પુસ્તક પરિચય –
ધ્રુવભાઈ ભટ્ટ સમયાંતરે તેમની કથાઓ પુસ્તક સ્વરૂપે આપતા રહ્યા છે. એ બીબાઢાળ નથી. દરેકે દરેકમાં એક આગવું પોત હોય છે. એ જ નીખરી આવતું હોય છે. અમે પ્રથમથી જ એમના ચાહક-ભાવક રહ્યા છીએ. આથી અમે એમની પુસ્તક-પ્રસાદીની વાટમાં જ હંમેશ રહેતા હોઈએ છીએ.
હજી હમણાં જ, તાજેતરમાં ‘તિલોર’ નામે – શીર્ષકથી પ્રકાશિત થયું છે. ધ્રુવભાઈ ક્યારેક એમનાં પુસ્તકોના શીર્ષકની છણાવટ પણ કરતા હોય છે. ‘તિલોર’ નામથી અમે એકદમ અજાણ હતા. એટલે ‘તિલોર’ શું? આથી તરત જ પુસ્તક ખોલ્યું. ત્યારે ખબર પડી કે આ એક કચ્છમાં વસવાટ કરતા પક્ષીનું નામ છે. પુસ્તકનો ઉઘાડ જ હૃદયસ્પર્શી છે. લેખક પક્ષી સાથે વાતચીત કરતા પૂછે છે, તારું નામ શું ? ‘તિલોર’ તેણે કહ્યું. નિશાળમાં ભણતી વખતે મેં કોઈ શબ્દકોશમાં ટિલોર શબ્દ વાંચ્યો હતો.
‘તમે બીજું બોલ્યા તે હશે. અમે તમારા જેટલું સરસ રીતે બોલી નથી શકતા.’ પેલાએ કહ્યું, અને ઉમેર્યું, ‘અને તિલોર પણ મારા એકલાનું નામ નથી. તમારી યાદી પ્રમાણે તો અમે અમારો આખો વંશ તિલોર કહેવાઈએ.’
‘આ વળી નવું’ મેં કહ્યું. કોઈ પોતાના અંગત નામ વગરનું પણ હોઈ શકે એ નવાઈ કહેવાય. જ્યારે આપણે બધા જ મનુષ્યો નામથી તો ઓળખાઈએ પણ સાથે સાથે કેટલાંક વિશેષણો પણ જોડી દઈએ. નિયામક, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી, ડૉ. (પીએચ.ડી.) – એવા ભાતભાતના અને જાતજાતના. આપણી ઓળખ એ આપણો છૂપો અહંકાર છે. એ વાત એટલી સહજ રીતે મૂકી છે કે આપણે વારી જઈએ.
આ જ વાત આગળ વધારતાં લેખક લખે છે, ‘હા, તારુંયે કોઈ નામ હોવું જોઈએ, હશે પણ ખરું પણ….’ ‘બસ આથી વધુ કોઈ કંઈ કહી શકતું નથી.’ હું બોલ્યો, ‘કુટુંબમાં કે સગાં-સંબંધીઓને, કોઈને તારા નામની ખબર ન હોય તે બહુ નવાઈ કહેવાય.’ ‘હા નવાઈ તો કહેવાય. પણ કોઈને તમે જેને કુટુંબ કહો છો તે ન હોય અને સગાં પણ બહુ જ થોડાં બચ્યાં હોય, ત્યારે કોઈને એકબીજાનાં નામ ન આવડે તો તે નવાઈ નહીં કહેવાતી હોય.’ આ જાતનાં પક્ષીઓ વિલુપ્ત થતાં જાય છે એના સંદર્ભમાં કહેવાઈ છે. ત્યારે લેખક વ્યથા વ્યક્ત કરતાં લખે છે, ‘હું શું કરું ? છાતી ફાટી જાય તેવા ઉત્તરો મળે અને તરત બીજો એવો જ પ્રશ્ન પણ પુછાય ત્યારે શું કરવું તેની ફરજ ભાગ્યે જ કોઈને હોય છે.’
પક્ષી સાથેના સંવાદ-વાતો ખૂબ મઝાનાં છે. આડકતરા ઈશારાઓ પણ છે, જે આપણે પકડવાના છે. પક્ષીઓની સાથે વાત કરતાં કરતાં તેમના અવાજને-ઉચ્ચારણને પકડી તેમનાં નામોની જે કલ્પના કરી છે એ અદ્ભુત છે. ‘અમે જન્મ્યા ત્યારે મા નજીક નહોતી, પણ કોઈ જોરથી બોલતું સંભળાયેલું, ‘યશ ક્લીક, જલદી કર યશ.’ એટલે અમે એક બચ્ચાનું નામ ‘યશ’ અને મારું નામ ‘ક્લીક’ એમ સમજેલાં. એવી જ રીતે બીજી જાતનાં પક્ષી ઘોરાડનાં બચ્ચાંનાં નામ પડેલાં. કોઈક બોલ્યું, ‘સૉ ક્યુટ’ એટલે એકનું નામ ‘સૉ’ અને બીજાનું ‘ક્યુટ’. ધ્રુવભાઈ લખે છે, ‘મેં સોઓઓ ક્યુઉઉટ પૂરા ભાવથી અને લહેકાથી બોલાતું હશે તેની કલ્પના કરી.’
આ પુસ્તકમાંની ઘણી બધી વાતો એકબીજા સાથે સંકળાયેલી છે. માનવતાની મહેક દરેકમાંથી ડોકાય છે જેમ કે ગંગાબા, કે રમીમા, આસ્કાના વગેરે સ્ત્રી પાત્રોમાં. સૌમાં અરસપરસ મદદ કરવાની સહજતા નજરે પડે છે. લેખકની એક વિશિષ્ટતા રહી છે કે એમની કથાઓમાં સ્ત્રી-પાત્રો એક આગવી રીતે તરી આવતાં હોય છે. એવું જ કંઈક આ પુસ્તકમાં પણ છે. રમીમા ગામમાં રહેતી બધી જ જિંદગીઓને સરળતાથી ઓળખતાં, પાસે આવવા દેતાં, સ્વીકારતાં અને તે જિંદગીઓની સમસ્યાને ઉકેલવા મદદ કરતાં. સૌ પ્રથમ પોતાની સમસ્યાને ઉકેલી. પરાણે વૃદ્ધ પુરુષ સાથે પરણી. તેના ત્રણ દીકરા સાથે. પરણી કે તરત જ બધાને લઈને, બીજા એક ગામમાં જઈને પોતાની જિંદગી કાળી મજૂરી સાથે જોડી દીધી. કડિયા-મજૂર તરીકે જ જીવ્યાં. ધીમે ધીમે ગામની સ્ત્રીઓને પણ એ જ કામમાં નિપુણ બનાવી પૈસા રળતી કરી. બચત કરતાં શીખવ્યું. કથાનાયકે જે બેંક ખોલી હતી તેમાં સૌનાં ખાતાં પણ ખોલાવ્યાં. સ્વનિર્ભર બનાવી. આપણે ત્યાં પહેલેથી જ સ્ત્રી સશક્તિકરણ હતું. માત્ર મહિલા દિવસ ન ઉજવાતો.
કથામાં કેટલાક સરસ પ્રસંગો છે, એ આપણે માણીએ. એક વાર લેખક મધ્યરાત્રીએ પોતાની મોટરસાઈકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા. ‘એકાદ રાતપંખી પણ પસાર થતાં બોલ્યું, “હવે તમે પણ રાત-વરત અહીં ફરતા થઈ ગયા ? પાછા આખાં વન ગજવતાં ફરો છો. તમને લોકોને ઘોંઘાટ સાંભળ્યા વગર ચાલતું જ નથી કે શું ?” જવાબ આપ્યા વગર કથાનાયકે મોટર સાઈકલ બંધ કરી અને ધકેલતા આગળ વધ્યા. આમ વાતનો મર્મ પકડી, આચરણમાં મૂક્યું. આ થીંક ઑફ અધર્સ ‘બીજાના વિચારની વાત’ સલૂકાઈથી સાંભળી સરકી જાય છે. જતાં જતાં પણ હેણોતરા (એક જાતનું પશુ) પાસેથી પસાર થતાં સાંભળવું પડ્યું કે, “પહેલાં ચોક્કસ શિકારી કે ચોર લોકો જ રાતે આવતા. હવે તમે ય આવતા-જતા થઈ ગયા. પાછા આખા જંગલને બીવરાવતા ફરો છો.” આ આખી વાત-સંવાદ એવો રમણીય છે કે આપણે આફરીન થઈ જઈએ. આ પુસ્તકમાં લેખક-પક્ષી-પશુ સખ્ય સંવાદ જ વિશેષ છે. આધુનિકતાના નામે આપણે જે વિકાસ ભણી દોટ મૂકી રહ્યા છીએ, એ અભિશાપ છે કે આશીર્વાદ એ નક્કી કરવાનો સમય આવી પૂગ્યો છે એમ જરૂર કહી શકાય.
આવો એક બીજો પ્રસંગ જાણીએ. લેખકને, બેંક કર્મચારી હોવાથી ઝાડ-વૃક્ષો વાવવાનું ફરમાન થાય છે. એ માટે સૌની સાથે એ અંગે વાત કરે છે, એનું મહત્ત્વ સમજાવે છે. ઝાડ-વૃક્ષો જમીન પર રોપાવાં જ જોઈએ. ત્યારે ત્યાંનો સ્થાનિક એક અભણ માણસ કહે છે, “ઝાડ વાવો કે ગમે તે કરો. આ તો સરકારની માલિકીની વાત કરી, તો સરકાર બનાવનાર તો આપણે ને ! રાજા કે સરકાર માણસોએ કેમ રે’વું, કેમ નૈ એના કાયદા ભલે નક્કી કરે પણ ધરતીએ કેમ રે’વું એ સરકાર થોડી નક્કી કરે ? સરકાર જમીનને વતાવે જ શું કામ ? જમીન ક્યાં મત આપવા ગઈ’તી ?” લેખકનું મનોમંથન ચાલે છે અને સ્વગત બોલે છે કે “આદિકાળથી આજ સુધી અનુત્તર રહેલી આ પરિસ્થિતિએ પૃથ્વીને અને તેના પર પાંગરેલા તૃણથી લઈને મનુષ્ય સુધીના તમામ સજીવોને અતિ, અતિ, અતિ વિષમ પરિસ્થિતિમાં મૂકી દીધો છે. ફરી પાછો પેલા અભણનો બડબડાટ સંભળાયો કે ‘જમીનુંને જેમ ફાવે તેમ રગડાવો, પણ યાદ રાખજો, ધરતી તો મા છે. એના ખોળામાં રે’વાય. એને ગમે તેમ રગડાય નૈ. કો’ક દી શ્રાપ દઈ બેસે ત્યારે ભારે પડી જાશે.’ આવો જ એક અનન્ય પ્રસંગ છે. એક રબારીની ભેંસ ખોવાઈ અને મળતી નથી. મુસલમાન બહેનને તે મળી. ભેંસ તો મરી ગઈ પણ તેનું બચ્ચું અદ્દલ તેની મા જેવું છે. એટલે મા નહીં તો તેનું બચ્ચું પરત કરવા જાય છે ત્યારે તે વખતનો વાર્તાલાપ હલાવી નાંખે તેવો છે. બંને પક્ષે હૃદયની વત્સલતા, માનવતા, સમજણની ઊંચાઈ નવાઈ પમાડે તેવી છે. આંખોમાં આંસુ ઊભરાઈ આવે તેવી છે. મનના મોટપની વાત સ્પર્શી જાય તેવી છે.
કથાનાયક બેંક સાથે જોડાયેલા છે. એટલે કચ્છમાં વસતી જત કોમના માલધારીઓ માટેનાં કેટલાંક કામો માટે જવાનું બન્યું. “રસ્તામાં બબ્બુએ રોકાવા કહ્યું. કહે, ‘લ્યો માંક જીભે મૂકો.’ પાંદ પર ઝીલાયેલી ‘માંક’ ઝાકળનો સ્વાદ માણ્યો. ન ચાખેલો એક મંદ, નવતર સ્વાદ, એ અજાણી મધુર સુગંધ, હવા, એ ઝાકળનો સ્પર્શ, જીવનભર જોયા જ કરીએ તેવો ધૂમિલ દૃશ્યોને હળુહળુ ઉઘાડતો જતો ઝાકળભીનો પ્રકાશ, કુદરત કેટલાંક દૃશ્યો, કેટલાક સ્પર્શો, કેટલીક સુગંધ, કેટલાક સ્વર અને કેટલાક સ્વાદ એવી રીતે રજૂ કરે છે કે આપણે તેને ઓળખી નથી શકતા, નથી તેને કોઈ નામ આપી શકાતું. ન તો ‘હું’ અને ‘તે’ એવું સ્પષ્ટ દર્શાવી શકાતું. આપણાથી તેમાં ભળી જવા સિવાય કશું થઈ શકતું નથી !” આ માણેલું વર્ણન આપણને સ્પર્શે તો ખરું જ પણ સાથેસાથે ભીંજવી જાય તેવું છે.
આવી જ વાતો ઊંટોને પણ છે. કાદવ વિસ્તારમાંથી પસાર થવાની અને કાદવમાં ફસાયેલા ઊંટને કાદવમાંથી કેવી રીતે બહાર કાઢવું તેની. સહિયારા પ્રયાસોથી આફતોને ઓળંગે છે તેની રોચક કથાઓ – પ્રસંગો છે. જત-ઊંટ એક જ તત્ત્વે સ્થિત છે. બંને એકબીજાથી એવા સંબંધિત છે કે એ સંબંધનું નામકરણ અશક્ય છે. એક-બીજાના સુખે-સુખી અને દુ:ખે દુ:ખી એવા અરસપરસ આશ્રિત છે. સાવલાપીર ફકીરાણી જત લોકોના પીર છે. એમનાં જે વચનો છે એનાથી જત લોકો બંધાયેલા છે. એ પણ સમજવા જેવું છે.
અભણના મુખેથી વિભાજનની વાત કહેવાઈ છે તે હૃદયને હલબલાવનારી છે. ઈબલાના મુખેથી જ સાંભળીએ : “જન્મથી તેની ઉંમરનાં સાઠ વરસ સુધી ઈબલો અને તેનાં ઊંટ, બકરાં-ઘેટાં કચ્છથી આ તરફ છેક બંગાળના છેડે અને આ તરફ સિંધ વીંધતાં બલોચ અને અફઘાન કબીલાઓમાં નિરાંતે જઈ શકતાં. ૧૯૪૭ના વરસાદી દિવસોમાં એક રાતે ન જાણે શું બન્યું કે આ બધાને કચ્છીભૂમિ વળોટવાની મનાઈ થઈ ગઈ. ‘રાતે સૂતા સુધી બેહદમાં હતાં સવારે જાગતાં પહેલાં તો હદમાં આવી ગયાં.’
“સંસ્કૃતિઓનાં આદાન-પ્રદાન અટકી પડ્યાં. આનંદના કે દર્દભર્યાં ગીતોની આપ-લે અટકી ગઈ, કહેવતો અને રહસ્યકથાઓ વિસરાવા માંડ્યાં. સરળ અધ્યાત્મની રેશમ-દોરી ક્યાંક ગંઠાઈ ગઈ. સાહિત્ય અને સંગીતના લય પણ બે ભાગમાં વહેંચાઈ ગયાં. મારા જેવાને એ ક્યારે ય નથી સમજાવાનું કે અનહદને હદ લાગી જાય એટલે શું ?”
આ વિભાજન અંગે, તેની વીતક-વ્યથા અંગે ખૂબ ખૂબ લખાયું છે. પણ જે શબ્દો થકી, ટૂંકાણમાં, સારગર્ભથી આ લખાયું છે તે નોખું – અનોખું છે એમ અમને લાગે છે. આ આખી કથા કચ્છની પૃષ્ઠભૂમિમાં લખાઈ છે. લેખકની દરેક કથામાં એક વિશેષતા સદા ય રહી છે કે જે પ્રદેશની વાત કરવાની હોય તે પ્રદેશને પોતાનો કરી દે છે. જરૂરી સમય એક યાત્રિક તરીકે રહી, ત્યાંનું લોકજીવન, પરિવેશ, રહેણી-કરણી, બોલાતી બોલી એમ સઘળું આત્મસાત્ કરે છે. માત્ર કલ્પનો જ નથી હોતાં પણ સત્ય અને કલ્પનોને લઈને એક સર્વાંગ સુંદર સાયુજ્ય રચાય છે. જે વાચકને ગ્રસી લે છે. ક્યારેક તો આપણને એવું જ લાગે કે આ સત્યઘટના છે.
પુસ્તકનો ઉઘાડ જેટલો સુંદર છે એટલો જ અંત પણ સુંદર છે. કથાનાયક બેંકમાંથી રાજીનામું આપે છે. વતન જવા નોકરી છોડે છે. એટલે વિદાયવેળાએ સૌને હાય-હેલ્લો કરવા નીકળે છે. સોહનચીડિયા (પક્ષી) મળે છે ને પૂછે છે, “બોલો બોલો તમારાં નામ તો કહો. લોકો તમને જોઈને શું બોલે છે તે જાણું તો ખરો !” ‘મારું નામ’…. એક સોહનચીડિયા બોલી ‘પરહેપ્સ’ (perhaps) કદાચ. લાસ્ટવન (last one) છેલ્લી એક માત્ર.
કવિ-લેખક ધ્રુવભાઈને સો-સો સલામ. ગૂર્જર ગ્રંથરત્નને પણ આવા પ્રકાશન બદલ અભિનંદન.
પ્રાપ્તિસ્થાન : ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
ફોન : ૦૭૯-૨૨૧૪૪૬૬૩, ૦૯૨૨૭૦૫૫૭૭૭
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઍપ્રિલ 2025; પૃ. 18-19