ગોળવલકર ગુરુજીના પુસ્તક ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ અને દીનદયાલ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ને સાથે અને સામસામે મૂકીને કોઈ તપાસે ત્યારે આ પક્ષે કાપેલું અને નહીં કાપેલું અંતર આપમેળે સમજાઈ રહેશે

પ્રકાશ ન. શાહ
નવા સંસદભવન અને સાવરકર જયંતીના જોગાનુજોગને પડછે આ દિવસોમાં, જુલાઈ 2023માં, એમ જ થઈ આવેલું સ્મરણ બરાબર સુડતાલીસ વરસ પરનું છે : અમે સૌ વડોદરા જેલમાં મિસાબન્દી હતા, સંસ્થા કાઁગ્રેસ, જનસંઘ, સમાજવાદી પક્ષ અને મારા જેવા જેપી સૈનિકો. ઉપરાંત, આર.એસ.એસ. અને જમાતે ઈસ્લામી જેવી પ્રતિબંધિત સંસ્થાઓના મિત્રો પણ ખરા. જયપ્રકાશજીના આંદોલન સાથે સત્તાપક્ષ સામે એક નવા, કંઈક સહિયારા કથાનક(નેરેટિવ)ની શક્યતાએ ભરેલું કટોકટીકાળના કારાવાસનું એ મળતાં મળેલું સહજીવન હતું.
એ મહિનાઓમાં અમે પરસ્પર વિચારવિમર્શના અવસરો શોધતા અને ઠમઠોરતા. જુલાઈ 1976માં એવું કયું નિમિત્ત મળી આવે? મને સૂઝેલું નિમિત્ત બારમી જુલાઈનું હતું. 1948ના ફેબ્રુઆરીની ચોથી તારીખે સરદાર પટેલ હસ્તકના ગૃહ મંત્રાલયે ‘દ્વેષ અને ધિક્કાર તેમ જ હિંસાનાં પરિબળોનાં નિર્મૂલન વાસ્તે’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રતિબંધિત સંસ્થા જાહેર કરી હતી, અને આશરે અઢાર મહિનાના અંતરાલ પછી 1949ની બારમી જુલાઈએ (અગિયારમી જુલાઈની મધરાતે) પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
મારી દૃષ્ટિએ સૂચિત વિમર્શનો મુખ્ય મુદ્દો, જેની ફરતે ઊહ ને અપોહ શક્ય બને, એ હતો કે 1948-49માં પ્રતિબંધ વખતે તમે (સંઘ) લગભગ એકલા પડી ગયેલા જેવા હતા, જ્યારે 75-76માં તમે એકલા નથી. આ કેવી રીતે બન્યું, એ તપાસવું રહે છે.
પ્રથમ પ્રતિબંધ પછી સંઘ વર્તુળોમાં શરૂ થયેલી ચર્ચા, એમનાં પ્રારંભિક પચીસ વરસથી વિપરીત રાજકીય પ્રવેશબારી માટેની હતી. સંગઠનબદ્ધ, શિસ્તબદ્ધ, ચોક્કસ અર્થમાં ‘બંધ’ જેવી દુનિયા અને સ્વરાજના ખુલ્લા વિશ્વ વચ્ચે જીવંત આપલે સારુ નિયંત્રિત ડોકાબારીની નહીં પણ વિધિવત્ ખુલ્લાં દ્વારની જરૂર હતી.
બીજે છેડેથી, છેક જ એવું નહીં તો પણ ઠીક ઠીક એકલાપણું અનુભવતી તે વખતની એક નોંધપાત્ર રાજકીય હસ્તી હતી – શ્યામા પ્રસાદ મુખર્જી. હિંદુ મહાસભાના નેતા. ભારતનું પ્રથમ પ્રધાનમંડળ નકરું કાઁગ્રેસબદ્ધ ન હોય એવી ગાંધીસલાહ પ્રમાણે નેહરુપટેલે જે રચ્યું એમાં મુખર્જી અને આંબેડકર આદિનો પણ સમાવેશ થયો હતો. પાછળથી પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશમાંથી હિંદુ લઘુમતીની હિજરત દમનરાજને કારણે ચાલુ રહી ત્યારે મુખર્જીએ પ્રધાનમંડળ છોડ્યું, પણ એ હિંદુ મહાસભામાં પુન: સક્રિય થવા રાજી નહોતા; કેમ કે સ્વતંત્ર ભારતમાં કોઈ પક્ષ કોઈ એક જ ધર્મકોમ સારુ ખુલ્લો હોય એ એમને સ્વીકાર્ય નહોતું.

શ્યામાપ્રસાદ મુર્ખરજી
મને યાદ છે, મુખર્જીનું નિધન થયું ત્યારે મોહનલાલ મહેતા – ‘સોપાને’ એમને અંજલિ આપતાં લખ્યું હતું કે રાષ્ટ્રવાદીઓ વચ્ચે કોમવાદી જણાતા મુખર્જી કોમવાદીઓ વચ્ચે રાષ્ટ્રવાદી વરતાતા. આ સંભારું છું ત્યારે જરી ફંટાઈને મને બંગાળી ભદ્રલોકની તાસીર ઉકેલવાનું મન થઈ આવે છે. 1905નો બંગભંગ સામેનો બંગાળના જનસાધારણનો ઉદ્વેક મુલ્કમશહૂર છે. આ જ ભદ્ર નેતૃત્વની પરંપરામાં શ્યામા પ્રસાદ 1941માં ફઝલૂલ હકના નેતૃત્વ હેઠળની મિશ્ર સરકારમાં જોડાયા હતા. હકે 1940માં મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ પાઈલટ કર્યો’તો એનો એમને ખટકો નહોતો. ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થયા પછી પણ એ એમાં ચાલુ રહ્યા હતા. મોડેથી અલબત્ત એમણે છોડવાપણું જોયું હતું, પણ તે પૂર્વે એક તબક્કે અંગ્રેજ સરકાર જ્યારે યુદ્ધયત્નમાં હોય ત્યારે આંદોલનથી એને નડતર ઊભું કરનારાઓ સાથે એણે કેવી રીતે કામ લેવું જોઈએ એવી લેખી સલાહ પણ આપી ચૂક્યા હતા.
જ્યારે ભાગલાની વાત આવી ત્યારે મુખર્જીએ લોર્ડ માઉન્ટબેટનને લખ્યું હતું કે ભારતના ભાગલા પડે કે ન પડે, બંગાળના પડે તે જરૂરી છે, જેથી અમે (બંગાળી હિંદુઓ) મુસ્લિમ બહુમતીના ત્રાસથી છૂટીએ.
ગમે તેમ પણ, હવે મુખર્જી છડા હતા અને સંઘની પ્રવેશશોધ પાકી ગઈ હતી. એટલે એ નેતા અને એમને સંઘની કાર્યકર ભેટ, આમ ભારતીય જનસંઘ, શ્યામા પ્રસાદ મુખર્જી, બલરાજ મધોક ને દીનદયાલ ઉપાધ્યાય એમ ત્રણ સ્થાપક સભ્યો સાથે ચિત્રમાં આવ્યો. સિદ્ધાંત-માવજત અને તડજોડની રાજનીતિ કરતે કરતે એ જેપી જનઆંદોલનમાં જોડાઈ નવી સ્વીકૃતિ પામ્યો. જુલાઈ 1949 અને જુલાઈ 1976 વચ્ચે આ ગુણાત્મક પરિવર્તન હતું.
મને યાદ છે, નવી દિલ્હીના આંબેડકર સ્ટેડિયમમાં માર્ચ 1975માં જનસંઘના અધિવેશનને જયપ્રકાશ નારાયણે એમની વ્યાપક ભૂમિકાએથી સંબોધ્યા પછી આભારવચનો ઉચ્ચારતાં અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું કે હમારા ચરિત્ર બદલ રહા હૈ. મધ્યમવર્ગી કાર્યકરો જનઆંદોલન જોડે જોડાય છે ત્યારે એમની માનસિકતા અને સમજમાં ચોક્કસ પરિવર્તન આવે છે, એ મતલબની વાજપેયીની થીસિસ હતી.
આ સુવાણમાં આગલા દસકામાં જે થોડા મહિના બિનકાઁગ્રેસ સરકારોમાં હિસ્સેદારીના રહ્યા એનો સહેજસાજ હિસ્સો હશે. પણ સવિશેષ હિસ્સો તો 1965માં જનસંઘના વિજયવાડા અધિવેશને જેના પર મહોર મારી તે ‘એકાત્મ માનવવાદ’ના દીનદયાલ ઉપાધ્યાયના પ્રબંધનો હતો. જનસંઘ જ્યારે જનતા અવતાર છોડી 1980માં ભા.જ.પ. બન્યો ત્યારે પણ એણે પક્ષના બંધારણની ત્રીજી કલમમાં પક્ષના પાયાના વૈચારિક અભિગમ તરીકે એકાત્મ માનવવાદનો વિધિવત્ સ્વીકાર કરેલો છે. અહીં આ વિચારની સમજૂતમાં નહીં જતાં એટલું જ કહીશું કે સંઘ પરંપરાના જડબેસલાક રાષ્ટ્ર કૈવલ્યવાદમાં નહીં ગંઠાતી એવી એક વ્યાપક ભૂમિકા હતી. ગોળવલકરના પુસ્તક ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ અને દીનદયાલના ‘એકાત્મ માનવવાદ’ને સાથે અને સામસામે મૂકીને કોઈ તપાસે ત્યારે આ પક્ષે કાપેલું જણાતું કે કાપવું રહી ગયેલું અંતર સમજાશે.
ગમે તેમ પણ, 2016માં દીનદયાલ શતાબ્દીનો તાકડો સાધી ઘટતા અવાજો કર્યા બાદ જે રીતે સાવરકરને આગળ કરાતા જણાય છે એ સંઘ શતાબ્દીનાં ઉંબર વરસોમાં 1925ના મુંજે-હેડગેવાર-બાબારાવ દિવસોમાં પાછા જવાનાં ચિહ્નો તો નથી ને.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 જુલાઈ 2023