
હેમન્તકુમાર શાહ
જગતમાં અસત્ય જ જીતતું આવ્યું છે. બહુ બધી ખાનાખરાબી થાય, પછી જ સત્ય જીતે છે. એને જીત પણ ન કહેવાય. ભયાનક નરસંહાર અને દુર્દશા થયા પછી સત્ય જીતે તો એવા સત્યને શું ધોઈ પીવાનું?
સામાજિક સંબંધો, અર્થતંત્ર, ધર્મ અને રાજકારણ બધે એમ જ બને છે એમ રામાયણ અને મહાભારતના ઇતિહાસથી માંડીને વર્તમાન સુધીનો ઇતિહાસ એની સાબિતી આપે છે. જરા જુઓ સત્યની જીત ક્યારે થઈ અથવા થઈ જ નહીં :
(૧) ચીન અને રશિયામાં કરોડો લોકો રાજકીય ગુલામીની સ્થિતિમાં જીવે છે. ત્યાં તાનાશાહી વર્ષો સુધી ચાલી ને હજુ ચાલુ છે. વિરોધીઓને જેલમાં નાખવામાં આવે છે અથવા મારી નાખવામાં આવે છે.
(૨) મુસ્લિમ બહુમતી ધરાવતા ૩૩ દેશોમાં ઇસ્લામને નામે ગુલામી નથી તો બીજું શું છે? અફઘાનિસ્તાન એનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ.
(૩) હિટલરે આત્મહત્યા કરી. ક્યારે? લાખો લોકોની હત્યા થઈ ગઈ અને કરોડો બીજા વિશ્વ યુદ્ધમાં મરી ગયા પછી અને અનેક દેશો ખેદાનમેદાન થઈ ગયા પછી.
(૪) જે હિટલર માટે સાચું છે તે જોસેફ સ્ટાલિન, ઈદી અમીન, ચિલીના જનરલ પિનોશેટ, કમ્બોડિયાના ખ્મેર રૂજ અને તેમના જેવા બીજા અનેકોના શાસન માટે સાચું જ છે.
(૫) રામને સીતા પાછી મળી અને પાંડવો જીત્યા તે પણ હજારો લોકોની બે મહાયુદ્ધોમાં કતલ થયા પછી જ.
(૬) લોકશાહી દેશોમાં સદંતર જૂઠને આધારે તાનાશાહી ચાલે છે તેનાં બે ઉદાહરણો અત્યારે મોજૂદ છે: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી. અસત્યને આધારે તો તેઓ ચૂંટણીઓ જીતે છે. અમેરિકા અને ભારત બંનેમાં લોકશાહીનું ધનોતપનોત નથી નીકળી ગયું?
‘સત્યમેવ જયતે’ એ તદ્દન વાહિયાત, અવાસ્તવિક અને ભ્રામક સૂત્ર છે. એ illusion, delusion અને hallucination એટલે કે ભ્રમ, સંભ્રમ અને વિભ્રમ છે. સાપ હોય અને દોરડું દેખાય એમ નહીં પણ, સાપ જ ન હોય, કશું હોય જ નહીં છતાં ય દોરડું દેખાય એવું હોય છે એ. આ સૂત્રનાં મંજીરાં વગાડવાં નહીં. “દિલ કો બહલાને કો ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.” જે જીતે છે એ સત્ય બની જાય છે એ બરાબર યાદ રાખો.
તો કરવાનું શું? સત્ય માટે ખાઈખપૂચીને મંડી પડતા હોઈએ તે ચાલુ રાખવાનું. એમ કરતાં જે સહન કરવાનું એ સહન કરવાની તૈયારી રાખવાની. જેઓ સત્યના ભ્રમ સાથેના, સત્યની શોધ વિનાના comfort zoneમાં જીવવા માગે છે, ખરું સત્ય એમને માટે છે જ નહીં. એ તો અસત્યમાં પણ માંહી પડ્યા પડ્યા મહાસુખ માણે છે. એમને તો એની જ ખબર હોતી નથી કે સત્ય શું છે, તેઓ એ જાણવાનો પરિશ્રમ પણ કરતા નથી અથવા તો જે તેમને કહેવામાં આવે છે તે જ સત્ય છે એમ તેઓ માની લે છે. “ભલું થયું ભાંગી જંજાળ” એ એમનો જીવનમંત્ર હોય છે.
સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈમાં કહીએ કે असतो मा सद्गमय – અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. પણ આમાં પ્રભુ કોઈ દહાડો કામમાં લગતો જ નથી. કોઈ લઈ નહીં જાય સત્ય તરફ, આપણે જાતે જવું પડે, ઇચ્છા હોય તો. બાકી અસત્યને સત્ય માનીને જીવ્યા કરવું.
તા.૧૪-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

