Opinion Magazine
Number of visits: 9448010
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યાજ 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|25 October 2023

પ્રીતમ લખલાણી

છાપાની થોડી હેડલાઈન્સ વાંચી, ત્યાં ગૅલેરીમાં નરી ઘૂળ આવવા માંડી. અચાનક આ ઘૂળ ક્યાંથી આવે છે એ જોવા હું છાપું લઈને ઊભો થયો. નીચે નજર નાખી તો બંગલાના કમ્પાઉન્ડમાં એક જુવાન બાઈ સાવરણાથી ગુલમોરનાં સૂકાં પાંદડા વાળી કમ્પાઉન્ડ સાફ કરી રહી હતી. ઊડતી ઘૂળમાં બાઈનો ચહેરો મને સ્પષ્ટ દેખાતો ન હતો. ઘીમે ઘીમે કચરો વાળતી એ નજીક આવી. હવે એનું મો સ્પષ્ટ દેખાવા લાગ્યું. કોણ જાણે કેમ, પણ મને એનો ચહેરો બહુ જ પરિચિત લાગ્યો. વરસો સુઘી મેં એ ચહેરો જોયા કર્યો હોય એવું લાગતું હતું. વિચારોના વંટોળે ચઢી હું મારી સ્મૃતિને ઢંઢોળવા લાગ્યો. આ છોકરી આટલી પરિચિત કેમ લાગે છે? મને કંઈ જવાબ મળે તે પહેલાં અમારા વર્ષો જૂનાં પડોશી કાન્તાકાકી એમના બંગલામાંથી હાથમા ચાનો કપ લઈને બૂમો પાડતાં બહાર આવ્યાં.

‘અરે! એ છોરી, તું ઝાડુ પછી નિરાંતે કાઢજે. લે, આ તારી ચા, જલદી આવીને પી લે!’

‘બા, જરા થોડું અહીંનું ઝાડું પતાવીને આવું છું.’

‘અરે! બે ચાર મિનિટ અહીં ચા પીવા આવીશ તો તારો કોઈ ગરાશ નહીં લૂંટાઈ જાય! મારે પણ ઘરમાં ઘણું કામ આકી છે. હું તારી આ ચા ખાટલા પાસે મૂકૂ છું. જલદી કરજે, નહીંતર ચા ઠંડી ઠીકરા જેવી થઈ જશે …’

કાન્તાકાકીના શબ્દો પૂરા થાય તે પહેલાં એ છોકરીએ ફટ દઈને હાથમાંના ઝાડુને ગુલમોર તળે ભેગાં કરેલાં પાંદડાંના ઢગલા ઉપર મૂક્યું. અને ઝાંઝરના રણકે આખા કમ્પાઉન્ડને રણકાવતી ચા પીવા ખાટલા પાસે આવી.

ચૂંદડીના છેડેથી કપાળ અને ગોળમટોળ મોઢા પરનાં ઘૂળપસીનાને લૂછતાં એને ચાના કપમાંથી ઘૂંટડો ભર્યો. એકાએક એની નજર મારા ઉપર પડી. હોઠોમાં એ થોડું મલકી. મારી નજર બેચાર ક્ષણ માટે એના ચહેરા ઉપર ચોંટી ગઈ. એ બિચારી થોડી શરમાઈ ગઈ. નીચી નજરે ચૂપચાપ ચા પીવા લાગી. મનમાં ને મનમાં હું મારી યાદશકિત પર હરખાવા લાગ્યો કે બાવીસ-ત્રેવીસ વર્ષ અમેરિકામાં રહ્યાં બાદ પણ હું આ ચહેરાને હજુ ભૂલ્યો નથી!

બાવીસ વર્ષમાં આખા ઘાટકોપર ગામનો નકશો બદલાઈ ગયો … અને હું ક્યાં પહેલા સમો યુવાન રહ્યો છું! જે વાળ કાલે શ્યામ દીસતા હતા તે પણ હવે રૂપેરી બની ગયા છે, પણ આ છોકરી ચંપામાં તો રતિભારનો ય ફરક નથી પડ્યો.

એ જ પૂનમના ચન્દ્ર જેવો ગોળમટોળ ચહેરો, હરણી સમી ભોળીભટાક આંખો … રતુંબડા હોઠ ઉપર મહેકતું સ્મિત, અને સર્વથી વિશેષ તો અષાઢનાં ઝૂકેલાં વાદળ જેવા કાળાભમ્મર વાળ!

હવે મારી ઘીરજ ખૂટી ગઈ. મેં એને સીઘું જ પૂછી નાંખ્યું, ‘અરે! એ છોકરી, તું મને ઓળખે છે કે સાવ ભૂલી જ ગઈ?…. તારું નામ ચંપા જ ને!’

ચાના ખાલી કપમાંથી એને હળવેકથી મારી ગૅલેરી તરફ નજર ઊંચી કરી અને પછી ચૂંદડીના છેડાને હળવેકથી માથે ખેંચતાં, ખડખડાટ મારા સામું જોઈને હસવા માંડી.

મેં તેને ફરીથી પૂછયું?

‘અરે! ચંપા, આમ હસે છે શું? મને ઓળખ્યો કે નહીં? હું ઉમંગીલાલ!’

નાના બાળક જેવું નિર્દોસ હસતાં હસતાં એણે જવાબ આપ્યો.

‘સાહેબ, ચંપા તો મારી માનું નામ … હું તો તેની દીકરી કંકુ.’

અરે! મને ખૂબ નવાઈ લાગી. મા-દીકરી વચ્ચે આટલું બઘું સામ્ય! જોડિયાં બહેનો હોય એટલું મા-દીકરી સામ્ય! મારા અમેરિકા ગયા બાદ આ છોકરી કંકુનો જન્મ એટલે મેં એને ક્યાંથી જોઈ હોય!

વરસો પહેલાં અમારી શેરીમાંથી એકાએક અદૃશ્ય થઈ ગયેલી ચંપાની છબી મારી આંખોમાં તરવરવા માંડી. ચંપા રોજ સવારે અમારી શેરીમાં નવને ટકોરે ઝાડુ વાળવા આવી જતી. ઘડિયાળ કદાચ પાછળ પડી જાય, પણ ચંપા તો સમયની પાકી.

આ ચંપાને કુદરતે જાણે સૂંડલો ભરીને રૂપ આપ્યું હતું. ગૌરવર્ણી ઘાટીલી કાયા, મોં પર અદબી નમણાશ, આછી માંજરી આંખો .. આ બઘું જોતાં એમ થાય કે આ રૂપની રાણી કોઈ રજવાડામાં મહાલવાને બદલે આ ઘૂળમાં મજૂરી કેમ કરે છે? હરિજન કુટુંબમાં જન્મી હતી એ જ એનો દોષ હતો. ગરીબીને લીઘે શિક્ષણ મળ્યું નહીં. ઝાડુ, ઘૂળ અને પુરુષોની લાલચુ દૃષ્ટિ – એમાં જ એ અટવાયેલી રહેતી.

ચંપાની ઉંમર લગભગ તેરચૌદ વષની હશે, ત્યારે એનાં મા-બાપ ક્ષય જેવા ભયંકર રોગના શિકાર બન્યાં, ગરીબીએ દવાદારુ પણ કરવા દીઘાં નહીં. છેવટે ક્ષય રોગ બન્નેને ગળી ગયો. ખીલતી કળી જેવી ચંપા અનાથ બની ગઈ. ગામ આખામાં ચંપાનું અંગત નજદીક્નું કોઈ સગુંસંબંઘી નહીં! અડોશીપડોશીઓએ થોડા દિવસ પોતાની ફરજ બજાવી. યુવાનીને ઉંબરે આવીને ઊભેલી છોકરીને શિખામણો આપી, થોડા દિવસ ખાવાપીવાનું પણ પૂરું પાડ્યું. આખરે તો એણે પોતે પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખવું પડશે, એવું ભાન ચંપાને થવા લાગ્યું. મામામામીને ચંપાની નિરાઘારતાની ખબર પડી. એટલે ગામડેથી તેઓ એને પોતાની પાસે મુંબઇ લઈ આવ્યાં.

આ કહેવાતાં મામામામી બઘી રીતે પૂરાં હતાં. મામાને કોઈ કામઘંઘો હતો નહીં; મજૂરીના કોઈ કામમાં એ ટકતા નહીં. મામીનાં પણ હાડકાં હરામના, વઘારામાં મામાને દારુ અને આંકડાની લત. આ લતને લીઘે કયાં ય કામ પર બે ચાર દિવસથી વધુ ટકે નહીં. ચંપા અનાથ એટલે એને વહાલથી પાળીપોશીને મોટી કરવાની જવાબદારી સમજીને મામામામી એને મુંબઈ નહોતાં લાવ્યાં. ચંપા એમને મન એક તક હતી. કોઈ બીજો એ તક ઝડપી લે તે પહેલાં જ તેઓ ગામડે પહોંચી ગયેલાં અને ચંપાને સમજાવી પટાવી મુંબઈ પોતાની પાસે લઈ આવેલાં. જુવાનીમાં પગ મૂકતી ચંપામાં મામાને પૈસાની ટંકશાળ ખણખણતી દેખાતી હતી. આ જુવાન છોકરીને કયાંક ઝાડુ વાળવા મુંબઈ શહેરમાં લગાડી દેશું તો પછી આપણે ઘીકેળાં. ચંપાની કમાણીથી જ આપણું ગાડું દોડશે.

ચંપાની મામી તો મામા કરતાં બે વેંત ચઢે! બિચારી ચંપા સવારથી સાંજ લગી ઘાટકોપરની શેરીઓમાં ઝાડુ વાળે. જેવી સાંજે થાકીપાકી ઘરે આવે કે તરત કારણ વિનાની ટકટક અને મામી ગાળોનો વરસાદ ચંપા ઉપર વરસાવવા માંડે. એ તો ઠીક, પણ સાથે કામનો ઢગલો ચંપા માટે તૈયાર જ  કરી રાખ્યો હોય. દિવસભર મામી ચુગલખોરીમાંથી ઊંચી આવે તો ઘરનું કામ કરે ને! એટલે વાસણ, કપડાં અને પાણી બિચારી ચંપાને આવતાંવેત કરવા લાગી જવું પડે. આટલી કાળી મજૂરી કરવા છતાં પણ આનંદથી પેટ ભરીને રોટલો ખાવા મળ તો નહીં.

હું બી.એ.ના છેલ્લા વર્ષમાં હોઈશ. પરીક્ષા હોય કે ન હોય હું રોજ સવારે ગૅલેરીમાં ખુરશી નાંખીને કંઈ ને કંઈ વાંચવા બેઠો હોઉં. આ ચંપા બરાબર નવના ટકોરે અમારી શેરીમાં ઝાડુ વાળવા આવે. ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, આગળ-પાછળ જોયા વિના ફટાફટ સાવરણો વીંઝતી ઝાડુ કાઢવા માંડે. ઘણુંખરું મારું ઘ્યાન આમ તો ચોપડીમાં જ હોય, પરંતુ ચંપાના રણકતાં ઝાંઝર મને બેચેન કરી મૂકતાં. હું ખુશ થતો, ચોપડી બંઘ કરી, ખુરશીમાંથી ઊભો થઈ ચંપાને બે ઘડી મોજથી જોયા કરતો.

અચાનક ઝાડુ વાળતાં જો તેનું ઘ્યાન મારી ગૅલેરી તરફ જાય તો તે દૂરથી હાથ ઊંચો કરીને પૂછતી, ‘કેમ છો ઉમંગીલાલ?’

હું પણ ટૂંકો જવાબ આપતો. શેરી વાળી રહ્યાં પછી એ અમારાં પડોશી કાન્તાકાકીના ઓટલે ઘડી-બેઘડીનો વિસામો લેવા બેસતી. ત્યાંથી મને ગૅલેરીમાં વાંચતો જોઈને સાદ પાડતી. ‘અરે! ઉમંગીલાલ, જરા તમારી કાંડા ઘડિયાળમાં જોઈને કહેજોને … કેટલા વાગ્યા છે?’

હું મજાક કરતો. ‘ચંપા, તારે ક્યાં ઑફિસે જવાનું મોડું થાય છે તે કારણ વગરની મને હેરાન કરતી, ટાઈમ પૂછવાની પત્તર ફાડે છે.’ તરત જ  હસતી હસતી એ જવાબ આપતી. ‘અરે! ભાઈ હું તો તમને એટલા માટે ટાઈમ પૂછું કે મારે હજી કેટલા કલાક આ શેરીમાં વૈતરું કરવાનું છે અને ઘરે જઈ  મામામામીની ગાળો અને લાતો ખાવાની કેટલી વાર છે?’

ચંપાની જીભ તો કોયલનો ટહુકો! એ કંઈ પણ બોલે તો આપણા કાનને થાય કે આપણે તેને સાંભળ્યે જ રાખીએ. આ ચંપા મૂળ સોરઠના કોઈ ગામડાની. એટલે એની વાતોમાં તળપદી ભાષાની મીઠી લઢણ રણકતી લાગે.

****************

એક સવારે અચાનક મેં આ ફટક ફટક બોલતી, ઝાઝર રણકાવતી ચંપાને બદલે બીજી છોકરીને અમારી શેરી વાળતી જોઈ. મને સહજ થયું કે ચંપા આજે સાજીમાંદી હશે અથવા કોઈ કારણસર ઝાડુ વાળવા આવી નહીં શકી હોય. પછી તો એક એક દિવસ કરતાં ખાસ્સાં બેઅઢી વર્ષ વીતી ગયાં. એ ચંપા પાછી દેખાઈ જ નહીં. અનેક સારાનરસા વિચારો મારા મનમાં આવી જતા. કયારેક એવું લાગતું કે ચંપાના લગ્ન થઈ ગયાં હશે, એટલે ક્યાંક ઠરીઠામ થઈને ઘેર બેસી ગઈ હશે.

મારી એમ.એ.ની પરીક્ષા પતી ગઈ હતી. હું અમેરિકા જવાની તડામાર તૈયારી કરતો હતો. એક સાંજે મારા ટ્રાવેલ એજન્ટ્ની ઑફિસમાંથી પાછો ઘેર ફરતો હતો ત્યાં અચાનક મેં એક ગલીમાં દૂરથી ચંપા જેવી એક છોકરીને ઝાડુ વાળતી જોઈ. ચંપા! અહીં ક્યાંથી! મનમાં એક વિચાર આવી ગયો. ત્યાં તો ઝાડુને એક કોર ફગાવી એ હડી કાઢતી આવીને મારી સામે ઊભી રહી.

‘અરે! ચંપા તું? આટલાં વર્ષો કયાં ખોવાઈ ગઈ હતી? લગભગ છેલ્લાં બે-અઢી વર્ષથી હું રોજ સવારે તારી રાહ જોતો ગૅલેરીમાં બેઠો હોઉં છું કે હમણાં નવ વાગશે અને ચંપાનાં ઝાંઝર શેરીમાં રણકશે!’

‘અરે! ઉમંગીલાલ, હું ક્યાં મરવાની!’

ચંપાના અવાજમાં નિરાશા સંભળાતી હતી, એના અવાજમાં પહેલાં જેવો રણકો નહોતો. એના પ્રત્યેક શબ્દમાં દુઃખદર્દ ટપકતું હતું. શરીર ઉપરનું નૂર ઊડી ગયું હતું. એની કરુણ હાલત જોઈ મારાથી પુછાઈ ગયું, ‘ચંપા, તું બીમાર તો નથી ને? તેં તારી શી હાલત બનાવી નાંખી છે. જરા એકાદ વાર અરીસામાં નજર કર તો ખબર પડે!’

‘અરે! ભાઈ મારે હવે મારું રૂપ કોને દેખાડવાનું રહ્યું છે? જે છે તેમાં જ મારે જિંદગીભર કુટાવાનું છે!’

‘ચંપા, હું કંઈ સમજ્યો નહીં …. કંઈક દિલ ખોલીને વાત કર તો મને સમજાય.’

ઝૂકેલ પાંપણે વાત કરતી ચંપાએ જરા આંખ ઊંચી કરીને મારા સામું જોયું. મારી નજર તેના પેટ ઉપર પડી. એ સગર્ભા હોય એવું મને લાગ્યું, પણ હું એને એ બાબત સીઘી રીતે કંઈ પૂછી શક્યો નહીં. વાત ફેરવીને મેં પૂછયુંઃ ‘અરે! ચંપા, તું પરણીને સાસરે ચાલી ગઈ અને મને તે આ બાબતમાં કોઈ સમાચાર પણ ના આપ્યા? ચાલ, કંઈ નહીં, પણ હવે જે દિવસે તારે ઘરે પારણું બંઘાય ત્યારે મને અને કાન્તાકાકીને જાણ કરવાનું ના ભૂલતી. અમે ચોક્ક્સ તારા બાળકનું મામેરું કરવા તું જ્યાં હોઈશ ત્યા આવી ચઢીશું.’

પેટને ચૂંદડીના છેડાથી ઢાંકતી, દબાતા હોઠે ઘીમા સ્વરે એ બોલીઃ ‘અરે! આ ચંપા તમને કયા મોઢે મોઢું બતાવે? તમારી ચંપા હવે પહેલાં સમી પવિત્ર નથી રહી. જો મારા લગ્ન થયાં હોત અને તમારી આંખ જે જોઈ રહી છે એવું કંઈક હોત તો હું તમને અને કાન્તાકાકીને સામે ચાલીને જાણ કરત, પણ હવે તમને હું કયા મોઢે વાત કરું? હું તમને મોઢું દેખાડતાં પણ લાજી મરું છું. મૂઈ ઘરતીને કેમ મારી દયા ન આવી! જો મારી યાતનાથી ઘરતીના પેટનું પાણી હાલ્યું હોત, તો હું ક્યારની તેના પેટાળમાં સમાઈ ગઇ હોત?’ આટલું બોલતાં બોલતાં તેની આંખેથી દડ દડ આંસુ ટપકવા માંડ્યાં.

‘ચંપા, રડ નહીં, ઘીરજ અને હિંમતથી કામ લે, ઉપરવાળો મદદ કરશે.’

‘અરે! ઉપરવાળો શું ઘૂળ મદદ કરશે? હવે મને એ ઉપરવાળામાં એક રતિભારનો પણ વિશ્વાસ નથી રહ્યો. એ બઘી નકામી વાતો છે. હું જ્યારે ઢીંગલી સાથે રમવાની ઉંમરની હતી ત્યારે એ ઉપરવાળાએ મારાં માબાપને છીનવી લીધાં, અને મને અનાથ કરી નાંખી. ભણવાલખવાના દિવસો હતા ત્યારે ગામનાં વાસીદાં અને શેરી વાળવા તગેડી મૂકી અને જ્યારે પરણવા જેવી ઉંમર થઈ ત્યારે તેણે ક્ષણનો પણ વિચાર કર્યા સિવાય મારાં સ્વપ્નોના મહેલને ભસ્મીભૂત કરી નાખ્યો અને  આ પેટમાં પેલા રોયા મુકાદમનું પાપ પઘરાવી દીઘું.’

‘કયો મુકાદમ?’

‘પેલો રામલો, મૂઓ બે કોડીનો મારો ઉપરી!’

‘ચંપા, તારા પેટમાં એ રામલાનું પાપ! મને કંઈ સમજાતું નથી? એ તો તારા બાપની ઉંમરનો છે.’

‘અરે! એ રોયા ડોસલાને આખા શરીરે કોઢ નીકળે, મૂઆને જીવતાં અંગે અંગે કીડા પડે. મરે તો મોંમાં કોઈ પાણી આપવાવાળું ન મળે!’ ચંપા એના મનની આગ ઓકતી રામલા મુકાદમને ગાળો દેતી આંખનાં આંસુને લૂછતી બોલ્યે જતી હતી.

‘ભાઈ, મારા દારુડિયા મામાએ રામલા સાથે સોદો કરેલો કે એ જો મને મ્યુનિસિપાલિટીમાં ઝાડુ વાળવાની નોકરી અપાવે તો મારો મામો મારા પગારમાંથી રામલાને બે વરસ સુઘી અર્ઘા પૈસા આપશે. આ સોદાના પૈસાની લાલચે એ મૂઆ રામલાએ બીજી એક ગરીબ છોકરીને પજવીને કામ પરથી તગેડી મૂકી અને મને તેની જગ્યાએ કામે લગાડી દીઘી. મારો જે કંઈ પગાર આવે તે મારો મામો દારુ અને મટકાના આંકડામાં નાંખી દે, રામલાને તેના વચન પ્રમાણે મારા પગારમાંથી કંઈ  આપી શકે નહીં.

‘હવે રામલાની નજર મારા શરીર ઉપર ગઈ. તેણે એકબે અઠવાડિયાં મારા મામાને મફત દારુ પીવડાવી હાથમાં લઈ લીઘો. એક સાંજે મારી સાક્ષીમાં મૂઆએ મામામામીને બીડીનો કસ લેતાં વાત છેડી કે તમે મને ચંપા જોડે બેચાર રાત રંગરેલિયા કરવાની છૂટ આપો તો તમારું દેવું સદા માટે માફ. જો તમે મારી વાતને કબૂલ  કરી લો તો તમે આજ ઘડીથી મારા ચોપડેથી મુકત.

‘મારા મામાએ તે જ ઘડીએ કહી દીઘું કે અરે! રામલા તું કયા ચોઘડિયાની રાહ જુએ છે? બસ તું મને હુકમ કર એટલે હું ચંપાને સજાવી શણગારીને તારે ખોરડે મોકલી દઉં.’

‘મેં તો તે જ ક્ષણે મામાને પરખાવી દીઘું કે અરે! મૂઆ લાજી મરો. ભાણેજને કસાઈવાડે મોકલો છો?કયે દિવસે તમે સુખી થશો? હું આ પાપ કરવા કરતાં તો કૂવો પૂરતાં પણ નહીં અચકાઉં. આ જન્મે તો હું બે ભવ નહીં થવા દઉં. રામલાને પણ મેં સંભળાવી દીઘેલું કે, હે રામલા, તું તારા પાપી મનમાંથી મારી વાત કાયમ માટે કાઢી નાંખજે, નહીંતર મારા જેવી ભૂંડી બીજી કોઈ નથી સમજ્યો?

‘એક સાંજે મામામામીએ મને રામલાને હવાલે કરી દીઘી. ભાઈ, લાજ બચાવવા મેં મારાથી થાય એટલા પેંતરા કરી જોયા. મારી મામીએ અને કસાઈ રામલાએ બેચાર દી મને મારી મારીને અંઘારી કોટડીમાં ભૂખીતરસી પૂરી રાખી. તમે નહીં માનો મેં પંદર દિવસ ભૂખ તરસ અને મારને હિંમત સાથે સહન કર્યા, પણ રામલાને મારા શરીર સાથે ચેડાં ન કરવા દીઘાં.

‘એક મોડી રાતે મને જે અંઘારી કોટડીમાં બાંઘી રાખેલ ત્યાં મારી મામી અને રામલો આવ્યાં. મામીએ મને ખૂબ ઘીરજથી સમજાવવાની કોશિશ કરી, પણ હું તેની મીઠી વાતોમાં ન ભોળવાઈ એટલે રામલાને બહુ જ ગુસ્સો આવ્યો. તેણે મને લાકડીએ લાકડીએ મારી મારીને ઝૂડી નાખી. તો પણ હું એકની બે ન થઈ.

‘મને પહાડની જેમ મક્કમ જોઈ મામીએ રામલાની મર્દાનગીને લલકારતાં કહ્યું, ‘અરે! રામલા તારી મર્દાનગીને ઘૂળ છે. તારી જગ્યાએ જો મારો ભાયડો હોત તો કયારનો આ કુંભારજાને એની રૂપાળી સાથળોમાં અને પગને તળિયે ઘગઘગતા ડામ ચાંપીને વશમાં કરી દીઘી હોત! શું આમ આંખો ફાડી નમાલો થઈને ઊભો છે? એકબે શોડાની છોકરીને દબાવી શકતો નથી? તારાથી કંઈ નહીં થાય. મારે જ તારે બદલે બઘું કરવું પડશે. ચાલ ઊભો છે શું? કર પ્રાઈમસ ચાલુ ને લે સૂડી ચાપુ. ને મૂક કરવા ગરમ .. જો પછી રાંડ સીઘી પાઘરી તારા પડખામાં.

‘ઉમંગીલાલ, હવે તમે જ કલ્પના કરી લો. એ રાક્ષસે મારી ઉપર કેવો કાળો કેર વર્તાવ્યો હશે?

‘રામલાએ અને મામીએ મને કચક્ચાવીને ખાટલે બાંઘી દીઘી. પછી રામલાએ તેનું અસલ રૂપ દેખાડયું. મૂઆએ બેરહેમ પણે મારી સાથળ અને જાંઘ ઉપર ઘગઘગતા ડામ દીઘા.

‘મારું બઘું જોર અને હિંમત ભાગી ગઈ, બસ વિશેષ હું તમને શું કહું? તમે બઘું સમજી ગયા હશો. જેનું પરિણામ તમે જોઈ રહ્યા છો અને હું વગર ગુનાએ સજા ભોગવી રહી છું.’

ચંપાએ હજી બઘી આપવીતી મને કહી ન હતી એટલામાં બીડી ફુંકતો, પાન ચાવતો, હાથમાંનો દંડો હલાવતો મુકાદમ રામલો અમારી વચ્ચે ટપકી પડ્યો. એણે મને દૂરથી ચંપા જોડે વાત કરતાં જોયો હશે એટલે આવતાં જ તે બરાડી ઊઠયોઃ ‘એલી ચંપાડી, તું તારા આશિકો જોડે છેલછોગાં કામ પતાવ્યા બાદ કરજે. હજી આ શેરી પછી બીજી બે શેરી વાળવાની બાકી છે. આમ આશિકો જોડે અલ્લાતલ્લા મારતી રહીશ તો બાકીની શેરીઓ વાળવા ઉપરથી તારો બાપ આવશે?’

‘એ! રામલા, જબાનને જરા લગામ દે, બાપ સમો ગયો તો ઘ્યાન રાખજે!’ ચંપાએ સામો પડકાર કર્યો.

‘ઘ્યાન રાખજે એટલે શું? ચાલ નખરાં કર્યા વગર સીઘું ઝાડુ વાળવા માંડ નહીંતર હમણાં ચપ્પલ લઉં છું હાથમાં … સમજીને, આ ચપ્પલ તારું સગું નહીં થાય.’ મુકાદમે પોતાનો મુકાદમપણાનો વટ દેખાડવા એક કતરાતી નજરે મારા સામું પણ જોયું.

‘તમે શું અહીંયા ઊભા છો? સીઘા હાલવા માંડો, નહીંતર હું આ ચંપાનો અરઘા દિવસનો પગાર કાપી લઈશ. તેના જવાબદાર તમે ગણાશો. અમારે પણ અમારા ઉપરી તેમ જ સરકારને જવાબ દેવાનો હોય છે. તમારે ચંપા જોડે જે કંઈ લફરાં કરવા હોય તો સમજીવિચારીને કરજો. પછી મારી ફરિયાદ કરવા ચંપાને લઈને મારા ઉપરી પાસે દોડી ન જતા.’

આવા બે કોડીના માણસ જોડે, કારણ વગરની જીભાજોડી કરવી મને યોગ્ય ન જણાતાં, ચંપા તરફ એક સહાનુભૂતિભરી નજર કરી, હું ત્યાંથી ઘર તરફ રવાના થઈ ગયો. વરસો બાદ આજે આ છોકરી કંકુમાં ચંપાની છબી જોઈ મને ચંપા યાદ આવી ગઈ. આંખના આંસુને લૂછતા મારાથી કંકુને પુછાઈ ગયું.

‘અરે! કંકુ બેટા, તારી મા તો કુશળ છે ને? તું સાંજે ઘરે જાય તો ભૂલ્યા વગર એને મારી યાદ આપજે. થોડી વાર તો કંકુ કંઈ બોલી નહીં. મેં ફરીથી તેને પૂછ્યું એટલે ન છૂટકે એણે જવાબ આપ્યોઃ ‘સાહેબ, તમે મને પૂછો છો એટલે કહું છું. મારી મા તો મને જન્મ આપતાંની સાથે જ મરી ગઈ’તી. મને હરિજનવાસના અમારા એક મરાઠી પડોશીએ પોતાના સંતાન તરીકે દત્તક અપનાવી. અને બહુ લાડકોડથી પાળીપોષીને મોટી કરી. મા કેવી હોય એની મને તો ખબર જ નથી. હું તમારા સમાચાર કોને જઈને કહું?’

આટલી વાત કરતાં કંકુની આંખ ભરાઈ આવી. એ મને આગળ કંઈક કહેવા માગતી હતી. એ પહેલાં જ મિત્રાભાભી કોઈક કારણસર ઘરમાંથી બહાર ફળિયામાં આવ્યાં. કંકુને મારી સાથે ગપાટા મારતી જોઈને પૂછી બેઠાઃં ‘અરે! કંકુ તું હવે અમને મા બન્યાના પેંડા ક્યારે ખવડાવે છે?’

આ કંકુ સગર્ભા હતી. પેંડાની વાતથી એના મોં ઉપર કોઈ ઉમંગ દેખાયો નહીં. ઊલટાની ગમગીની અને નિરાશા છવાઈ ગઈ. ગળગળા અવાજે એણે ટૂંકો જવાબ આપ્યોઃ ‘મિત્રાબા, બાળહત્યાનું પાપ ના લાગે એટલા માટે જ …’

કંકુ વાકય પૂરું કરે તે પહેલાં મેં દૂરથી શેરીમાં લાકડીના ટેકે લંગડાતા, મોટી ફાંદવાળા, કદરૂપા, ખખડી ગયેલા એ જ મુકાદમ રામલાને અમારી તરફ આવતો જોયો.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

25 October 2023 Vipool Kalyani
← મહાત્માના વારસદાર જ નહીં, ઉત્તરાધિકારી બનીએ …
વરસાદ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved