મરેલ માનાં સ્તન ચાવી થાક્યું
બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે
શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ.
થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે
આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ;
ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ
— સુરેશ જોષી
ગઈ સદીએ બે વિશ્વયુદ્ધ જોયાં છે. કદાચ આ સદી ત્રીજું વિશ્વયુદ્ધ જોશે. એ પછી ચોથું વિશ્વયુદ્ધ થાય છે કે નહીં તે જોવા બહુ ઓછા બચશે, પણ બચશે એટલા ફરી નવા યુદ્ધ માટે પ્રવૃત્ત થયા વિના નહીં રહે એ નક્કી, પછી ભલે એ યુદ્ધ આઈન્સ્ટાઈન કહેતા એમ પથ્થરોથી લડાય.
માણસ આટલો યુદ્ધ-ઉત્સુક એમ હશે? કાળના મહાપ્રવાહમાં દરેકની 70-80 વર્ષની હસ્તી એક નાના એવા પરપોટા જેટલી પણ નથી, છતાં સત્તાની લાલસા, વર્ચસ્વની પિપાસા અને યુયુત્સાની તૃપ્તિ માણસને કેવાં ભયાનક યુદ્ધો કરવા પ્રેરે છે! એક આફ્રિકન કહેવત છે, ‘વૉર ઇઝ ક્રિએટેડ બાય ધ પીપલ ટૂ ઑલ્ડ ટુ ફાઇટ ફૉર ધોઝ ટૂ યંગ ટુ ડાય’.
યુદ્ધનો એક ચહેરો બર્બરતા અને વિનાશનો છે, બીજો ચહેરો બલિદાન અને વીરત્વનો. વેદના બંને ચહેરાઓમાં છે. વિશ્વ કવિતા દિવસની ઊજવણી હજી તાજી જ છે ત્યારે થોડાં યુદ્ધકાવ્યો જોઈશું.
યુદ્ધ સાથે જોડાયેલા ખમીરને મધ્યકાલીન સાહિત્ય ખૂબ ગાય છે. ‘ભલ્લા હુઆ જુ મારિઆ બહિણી મારા કન્તુ, લજ્જેજ્જં તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એન્તુ’ (બહેન, મારો પતિ યુદ્ધમાં ખપી ગયો એ સારું થયું, ઘેર ભાગી આવ્યો હોત તો સખીઓમાં લાજતી ફરત) અને ‘પુત્તેં જાયેં કવણુ ગુણ, અવગુણુ કવણુ મૂએણ, જા બપ્પીકી ભૂંહડી, ચંપી જઈ અવરેણ’ (એવા પુત્રના જન્મથી શો આનંદ ને મૃત્યુથી શો શોક, જેના પિતાની ભૂમિ દુશ્મનોના પગ તળે ચંપાય)
આ ખમીરને ઝવેરચંદ મેઘાણીએ ખૂબ ખીલ્યું ને ગાયું છે. તેઓ પ્રેમશોર્યના ખરા કવિ હતા – પોઢજો રે મારાં બાળ, પોઢી લેજો પેટ ભરીને આજ – કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાં ય ન રહેશે’ કહી શિવાજીને પોઢાડતી જીજાબાઈને અને ‘ભેટે ઝૂલે છે તલવાર’ના ‘મોટાના મોત ચાર ડાઘુડે જાણિયાં, નાનાની ખાંભી પુજાય’ એ નાનેરા વીરને કોણ ભૂલી શકે?
ચાર્લ્સ મેકેન્ઝીના ‘ધ કાવર્ડ’ અને મેરી લાકોસ્ટના ‘સમબડીઝ ડાર્લિંગ’ના મેઘાણીએ અનુવાદો નહીં, અદ્દભુત રૂપાંતરો કર્યા છે અને ‘પૃથ્વી પર કોઈ શત્રુ નથી માહરે, કાયરો એ અહંકાર ધરતા, મર્દ કર્તવ્ય-સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નીતરતા’ અને ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે’ જેવી અમર પંક્તિઓ આપી છે. ન્હાનાલાલની કુંતી કહે છે, ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’.
મહાભારત અને રામાયણનો મોટો ભાગ યુદ્ધ રોકે છે. વિશ્વનાં યુદ્ધકાવ્યોમાં માનવઇતિહાસની કુરુપ અને કાળી ક્ષણો જ નહીં, વિભીષિકાઓ વચ્ચે દેખાઈ જતી સુંદર અને પ્રકાશમય ક્ષણો પણ પકડાઈ છે અને વિજય, ગર્વ, પરાજય, સ્વમાન, સન્માન, સ્મૃતિઓ, રુદન, શોક, હત્યાકાંડ, ક્રૂરતા, કરુણતા, વિદ્રોહ વગેરે અનુભૂતિઓની વિશાળ શ્રેણી મળી છે.
ઈ.સ.પૂર્વે 2300માં સુમેર(હાલનું ઈરાક)ની એક કવયિત્રીએ લખ્યું હતું, ‘હે રાજવીઓ, તમે પર્વતો પરથી વહી રહેલું રક્ત છો; ધિક્કાર, લોભ અને ક્રોધની આગ છો…’ એ પછી હજારેક વર્ષો પછી હોમરે ‘ઈલિયડ’માં યુદ્ધ એ ‘મહાન યોદ્ધાઓને ખલાસ કરતી’ અને તેમના ‘સડતા માંસને ગીધ અને કૂતરાની મિજબાની’ બનાવતી વિભિષીકા છે એમ કહ્યું હતું. 750 ઈ.સ.માં ચીની કવિ લિ પોએ કહેલું, ‘માનવીઓના ક્ષતવિક્ષત શરીર રણના ઘાસને લોહિયાળ કરી રહ્યા છે. સેનાપતિઓ કશું હાંસલ કરી શક્યા નથી.’ 991માં થયેલા એક મોટા યુદ્ધ વખતે લખાયેલું ‘બેટલ ઑફ મેડોના’, પશ્ચિમના દેશોને દેશપ્રેમ અને વીરતા માટે એક હજાર વર્ષ સુધી પ્રેરણા આપતું રહ્યું હતું.
18મી સદીમાં જેમ્સ થૉમસનનું ‘રુલ, બ્રિટાનિયા, રુલ ધ વેવ્ઝ’ બ્રિટનના મિલિટરી સમારંભોમાં હંમેશાં ગવાતું. ટેનિસનનું ‘હાફ એ લીગ, હાફ એ લીગ, હાફ એ લીગ ઓનવર્ડ’ અને જુલિયા વૉર્ડનું ‘બેટલ હિમ’ પ્રસિદ્ધ કૂચગીતો છે. એમર્સને સ્વાતંત્ર્યની ઊજવણી માટે ‘કૉન્કૉર્ડ હિમ’ લખ્યું હતું અને ફ્રાન્સિસ સ્કૉટ કીએ લખેલું અમેરિકાનું રાષ્ટ્રગીત મૂળ તો અમેરિકા અને બ્રિટન વચ્ચેના 1812ના ભયાનક યુદ્ધ પછી રચાયું હતું. વિયેટનામ યુદ્ધ વખતે સિતાંશુ યશશ્ચંદ્રે ટેંકની કૂચને એના ધ્વનિઓ સાથે આલેખતું એક અલગ પ્રકારનું કાવ્ય લખ્યું હતું – હેન્ક ટેન્ક કચ ડાન્ક તોન્ક હાં …
શેલી, ટેનિસન, યિટ્સ, એમર્સન, થૉમસ હાર્ડી, રુડ્યાર્ડ કિપ્લિંગ આ બધાએ ખુવારી વેઠી હતી, પણ રણમેદાનમાં જઈ યુદ્ધનો ખરો અનુભવ લીધો ન હતો, પણ પહેલા વિશ્વયુદ્ધના મોટાભાગનાં યુદ્ધકવિઓ સૈનિક હતા. એમણે રણમેદાનને રોમેન્ટિસાઈઝ કરીને જે કાવ્યો લખ્યાં તેને સંગીતબદ્ધ કરીને લોકોએ ખૂબ ગાયાં. એક યુદ્ધનૌકા સાથે જળસમાધિ લેતાં પહેલાં રુપર્ટ બ્રૂકે ‘ધ સૉલ્જર’ સોનેટ લખેલું જે ‘ઈફ આઈ શૂડ ડાઈ’ ગીત રૂપે લાખો લોકોના હૃદયમાં બિરાજ્યું. એમાં એ કહે છે, ‘જો મારે મરવાનું થાય, તો એટલું જ વિચારજો, વિદેશની ભૂમિના કોઈક ખૂણો કાયમી ઈંગ્લૅન્ડ બન્યો …’ એલન સીગર ‘રેન્ડેવ્યૂ વિથ ડેથ’માં કહે છે, ‘હૂંફાળા છાંયડા સાથે વસંત આવશે અને પાકતાં સફરજનની સુગંધ હવામાં ભળશે ત્યારે મારે મોત સાથે મુલાકાત હશે, કોઈ એક વિવાદાસ્પદ સરહદ પર …’ ગુલઝારની ‘મૌત તૂ એક કવિતા હૈ, મુઝસે એક કવિતા કા વાદા હૈ, મિલેગી મુઝકો’ યુદ્ધકાવ્ય નથી, છતાં આ પંક્તિ સાથે યાદ આવી ગઈ.
પણ અમુક કવિઓને આવું રોમેન્ટિસિઝમ પસંદ ન હતું. વીસમી સદીની શરૂઆતમાં આવેલા આધુનિકતાવાદે સર્જકોને માળખાની બહાર જવા પ્રેર્યા હતા. 25 વર્ષની ઉંમરે માર્યા ગયેલા વિલ્ફ્રેડ ઓવેનનું કાવ્ય લોહિયાળ કીચડમાં કૂચ કરતા સૈનિકો, ગાડામાં ફેંકાઈ ગયેલું શરીર અને ચહેરામાં ફરતી રહી ગયેલી સફેદ આંખો જેવાં ચિત્રાત્મક વર્ણનોથી આઘાત આપે છે. બ્રિટિશ કવિ સેફ્રિજ સેશન કહે છે, ‘સવાર પડે અને ધૂળ ઉડાડતું દળ સૂર્યના રક્તિમ ઉજાસને ઢાંકી દે અને સાંજ એક વિસ્ફૉટ સાથે આથમે … ઈશ્વર, અટકાવ હવે આ દૃશ્યોને’ માનસિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા બ્રિટિશ કવિ આઈવર ગુર્ને કહે છે કે પહેલું વિશ્વયુદ્ધ અને બીજા સૈનિકો સાથેની દોસ્તીના પરિણામે જ પોતે કવિ થયો છે. એનો સૂર હંમેશાં ઉદાસી અને આનંદના મિશ્રણ જેવો રહ્યો છે.
યુદ્ધમાં ભાગ લીધો ન હોય, પણ કવિએ યુદ્ધના સાક્ષી કે કેદી તરીકે દમન અથવા માનવઅધિકારના હનનનો ભોગ બનીને લખ્યાં હોય એવાં કાવ્યો ‘પોએટ્રી ઑફ વિટનેસ’ કહેવાય છે. તેમાં શૌર્યની ગાથા કરતાં પીડાનું આલેખન અને સામાજિક નિસબત વધારે હોય છે. અલ સાલ્વાડૉરમાં આંતરકલહ ફાટી નીકળ્યો ત્યારનું એક અતિવાસ્તવવાદી કાવ્ય કહે છે, ‘સાર્જન્ટે અડધા કાપેલા સુકવેલા પીચ જેવા માણસોના કપાયેલા કાન ટેબલ પર પાથર્યા. એમાંનો એક કાન હાથમાં લઈ તેણે અમારી સામે હલાવ્યો અને પાણીભરેલા પ્યાલામાં નાખ્યો. પાણીમાં પડતા જ તે તાજો, જીવતો થઈ ગયો …’
પોએટ્રી ઑફ વિટનેસમાં લોકોનો રસ કદી ન સુકાયો. પ્લેટોએ કહ્યું છે, કવિની જવાબદારી છે કે તેણે સાક્ષી હોવાની પીડા ઝીલવી અને વર્ણવવી. અમેરિકન સિવિલ વૉર વખતે નર્સ તરીકે 80,000 ઘાયલોની પરિચર્યા કરનાર વૉલ્ટ વ્હીટમેન લખે છે, ‘કપાઈ ગયેલા હાથના ખભા પરથી, હું ચોંટી ગયેલું કપડું ઉખેડું છું અને સડેલું માંસ કાપી લઈ લોહી અને કચરો ધોઉં છું’ ચિલીના કવિ પાબ્લો નેરુદા સ્પેન સિવિલ વૉર સમયનાં એમનાં જુગુપ્સાજનક છતાં સંવેદનશીલ કાવ્યો માટે જાણીતા છે. અમેરિકાના હૉલોકાસ્ટ મ્યુઝિયમમાં નાઝી કેમ્પોમાં લખાયેલાં કાવ્યોનો મોટો સંગ્રહ છે. જાપાનના કવિ શોડા શિનોએ એટમબૉમ્બે વેરેલા સર્વનાશનાં કાવ્યો લખ્યાં છે. ક્રોએશિયન કવિ મારિઓ સુસ્કોએ બૉસ્નિયાના યુદ્ધનાં કરપીણ ચિત્રકાવ્યો આલેખ્યાં છે. ઇરાકી કવિ મિખાઈલ યુદ્ધને વિવિધ પડાવોમાંથી પસાર થતા માણસ તરીકે વર્ણવે છે. યુસુફ કોમુન્યાકા લખે છે, ‘છાવણીના માર્ગમાં નરપિશાચો અમારાં વસ્ત્રો ફાડે છે, આથમતા સૂર્યનું બિંબ ઊડતા પથ્થરોથી ઢંકાઈ જાય છે. અમારા વાંસા પર કાંચિડાઓ ફરે છે, દિવસ રાત્રિમાં પલટાઈ રહ્યો છે, લાલ આકાશ અને લીલી જમીન કાળાં થતાં જાય છે. ચંદ્ર અમારાં હથિયારોને સ્પર્શે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે.’ અમેરિકાએ ઈરાક પર આક્રમણ કર્યું ત્યારે યુદ્ધવિરોધી કવિઓએ વ્હાઈટ હાઉસના દરવાજે કાવ્યપઠન કરેલું. આની વૈશ્વિક અસર પડી અને અનેક કાવ્યપઠનો યોજાયાં અને એક દસ્તાવેજી ફિલ્મ તેમ જ 13,000 કવિઓની એક વેબસાઈટ બન્યાં.
અને અંતે યાદ કરીએ સુરેશ જોષીને, ‘મરેલ માનાં સ્તન ચાવી થાક્યું, બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે, શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ. થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે, આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ; ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ’.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 માર્ચ 2022