
રમેશ સવાણી
જ્યારે મનગમતું સામયિક બંધ થાય ત્યારે મનગમતાી વ્યક્તિનું અવસાન થયું હોય, એવી લાગણી થાય છે. સામાજિક નિસ્બતને વાચા આપતા પાક્ષિક ‘નયામાર્ગ’ બંધ કરવાનો નિર્ણય સંપાદક ઇન્દુકુમાર જાનીએ લીધો ત્યારે બહુ દુઃખ અનુભવ્યું હતું.
વિજ્ઞાન અને જનરલ નોલેજની ચર્ચા કરતું ‘સફારી’ મેગેઝિન 1 જૂન 2025થી બંધ થયું છે. અંક-369 છેલ્લો. પ્રથમ અંક 1 ઓગસ્ટ 1980ના રોજ પ્રગટ થયો હતો. ‘સફારી’માં વિજ્ઞાન પરના લેખો / ઇતિહાસ / વર્તમાન બાબતો / ફેક્ટ-ફાઇન્ડર / સંરક્ષણ પરના લેખો વાંચકોને ગમતા. તે નાના બાળકો, વિદ્યાર્થીઓ તેમ જ વડીલોમાં વંચાતું. ‘સફારી’ની ટેગલાઇન હતી : ‘બુદ્ધિશાળી બાળકો માટેનું મેગેઝિન !’
જો કે તેમાં સામાજિક ન્યાયના પ્રશ્નોની ચર્ચા થતી ન હતી. પરંતુ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તો જ સામાજિક ન્યાયની વિભાવના ગળે ઊતરે. એ દૃષ્ટિએ ‘સફારી’નું મૂલ્ય હતું.
‘સફારી’નું એક નબળું પાસું એ હતું કે તેણે આપણા નાયકો પર ધૂળ ફેંકવાની, નાયકોને ખલનાયક અને ખલનાયકોને નાયક બનાવવાની કુચેષ્ટા પણ કરી હતી. નેહરુ અને ગાંધી પરત્વે ધૃણા પ્રગટે તેવી સ્ટોરી કરી હતી. નેહરુ / ગાંધીની ભૂમિકા ચકાસતા પહેલા તે સમયનો કાળખંડ, તે સમયના સંજોગો ધ્યાને લીધા ન હતા. ઇતિહાસના વિશાળ ફલકમાંથી એકાદ ટુકડો ઉઠાવીને તેને જ સંપૂર્ણ ચિત્ર તરીકે રજૂ કરવાની ‘સફારી’એ ચેષ્ટા કરી હતી. છેલ્લા વરસોમાં તંત્રી નગેન્દ્ર વિજય એટલા કટ્ટર થઈ ગયેલા કે તમામ પૂર્વ વડા પ્રધાનોની ભૂલોને હાઈલાઇટ કરીને મોદીને અને સંઘને મહાન ચીતરી રહ્યા હતા !
નગેન્દ્ર વિજય છેલ્લા અંકમાં લખે છે : “અરમાનો મારો કેડો મૂકવા તૈયાર નથી. જીવનના 81મા વર્ષમાં છું. છતાં હજી લખતા રહી ‘સફારી’ નામના જ્ઞાનયજ્ઞને પ્રજ્વલિત રાખવા માગું છું. દુર્ભાગ્યે લાચાર છું. તન-મનથી સક્ષમ હોવા છતાં મજબૂર છું. મનોબળ લોખંડી છે, પરંતુ સંજોગોનું પ્રતિબળ ચડિયાતું નીવડ્યું છે. મારે લખવું તો છે, પરંતુ વાંચનારા નથી. સ્માર્ટફોનની અને સોશ્યલ મીડિયાની બોલબોલાના સંજોગોમાં જ્ઞાનવિજ્ઞાનના ‘સફારી’નો ફેલાવો અગાઉની સરખામણીએ છઠ્ઠા ભાગ જેટલો પણ રહ્યો નથી. નકલોની સંખ્યા તળિયે બેસી જવાને લીધે આવક-જાવકના બે છેડાઓ ભેગા કરવાનું તો જાણે કપરું બને, પણ વાચકોના અભાવને લીધે હૃદયમાં વરતાતો ખાલીપો હવે કલમને ચાલવા દેતો નથી.”
ગુજરાતી મા-બાપોને પોતાના સંતાનો IAS / IPS / વર્ગ-1/2ના અધિકારી બને તેની તમન્ના હોય છે, પરંતુ ઘરમાં ધાર્મિક સામયિકો મંગાવે છે. પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે ધાર્મિક સામયિકો લાભ કરે, નુકસાન ન કરે; પરંતુ ધાર્મિક સામયિકો માનસ-પ્રદૂષણ કરે છે; વાંચનારને અંધશ્રદ્ધાળુ બનાવે છે; પરીક્ષામાં સફળતા માટે ધાર્મિક સ્થળોએ ચક્કર લગાવતો કરી મૂકે છે !
ધાર્મિક સામયિકો વાંચતા માણસમાં કેવી વિચારધારાનું ઘડતર થાય છે તે જોઈએ :
[1] તે એવું માને છે કે બધી વ્યવસ્થા ઈશ્વરે કરી છે. તેથી જે વ્યવસ્થા છે તે બરાબર છે. અસ્પૃશ્યતા છે તે પણ બરાબર છે. વર્ણવ્યવસ્થા પણ બરાબર છે. આવી વ્યવસ્થામાં ફેરફાર કરવો એટલે ઈશ્વરના કામમાં હસ્તક્ષેપ કરવો !
[2] ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું હલતું નથી. ઈશ્વર સૌનું ભલું કરશે. એટલે સામાજિક ન્યાયની કોઈ યોજના કરવી તે ઈશ્વરની શક્તિને પડકારવા બરાબર ગણાય !
[3] અન્યાય / શોષણ / યૌન શોષણ / ગુંડાગીરી વગેર માટે ઈશ્વર જન્મ લેશે અને બધાને સીધા કરી દેશે ! એટલે આપણે જાગૃત થવાની જરૂર નથી !
[4] લોકશાહી કરતાં સામંતશાહી / રાજાશાહી મૂલ્યો ઉત્તમ છે; એટલે કથાઓ / પારાયણોમાં હાજરી આપી ધન્ય બનવું જોઈએ ! ધર્મના એજન્ટો જરૂર ઈશ્વરને જમીન પર ખેંચી લાવશે !
[5] ધાર્મિક સામયિક વાંચનાર સામાજિક ન્યાયની નીતિની વિરુદ્ધ હોય છે; અનામત નીતિનો પ્રખર વિરોધી હોય છે !
[6] હિન્દુ / મુસ્લિમ / ખ્રિસ્તી ધર્મના સામયિકો માણસને કટ્ટર બનાવે છે, અને માણસમાંથી માણસાઈ ખેંચી લે છે ! ધર્મ ક્યારે ય માણસને માનવવાદી બનાવતો નથી, હંમેશાં સાંપ્રદાયિક બનાવે છે !
[7] ધાર્મિક સામયિકો માણસને અંધશ્રદ્ધાળું બનાવે છે. ચમત્કારમાં માનતો થઈ જાય છે. આત્મવિશ્વાસ ગુમાવે છે એટલે ધર્મના એજન્ટોના પગ પકડે છે ! તેઓ સ્વર્ગ / મોક્ષ / અક્ષરધામના ઘૂઘરા પકડાવી દે છે અને તન / મન / ધનનું શોષણ કરે છે !
[8] સતત જૂઠું બોલનાર / સતત ખોટા વચનો આપનાર નેતા તેમને વિશ્વગુરુ લાગશે ! એનો કોઈ વિકલ્પ જ નથી એવા નિર્ણય પર આવીને તેમની સ્તુતિ કરશે ! નેતાની નિષ્ફળતામાં સફળતા શોધ્યા કરશે ! યૌન શોષણના ગુનેગારને છાવરે તો પણ કહેશે કે મહિલા સશક્તિકરણમાં તેમનું યોગદાન હિમાલય કરતા ઊંચું છે ! વ્યક્તિને ઓળખવાની શક્તિ ગૂમાવી દે છે ! ધાર્મિક સામયિકો માણસની વિવેકશક્તિ છીનવી લે છે ! ધાર્મિક સામયિકો માણસને કૂપમંડૂક બનાવે છે !
[9] જે કામ ડાયરા કલાકારો કરે છે તે કામ જ્ઞાતિ-જાતિના સામયિકો કરે છે. તે માણસને સંકુચિત બનાવે છે ! મિથ્યાભિમાની બનાવે છે.
ટૂંકો અને સરળ રસ્તો છે : ઘરમાં રેશનલ અભિગમને દૃઢ કરે તેવાં પુસ્તકો વસાવો. સંતાનો પોતાની મેળે કારકિર્દી બનાવી લેશે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર