Opinion Magazine
Number of visits: 9654409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

1951-52માં દેશમાં પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષે કાઁગ્રેસની વિરુદ્ધમાં ઝંપલાવ્યું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|4 February 2024

રમેશ ઓઝા

સમાજવાદીઓ ભારત માટે અભિશાપ સાબિત થયા છે. તે આવતીકાલે શું કરશે તેની બીજાની વાત ક્યાં કરો, પોતાને પણ જાણ ન હોય. ૧૯૭૯માં જનતા પાર્ટીનું વિભાજન થયું અને મોરારજી દેસાઈની સરકાર લઘુમતીમાં આવી ગઈ. સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ કાઁગ્રેસે રાખ્યો હતો જેમાં સરકારના ઉદ્યોગ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસે સરકારનો જોરદાર બચાવ કર્યો હતો. દાખલા દલીલો સાથે એવું ઓજસ્વી ભાષણ હતું જેને લોકો આજે પણ યાદ કરે છે. જ્યોર્જના ભાષણની દેશમાં ચર્ચા ચાલી રહી હતી અને લોકો અભિનન્દન આપી રહ્યા હતા ત્યાં ખબર આવી કે જ્યોર્જ ફર્નાડીસે સરકારમાંથી રાજીનામું આપ્યું છે અને પક્ષમાં બળવો કરનાર ચૌધરી ચરણસિંહ સાથે જતા રહ્યા છે. એ ઐતિહાસિક ભાષણને હજુ ચોવીસ કલાક પણ નહોતા થયા.

આ સમાજવાદીઓના કુળલક્ષણ છે. ભારતમાં કાઁગ્રેસ અંતર્ગત સમાજવાદી પક્ષની સ્થાપના ૧૯૩૪માં થઈ હતી. ડૉ. રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની નજીક હતા. આ સિવાય ડૉ. અશોક મહેતા, અચ્યુત પટવર્ધન અને આચાર્ય નરેન્દ્ર દેવ પણ સમાજવાદી પક્ષના આદરણીય નેતાઓ હતા. ખાસ કરીને લોહિયા અને જે.પી.એ હજારીબાગની જેલમાંથી નાસીને જે સાહસ બતાવ્યું હતું એ જોઇને તો દેશ તેમના પર આફરીન હતો. ગાંધીજી અને જે.પી. ઈચ્છતા હતા કે સમાજવાદીઓએ કાઁગ્રેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ. સમાજવાદીઓ આધુનિક દૃષ્ટિકોણ ધરાવે છે, ઉદારમતવાદી અને પ્રગતિશીલ છે અને ઉપરથી ગરીબ તરફી પણ છે. જો કે કાઁગ્રેસના જમણેરી નેતાઓને સમાજવાદીઓ દીઠ્યા ગમતા નહોતા એ જુદી વાત છે. માટે સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કાઁગ્રેસમાં જોડાઈ જવાની સલાહ આપી હતી અને ગોલવલકર ગુરુજીને જવાહરલાલ નેહરુ સાથે વાત કરવાની અને તેમને રાજી કરવાની સલાહ આપી હતી. સંઘના સરસંઘચાલક ગોલવલકરે નેહરુને ભારતનું રતન, ગરીબોની આંખોનાં નૂર અને એવાં શું શું વખાણ નહોતા કર્યા! નેહરુને લખેલા પત્રોમાં અને સંઘના ‘ઓર્ગેનાઈઝર’ નામનાં સામયિકમાં નેહરુપ્રશસ્તિનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. નેહરુ તેમની વાતમાં આવ્યા નહીં અને એ પછી સંઘે નેહરુને ગાળો દેવાનું શરું કર્યું. જો નેહરુ તેમની વાતમાં આવી ગયા હોત તો આજે જે સ્થિતિ છે એ પચાસ વરસ પહેલાં પેદા થઈ હોત.

બન્યું એવું કે સમાજવાદીઓને ગાંધી અને નેહરુ દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હોવા છતાં સમાજવાદીઓએ કાઁગ્રેસમાંથી છૂટા થઈને કાઁગ્રેસમુક્ત અને કાઁગ્રેસ વિરોધી સમાજવાદી પક્ષ રચવાનો નિર્ણય લીધો. સંઘને કાઁગ્રેસમાં ઘૂસવા મળ્યું નહીં એટલે તેમણે પણ સંસદમાં સંઘનો રાજકીય બચાવ કરે એવા કોઈ રાજકીય પક્ષની આવશ્યકતા લાગી અને તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરી. પક્ષ માટે નેતા જોઈએ એટલે હિંદુ મહાસભાના નેતા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને ઉછીના લેવામાં આવ્યા. એમ તો હિંદુ મહાસભા નામનો હિન્દુત્વવાદી પક્ષ તેમની સામે હતો, પણ સાવરકર અને સંઘને એકબીજા માટે માન નહોતું એટલે સંઘના નેતાઓએ નવા નક્કોર પક્ષની સ્થાપના કરી હતી.

૧૯૫૧-‘૫૨માં દેશમાં પહેલી સામાન્ય ચૂંટણી યોજાઈ. એ ચૂંટણીમાં સમાજવાદી પક્ષે કાઁગ્રેસની વિરુદ્ધમાં ઝૂકાવ્યું હતું. મારો અભિપ્રાય એવો છે કે સમાજવાદી પક્ષે કાઁગ્રેસમાંથી બહાર પડવાનો જે નિર્ણય લીધો હતો એ દરેક રીતે યોગ્ય હતો. જો કાઁગ્રેસમાં રહ્યા હોત તો તેમને પ્રધાનપદાં પણ મળ્યા હોત, તેની ઓફર પણ કરવામાં આવી હતી, પરંતુ સમાજવાદીઓએ કાઁગ્રેસમાંથી બહાર પડીને અલગ પક્ષ રચવાનો નિર્ણય લીધો હતો. અલગ પક્ષ રચવા માટેની ડૉ રામ મનોહર લોહિયાની દલીલ પણ ગળે ઉતરે એવી હતી. કોઈ પણ લોકશાહી દેશ માટે મજબૂત વિરોધ પક્ષ અનિવાર્ય છે. ભારત જેવા વિકાસશીલ (ત્યારે તો અવિકસિત) દેશ માટે વૈકલ્પિક વિરોધ પક્ષ ડાબેરી (લેફ્ટ ઓફ ધ સેન્ટર) હોય એ પણ જરૂરી છે. તેની વિચારનિષ્ઠા હોય ધ્રુવ જેવી અચલ હોય એ જરૂરી છે. કાર્યકર્તામાં ધ્રુવ જેવી અચલ વિચારનિષ્ઠા કેવી રીતે પેદા થઈ શકે? ડૉ લોહિયાએ કહ્યું હતું કે દરેક ચૂંટણીઓ લડીને. ચૂંટણી સત્તા માટેની માત્ર સીડી નથી, વૈચારિક પ્રશિક્ષણનું માધ્યમ પણ છે. એટલે સમાજવાદીઓ ચૂંટણી હારવાનો ડર રાખ્યા વિના પ્રજાનું અને કાર્યકર્તાનું પ્રબોધન કરવા દરેક ચૂંટણી લડશે. પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષે આચાર્ય નરેન્દ્ર દેવને જવાહરલાલ નેહરુ સામે ઊભા રાખ્યા હતા. જીતવા માટે નહીં, પણ પ્રશિક્ષણ માટે. બીજું પક્ષનો દરેક કાર્યકર્તા લોકોના પ્રશ્નો લઈને સંઘર્ષ કરશે અને જેલમાં જશે. પ્રજાના પ્રશ્ને જેલમાં જતો નેતા આપોઆપ પ્રજાનો આદર રળે છે. બીજું, જેલ કાર્યકર્તાની અંદર આત્મવિશ્વાસ પેદા કરે છે અને જેલ પ્રબોધનની સર્વોચ્ચ પાઠશાળા છે. એ પછી ડૉ. લોહિયાએ કહ્યું હતું કે ચૂંટણી લડવાની ન હોય અને સંઘર્ષ માટે કોઈ મુદ્દો ન હોય તો પક્ષના કાર્યકર્તાએ લોકોની વચ્ચે રચનાત્મક કામ કરવું જોઈએ. ડૉ. લોહિયાએ ત્રિસૂત્રી કાર્યક્રમ આપ્યો હતો. મતપેટી, જેલ અને પાવડો.

સમાજવાદીઓ સામે ચાલીને સત્તાથી દૂર ગયા હતા. દેશને રાજકીય વિકલ્પ આપવા. ડૉ. લોહિયાની ઉપર કહી એ પ્રસ્થાનત્રયી જોઇને તમે પણ પ્રભાવિત થયા હશો. કેવો મહાન સંકલ્પ અને કેવી વૈચારિક સ્પષ્ટતા!

૧૯૫૧-૫૨માં દેશમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણી યોજાઈ. ૫૧-’૫૨ એટલા માટે કે પહેલી ચૂંટણી યોજવામાં છ મહિના લાગ્યા હતા. દેશમાં રસ્તાઓ નહોતા, નદીઓ પર પૂલ નહોતા, દેશની ૮૦ ટકા પ્રજા ગામડાઓમાં વસતી હતી અને દસથી પંદર ટકા પ્રજા ગાડાવટ પણ ન હોય એવા જંગલ કે અંતરિયાળ પ્રદેશમાં વસતી હતી. ભારતનાં અમૂલ્ય લોકતંત્રનો એ પહેલો ઉત્સવ હતો જેનો અત્યારે કમનસીબે નાભીશ્વાસ ચાલી રહ્યો છે. ૨૦૨૪ પછી ભારતમાં કદાચ લોકતંત્ર નહીં બચે.

ખેર, એ ચૂંટણીમાં કુલ ૫૩ પક્ષોએ ભાગ લીધો હતો જેમાંથી કાઁગ્રેસ અને સમાજવાદી પક્ષ તેમ જ બીજા બે-ચાર પક્ષોને છોડીને બાકીના પક્ષોને ભારતનાં આઝાદીનાં આંદોલન દરમ્યાન વિકસેલી અને દેશના બંધારણમાં આકાર પામેલી ભારતની કલ્પના સ્વીકાર્ય નહોતી. લગભગ ૪૫ જેટલા પક્ષો ભારતની કલ્પનાને નકારનારા હતા, ત્યારે કલ્પના કરો કે કાઁગ્રેસના વિકલ્પે ભારતની કલ્પનાને સ્વીકારનારા સમાજવાદી પક્ષનો કેટલો ખપ હશે! ૧૯૫૧-‘૫૨માં જવાહરલાલ નેહરુની સામે ડૉ. અશોક મહેતા સમાજવાદીઓના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા. “દેશ કા નેતા અશોક મેહતા” એ ત્યારે ઘર ઘર બોલાતું સૂત્ર હતું.

છેવટે છ મહિના લાંબી ચાલેલી ચૂંટણીનાં પરિણામ આવ્યાં. સમાજવાદી પક્ષને લોકસભાની ૧૨ બેઠકો સાથે ૧૦.૫૯ ટકા મત મળ્યા. ભારતીય જનસંઘને માત્ર ૩.૦૬ ટકા મત સાથે ત્રણ બેઠકો મળી. અને એ પછી એક યાત્રા શરૂ થાય છે જેમાં સમાજવાદીઓ ભટકી પડે છે અને પ્રારંભમાં કહ્યું એમ દેશ માટે અભિશાપ સાબિત થાય છે. એ કઈ રીતે એની વાત હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ફેબ્રુઆરી 2024

Loading

4 February 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—233
અલવિદા, પ્રાધ્યાપક રમેશભાઈ બી. શાહ →

Search by

Opinion

  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ
  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન
  • મૂન આઈલેન્ડ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved