પહેલાં એના ફિરંગીપણાની વાત …
લશ્કરના ચબરાક સૈનિકોને ઈજનેરી જ્ઞાન આપતી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયર તરીકે ઉત્તીર્ણ થઈને તેણે લશ્કરમાં પાંચ વર્ષ સેવા આપી હતી. પણ ત્યાંની ચીલાચાલુ કામગીરીથી કંટાળીને તેણે ઈજનેરીને તિલાંજલિ આપી દીધી અને શેર માર્કેટમાં સલાહ આપતી કમ્પનીમાં ઝંપલાવ્યું. પણ ત્યાં ય એના અંતરની આગ ઓલવાતી ન હતી. અઢળક કમાતો હતો અને ઘણાની માન્યતા મળવા છતાં, તેને સુખ તો વેગળું જ લાગ્યા કરતું હતું.
એટલામાં તેને સંતોષ વેલ્લુરી નામના યોગશિક્ષકનો પરિચય થયો અને તે યોગ શીખવા લાગ્યો. થોડાક જ વખતમાં સંતોષને આ તરવરિયા વિદ્યાર્થીના અંતરનાં ભૂખ-તરસ વિશે જાણ થઈ ગઈ. તેણે તેને સૂચવ્યું કે, તેની ખરી જરૂરિયાત શારીરિક યોગ નહીં પણ, વેદાન્તનો અભ્યાસ કરવાની છે.
આમ ૨૦૦૪ની સાલમાં તેના માટે વેદાન્તના દ્વાર ફટાબાર ખૂલી ગયા. તેને સંસ્કૃત અને વેદાન્ત શીખવતી શિક્ષિકા પણ મળી ગઈ. ત્રણ વર્ષ આ અભ્યાસના અંતે, ૨૦૦૬ની સાલમાં તે અમેરિકાની મુલાકાતે ગયો. ત્યાં દયાનંદ સરસ્વતીને મળવાનો મોકો મળ્યો. હવે તો તેની અંતરની ભૂખ તેને ભારતમાં ખેંચી ગઈ. તે કોઇમ્બતુરના આર્ષવિદ્યા ગુરુકૂળમાં ભરતી થઈ ગયો.
ત્રણ જ વર્ષ બાદ માદરે વતનમાં પાછા ફરી, તે વેદાન્તનો શિક્ષક બની ગયો. તેણે ઘણા વિદ્યાર્થીઓને આ વિષયોમાં દોરવણી આપી છે. દોઢેક લાખ જેટલા તેના દેશવાસીઓએ તેની પાસે વેદાન્તનું શિક્ષણ લીધું છે. તેણે ઘણાં પુસ્તકો પણ પોતાની ભાષામાં લખ્યાં છે.
કોણ છે આ અલગારી ફિરંગી? લો આ રહ્યો …

બ્રાઝિલના રિયો-ડી-જાનેરો શહેરનો જોનાસ મસેટી હવે તો ભારતમાં ઘણો જાણીતો બની ગયો છે. ૨૦૨૫નો પદ્મશ્રી ઈલ્કાબ પણ તેને એનાયત થયો છે.
https://www.youtube.com/watch?v=E1V3IRXgJT4

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મનની વાત’ના એક મણકામાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. હવે તેનું બીજું એક નામ વિશ્વનાથ પણ છે.
Ref
https://en.wikipedia.org/wiki/Jonas_Masetti
E.mail : surpad2017@gmail.com
![]()

