
રાજ ગોસ્વામી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી વચ્ચે જે વરવી લડાઈ થઇ તે આખી દુનિયાએ જોઈ. આમ તો ટ્રમ્પ અને તેમના ડેપ્યુટી જે.ડી. વેંસ બંનેએ ભેગા મળીને ઝેલેન્સ્કીને ધધડાવ્યા હતા, પરંતુ એમાં મીડિયા ય પાછળ રહ્યું નહોતું.
વ્હાઈટ હાઉસના આ અસાધારણ ‘મહાભારત’માં શકુની બનેલા એક પત્રકારે તો ઝેલેન્સ્કીને ક્ષોભનો અહેસાસ કરાવવા માટે એવું પૂછી નાખ્યું હતું કે, “તમે સૂટ કેમ નથી પહેરતા? તમે આ દેશની સૌથી મોટી ઓફિસમાં આવ્યા છો. તમારી પાસે સૂટ નથી?”
આપણે ત્યાં ગામડામાં પણ લોકો ઘરે આવેલા મહેમાનનાં કપડાં પર ટિપ્પણી કરતા નથી અને અહીં મહાસત્તાનું મીડિયા રશિયન તાનાશાહી સામે ઝીંક ઝીલી રહેલા એક ટચુકડા દેશના વડાને લાઇવ ટેલિવિઝન પર મેનર્સ શીખવાડતું હતું.
અને તે પણ એ જ વ્હાઈટ હાઉસમાં, જ્યાં પંદર દિવસ પહેલાં ટ્રમ્પના આજકાલ જેના પર ચાર હાથ છે તે અમેરિકન અબજપતિ ઈલોન મસ્ક માથે ટોપી અને ખભે તેના છોકરાને બેસાડીને રાષ્ટ્રપતિની હાજરીમાં મીડિયાને સંબોધતો હતો.
પાછળથી એવા સમાચાર પણ આવ્યા હતા કે છોકરાએ તેના નાકમાંથી ગુંગા કાઢીને રાષ્ટ્રપતિના જે ટેબલની ધાર પર લૂછ્યાં હતાં તે 150 વર્ષ જૂના ટેબલને બદલી કાઢવામાં આવ્યું હતું. તે વખતે તો કોઈને મેનર્સ નજર આવ્યા નહોતા.
અને અહીં તો ઝેલેન્સ્કી રશિયા સામે યુદ્ધના ભાગ રૂપે કેઝ્યુલ ડ્રેસમાં હતા. પ્રશ્નથી આઘાત પામેલા ઝેલેન્સ્કીએ પત્રકારને વળતું પૂછ્યું હતું – “તમને શું પરેશાની છે?”
પત્રકારે કહ્યું હતું, “ઓવલ ઓફિસના ડ્રેસ કોડનું પાલન ના થાય તો ઘણા અમેરિકનોને માઠું લાગે છે.”
ઝેલેન્સ્કીનો જવાબ વિચારપૂર્વકનો હતો, “જ્યારે યુદ્ધ પૂરું થશે, ત્યારે હું સૂટ પહેરીશ. કદાચ તમારા જેવા, કદાચ એથી પણ સારો … મને નથી ખબર. જોઈશું. કદાચ કોઈક સસ્તો.”
જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી, ઝેલેન્સ્કી દેશને બચાવવામાં વ્યસ્ત હોય તેવી વ્યક્તિ જેવાં સામાન્ય મિલીટરી કપડાં પહેરે છે. બરાબર છે કે ઓવલ ઓફિસનો ડ્રેસ કોડ હશે, પણ એક યુદ્ધગ્રસ્ત દેશનો વડો સાધારણ પણ સુઘડ કપડાંમાં મિટિંગ માટે આવે, તો આવી રીતે નાકનાં ટીચકાં ચઢાવાનું અમેરિકાને જરા ય શોભા દેતું નથી. ઝેલેન્સ્કીનાં કપડાં તો ઠીક, મોટો ગેરવ્યવહાર તો તેને લઈને પત્રકારનો પ્રશ્ન છે.
એ પત્રકારને કદાચ ખબર નહીં હોય કે આજથી 100 વર્ષ પહેલાં, આવી જ રીતે ત્રસ્ત એક દેશના નેતાએ, તે વખતની મહાસત્તા સાથે આવી જ રીતે સામાન્ય (કદાચ એથી ય ઉતરતાં) કપડાં પહેરીને વાટાઘાટો કરી હતી. એ દેશનું નામ હતું ભારત, એ નેતાનું નામ હતું મહાત્મા ગાંધી, એ મહાસત્તાનું નામ હતું ગ્રેટ બ્રિટન અને કપડાંના નામે હતી એક સાદી ધોતી!
એ ઇતિહાસ ફરીથી યાદ કરવા જેવો છે. ભારતની સ્વતંત્રતા માટે યોજાયેલી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી સપ્ટેમ્બર 1931માં બ્રિટન ગયા હતા. તેઓ તેમની ટેવ મુજબ, કમર પર એક સફેદ ધોતી અને બદન પર એવી જ સફેદ શાલ લપેટીને ગયા હતા. અને તે પણ લંડનની કાતિલ ઠંડીમાં!
તેઓ પૂર્વ લંડનના કોમ્યુનિટી સેન્ટર કિંગ્સલી હોલમાં રોકાયા હતા. તેમનું એક પ્રવચન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પણ યોજાયું હતું. ગોળમેજી પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ તરફથી માત્ર તેઓ જ હાજર હતા. એલ.એસ.ઈ.ના ગ્રેજ્યુએટ ડૉ. આંબેડકર દલિત લોકોના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત હતા.
મજાની વાત એ છે કે કિંગ્સલી હોલમાં રોકાણ દરમિયાન ગાંધીજીએ યુક્રેનમાં જન્મેલા ચિત્રકાર જેકોબ ક્રેમરને તેમનું એક બ્લેક એન્ડ વ્હાઈટ ચોકથી ચિત્ર દોરવા દીધું હતું. લગભગ એ જ સમયે, વેસ્ટ એસેક્સ યુનિયનિસ્ટ એસોસિએશનની કાઉન્સિલમાં બ્રિટનના ભાવિ વડા પ્રધાન ચર્ચિલનું એક સંબોધન યોજાયું હતું.
ચર્ચિલ ગોળમેજી પરિષદના અને ખાસ તો ભારતને આઝાદી આપવાના પ્રખર વિરોધી હતા અને એ અકળામણમાં તેમણે કહ્યું હતું; “મિડલ ટેમ્પલમાં વકીલાત કરીને હવે વિદ્રોહી બનેલા મિ. ગાંધી રાજા સમ્રાટના પ્રતિનિધિ સાથે સમાન શરતો પર વાટાઘાટો કરવા માટે અર્ધ-નગ્ન ફકીરની અવસ્થામાં વાઇસરિગલ મહેલનાં પગથિયાં ચઢીને આવે તે જોવું ચિંતાજનક અને ઘૃણાસ્પદ પણ છે.”
સ્વતંત્રતા સંગ્રામ માટે દેશના તમામ ભાગોમાંથી આપણા લોકોના સમર્થન મેળવી રહેલા ગાંધીજી પેન્ટ અને શર્ટમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેઓ તમિલનાડુમાં ફરતા હતા, ત્યારે એક દિવસ તેમણે ત્યાંના ખેડૂતોને અર્ધ નગ્ન ધોતી અથવા ટુવાલ લપેટીને જમીન ખેડતા જોયા હતા.
ત્યારે તેમને પહેલીવાર અહેસાસ થયો હતો કે તેમના દેશવાસીઓ પાસે શરીર ઢાંકવાનાં પૂરતાં કપડાં નથી અને તેઓ ઇંગ્લિશ પેન્ટ-શર્ટ-ટાઈમાં સજ્જ છે. તે દિવસે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ તેમના દેશવાસીઓની જેમ જ કપડાં પહેરશે. જે નિર્ણય તેમણે 30 જાન્યુઆરી, 1948ના રોજ અંતિમ શ્વાસ સુધી જાળવી રાખ્યો હતો!
લંડનમાં એ જ સંબોધનમાં ચર્ચિલે મહાત્માને ‘દુષ્ટ વિનાશક દુરાગ્રહી’ પણ ગણાવ્યા હતા, પરંતુ બીજા દિવસનાં સમાચારપત્રોએ પોતડી પહેરેલા ગાંધીના ચિત્ર સાથે ‘અર્ધ-નગ્ન ફકીર’વાળી ટિપ્પણીને ઉછાળી હતી. ગોળમેજી પરિષદમાં કોઈ ફલશ્રુતિ વગર, તેઓ 5મી ડિસેમ્બર 1931ના રોજ બ્રિટનથી રવાના થયા હતા. બ્રિટનને તે તેમની અંતિમ યાત્રા હતી.
ચર્ચિલ સાથે તેમના મુશ્કેલ સંબંધની પણ તે શરૂઆત હતી. ચર્ચિલ આજીવન ગાંધી અને ભારતની આઝાદીના વિરોધી રહ્યા હતા. ભારતનાં રાષ્ટ્રપ્રેમી સમાચારપત્રોએ ‘અર્ધ-નગ્ન ફકીર’ શબ્દ પકડી લીધો હતો અને તેને ભારતનું અપમાન ગણાવ્યું હતું.
ગાંધીજીએ જો કે તે અપમાનને ગૌરવ તરીકે લીધું હતું. 13 વર્ષ પછી, ચર્ચિલ વડા પ્રધાન બન્યા ત્યારે 1944માં મહાત્માએ તેમને એક પત્રમાં તેમની ટિપ્પણી આ રીતે યાદ કરાવી હતી;
“ડીયર પ્રાઈમ મિનિસ્ટર,
તમે મારા જેવા એક સાધારણ ‘નગ્ન ફકીર’ને નષ્ટ કરવાની ઈચ્છા સેવી છે એવું કહેવાય છે. હું લાંબા સમયથી ફકીર, અને તે પણ નગ્ન, બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું – જે ઘણું મુશ્કેલ કામ છે. એટલે, તમારી એ અનાયાસ ટિપ્પણીને હું મારી પ્રશંસા ગણું છું. એટલે, હું એ એ જ રીતે તમારો સંપર્ક કરી રહ્યો છું. મારી વિનંતી છે કે તમે મારા પર ભરોસો મુકજો અને તમારા લોકો, મારા લોકો અને તે સૌ મારફતે દુનિયાના લોકોની ભલાઈ માટે મારો ઉપયોગ કરજો.
તમારો વિશ્વાસુ મિત્ર
એમ.કે. ગાંધી”
(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 09 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર