આતંકી હુમલા સાથે, આપણે ત્યાં એપ્રિલ ૧૦થી મે ૨૪ના ગાળામાં ઇન્ડિયન પ્રિમિયર લીગનો ક્રિકેટોત્સવ યોજવાનો તો સવાલ જ નથી; કેમકે લોકસભાની ચૂંટણીમાં રોકાયેલ અર્ધલશ્કરી બળો અને બીજાને આ ક્રિકેટપટુઓની સુરક્ષા માટે ફાળવવાનું નથી સહેલું કે નથી સલાહભર્યું.
અને આ વાત ઊંચકાઈ છે પણ એકદમ… કેન્દ્ર સરકારે, કેમકે 'કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે', રાજ્ય સરકારોને પુછાવ્યું છે કે આઈપીએલ મેચો વખતે સલામતી બંદોબસ્ત જાળવવા માટે તમારી અનુકૂળતા અને તૈયારી છે કે કેમ.
કદાચ, પહેલો જ ઉત્તર કોલકાતાથી આવ્યો છે – ૧૩મી મેના દિવસે અમારે ત્યાં મતદાન છે, અને એ જ દિવસે આઈપીએલ મેચ ખેલાવાની છે. બંદોબસ્તની દૃષ્ટિએ અમારે માટે એક જ દિવસે આ બેવડી જવાબદારીઓ નભાવવાનું શક્ય નથી એમ પોલીસ કમિશનર ગૌતમ ચક્રવર્તીએ કહ્યું છે.
દરમ્યાન, માધ્યમોનો એક વગદાર વર્ગ લગભગ વૃંદવાદનની પેઠે મચી પડ્યો છે કે આઈપીએલ મેચો દેશમાં પૂર્વનિર્ધારિત સમયગાળામાં ખેલાવી જ જોઈએ. હિંદી ફિલ્મના હીરોની પેઠે એણે કેન્દ્રસરકારના 'વજૂદ' અને 'ઝમીર' ને લલકાર્યાં છે : ફાટીમુઆઓ, દુનિયાનું છઠ્ઠું મોટું લશ્કર લઈને બેઠા છો અને આટલી જવાબદારી લઈ શકતા નથી? ઢાંકણીમાં પાણી લઈને બૂડી મરો, હાથે કરીને તમારે તમને પોપાભાઈ જાહેર કરવા છે – અ 'ફેઈલ્ડ સ્ટેટ' ઈનડીડ ! ૨૬/૧૧ પછી મુંબઈ જો રાબેતા મુજબનું થઈ શકતું હોય અને 'બિઝનેસ ઍઝ યુઝ્વલ'ને કારણે એનો ને દેશનો સિક્કો પડતો હોય તો એક અમથો આઈપીએલ ઓચ્છવ ન મનાવી શકીએ – તમે તે 'રાજ' છો કે શું છો.
વસ્તુત: આખી ચર્ચા આરંભથી જ આડે પાટે ચડી ગઈ છે અગર ચડાવી દેવાઈ છે. આઈપીએલ ઓચ્છવ સાથે ચોવીસ કલાકની ચેનલો અને અખબારોને જે જાહેર ખબરી તડાકો પડે છે એને કારણે કે અન્યથા પણ તેઓ આટલો શોરબકોર મચાવવામાં મંડી નહીં પડ્યા હોય ને, એવોયે વહેમ પડે છે.
માત્ર, વહેમની જ નહીં, ફાળ અને ફિકરનીયે વાત આ તો છે. કારણ, સાદો હિસાબ છે કે એપ્રિલ અને મે દરમ્યાન ભારતવર્ષ ભાગ્યનિર્ણયના સમરમાં હશે. આવનારા પડકાર દિવસોમાં દેશનું સુકાન કોના અને કેવા હાથોમાં હશે, એનાં લેખાંજોખાં સમેતનો લેખ દેશજનતાએ ત્યારે લખવો રહેશે. એવે વખતે 'બિઝનેસ એઝ યુઝ્વલ'ને નામે અને પોપાભાઈ નહીં પણ બહાદુરખાનજી છીએ એવી તીસમારખાં મુદ્રા ઉપસાવવાની ફિરાકમાં પ્રજામતને સ્પષ્ટ અને સક્રિય થવાનો મોકો નહીં આવતાં ધ્યાન બીજે દોરવાની ચેષ્ટા રૂપ ઓચ્છવવાળી સૂઝે છે. મીડિયા માસ્તરો, તમે કદાચ ચિયરાંગનાઓ સાથે આગોતરા તાલકદમ કે સૂરસરગમ મિલાવવા ઇચ્છતા હશો – પણ લોકો અને લોકસભાની ચૂંટણીનેય તમારે આઈપીએલ ઓચ્છવિયા સારુ કંચની દાવમાં જોતરવાં છે ?
દેશમાં અને માધ્યમોમાં અમે ખરા મુદ્દાઓની ને પૂરા કદની બહસ ઇચ્છીએ છીએ ત્યારે આઈપીએલ ઓચ્છવવાળી વાસ્તે કોરસબદ્ધ મચી પડવું એનો અર્થ સીધોસાદો એ છે કે અણી ટાંકણે લોકમાનસને બેધ્યાન અને બધિર બનાવવાના આયોજનમાં સહભાગી થવું.
મિસ્ટર હોમ મિનિસ્ટર, તમે જે સુરક્ષા બંદોબસ્તની દુહાઈ આપો છો એની બધિર ને બેધ્યાન બનાવતા આયોજન વચ્ચેનો સંબંધ સમજાય છે ?
![]()


જવાહરલાલ નેહરુએ જુદી જુદી ચાર વ્યકિતને નાણાપ્રધાન તરીકે અજમાવ્યા પછી તેમને એક સશકત નાણાપ્રધાનની શોધ હતી. નેહરુ એવી બાહોશ વ્યકિતને આ હોદ્દો આપવા ઇચ્છતા હતા, જે પંચવર્ષીય યોજનાઓનું ચુસ્ત અમલીકરણ કરાવી શકે. આખરે તેમની નજર મોરારજીભાઈ પર ઠરી. મોરારજીભાઈએ ફકત છ મહિનાના ટૂંકા ગાળામાં જ પોતાની નાણામંત્રી તરીકેની કાબેલિયત પુરવાર કરી દીધેલી. મોરારજીભાઈએ રજૂ કરેલું પ્રથમ ૮૦૦ શબ્દોનું બજેટ ‘વિકાસ અંદાજપત્ર’ તરીકે પ્રસિદ્ધિ પામેલું. પંચવર્ષીય યોજનાઓ સફળ બનાવીને દેશભરમાં ગરીબી, રોજગારી, પાણી, કૃષિ, રસ્તા, વીજળી વગેરેની સમસ્યા ઉકેલવી, આંતરિક વિરોધ છતાં વિદેશી સહાય મેળવીને દેશના વિકાસમાં પ્રયોજવી, હૂંડિયામણની મુસીબતમાંથી દેશને ઉગારવો, કરવેરાનું સર્વસ્વીકૃત (સંતોષદાયક) માળખું રચવું વગેરે અનેક પડકારોને તેમણે ખૂબ સારી રીતે પાર પાડીને દેશનો આર્થિક ઢાંચો મજબૂત કર્યોહતો. દેશમાં સૌથી વધુ ૧૦ વખત બજેટ રજૂ કરનારા અને દેશને વિકાસના રસ્તે વેગવાન બનાવનારા મોરારજીભાઈ આજે મંદીના માહોલમાં વિશેષ યાદ આવે છે.
મોરારજીભાઈ દેસાઈ યુવાન હતા ત્યારે તેમને નાટકો જોવાનો કે ફિલ્મો જોવાનો શોખ નહોતો, પરંતુ તેઓ ક્રિકેટના જબરા ફેન હતા. તે મુંબઈમાં કોલેજકાળમાં શહેરમાં જયાં જયાં મેચો થતી ત્યાં જોવા પહોંચી જતા. તેઓ આત્મકથામાં નોંધે છે કે ‘‘ક્રિકેટ મેચ જોવા જવામાં કંઈ પણ ખર્ચ થતું નહોતું. તે દિવસોમાં ટ્રામને બદલે હું ચાલતો જતો હતો…પરીક્ષાના દિવસો તદ્દન નજીક હતા ત્યારે પણ મેચો જોવાનું મેં છોડયું નહોતું’’
ઇરવીન સાથેના શાંતિ કરાર બાદ થાકેલા ગાંધીજી આરામ લેવા બારડોલી આશ્રમ આવેલા. બાપુને મળવા આવતા મુલાકાતીઓનો પ્રવાહ અટકાવવા સરદાર પટેલને પોતાની વિવેકબુદ્ધિ પર કોને જવા દેવા ને કોને નહિનો સાચો નિર્ણય કરે એવી મજબૂત વ્યકિતની જરૂર હતી. એમણે મોરારજીભાઈમાં ગાંધીજીની ચોકી કરવા માટે આવશ્યક એવા સર્વ ગુણો જોયા. એક વખતના ડેપ્યુટી કલેકટર મોરારજીભાઈએ કોઈ પણ પ્રકારના ખચકાટ વિના ગાંધીજીના દ્વારપાળનું કામ ઉપાડી લીધેલું.
મોરારજીભાઈ ૧૯૧૮થી ૧૯૩૦ સુધી ડેપ્યુટી કલેકટર તરીકે નોકરી કરી હતી. તેમણે આ નોકરીના ભાગરૂપે મેજિસ્ટ્રેટની ભૂમિકા પણ ભજવવાનું થયું. ઇતિહાસ છે કે તેમણે આપેલા એક હજાર જેટલા ચુકાદામાંથી ત્રણ જ કિસ્સામાં વડી અદાલતે તેમના નિર્ણય બદલ્યા છે. આ વાત પરથી સ્પષ્ટ છે કે તેઓ કેટલી ચોકસાઈથી કોઈ ચુકાદો આપતા હતા. એક વાર તેમની સામે લૂંટનો કેસ આવ્યો. આરોપી ગુનેગાર હોય એવું લાગતું હતું, એટલે એ મુજબ ચુકાદો લખવા બેઠા પણ પછી વિચાર આવ્યો કે રાત્રે દોઢ વાગ્યે જેમણે આરોપીને જોયો એ લોકો કઈ રીતે ખાતરીપૂર્વક કહી શકે કે આ વ્યકિત જ હતી? તેમણે ચુકાદો મૂલતવી રાખ્યો. જે તિથિએ એ ગુનો બનેલો તેની રાહ જોઈ. તે તિથિની રાત્રે દોઢ વાગ્યે તેમણે બીજા લોકોને ઓળખવાનો પ્રયત્ન કરી જોયો. તેમને થયું કે આટલા અંધારામાં વ્યકિતને ઓળખી ન શકાય. આમ, તેમણે નિર્દોષને સજા ન થાય તેની ચોકસાઈ હંમેશાં રાખી હતી.