ધર્મસ્વાતંત્ર્ય નવેસર તપાસ માંગે છે
સરવાળે સવાલ એ છે કે સત્તાપક્ષ હોય કે વિપક્ષ, જે જોસ્સાથી મત માગે છે તેટલા જ જોસ્સાથી મતઘડતરની જવાબદારી ક્યારે ય સ્વીકારતા નથી, એવું કેમ.

પ્રકાશ ન. શાહ
પંજાબના મુખ્ય મંત્રી માને આપ શ્રેષ્ઠી અરવિંદ કેજરીવાલ અને સાથીઓ કરતાં સમાન નાગરિક કાયદાને મુદ્દે જુદો સૂર ઉચ્ચાર્યો છે. શિરોમણી અકાલી દળ સૂચિત સમાન નાગરિક કાયદા ઝુંબેશ બાબતે વિરોધી મત ધરાવે છે એ સંજોગોમાં માને જે મતબિરાદરીનું રખોપું કરવું રહે છે તે જોતાં આપના વિધિસર મત કરતાં જુદા પડવું એ એમની વ્યૂહાત્મક જરૂર હશે તેમ સમજાય છે.
આપ પ્રવક્તાઓએ કેજરીવાલ અને માન તત્ત્વતા જુદી ભૂમિકાએ નથી એવું સમજાવવાની કોશિશ જરૂર કરી છે, પણ માન માટે પંજાબના શીખ માનસની રીતે કશીક આઘાપાછી અનિવાર્ય હોય એમ જણાય છે. જો કે, એમણે સમાન નાગરિક ધારા(ખરું જોતાં કુટુંબ કાયદા)ના ખયાલને પડકારતાં જે રીતે વાત મૂકવાની કોશિશ કરી છે તે કાબિલે દાદ છે. એમણે કહ્યું છે કે, બગીચો તો રંગબેરંગી ફૂલો હોય તો શોભી રહે છે. જેમ એક જ રંગનાં ફૂલ ઇષ્ટ નથી તેમ નાગરિક ધારામાં પણ વૈવિધ્ય હોય એમાં ખોટું શું છે.
નાગરિક ધારો એકસરખો કરવા સામેની મુશ્કેલીઓનો જે દાખલો એમણે આપ્યો છે એમાં જો કે દમ નથી. જેમ કે, શીખોમાં બપોર પહેલાં લગ્નની પ્રણાલિકા છે તો હિંદુઓ મધરાતે ફેરા ફરે છે. આવા દાખલા ભાગ્યે જ કોઈ ગંભીર દલીલ તરીકે સ્વીકાર્ય બને. માને, બીજી બાજુ આદિવાસી પ્રણાલિકાની રીતે પ્રશ્ન ઉઠાવ્યો છે એમાં વજૂદ હોઈ શકે છે તે હમણાં ખુદ ભા.જ.પ.ના સુશીલ મોદીએ પણ કરેલી ટીકાઓ જોતાં સમજાય છે.
અલબત્ત, ભા.જ.પ.ની દૃષ્ટિએ મુખ્ય મુદ્દો અગર નિશાન જરી જુદી દિશામાં છે તે આપણને સમજાવું જોઈએ. ‘એક દેશ, એક કાયદો’ તે પ્રકારનાં એકતાસૂચક સૂત્રો એનો સતત અભિગમ રહ્યો છે. વળી સમાન નાગરિક કાયદાની આગ્રહી ભલામણ બંધારણના ઘડવૈયાઓએ 44મી કલમરૂપે અંકિત કરી છે. તેનો એ આ સંદર્ભના ગાઇવજાડીને ઉલ્લેખ કરે છે.
અહીં જરી પોરો ખાઈને સમજવાનું વાનું એ છે કે બંધારણ સભામાં લાંબી ચર્ચાવિચારણા પછી મૂળભૂત પ્રકારના અધિકારો વિશે અનિવાર્ય અને અનિવાર્ય નહીં એવું વિભાજન કરવામાં આવ્યું હતું. અનિવાર્ય એટલે જે મુદ્દે તમે કાનૂનન ન્યાયિક પ્રક્રિયામાં જઈ શકો તે, જસ્ટિસ્યેબલ એથી ઊલટું, સમાન નાગરિક કાયદાને માર્ગદર્શક એટલે સરવાળે નોન-જસ્ટિસ્યેબલ ખાતામાં નખાયેલ છે.
બંધારણ સભાની આ અંગેની પેટા સમિતિ પર, સમાન નાગરિક કાયદા બાબતે પોતપોતાને છેડેથી ભીમરાવ આંબેડકર, કનૈયાલાલ મુનશી ને મીનુ મસાણી આગ્રહી હતા. પણ ગૃહમાં બહુમતી વલણ એને માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂકવા તરફ હતું. અલબત્ત, મીનુ મસાણી, હંસા મહેતા, રાજકુમારી અમૃત કૌર વગેરે એને જસ્ટિસ્યેબલ બનાવવાના મતના હતાં.
સ્વરાજ પછી છેક અમૃતકાળ લગી તે દિશામાં ઠોસ કંઈ ન થઈ શક્યું એવી લાગણી ધરાવતો એક મત છે, તો સત્તાપક્ષને માટે એની પોતાની સમજ મુજબ કલમ 370, રામમંદિર અને સમાન નાગરિક કાયદા સહિતનો જે હિંદુત્વ એજન્ડા મિશ્ર સરકારની રાજનીતિમાં પાછળ રાખ્યો હતો, ‘બેક બર્નર’ પર હતો તેમાં આગળ વધવાનો છે. એમાં પણ ચાર પત્નીની છૂટ આપતો મુસ્લિમ નાગરિક કાનૂન (કુટુંબ કાયદો) એને સારુ સ્વાભાવિક અંશો ધરાવતા મુસ્લિમ કુટુંબ કાયદાની મર્યાદા તેમ જ મુસ્લિમ ઓળખનું ધર્મકોમ આધારિત રાજકારણ શાહબાનુ ઘટના સાથે જે રીતે બહાર આવ્યું એને વિશે ફરિયાદને અવકાશ છે તે હકીકત છે.
ધર્મકોમની રાજનીતિના ધંધાદારીઓથી વિપરીત, નાગરિક છેડેથી હિંદુ-મુસ્લિમ-શીખ-ઇસાઈ-પારસી સૌએ આ મુદ્દે ‘ઝડપી પણ ધીમી’ ગતિનો વ્યૂહ અપનાવતે છતે એક પાયાની બાબત સમજી લેવી રહે છે કે સામાજિક સુધારાની પ્રક્રિયામાં ધર્મસ્વાતંત્ર્ય બાધક ન બની શકે. આ અઘરું છે એ સમજી માર્ગદર્શક સિદ્ધાંતોનો આશ્રય લેવાયો, પણ જો હિંદુ કુટુંબ કાયદામાં સુધારને અવકાશ હોય ને ઇસ્લામમાં, ખ્રિસ્તમતમાં કે બીજે કેમ ન હોઈ શકે ? 21મા લૉ કમિશને વ્યાપક અભિગમપૂર્વક ‘કન્સલ્ટેશન પેપર’ રજૂ કર્યું હતું. મત માગનારાઓ ધોરણસર મતઘડતરની જવાબદારી ક્યારે સ્વીકારશે ?
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 05 જુલાઈ 2023