
રવીન્દ્ર પારેખ
દુનિયાનો આ ચોથો બનાવ હતો, જેમાં લોકો તેની ગમતી વ્યક્તિને આટલી મોટી સંખ્યામાં આખરી વિદાય આપવા આંસુ સારતી આંખે આસામમાં એકઠા થયા હોય ! ‘યા અલી’થી હિન્દી ફિલ્મ ગાયકીમાં વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવનાર ઝુબીન ગર્ગ હવે લોકો વચ્ચે નથી. એક અકસ્માતે આ પોપ ગાયક અને વધારે તો લોકગાયકને ભારતની વચ્ચેથી છીનવી લીધો છે. કંજૂસ જિંદગીએ ઝુબીનને 52 વર્ષ જ આપ્યાં, પણ એટલામાં ઝુબીને 40 જેટલી ભાષાઓમાં 40,000થી વધુ ગીતો ગાયાં, ફિલ્મોમાં અભિનય કર્યો, સંગીત આપ્યું ને અનેક સ્ટેજ શો કરી ગીતોને લોકોનાં બનાવ્યાં. ઝુબીન જુબાન હતો લોકોની અને લોકો તેની જુબાન બોલતા હતા. આવું કોઈ લોકપ્રિય ન હોય તો શક્ય જ નથી !
ઝુબીનનું જ્ન્મ નામ ઝુબીન બોરઠાકુર. જન્મ મેઘાલયના તુરામાં, 18 નવેમ્બર, 1972ને રોજ, આસામી બ્રાહ્મણ પરિવારમાં. પિતા મોહિની મોહન મેજિસ્ટ્રેટ હતા અને કપિલ ઠાકુરને નામે કવિ તરીકે જાણીતા હતા. માતા ઇલી બોરઠાકુર ગાયિકા હતી. સિવિલ સર્વિસ ઓફિસર તરીકે પિતાની વારંવાર બદલીઓ થતી રહેતી, એટલે ઝુબીનનું બાળપણ ઘણુંખરું પરિવાર સાથે વીત્યું ને ત્રણેક ભાષાઓમાં તેમનું પ્રારંભિક શિક્ષણ થયું. તામુલપુર ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી બોર્ડની પરીક્ષા પાસ કરી અને 1990થી 1992 દરમિયાન જે.બી. કોલેજ અને કરીમગંજ કોલેજમાં વિજ્ઞાનના વિદ્યાર્થી રહ્યા, પણ સંગીત તરફના ઝુકાવને કારણે અભ્યાસમાં ધ્યાન પહોંચ્યું નહીં.
માતા ગાયિકા હતી એટલે ઝુબીને ત્રણ વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધેલું. વર્ષો સુધી પંડિત રોબીન બેનરજી પાસે તબલાં શીખ્યાં. રમણી રાયે તેમને લોકસંગીતનો પરિચય કરાવ્યો. એ જ કારણ છે કે પોપગાયક હોવા છતાં તેઓ લોકગાયક પણ રહ્યા. 1992માં યોજાયેલા યુવા મહોત્સવમાં સોલો પરફોર્મન્સ માટે ગર્ગને સુવર્ણ ચંદ્રક મળ્યો, તે પછી તેમણે ગાયકીને વ્યાવસાયિક પ્રવૃત્તિ તરીકે વિકસાવી. આસામી ‘અનામિકા’ તેમનું પહેલું આલબમ 1992નાં નવેમ્બરમાં આવ્યું. તે પછી તો ‘ક્ષોપુનુર ઝુર’, ‘માયા’, ‘આશા’ જેવાં ઘણાં આલબમ આવ્યાં. ગર્ગે પહેલો બિહુ આલબમ પણ ‘ઉજન પિરીતી’ 1995માં રજૂ કર્યો. તે પછી તેમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો. સંગીતનું સબળ પાસું હોવાને કારણે બહુ સ્ટ્રગલ કરવાની ન આવી ને મુંબઈથી પહેલું ઈન્ડી પોપ સોલો આલબમ ‘ચાંદની રાત’થી શરૂઆત કરી. તે પછી હિન્દી આલબમ અને રિમિક્સ ‘ચંદા’, શ્રદ્ધાંજલિ’ 1-2-૩, ‘જલવા’, ‘જાદુ’, ‘સ્પર્શ’ વગેરે રેકોર્ડ કર્યાં. રેકોર્ડિંગ સંદર્ભે પણ ભાવ અને ભાવનાનો મહિમા એમણે કર્યો છે. દર વર્ષે 800થી વધુ ગીતો એમણે રેકોર્ડ કર્યાં છે, એટલું જ નહીં, એક રાતે તો 36 ગીતો રેકોર્ડ કર્યાં છે. સંગીતને સમર્પિત આવા કલાકારને 55માં રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ, 2009માં નોન-ફીચર ફિલ્મ ‘ઇકોઝ ઓફ સાઇલન્સ’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો પુરસ્કાર મળે તેમાં નવાઈ નથી. વિજ્ઞાન શાખામાં તો ગર્ગ ભણી ન શક્યા, પણ મેઘાલયની વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીએ તેમને ડોક્ટર ઓફ લિટરેચર(ડિ.લિટ.)ની પદવી એનાયત કરી.

ઝુબીન ગર્ગ
એ ઉપરાંત ‘ગદ્દાર’, ‘દિલ સે’, ‘ડોલી સજા કે રખના’, ‘ફિઝા’, ‘કાંટે’ જેવી હિન્દી ફિલ્મોમાં ગાયું હતું. ‘ગેંગસ્ટર’ ફિલ્મ ઝુબીનને ઘણી ફળી. તેમાંના ‘યા અલી’ ગીત માટે તેમને શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ (GIFA) મળ્યો. અસમિયા ફિલ્મો ઉપરાંત બંગાળી ફિલ્મોમાં તેમણે ગાયું અને સંગીત નિર્દેશન પણ કર્યું. ‘પ્રેમી’ નામક ફિલ્મમાં ‘ઓ બોંધુ રે’, ‘લગેના ભાલો’ ગીતો ઠીક ઠીક લોકપ્રિય પણ થયાં. ગર્ગની કારકિર્દી ગાયન પૂરતી જ સીમિત ન હતી. 2000માં ‘તુમી મોર માથો મોર’, ‘કાંચનજંઘા’ જેવી અસમિયા ફિલ્મમાં દિગ્દર્શનની જવાબદારી પણ તેમણે સંભાળી હતી.
ઝુબીન ગર્ગ ફિલ્મમાં ગાયન પૂરતાં જ સક્રિય હોત, તો તેમની લોકપ્રિયતા આટલી ન હોત. માઈકલ જેક્સન કરતાં પણ વધુ લોકો (15 લાખથી વધુ) ઝુબીનની અંતિમ વિધિમાં ઊમટી પડ્યા ને તે પણ કોઈના કહ્યા વગર ! આસામ આખું આંસુ થઇ ગયું કે લોકોએ કલાકારના માનમાં સ્વૈચ્છિક બંધ પાળ્યો તેમાં ગર્ગે કરેલા ‘બિહુ’ કાર્યક્રમો કે ઉત્સવોમાં આપેલા બેબાક જાહેર કાર્યક્રમોએ વધુ ભાગ ભજવ્યો છે. તેમને અસમિયા, બંગાળી, હિન્દી તેમ જ અન્ય ભાષામાં ગાયેલાં ગીતોએ લોકપ્રિય કર્યાં છે. ગાયન માટેનો તેમનો સમર્પિત ભાવ પૂજાની કક્ષાનો હતો. આર્થિક ઉપાર્જનનો હેતુ અલબત્ત ! હતો જ, પણ લોકલાગણી, તેમને લોકો માટેની લાગણીને કારણે પણ મળી છે. 2002માં ગરિમા સૈકિયા સાથે લગ્ન તો કર્યાં, પણ એ બન્નેએ જવાબદારી અન્યનાં સંતાનોની ઉપાડી છે.
ગર્ગ સખાવતી કાર્યોમાં સક્રિય રહ્યા છે, તો બ્રાહ્મણી ને ધાર્મિક વિવાદોમાં પણ ફસાયા છે. આસામમાં CAA વિરોધ સંદર્ભે ગર્ગ બિન રાજકીય પ્રદર્શનમાં કેન્દ્રમાં રહ્યા. ગર્ગ રાજકારણમાં સક્રિય ન હતા, પણ તેમને રાજકારણ સંદર્ભે સ્પષ્ટ અને તીવ્ર મત હતા. તેઓ ચૂંટણીનાં ગીતો લખી આપે તો મંત્રીઓની મજાક કરવાનું પણ ન ચૂકે. જાતિ, ધર્મ અંગે તેમને પોતીકો મત હતો ને તે પણ સ્પષ્ટ ! સાધારણ રીતે ખુશામત આજે સહજ છે, એ સમયમાં ‘યા અલી’ની વૈશ્વિક સફળતા પછી પણ, કોઈ પરવા કર્યા વગર ઝુબીન વર્તે છે. મુંબઈમાં સફળ રહ્યા પછી નથી ફાવતું તો મુંબઈ છોડીને પરત ફરે છે. કલાકારો કામને માટે નગર છોડીને મુંબઈ દોડતા હોય છે, ત્યારે ઝુબીન જામેલો ધંધો છોડીને આસામ આવી રહે છે. ગર્ગ વેચાઉ નથી ને તેમને માટે સ્વમાન કરતાં કોઈ મોટું માન નથી.
આવો એક સ્પષ્ટ સંગીત સારસ્વત, સિંગાપોર નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલમાં 19 સપ્ટેમ્બરે પરફોર્મ કરવા પહોંચે છે ને પરફોર્મ કરે એ પહેલાં એ જ દિવસે સ્કૂબા ડાઈવિંગ દરમિયાન શ્વાસની તકલીફ અનુભવે છે. સિંગાપોર પોલીસ દરિયામાંથી તો તેમને બચાવે છે, પણ ડોકટરો બચાવી શકતા નથી.
ઝુબીન ગર્ગ મૃત્યુ પામે છે.
આ સમાચારે સાવ અણધારી રીતે આખું વિશ્વ આઘાતમાં સરી પડે છે. તેમની એક ફિલ્મ ‘રોઈ રોઈ બિન લે’ 31 ઓક્ટોબરે હજી તો રિલીઝ થવાની હતી ને ગર્ગ હવે નથી. આસામી ફિલ્મ ઉદ્યોગને સજીવ રાખવા તેમણે ઘણી ફિલ્મો બનાવવાનું નક્કી કરેલું. હવે એ કામ અધૂરું રહેવાનું. અનેક ક્ષેત્રોમાંથી વિશ્વભરની અંજલિઓ વરસે છે …
આસામના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સિંચાઈ મંત્રી અશોક સિંઘલ ગર્ગના નિધન પર શોક વ્યક્ત કરે છે – તેમનાં નિધનથી એવો ખાલીપો પડ્યો છે કે તે ક્યારે ય ભરાશે નહીં. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા, પ્રધાન મંત્રીના પ્રતિનિધિ તરીકે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ જેવા ઘણાં મંત્રીઓ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા ને દિવંગતને ભાવભરી અંજલિઓ અર્પી.
રાષ્ટ્રીય સન્માન સાથે ઝુબીન ગર્ગનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો ને આસામના મુખ્ય મંત્રીએ ગર્ગની સ્મૃતિઓ સચવાઈ રહે એવાં સ્મારક રચવાની જાહેરાત પણ કરી. ચાર દિવસનો શોક સરકારે જાહેર કર્યો. ગર્ગનાં અંતિમ દર્શન માટે લોકો 10-15 કિલોમીટર ચાલીને આવતા હતા. ગર્ગનું એક ગીત ‘માયાવિની’ જાણીતું અને ગર્ગનું પોતાનું માનીતું હતું, તેમણે ચાહકોને કહ્યું હતું કે પોતે જગતથી વિદાય લે ત્યારે એ ગીત ગાય ને સૌ ભીની આંખે એ ગીત ગાતાં પણ હતાં. અંત્યેષ્ટિ પહેલાં ઝુબીનના પદચિહ્નો કલાકાર દિગંતા ભારતીએ લીધાં. આ પગલું ભવિષ્યની કલાકાર પેઢીને ક્યાંક જોડી રાખે એમ બને.
એ સાથે જ ઝુબીનનાં આકસ્મિક મૃત્યુએ વિવાદ પણ ખડો કર્યો છે. ઝુબીનના અંતિમ વીડિયોમાં એવું કશું શંકાસ્પદ જણાતું નથી, પણ તેનું બબ્બે વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એ મુદ્દે ચર્ચા છે. સિંગાપોરમાં થયેલાં પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ પાણીમાં ડૂબવાથી બતાવ્યું છે, તો સવાલ એ છે કે આસામમાં ફરી પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવ્યું? ઝુબીને લાઈફ સેવિંગ જેકેટ પહેર્યું હતું, તો એવું શું થયું કે તેમણે એ જેકેટ ઉતારી દીધું? એ તો સમજ્યા, પણ ઝુબીનના નજીકના મિત્ર સિદ્ધાર્થ અને અન્યો સામે ફરિયાદ થતાં ઝુબીનની પત્ની ગરિમાએ વિનંતીઓ કરવી પડી કે ફરિયાદો પાછી ખેંચીને સિદ્ધાર્થને અંતિમ વિધિમાં જોડાવા દો. તપાસ સી.આઈ.ડી., સી.બી.આઈ.ને સોંપવાના ચક્રો પણ ગતિમાન થયાં છે. આસામના મુખ્ય મંત્રીએ સીટની રચનાની પણ જાહેરાત કરી છે. વિસેરાના નમૂના તપાસ માટે કેન્દ્રીય ફોરેન્સિક લેબ, દિલ્હી મોકલવાના આદેશ પણ અપાઈ ચૂક્યા છે.
આ બધાં પછી પણ ઝુબીન પરત આવે એમ નથી. તેઓ જે રીતે ગયા છે, એ રીતે કયો કલાકાર જતો હશે, નથી ખબર ! છેલ્લે, ઝુબીનની જ આ પંક્તિઓ વધારે પ્રસ્તુત લાગે છે:
સોચા નહીં થા તકદીર યહાં લાયેગી,
મંઝીલ પે આતે હી જાન ચલી જાયેગી …
કોણે વિચારેલું કે તકદીર સિંગાપોર લઇ જશે ને ‘મંઝીલ પર આતે હી ….’
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 સપ્ટેમ્બર 2025