GANDHIANA

સૌને નમસ્કાર.

આજ ગાંધીજીની ૧૫૭મી વરસગાંઠ છે. આ નિમિત્તે હું વિદ્યાપીઠના મારા અનુભવ વિષે થોડી વાત કરવા માંગુ છું. અહીં બેઠેલાં તમે બધાં લોકોએ મને જોઈ છે ને કૈંક અંશે જાણી છે પણ ખરી. પણ મોટા ભાગનાં લોકોના મનમાં કદાચ એવો પ્રશ્ન થતા હશે કે ‘આ જાપાની છોકરી ઘણાંબધાં વર્ષોથી વિદ્યાપીઠમાં છે ને ફર ફર કરતી દેખાય છે. પણ એ અહીં કરે છે શું?’ એટલે સૌથી પહેલાં હું તમને બધાને મારો થોડોક પરિચય કરાવવા માંગું છું. કદાચ કોઈને બડાશ મારવા જેવું લાગે તો હું અત્યારથી જ માફી માંગી લઉં છું.

મારો પરિચય :

મારું નામ કાઓરી છે. હું જાપાનથી ગાંધીવિચાર ભણવા ૨૦૦૯માં ગૂજરાત વિદ્યાપીઠમાં આવી છું. જાપાનમાં સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા પછી, હું એક કંપનીમાં Human Resource વિભાગમાં ચાર વર્ષો સુધી કામ કરતી હતી. છેલ્લાં બે વર્ષો તો હું કંપનીની મૅનેજર પણ બની. કંપનીની હર્તાકર્તા કહો તો વાંધો ના આવે. મૅનેજર તરીકેનું કામ એ જવાબદારીનું કામ તો હતું જ. પણ એ બહુ રસિક કામ પણ હતું. અલગ અલગ પ્રકારનાં લોકોને સાંભળવાં, એમની પાસે કામ લેવું, એ રસપ્રદ તો ખરું. પણ રોજ રોજ પૈસા ગણ્યા કરવા, કંપનીના નફા પર ધ્યાન રાખવું ને બીજાઓથી આગળ નીકળી જવા રાતદહાડો મથ્યા કરવું. એટલે જેમ જેમ વરસો વીતતાં ગયાં તેમ તેમ હું થાકવા લાગી. આમ તો તે વખતે મને મોટો પગાર મળતો હતો અને મારી પ્રતિષ્ઠા પણ એટલી જ હતી. હું સગવડભર્યું જીવન જીવતી હતી. છતાં મારા મનમાં હંમેશાં અસંતોષ રહેતો હતો. મારા જીવનની બધી જ હાજતો સંતોષાયા છતાં સંતોષ ના મળે તો. કહો કે સંતોષ આઘો ને આઘો જતો જાય. આવું કેમ બને છે? એ હતું મારું મનોમંથન.

‘હિંદ સ્વરાજ’ - મારા જીવનને પલટી નાખી એવી એક ચોપડી :

તે વખતે મારા હાથમાં ગાંધીજીની ‘હિંદ સ્વરાજ’ ચોપડી આવી પડી. મેં વાંચવા માંડી. એમાં સુધારા અંગે એક વાક્યે મારું ધ્યાન ખેંચ્યું. ગાંધીજીએ લખ્યું છે :

‘શરીરનું સુખ કેમ મળે એ જ સુધારો શોધે છે. એ જ તે આપવા મહેનત કરે છે. છતાં તે સુખ પણ નથી મળી શકતું.’

મને થયું કે :

“હું આવું નથી કરી રહી? હું પૈસા સાંકવ સાંકવ કર્યા સિવાય બીજું શું કરું છું આવા જીવનથી જુદો, એવો વિકલ્પ હોઈ ના શકે?”

એટલે કે મારો ગાંધીજીમાંનો રસ એમના વ્યક્તિત્વનો નહોતો. મારી નવી નવી જીવનદૃષ્ટિની શોધનો હતો. એટલે હું ગાંધીજી ભણી આકર્ષાઈ.

૨૦૦૯ ગૂજરાત વિદ્યાપીઠ પ્રવેશ :

મે ૨૦૦૯માં ગાંધીદર્શન વિભાગમાં એમ.એ. માટે પ્રવેશ મેળવ્યો. તે દિવસનો એક પ્રસંગ હજી ય યાદ છે. મારા પ્રવેશ પરીક્ષા તથા ઈન્ટરવ્યૂની લાંબી પ્રક્રિયાઓથી પસાર થવું પડ્યું. એમાં અધ્યક્ષશ્રી પુષ્પાબહેને ઘણી મદદ કરી. છેવટે હું કુલસચિવશ્રી પાસે ગઈ. મારા પ્રવેશ અંગેનો આખરી નિર્ણય તો એમણે લેવાનો હતો. તેઓ જરા ય હસ્યા વિના માત્ર એટલું જ બોલ્યા કે એમ.એ.માં પ્રવેશ આપીશું.’ હું તો એથી એટલી બધી રાજીની રેડ થઈ ગઈ કે એમની સામે જ નાચવા લાગી ! એમને થયું હશે કે :

‘માળું આ’તો વિચિત્ર પ્રાણી છે!’

એ હતો એક વિદ્યાર્થિની તરીકે મારા વિદ્યાપીઠ જીવનનો પ્રારંભ.

પણ ખરું તો હવે શરૂ થતું હતું. પહેલી જ અગ્નિપરીક્ષા હતી. વિદ્યાપીઠનું છાત્રાલય જીવન. હકીકતમાં મને કોઈ ભાઈબહેન નથી. આજ સુધી જાપાનમાં મારા પોતાના ઘરમાં હું રાજકુમારીની પેઠે ઉછરી હતી. આવી છોકરીને વિદ્યાપીઠનું સમૂહજીવન ક્યાંથી અને કેવી રીતે ફાવે?

છતાં આ જ છાત્રાલય જીવને મને નવી દુનિયાનો દરવાજો ખોલી આપ્યો. રોજ મારા ઓરડામાં જાપાનથી આવેલું આ ‘વિચિત્ર પ્રાણી’નાં દર્શન કરવા ૨૦-૩૦ દર્શનાર્થીઓ આવતાં-જતાં રહેતા હતા. ઘણાં બધાં પ્રશ્નો પૂછાતા હતા. એમાં એક રસિક પ્રશ્ન આ હતો. એક છોકરીએ મને આવું પૂછ્યુંઃ

‘કાઓરી, જરાતરા હાથ તો જોવા દે! તને આંગળીઓ કેટલી છે?’

અરે બાપ રે! આ બધાની નજરે હું કેટલી વિચિત્ર પ્રાણી જેવી છું?!

એની આગળ મારા હાથ ધરીને મેં એને જવાબ આપ્યોઃ

“લે! જો! આ રહ્યા, મારા હાથ!”

પછી બિચારી છોકરી તો મારી આંગળીઓ ગણવા લાગી. “એક બે ત્રણ ચાર પાંચ ...”

મને પણ ગુજરાતીમાં નંબર ગણતાં આવડી ગયું ને વાત પતી ગઈ.

મારા દેશ જાપાનમાં કદી આવા પ્રશ્નો ના પુછાય. પણ અહીં તો આવા આવા પ્રશ્નોની ઝડી વરસતી. છતાં બીજી ઘણી બધી વાતો પણ અમે છાત્રાલયમાં કરતાં. એમાં કુટુંબની ને પ્રેમની વાતો પણ આવે. અમારો દેશ જુદો. ભાષા અને સંસ્કૃિત જુદાં. સૌ અલગ હોવા છતાં અમારા દિલનો સંબંધ બંધાતો જતો હતો. છાત્રોના સહવાસમાંથી મને ભારતીય લોકોનાં પ્રેમ તથા શ્રદ્ધાનું અમૃત ચાખવા મળ્યું.

સ્વર્ગસ્થ શ્રી નારાયણ દેસાઈ ‘અ ટાસ્ક માસ્ટર' :

એમ.એ. વૈતરણી મેં પાર કરી. પછી એમ. ફિલ. ઝંપલાવવાનું મેં નક્કી કર્યું. હાલના ઉદ્યોગ વિભાગની શિક્ષિકા સંયુક્તા બહેનની દોસ્તીને કારણે મને એ વખતના કુલપતિશ્રી નારાયણ દેસાઈનો પરિચય થયો. મને એમની સાથે ગાંધીકથામાં જવાનો મોકો મળ્યો. મને મળેલ આ એક સુવર્ણ તક હતી. મારા માટે તો નારાયણ દાદા ગાંધીવિચારની જીવતી-જાગતી ને હરતી-ફરતી વિદ્યાપીઠ હતા. એમની સાથે રહીને એમની સેવા થતા એમની સાથે કામ કરતાં કરતાં ગાંધીવિચારનું એક વ્યવહારુ પાસુ મારી આગળ ઉજાગર થઈ ગયું.

દાદાજી, મારા એક ‘ટાસ્ક માસ્ટર’ હતા. એટલે કે તેઓ ઘણા બધા અઘરાં કામો મારી પાસે કરાવ્યા જ કરતા હતા. દા.ત. કસ્તૂરબા નાટકનું કામ, એકાદશવ્રત અંગેની ચોપડી છપાવવાનું કામ, ખાસ કરીને ગાંધીકથાની દોડા દોડીમાં પણ કોઈ પણ કામ સમયસર અને ચોક્કસપણે કરવું, ગમે તે લોકો હોય તો પણ એમની સાથે સારો સંબંધ રાખવાનો પ્રયત્ન કરવો, ગમે તે પરિસ્થિતિ હોય તો પણ છેલ્લી ઘડી સુધી કામ પૂરું કરવા માટે બને તેટલી કોશિશ કરવી વગેરે વગેરે. શિક્ષણ એ ફક્ત વર્ગમાં થતી વસ્તુ નથી. બલકે એક અનુભવી ને પરિપક્વ માણસ સાથેના સહવાસમાં અને એમના જીવનમાંથી આપણને ખૂબ શીખવાનું મળે છે. આ વાત હું સ્પષ્ટ રીતે સમજી ગઈ.

ગાંધીજીના અંતેવાસીઓને પણ આવો જ અનુભવ :

આવો અનુભવ તો ગાંધીજીના અંતેવાસીઓને પણ મળ્યો હતો. દા.ત. મારા અતિપ્રિય ગાંધીજન જુગતરામ દવે. આપણે તેમને જુગતકાકાને નામે ઓળખીએ છીએ. તેમણે ગાંધીજી સાથેના પોતાના અનુભવની આ જ વાત આપણને સમજાય એ જ રીતે કહી છે. જુગતકાકાએ લખ્યું છેઃ “જ્યોતને અડ્યા વિના જ્યોત પ્રગટતી નથી. માત્ર વાચનથી કે ભાષણ સાંભળવાથી કે ચર્ચાઓ કરવાથી એકના હૃદયની શ્રદ્ધા બીજામાં સંચરે નહીં, એકના દિલમાં બળતી આગ બીજામાં ચેતે નહીં. સામાન્ય સ્વાર્થમય જીવનમાંથી આખું જીવન સેવામાં હોમવાની પ્રેરણા ઉત્પન્ન થાય નહીં. સત્યનો અતૂટ આગ્રહ હૃદયમાં બંધાય નહીં. તે માટે તો કોઈ શ્રેષ્ઠ જનનો સહવાસ - અને તે દીર્ઘકાળનો સહવાસ - બહુ જ જરૂરનું છે. આપણાં જીવનમાં લાંબો વખત ઊગવાની ક્રિયા ચાલ્યા કરે એ જરૂરનું છે. આપણાં જીવનમાં પણ કાયમનો પલટો થવા માટે શ્રેષ્ઠ જનનો લાંબો સહવાસ ઘણો જરૂરનો છે. આપણે તેને મોટા પ્રસંગોમાં વર્તતો જોઈએ છીએ. નાના નજીવા પ્રસંગોમાં પણ વર્તતો દેખીએ છીએ. તેની કડકાઈ અનુભવીએ છીએ તેમ કોમળતા પણ અનુભવીએ છીએ. એ બધું જોતાં. તેની દોરવણી નીચે કામ કરતાં કરતાં, તેના સિદ્ધાંતો અને અને કાર્યપદ્ધતિ, તેનું બળ અને તેનું જ્ઞાન આપણે અપનાવી લેતા જઈએ છીએ. તેમાં બુદ્ધિનો પ્રયોગ પણ છે, તેમ જ નકલ અથવા અનુકરણ પણ છે. જોઈ જોઈને તે ઉપર વિચાર કરી કરીને અનુકરણ કરી કરીને, આપણે આપણું જીવન ઘડીએ છીએ.”

ખરેખર! દાદાજીના સાંનિધ્યમાં રહેવું એ મારા વૈકલ્પિક જીવનની શોધમાં અને મારું જીવનઘડતર કરવામાં ખૂબ ઉપયોગી થઈ પડ્યું છે.

ગાંધીવિકાસના અનુભવે મને ગાંધીવિચારને સમજવા માટેની બીજું દૃષ્ટિબિંદુ પૂરું પાડ્યું. એ દૃષ્ટિબિંદુ હતું સાથીઓનું નિષ્કામ કર્મ અને તેમની સેવાવૃત્તિ. ગાંધીકથામાં કથા શરૂ થાય એના પાંચ દસ દિવસ પહેલાં દાદાજીનાં સાથીઓ કથાના સ્થળે જઈ, કથાના સ્થળનું ગોઠવણ તથા સંગીત, ગીતોના શબ્દોના અર્થ ને ઉચ્ચારણ વગેરે ગામનાં લોકોને શીખવાડતા હતા. આવા નિષ્કામ કર્મીઓ દાદાજીનાં સાથીઓ ના હોત તો ગાંધીકથા શક્ય ના બનત. આ વાત ગાંધીજીને પણ લાગું પડે એવી છે. દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા બાદ અને સત્યાગ્રહ આશ્રમની સ્થાપના બાદ, જો એમને મહાદેવભાઈ, કાકા કાલેલકર, વિનોબા, મશરૂવાળા, નરહરિ પરીખ, જુગતરામ દવે, પ્યારેલાલ જેવા સાથીઓ મળ્યા ના હોત તો તેઓ ‘મહાત્મા’ બની શકત ખરા? આટલી ઊંચાઈને આંબી શકત ખરા?

હાલમાં હું વિદ્યાવાચસ્પતિનો અભ્યાસ કરી રહી છું. એમાં સત્યાગ્રહ આશ્રમ વિષે ગાંધીજીના અંતેવાસીઓએ આશ્રમજીવન દ્વારા કેવી રીતે પોતાનું જીવનપરિવર્તન કર્યું અને પછી સમાજપરિવર્તન માટે કયાં કયાં કામો કર્યા એ અંગે હું અભ્યાસ કરી રહી છું. ગાંધીકથામાં હું ના ગઈ હોત તો આવું અભ્યાસનું દૃષ્ટિબિંદુ મને લાધ્યું ના હોત.

અનુભવથી શીખી લેવું એ ગાંધીજીના શિક્ષણની મુખ્ય વિશેષતા હતી. એનો લાભ મને ખૂબ જ મળ્યો આમ કહેતાં હું જરા ય ખચકાતી નથી. એક દીકરી બનીને દાદાજી સાથે રહેવાનો મોકો લાંબા સમય સુધી મને મળ્યો. એને માટે હું વિદ્યાપીઠના અધિકારીઓશ્રી તથા અધ્યક્ષશ્રીની ખૂબ આભારી છું.

ગાંધીજી પાસેથી મળ્યો એક પ્રશ્નનો જવાબ :

શરૂઆતમાં મેં કહ્યું તેમ હું  નવજીવનની દૃષ્ટિની શોધમાં ગાંધીજી પાસે આવી હતી. આ સંસ્થામાં મને મળેલ આવા જીવનના અનુભવોને કારણે જે કેવળ પુસ્તકો કરી શક્યાં ના હોત, એવી જીવનની નવી ને સાચી દિશા મને સાંપડી. મારું જીવન કેવું હોવું જોઈએ. આ પ્રશ્નોના જવાબ મને ગાંધીજી પાસેથી મળી ગયો છે. વ્યક્તિ લખે સાદુ જીવન જીવવું અને લોકસેવામાં બાકીનું જીવન અર્પણ કરવું. આ છે એ જવાબ.

મને વિદ્યાપીઠમાં રહેતાં સાત વર્ષ થઈ ગયાં છે. મને વિદ્યાપીઠ ગમે છે. કેમ કે તમે સૌ લોકો મારા પર ખૂબ પ્રેમ કરો છો. મારા પણ ધ્યાન આપો છો અને માન પણ આપો છો. આ સાત વર્ષ દરમિયાન જ્યારે જ્યારે મને કોઈ તકલીફ થઈ, ત્યારે ગરમ ગરમ શાક-રોટલી, ખીચડી-કઢી, ઇડલી-ઢોંસા અને પૈસા સુદ્ધાં પણ ઘણાંબધાં લોકોએ મને મોકલી આપ્યાં હતાં. જો હું દિલ્હી-મુંબઈની મોટી યુનિવર્સિટીઓમાં ગઈ હોત તો આવાં લોકોનો પ્રેમ મને ક્યાંથી મળ્યો હોત?

એટલા માટે જ આ સંસ્થા પ્રત્યે મારી એટલી બધી લાગણી છે કે એ ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા બની રહે. ગાંધીવિચારનું ભાથું સૌને પૂરું પાડે ને આડેઅવળે ફાંટ્યા વિના, પોતે ને પછી સૌને ગાંધીજી ભણી દોરતી રહે.

પણ એને માટે આપણે ગાંધીજીનાં મૂલ્યો તથા તેમના આદર્શોને જીવનમાં ઊતરવામાં કાચા પડ્યા છીએ. આજે એ આપણે આટલું સ્વીકારીએ. અહીં આજકાલ માણસ-માણસ વચ્ચેની શ્રદ્ધા ઘટતી જાય છે. આ મને ઘણી વાર જોવા મળ્યું છે. કોઈ પણ બાબત વિષે મતભેદ અથવા ઝઘડો થાય તો પછી આપણે એકબીજા સાથે સીધી વાત નથી કરતાં. એવું કરતાં કરતાં મતભેદ, મનભેદ બની જાય છે. આવા મનભેદને કારણે આ સંસ્થામાં સંપ્રદાયવૃત્તિ વધતી જાય છે. એ જોઈને મને દુઃખ થાય છે.

હા, આપણે માણસ છીએ, એટલે બધાંની સાથે ફાવે એવું તો કદી ના બને. અમુક લોકો સાથે ફાવે પણ અમુક સાથે ના પણ ફાવે. આ તો સ્વાભાવિક છે. પણ, કોઈ પણ માણસની લડાઈમાં શ્રદ્ધા રાખી, આપણે સ્પષ્ટ એની ચોખ્ખી વાત કરી દઈએ. એ ભલે અઘરી વસ્તુ હોય. એકબીજાની શ્રદ્ધા વધારવાની ખૂબ જરૂર છે. કેમ કે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શ્રદ્ધા વિના અહિંસક સમાજરચનાનું નિર્માણ અશક્ય છે. ગાંધીજીનો મુખ્ય સંદેશ છે : સત્ય અને અહિંસા. તેને પોતાના જીવનમાં ઉતરવા માટે આપણે શરૂઆત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શ્રદ્ધાથી જ કરવી પડશે. કેમ કે ગાંધીજીનો વિચાર એ ફક્ત અભ્યાસનો વિષય નથી. એ જીવનમાં, આચરણમાં ઊતરવા માટેનું તત્ત્વ છે. એટલે અહિંસાનું પહેલું પગલું વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો શ્રદ્ધા-સેતુ બાંધવો, તે છે. આ સેતુ-બંધ કરવા માટે આપણે આયાસ કરવો પડશે.

બાકી અહિંસા-વિષે, શાંતિ વિષે અને ખુદ ગાંધીજી વિષે પ્રવચનો ગોઠવવા, સેમિનારો ચલાવવા, ચોપડીઓ અથવા લેખો છાપવાં. શિબિરો ગોઠવવી. આ બધાનો મને ખાસ મતલબ દેખાતો નથી. અલબત્ત, શૈક્ષણિક સંસ્થામાં આ બધું જરૂર અવશ્ય છે. પણ ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા લેખે અસલ ને જીવંત સંબંધ સૌથી પ્રથમ આવે. આ સંબંધ છે કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમ ને શ્રદ્ધાનો સંબંધ. આવો સંબંધ બાંધી શકાય એવી કેળવણી ખુદ આપણે પોતે મેળવવી જોઈએ. વિદ્યાપીઠની સ્થાપનાનો મુખ્ય હેતુ આ છે. વિદ્યાપીઠ એટલે સત્યાગ્રહી બનવા માટેની કેળવણીની સંસ્થા. ‘કેળવણી વડે ક્રાંતિ’ એટલે કે અહિંસક ક્રાંતિ ભણી સૌને દોરી જતી સંસ્થા.

આવી વાત કહેવી સહેલી છે. કરવી બહુ જ અઘરી છે. છતાં જો આપણામાં ગાંધીજી પ્રત્યે અત્યંત શ્રદ્ધા હોય તો આવાં સાચાં સત્યાગ્રહીઓ બનવા માટેનો આપણો પ્રયાસ એક વિગત જરૂર સફળ થશે. એવી આશા સાથે હું મારી વાત પૂરી કરું છું.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2017; પૃ. 03-04

Category :- Gandhiana

તા. ૧૭મી જૂન ને ૨૦૧૭, સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીની શતાબ્દીની ઉજવણીનો પ્રસંગ હતો. ગાંધીજી સાથે માત્ર પારિવારિક નહીં, વિચાર અને આચારનું પણ સંધાણ ધરાવતા ગોપાલકૃષ્ણ ગાંધીના મુખ્ય મહેમાનપદે ને અમદાવાદની સર્વ ગાંધી સંસ્થાઓ તથા નગરજનોની ઉપસ્થિતિમાં આ પ્રસંગ ઊજવાયો. કેટલાંક સંસ્મરણો વાગોળાયાં, તો કેટલાક વિચાર મુકાયા, કેટલાક કાર્યોલ્લેખો થયા તો કેટલાંક કરવાનાં કાર્યોની વાત પણ થઈ. આ પ્રસંગે Letters to Gandhi (ગાંધીજીને લખાયેલ પત્રોના સંગ્રહનો ભાગ-૧), Pioneers of Satyagrah (દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ અને ગાંધીજી સાથે સંકળાયેલા અન્ય સત્યાગ્રહીઓ વિશેનું સંશોધનાત્મક પુસ્તક, Author E. S. Ready, Kalpana Hiralal) રાષ્ટ્રવાદ (રવીન્દ્રનાથ ટાગોરે જાપાન અને અમેરિકાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રવાદ પર આપેલાં ત્રણ વ્યાખ્યાનો, અનુ. ત્રિદીપ સુહૃદ)નું લોકાર્પણ થયું. આ ઉપરાંત, ગાંધીજીનાં જીવન અને કાર્યને આવરી લેતી ચુનંદી તસવીરો સાથેની અત્યાધુનિક ગૅલરી અને ‘આશ્રમનો પ્રાણ’ કહેવાયેલા મગનલાલ ગાંધીના નિવાસસ્થાન મગનનિવાસમાં ચરખા ગૅલરી ખુલ્લી મુકાઈ. એક કરતાં અનેક પ્રસંગો માટે નિમિત્ત લઈને આવેલા આ શતાબ્દી-વર્ષ દિને, આમ છતાં જેની સૌથી વધુ ખોટ વર્તાતી હતી તે આશ્રમશાળાની બાલિકાઓ સાથે સુમધુર સંવાદ સાધીને ગોપાલકૃષ્ણ ગાંધીએ સૌને ગાંધીજીને જોયાની લાગણી જન્માવી. તો સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારકટ્રસ્ટનાં અધ્યક્ષા અને ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ઇલાબહેને આપેલું પ્રાસંગિક વક્તવ્ય, આત્મનિરીક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકી ગયું. આ સાથે એ વક્તવ્ય ...

નોંધ : કેતન રૂપેરા

માનનીય સભાગણ, મુખ્ય મહેમાન માનનીય ગોપાલકૃષ્ણ ગાંધી, આપણે આઠ સંસ્થાઓના અધ્યક્ષ ભાઈઓ, અહીં આશ્રમમાં રહેતા સર્વ રહેવાસીઓ - જે સર્વનેહું એક આશ્રમ તરીકે ઓળખું છું, અને અમદાવાદનાં નગરજનો. સાબરમતી આશ્રમ શતાબ્દી-સમારોહમાં સૌનું સ્વાગત છે.

ગાંધીજીના આશ્રમનાં ૧૦૦ વર્ષ ઊજવીએ છીએ, તે જ પુરવાર કરે છે કે ગાંધીજી આપણી સાથે જ છે, હતા અને રહેશે. અમદાવાદમાં તો છે જ. જુઓને પાંચ આંગળીની મુઠ્ઠી સમાન પાંચે ય સંસ્થાઓ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, ગુજરાત હરિજન સેવકસંઘ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગમંડળ, તે જ જૂના આશ્રમમાં ભેગાં મળી આશ્રમની શતાબ્દી ઊજવી રહી છે. ઉપરાંત મજૂર મહાજન સંઘ (૧૯૧૭), નવજીવન પ્રેસ (૧૯૧૯) અને ગૂજરાત વિદ્યાપીઠ (૧૯૨૦), આપણી આઠે ય સંસ્થાઓ આજે જીવંત અને કાર્યશીલ બેઠી છે. આપ સૌ પણ પધાર્યાં છો.

ગૂજરાત વિદ્યાપીઠમાં ૩૦-૩૧ જાન્યુઆરી, ૨૦૧૭માં મળેલા રાષ્ટ્રીય સંમેલન, જેનો વિષય હતો ‘Gandhi Returns’ Back to Basics, તેના પ્રારંભમાં મેં કહેલું કે ગાંધી આપણી સાથે છે, એમના Returnનો સવાલ જ નથી. પણ સવાલ એ છે કે આપણે ગાંધી સાથે છીએ ખરાં ?

ગાંધીજીએ દેશભરમાંથી અમદાવાદ પસંદ કર્યું. એટલું જ નહીં ૧૦૦ વરસ પહેલાં તેમણે, લડત ઉપરાંત વૈકલ્પિક સમાજ, રચનાત્મક, શાંતિમય સમાજરચના અને ભવિષ્યનું ભારત કેવું હશે, તેનો પણ વિચાર કર્યો અને તેમ જીવી જાણવાનો જાતે પ્રયોગ કર્યો આ પ્રયોગો આપણા અમદાવાદમાં કર્યા. સૌ પ્રથમ, મિલોનાં મજૂર-સ્ત્રીબાળકોની અવદશા તથા તેમના પર થતો અન્યાય જોઈને તેમની સુખાકારી તથા ન્યાય માટે તેમનું સંગઠન બાંધ્યું - જો કે મૂળ શરૂઆત તો અનસૂયાબહેન કરી ચૂક્યાં હતાં - એ યુનિયન પ્રયોગમાંથી ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત જન્મ્યો, જે દુનિયાભરમાં આજે સ્વીકારાયો છે.

બ્રિટિશ શિક્ષણપ્રથા સ્વતંત્ર ભારતમાં તો ન જ ખપે, તે માટે બુનિયાદી તાલીમનો શિક્ષણપ્રયોગ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો.

સ્વતંત્ર ભારતની પ્રજાની રોજિંદી જીવનશૈલી બ્રિટિશ સરીખી તો ન જ ખપે! તો આપણી જીવનશૈલી કેવી હોય તેના પ્રયોગ માટે આશ્રમ સ્થાપ્યો. નવજીવન મુદ્રણાલય શરૂ કર્યું કે જેથી પૂર્ણ સ્વરાજના વિચાર-પ્રયોગો અને અનુભવોનો ઘર-ઘર પ્રસાર કરી શકાય.

આજે આશ્રમની શતાબ્દીની ઉજવણી માટે આપણે મળી રહ્યાં છીએ અને માનનીય મહેમાન  ગોપાલકૃષ્ણ ગાંધી પણ આપણી સાથે સામેલ થવા પધાર્યા છે. ખૂબ આભાર.

પણ, સાચું કહું તો મારા મનમાં ઉજવણીનો કોઈ ઉત્સાહ થતો નથી. ગ્લાનિ અને પસ્તાવાની લાગણી જ મનમાં ઊભરી આવે છે. ગાંધીજીએ સ્વરાજપ્રાપ્તિ માટે જીવનભર કેટકેટલા સંઘર્ષો કર્યા, કેટલાં બલિદાનો દેશ વાસ્તે હોમાયાં પછી જેમજેમ સ્વરાજ નજીક આવતું ગયું, આપણને કોણ જાણે શું થઈ ગયું સ્વરાજના પાઠ જે ભણ્યા’તા તે આપણે જાણે ફેંકી જ દીધા?! દેશભરમાં હિંસાત્મક વાતાવરણ સઘળે ફરી વળ્યું. ત્રીસ વરસના કર્યા કરાવ્યા પર પાણી (કે લોહી!) ફરી વળ્યું. ગાંધીજીના દિલને પાર વગરની પીડા આપણે આપી. તેમનાં જિંદગીનાં છેલ્લાં બે વર્ષ તો તે કેટલા બધા વ્યથિત રહ્યા, તે તેમની ત્યારની પ્રાર્થના સભાઓનાં પ્રવચનો પરથી હવે વધુ સમજાય છે. સાચું જ નથી શું કે એમની વ્યથાની ગાથા આખા દેશની ગાથા છે! કેવા નગુણા, બેજવાબદાર આપણે છીએ, તેવી ટીસ મનમાં ઘર કરી બેઠી છે.

ગાંધી પોતે તો સાધુપુરુષ હતા, મહાત્મા હતા પણ તો ય મનુષ્ય હતાને? એ મહાત્માને જીવવું અકારું કરી મૂક્યું તેવા આપણે છીએ. તેની શી ઉજવણી કરીએ? શતાબ્દીનો ઉમંગ નથી થતો અને ગર્વ પણ નથી થતો!

હા, આપણે સંસ્થાઓ સાચવી ખરી. આ આશ્રમ સાચવ્યો, મકાન સાચવ્યાં, તેમની ચીજવસ્તુઓ સાચવી. પણ આશ્રમ ક્યાં? આશ્રમવાસી ક્યાં?! એ જીવનશૈલી ક્યાં? તો, શું કરીએ? જો ઉજવણી નહીં તો શું તે આપણી જાતને પૂછીએ.

મારી સમજ પ્રમાણે ગાંધીવિચારના ચાર મુખ્ય આધારસ્તંભ - સાદગી, અહિંસા, શ્રમનું ગૌરવ અને માનવતા. આ જીવનમૂલ્યો તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન આપીએ. ગાંધીજીએ આ જીવનશૈલી બતાવી, હરિજનની તથા ગરીબની સેવા બતાવી, મુસલમાન અને હિંદુ સર્વધર્મનો સમભાવ કેળવી નિર્ભયપણે સાથે જીવન જીવે, જે તેમણે જાતે જીવીને બતાવ્યું. બુનિયાદી શિક્ષણ બતાવ્યું, મજૂર-માલિકના સંબંધો સાચવવાનો માર્ગ બતાવ્યો. વિચારપ્રસારની રીત બતાવી. આ વિચારમૂલ્યો તથા જીવનમૂલ્યોને સમજીને પોતે જાતે આચરણ કરી બતાવ્યું અને લાખોને કરાવ્યું.

તરછોડાયેલાં એ મૂલ્યોનું આચરણ કરવાનો નિર્ધાર કરવાનો આ પ્રસંગ છે. Gandhi returns નહીં, We return to Gandhi – એ માટે, અંગત તથા જાહેરજીવનમાં મૂલ્યોપૂર્વક આચરણ કરીએ તે જ મહત્ત્વનું છે, તે જ ગાંધી છે.

ગાંધી વિશે બહુ ભરપૂર લખાયું, લખાયે જ જાય છે, ભણાવે જાય છે, વિચારાતું જાય છે. સારું છે. પણ, આચરણ તો રડ્યુંખડ્યું ક્યાંક જ દેખાય છે! Archives, Multimedia, Research આ બધું વધતું જાય છે, બરાબર છે. પણ મને લાગે છે ગાંધીનાં એકાદશ મૂલ્યોને યથાશક્તિ આચરણમાં મૂકતાં થઈએ - તેનો આ પ્રસંગ છે - જાહેર-અંગત રીતે, સામૂહિક-વ્યક્તિગત રીતે અને વિચારોકાર્યોમાં. જીવન-મૂલ્યોના પુનઃસ્થાપનનો આ અવસર છે. વાંચીએ છીએ કે ભવિષ્યમાં બદલાતી પરિસ્થિતિઓમાં એમનાં કાર્ય અને કથનના નવા-નવા અર્થ ખૂલતા રહેશે. હા, પરિસ્થિતિઓ બદલાતી રહે છે, પણ જીવનમૂલ્યો બદલાતાં નથી; કેમ કે ગાંધીમૂલ્યો એ જીવન મૂલ્યો જ છે, માનવતાનાં મૂલ્યો છે; તે કદી નષ્ટ થાય? સત્ય, અહિંસા કદી વાસી થાય? વાસી તો આપણે છીએ, જે આ બધું જાણતા નથી.

ક્યારેક તો લાગે છે કે શિક્ષણ વધતું ગયું અને આર્થિક સમૃદ્ધિ વધતી ગઈ તેમ તેમ આપણે જીવનમૂલ્યોથી દૂર ગયાં છીએ. જો આશા બચી હોય, તો જે લોકોને આપણે હજુ ય ગરીબ રાખ્યા છે, તેમની પાસે મને આશા છે, જેને આપણે અભણ કહીએ છીએ, તેઓ પાસે જીવનમૂલ્યો જાણ્યે-અજાણ્યે હજુ બચ્યાં છે, ખાસ કરીને તેમની બહેનો પાસે. મારો અનુભવ કહે છે કે ગરીબ, શ્રમિક બહેનો એ મારી ભાવિની આશા છે.

કંઈ નહીં ને હવે કરવા જેવું હોય, તો તે આ ગાંધીમૂલ્યોનું પુનઃસ્થાપન, ભલે તેમ કરતાં બીજાં ૧૦૦ વર્ષ લાગે પણ ગરીબી-નિવારણની મજલ કાપ્યે જ છૂટકો! ગરીબી સતત ચાલતી હિંસા છે અને એ સમાજની સંમતિથી થતી હિંસા છે. દયા, દાન, સબસિડીથી નહીં, પણ ઉત્પાદક કામ વડે, દરેક જણની રોટી, કપડાં, મકાનની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય અને કુટુંબ સ્વનિર્ભર થઈ શકે, તેવો કોઈ માર્ગ અપનાવીએ અને કામે લાગી જઈએ. ભારતીય પરંપરા, સંસ્કાર, કૌશલ્યનો સાવ વિલોપ થઈ જાય તે પહેલાં આપણે ડગ ઉપાડીએ. મારું દૃઢ માનવું છે કે કોઈ પણ સરકાર ચાહે તો પણ મનુષ્યને જીવનમાં સ્વનિર્ભર કરવામાં કશું નહીં કરી શકે. એ આપણે નાગરિકોએ જ કરવું રહ્યું.

બીજી એક વાત. હાલમાં તો જાણે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગાંધીવિચાર તે રાષ્ટ્રવિચારથી અલગ છે અને જાણે રાષ્ટ્રઘડતરનો એ માર્ગ નથી. એવું પણ જોઈએ છીએ કે ગાંધીજન ભારતીય નાગરિક જ નથી, કંઈક અલગ છે, સ્પેિશયલ છે, અને ગાંધીવિચારને જાળવવાનું, સંવર્ધન કરવાનું કામ જાણે માત્ર ‘ગાંધીજનો’નું છે, બાકી દેશને જેમ ફાવે તેમ કરતો જાય! ગાંધીજનને અલગ જોવાની વિચારસરણી છોડવી જોઈશે. પહેલાં તો ગાંધીજને પોતે છોડવી જોઈશે, એવું મારું કહેવું છે.

અંતમાં, ફરીથી, જીવનમૂલ્યોને આચરીએ, એકાદશવ્રત સમજીએ, વૈષ્ણવજનનું ભજન ધ્યાનથી સમજીને આચરીએ - વ્યક્તિગત અને જાહેર - એમ બંને જીવનમાં. એમ થાય તો બાકીનું અધૂરું સ્વરાજ હાંસલ કરવાનો માર્ગ સહેલો છે. વાંચ્યું છે કે આઝાદીની લડત સમયે બહેનો ગરબો ગાતી, કૂંડાળામાં વચ્ચે રેંટિયો અને ફરતે ગરબો ગાતી કે ....

એકડેએક,

ગાંધીની રાખો ટેક,  

મારી બહેનો, સ્વરાજ લેવું સહેલ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 07-08

Category :- Gandhiana