Opinion Magazine
Number of visits: 9488203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વૃદ્ધશતક’ : વિધાનકવિતા અથવા સ્ટેટમૅન્ટપોએટ્રી

સુમન શાહ|Opinion - Literature|23 December 2018

સંગ્રહના ૧૦૦-મા ક્રમાંકે કોરું પાનું છે. એ સાથેનું આ કાવ્યશતક વૃદ્ધો વિશે છે, કહો કે, વાર્ધક્ય વિશેનાં અનેક વિધાનાત્મક વર્ણનોનો સમુચ્ચય છે. કોઇ મને પૂછે કે વિધાનો કરવાથી કાવ્ય થઇ શકે? તો હું કમલ વોરાકૃત આ ‘વૃદ્ધશતક’-નો દાખલો આપીને ‘હા’ કહું.

: ૧ :

મારી આ વાતના અનુલક્ષમાં મેં બે વસ્તુ ખાસ કરી છે : એક તો એ કે વિધાનોથી કવિતા થઇ શકે એટલી એ જ વાતને મેં લક્ષમાં રાખી છે. ને તેથી આ લેખને સમગ્રદર્શી સમીક્ષા ન ગણવા વિનન્તી છે : બીજું, એ જ હેતુને પાર પાડવા મેં કમલ વોરા, એમનામાં વસતો કવિ અને એ કવિએ સરજેલો પોતાનો પ્રોટેગનિસ્ટ એવો એક કામચલાઉ ભેદ કલ્પ્યો છે. વાતના વિકાસ દરમ્યાન એની સાભિપ્રાયતા આપોઆપ સમજાશે.

: ૨ :

વર્ણનોમાં મેં જોયું છે કે એક એક વૃદ્ધ છે અને અનેક વૃદ્ધો પણ છે. એકલા છે, બે ત્રણ કે તેથી વધારેની ટોળીમાં પણ છે. એકલ છે, સંગી પણ છે. આમ તો, ૯૯ + ૧ = ૧૦૦ વૃદ્ધો છે. આ દરેક વૃદ્ધ બીજા વૃદ્ધથી જુદો જરૂર ભાસે છે પણ વાર્ધક્યના મામલામાં બધા વૃદ્ધ સરખા જ કહેવાય.

મુખ્યત્વે મને લાગ્યું છે કે અમુક વર્ણનો પ્રોટેગનિસ્ટે કર્યાં છે. એની નિરીક્ષામાં એક પછી એક વૃદ્ધ આવતા રહ્યા છે. એક વૃદ્ધ આ, એક વૃદ્ધ આ, એક આમ કરે છે, એક તેમ કરે છે વગેરે વિધાનો કરીને વર્ણનો રચતો ચાલે છે. ચર્ચા માટે થોડાંક સૂચવું – ક્રમાંક : ૫, ૭, ૮, ૧૬, ૨૧, ૫૮ -મેં આ ક્રમે ચર્ચ્યાં છે.

વળી, વૃદ્ધોના મામલામાં કશુંક અળવીતરું ઘટવા લાગે છે ત્યારે પ્રોટેગનિસ્ટ મને મૂંગો થઈ જતો દેખાયો છે. જાણે એવું બધું આકારવું એને અઘરું થઇ પડતું હોય. એટલે એવાં વર્ણનોનું કામ કાં તો એણે કવિ માટે છોડી દીધેલું છે અથવા કવિએ પોતે પોતા માટે રાખી લીધેલું છે – જેમ કે અતિ વાર્ધક્ય અને મરણોન્મુખ અવસ્થાનાં વર્ણનો કવિએ કર્યાં છે. કેમકે એ અવસ્થાઓ વિશે વિધાનો કવિ જ કરી શકે એવી એ દુરુહ હતી.

વૃદ્ધો આમ, ને વૃદ્ધો આમ, વૃદ્ધો આવા છે, ને આવું કરે છે, ને તેવું કરે છે, જેવાં વિધાનો વડે કવિ વર્ણનો રચતો ચાલે છે. ‘એ’-ને આમ થઇ રહ્યું છે, ‘એ’-ને તેમ થઇ રહ્યું છે, જેવાં વિધાનો વડે એણે ‘એ’ વૃદ્ધવ્યક્તિઓને પણ વર્ણવી છે. ચર્ચા માટે થોડાંક સૂચવું : ૧, ૨, ૩, ૪, ૧૦, ૧૩, ૧૪, ૩૨, ૯૬, ૯૭, ૪૬, ૮૫, ૭૭, ૭૮, ૭૬, ૯૦, ૯૫, ૯૮, ૭૯, ૮૦,  ૮૪, ૮૯, ૯૩, ૯૯ વગેરે. – મેં આ ક્રમે ચર્ચ્યાં છે.

મને એમ લાગવાનું મુખ્ય કારણ એ બન્નેની વાણી છે : પ્રોટેગનિસ્ટની વાણી સાદી છે. કવિની કવિધર્મે કરીને વંકવોળામણી છે. ક્યારેક કથાની રીતે પણ વર્ણનોને તાદૃશ કરાવતો હોય છે.

પણ એ બન્નેમાં સામ્ય એ વાતનું છે કે બન્નેએ વૃદ્ધોને વિધવિધની અવસ્થાઓમાં તરેહ તરેહનાં વર્તન કરતા જોયા છે. ખાસ મને એ લાગ્યું છે કે વૃદ્ધો એમને જેવા દેખાયા છે, તેવા દર્શાવ્યા છે. જેવું કરતા હોય, તેવું જ કરતા વર્ણવ્યા છે. તાત્પર્ય, પોતાની દૃષ્ટિમતિ દાખલ નથી કરી.

એને કારણે વિધાનો શુદ્ધ રહી શક્યાં છે. શુદ્ધિને કારણે ખુલ્લાં રહી શક્યાં છે. ખુલ્લાં છે તેથી વિચારપ્રેરક નીવડ્યાં છે. દરેક વખતે સૂચવે છે કે વધારે વિચારો, વાતમાં કશો ઉમેરો કરો. મતલબ, વાચકને પૂર્તિ કરવાની તક આપે છે. વિધાનનો  એ તો ધર્મ છે ! મેં એવા નાના નાના ઉમેરા કર્યા છે.

આમ તો, ક્રમાંક ૧-થી માંડીને વર્ણવાયેલા ૯૯ વૃદ્ધોમાં ક્રમાંક ૯૯-માં વર્ણવાયેલા ૧-ને ઉમેરવાથી ૧૦૦ વૃદ્ધો થાય છે. પણ છેલ્લે કદાચ મૃત્યુ નામના અન્તિમ વર્ણન માટે પ્રોટેગનિસ્ટ કે કવિ પાસે કોઇ વૃદ્ધ બચ્યો નહીં હોય. અથવા બધા ક્યાંક નીસરી ગયા હશે. એટલે વિધાન કરે તો કયા વૃદ્ધને વિશે કરે ને શું કરે? એટલે, જુઓને, છેલ્લા ૧૦૦-મા કોરા પાન પરના શ્વેત અવકાશમાં બન્ને લુપ્ત થઈ ગયા છે.

: ૩ :

સવાલ એ છે કે વિધાનોને કાવ્યત્વ શી રીતે સાંપડ્યું છે જેથી વર્ણનોને કવિતા કહી શકાય. એનો જવાબ મળે એ માટે પહેલાં કેટલુંક સમજી લઇએ :

: ૪ :

એક વૃદ્ધ આ, એક આ, અને વૃદ્ધો આમ, ને વૃદ્ધો આમ – પ્રકારના જાતભાતના દાખલાઓથી એકંદરે જે વાત ઘૂંટાયા કરી, એ છે તો વાર્ધક્યની. વાત રિપીટેટિવ છે. દરેક રૅકર્ડ જુદી પણ ગાણું એક-નું-એક ગાય છે. પ્રોગ્રેસિવ નથી. ગ્રામોફોનની રૅકર્ડની પિનની જેમ ક્યાંક અટકી ગયેલી છે. એમ થવાનું કારણ એ છે કે વૃદ્ધો સમયના કોઇક પડાવ પર અટવાઇને થંભી ગયા છે. પરન્તુ આપણે જાણીએ છીએ કે એવાં પુનરાવર્તનો વાણીદોષ તરીકે પુરવાર થઇ શકે છે. ઉપરાછાપરી ચાલ્યાં આવેલાં વિધાનો વાર્ધક્ય વિષયે આપણને કંટાળો આપી શકે. બૅકેટે એવું કરેલું – પ્રેક્ષકોના ચિત્તમાં કંટાળો ઉગાડવા માગતા’તા અને કરી શકેલા. પણ મેં જોયું કે કમલ વોરામાં જીવતા કવિનો કે કવિના પ્રોટેગનિસ્ટનો એકેયનો આશય એ નથી. કદાચ એમણે સમજી લીધું હશે કે વૃદ્ધોને ચૉક્કસ આશયથી નીરખવા બેસશું તો નિષ્ફળતા મળશે. વ્યર્થ પુરવાર થશું. કોઇ રખાય એવો આશય હોય તો તે એ છે કે તેઓ જેમ કરતા દેખાય છે ને તેથી જેવા લાગે છે તેવા તેમને પૂરી વફાદારીથી વર્ણવવા ને તેટલાથી સંતોષ માનવો.

પરિણામે શું બન્યું? એ કે ચૉક્કસ આશયની અનુપસ્થિતિને કારણે એમને મુક્તતા સાંપડી. મુક્તતાનો લાભ લઇ એઓ વર્ણ્ય વિષયને વફાદાર રહી શક્યા. જો કે સંતોષની મનીષાને કારણે લાભ એમણે જરૂર જેટલો જ લીધો છે. એટલે સારા વર્ણનકાર તરીકે બન્ને જણા સંયત અને પ્રામાણિક પણ રહી શક્યા છે.

હવે, આગળ વધીએ.

મેં બન્નેને ધ્યાનથી સાંભળ્યા છે. મને લાગ્યું છે કે પ્રોટેગનિસ્ટે આછુંપાતળું જોયું છે, કવિએ ઊંડેથી જોયું છે. એટલે, અવળું તો મને એમ લાગ્યું છે કે વર્ણનો ભલે ઉપરાછાપરી આવે છે, એમાં કંટાળાને તો જગ્યા જ નથી. બલકે એકધારાપણું પ્રોગ્રેસિવ છે – વિકાશીલ – કેમ કે વૃદ્ધો વિશે ચિત્તને નિરન્તર આકર્ષતું ચાલે છે. વૃદ્ધોની એ બધી ઘટનાઓ પોતે પણ વૈવિધ્યભરી ને નરી નિરાળી છે, પુનરાવર્તન-દમિત નથી. એમના બારામાં ઘણીયે વાર એવું એવું ઘટ્યું છે જેને અનન્ય કહી શકાય, જેને માત્રકવિ જ જોઇ શક્યો છે. ઉપરાન્ત, વૃદ્ધોનાં વર્તન પણ વિચિત્ર છે. મોટેભાગે, અનપેક્ષિત અસામાન્ય અને અસાધારણ. વૃદ્ધો અસંગત લાગે, અસંતુલિત લાગે, પાગલ લાગે. પરન્તુ વિરોધાભાસ એ છે કે ઝીણવટથી જોતાં સ્પષ્ટ લાગે છે કે હકીકતે એવા તો તેઓ જરાપણ નથી. અવસ્થાએ સંપડાવેલું તો જીવે છે. પૂરેપૂરું સ્વાભાવિક તો વર્તે છે. સાર એમ સમજાશે કે બધાં વિધાનો એ વિરોધાભાસે રસિત ભૂમિ પર ખડાં છે. ટૂંકમાં, પુનરાવર્તન અહીં આભાસી છે. કહો કે, અહીં પ્રચુર વૈવિધ્ય છે. સ્પષ્ટ છે. એને કારણે પરિણામ એ આવ્યું છે કે વર્ણનો વૃદ્ધોને વિશે ખૂબ ખૂબ રસાળ પુરવાર થયાં છે. ૧-થી ૧૦૦-લગી જતા જાવ, રસ ખૂટશે જ નહીં.

: ૫ :

જોઇએ, એવું કેવી રીતે સંભવ્યું છે. મારે દાખલા સાથે તેમ જ કંઇક મારાં ઉમેરણો સાથે માંડીને વાત કરવી જોઇએ :

: ૬ :

પ્રોટેગનિસ્ટ વૃદ્ધોને કેટલીયે વાર એક એક કરીને વર્ણવે છે. મેં દર્શાવેલા ક્રમાંક અનુસારનાં વર્ણનો જોઇએ : જેમ કે,

એક વૃદ્ધ 
એનું નામ, ઘરનું ઠેકાણું
ભૂલી ગયો છે (૫).

નામ ને ઘરનું સરનામું ભૂલી ગયેલો એ –

બસ
ચૂપચાપ બેઠો છે
કોઈ અજાણ્યો જણ કંઇ પૂછે તો
એ આછુંઆછું હસે છે :

હવે જુઓ, એ એકાએક જે કરે છે એ એટલું અસામાન્ય છે કે કોઇ ચૂપચાપ બેસેલો ન કરે. અપેક્ષા તૂટે છે. પ્રોટેગનિસ્ટ જણાવે છે –

પાસેના ઝાડના છાંયડા સાથે
સંતાકૂકડી રમતા
સાંજના તડકાને
ધ્રૂજતા હાથે
પકડવા-ઉડાડવા મથે છે…

એટલું જ નહીં, – લાકડીના છેડાથી ધૂળમાં આડાઅવળા લીટા કરે છે … પ્રોટેગનિસ્ટ ભલે નથી કહેતો પણ હું ઉમેરું કે એ કદાચ કશીક અસમંજસ મનોવસ્થાનો શિકાર બન્યો હશે. તે એવું ન કરે તો શું કરે?

એક વૃદ્ધ
ઝાડ પરથી ખરતાં પાંદડાં
ગણી રહ્યો છે (૭).

ખરતાં પાંદડાં ગણનારો એકધારું ગણે, ચાર-પાંચ પાંદડાં સામટાં ખરી પડે ત્યારે ગણતરી લથડિયાં ખાય, એકાદ પાંદડું ઊડી જાય, તો મૂંઝાઇ જાય, વગેરે બધું પ્રોટેગનિસ્ટે ભલેને કહ્યું, સાવ સ્વાભાવિક છે, એમ બને જ. પણ –

એકેક પાંદડું વીણી લઈ
ટોપલીમાં નાખતો વૃદ્ધ
ગણતરીના તાળામાં
ગોટે ચડે છે…

તે મને થાય કે કશીક ગૂંચવણનો માર્યો જ એમ કરતો હશેને. માણસને ગણતરી ગોટે ચડાવે કે સરખો હિસાબ મેળવી આપે? આમાં તો ગોટે ચડાવી દીધો. અસાધારણ પરિણામ આવ્યું. ઉમેરું કે તેમ છતાં પણ એમ થવું વૃદ્ધોના દાખલામાં અસ્વાભાવિક તો નથી જ.

એક વૃદ્ધ
અરીસામાં એનો ચ્હેરો જોઇ
ખડ ખડ હસે છે (૮).

અરીસામાં પોતાનો ચહેરો જોઇ હસનારાને પાગલ ન કહીએ. પણ મેજ નથી કુંજો નથી પ્યાલો કે પાણી નથી અરીસો ય નથી છતાં પાણી એણે પીધા કર્યું છે, તો એના એ વર્તનને અસામાન્ય ન ગણીએ તો શું ગણીએ? – પણ

પાણી પી પીને 
તરસના માર્યા ફસડાઇ પડતા વૃદ્ધને
વૃદ્ધ ઊભો કરવા મથે છે

… એ વર્તન સાવ સામાન્ય અને બિલકુલ સ્વાભાવિક છે. પોતામાં વસતો બીજો વૃદ્ધ પોતાને મદદ કરે જ કરે. કેમ કે એને ફસડાવાનું ય પોતે ને ઊભા ય પોતે જ થવાનું હોય છે. પરન્તુ હું ધારી શકું છું કે પહેલાં ભ્રાન્તિમાં સપડાયો પછી નિર્ભ્રાન્તિ ભણી પરવર્યો, એ જે થયું તે એની કશીક નિર્નામ પિપાસા કે અધૂરપને કારણે જ થયું હશે. પ્રોટેગનિસ્ટ બધું તો શી રીતે ક્હૅવાનો’તો …

એક વૃદ્ધ
ઘરની બારીમાં ઊભો રહી
બહાર રસ્તા પર પસાર થતા માણસો તરફ
હસે છે, હાથ હલાવે છે (૧૬).

ઘરની બારીએ ઊભો રહી બહારના માણસો પર હસનારો, હાથ હલાવનારો, –

બીજી જ પળે
એ જ માણસો તરફ દાંતિયાં કરે છે

…એવા એને માટે પ્રોટેગનિસ્ટેય કહ્યું કે –

કોઇને પણ લાગે
ડોસાનું ચસકી ગયું છે

…ઘરની બહાર આવીને એ –

રસ્તે જતા માણસો સાથે
હાથ મેળવે છે
કોઇ કોઇને તો ભેટે છે
પછી ઘરમાં જઇ
આખા દિવસની ઉઘાડી બારી
બંધ કરી દે… 

પ્રશ્ન થાય કે કોઇ કોઇને ભેટવા જેવું અને બારી બંધ કરી દેવા જેવું અસામાન્ય કામ એણે શું કામ કર્યું. જો કે બીજી જ પળે થાય કે એમ જ કરેને ! મારી ધારણા છે કે એની કારકિર્દીમાં કોઇની એવી હાનિકારક અવરજવર રહી હશે. અથવા કશેકથી નિરન્તરનો કપાયેલો હશે – વિચ્છિન્ન.

એક વૃદ્ધ
પાણી પર ડગ માંડતો હોય એવા ડરથી
જમીન પર ચાલે છે (૨૧).

પાણી પર ડગ માંડતો હોય એવા ડરથી જમીન પર ચાલનારો અને વળી દાઝી જવાનો હોય એવી સાવધાનીથી પાણીને અડનારો વૃદ્ધ, બિલકુલ સ્વાભાવિક છે. એમ જ કરે. પણ પ્રોટેગનિસ્ટ જણાવે છે એમ જ્યારે એને –

ત થ થઇને દ ધ થઇને
નનો પ ફંભળાય છે
બ બોલવા હોઠ ભેગા થતા જ નથી
મોંની બખોલમાં લથડતી હવા
ભમ કરતી ફસડાઇ પડે છે

… ત્યારે એ આખી ઘટના અનપેક્ષિત ભાસે છે. પણ શું એમ થવું અસ્વાભાવિક છે? ના. એવા એને –

મન જેવું મન
જડતું નથી

… વગેરે જે અમૂંઝણ થઇ તે પણ અસ્વાભાવિક નથી, અરે, સાવ સામાન્ય છે. મને થાય, કશીક એની દુદર્મ્ય લાચારી હશે…

એક વૃદ્ધ
ખિસ્સામાં મુઠ્ઠીભર આગિયા સંઘરી રાખે છે (૫૮).

ખિસ્સામાં આગિયા સંઘરી રાખનારો આમ તો પોતે જ એક અસામાન્ય વૃદ્ધ છે. પણ પ્રોટેગનિસ્ટે ઉમેર્યું કે –

અંધારું ઊતરે
ઘેરાય
ત્યારે એમાંથી બે-ચાર કાઢી
મુઠ્ઠીમાં પકડી રાખે છે
પછી આંગળાં-અંગૂઠાથી કાણું કરી
ઝગમગતા આગિયાને
ઝાંખુંપાંખું જોઇ રહે છે
આકાશનું દર્શન થાય એટલે
હળવેકથી આંગળીઓ ઉઘાડી
એકેક તારાને
અંધારામાં ઉડાડી દે છે

… તો, જરૂર સમજાશે કે એણે ઘણું જ ઘણું એક સામાન્ય વૃદ્ધને ન છાજે એવું એવું જ કર્યું. તેમ છતાં એનું એ વર્તન શું અસ્વાભાવિક હતું? ના. ક્યાંક ક્યારેક કશા બળવત્તર કારણે સ્હૅજ એનું કશેકથી ચસ્કી ગયું હશે …

આટલા દાખલા પરથી બીજાં એવાં વર્ણનોને શોધી કાઢીને આ પ્રકારે પામવાનું મુશ્કેલ નથી. અને વધારે દાખલા આપીને મુદ્દાની ટીપ્યા કરવાનું મને ગમતું પણ નથી…

: ૭ :

કવિ વૃદ્ધોને કેટલીયે વાર, વૃદ્ધો આમ, ને વૃદ્ધો આમ, કરીને વર્ણવે છે. મેં દર્શાવેલા ક્રમાંક અનુસારનાં વર્ણનો જોઇએ : જેમ કે,

વૃદ્ધો
હાંફી ગયા છે

વન વચોવચ
અંધારાએ એમને ઘેરી લીધા છે (૧)

એ વર્ણનમાં, વૃદ્ધોના ફફડતા ઉચ્છ્વાસો, મશકમાં ઊછળી પડતા પાણીના અવાજ સાથે અફળાયા કરતો છાતીનો થડકાર, એકધારાં ભોંકાતાં ઝાડી ઝાડવાં કાંટા સુક્કાં પાંદડાં પથરા ધૂળ ઢેફાં, હલબલી ઊઠતી ડાળોમાં આગિયા, ઝાંખરાંમાં બોલી ઊઠતાં તમરાં – જેવી ક્રિયા-પ્રતિક્રિયાત્મક અને સભરેભરી પરિસ્થતિ વિશેનું એકપણ વિધાન દેખીતું છે કે પ્રોટેગનિસ્ટથી થાય એવું નથી. એટલે નથી કરતો, કવિને ભળાવી દે છે. કેમ કે એને જેની નથી ખબર તેની કવિને એ ખબર છે કે વૃદ્ધોને અપાર અંધારાની જાણ છે. તો –

પાર
હોય કે ન હોય,
વન વિશાળ છે
ચુપકીદી અતાગ છે
ને વૃદ્ધો
થાકી ગયા છે

… એટલું બધું સંકુલ જે કવિને દેખાયું એમાંનું કશું પ્રોટેગનિસ્ટને ન જ દેખાય. ઉમેરું કે વૃદ્ધોની એવી બેફામ અંધારાં-અફાળ યાત્રા અસાધારણ છે પણ અસંભવિત નથી. મને થાય, કઇ મહા જફાના માર્યા એમ નીકળી પડ્યા હશે … કશીક તો હશે જ.

વૃદ્ધો
ચાલી નીકળ્યા… ચૂપચાપ
…વનમાં…(૨)

આ વર્ણનમાં પણ વૃદ્ધો ક્યાંના ક્યાં ઊંડે ઊતરી પડે છે. વન નર્યા અંધકાર-સુસવાટાઓમાં ફૂંકાતું હોય છે. પણ એની જાણ નથી થતી. કોણ ચાલી નીકળેલું ચૂપચાપ એની પણ જાણ થતી નથી. એવી નિ:સ્તબ્ધ અને રહસ્યગર્ભ ઘટના કવિએ પોતે વર્ણવી છે. પ્રોટેગનિસ્ટને બરાબરનો વાર્યો હશે. વન હોય વૃદ્ધો હોય અંધકારના સુસવાટા હોય ત્યાં આવું ન બને તો જ નવાઇ. ઘણું અસાધારણ છતાં ઘણું સંભાવ્ય. પણ કવિ પૂરું જોઇ શક્યો, વળી, હૂ-બ-હૂ વર્ણવી બતાવ્યું. મારી ધારણા છે કે કશાક ધૂંધવાટે જ વૃદ્ધોને એવા દારુણ રઝળપાટમાં સંડોવ્યા હશે.

વૃદ્ધો
અંધારામાં ટોેળે વળીને બેઠા છે (૩)

ત્યારે ચંદ્ર વાદળોમાંથી વેગભેર સરી રહ્યો હોય છે. પણ ચંદ્ર ખચાખચ છરા વીંધતો છે એમ કહેવાની પ્રોટેગનિસ્ટની મગદૂર નહીં.

વૃદ્ધો
પોતાને પોતાની ટોળકી સાથે
ચંદ્ર તરફ ઊડતા
જોઇ રહે છે

– એવું ચિત્ર રચવાને પણ એ સમર્થ નથી. અંધારું ચન્દ્ર વાદળો પવનસુસવાટા પરિકથા અને વૃદ્ધો. એ સૌને તો કવિ જ નિહાળેને. સ્વાભાવિક છે કે એઓ કશા અકળ ઉન્માદથી ચગી ગયા હોય.

વૃદ્ધો
રસ્તાની ધારે ધારે
ચાલ્યા જાય છે (૪)

ત્યારે, પ્રલંબ સૂનકારને પગલાંનો અવાજ ઠેબે ચડાવે, ધૂળની ડમરીને કારણે બેઉ તરફનાં ઝાડ સુક્કાં પાંદડાં વેરતાં ખળભળી ઊઠે, ત્યાંલગીની વાત પ્રોટેગનિસ્ટને સુગમ હતી. પણ આગળને આગળ ખૅંચી જતો રસ્તો અચાનક ડાબા-જમણામાં ફંટાયો ને વૃદ્ધો ખચકાયા, એકમેકને તાકી રહ્યા, ઊભા રહી ગયા, લંબાયા હાથ હાથ ફંફોસવા લાગ્યા, પરોવાવાને મથવા લાગ્યા, છેવટે ફાંટાઓમાં છૂટા પડી ગયા – એમનું એ આખું વર્તન કથામાં હોઇ શકે એવું છે. પ્રોટેગનિસ્ટને તો ગળે ન જ ઊતરે એવું કઠિન છે. જો કે કવિને ગળે ન ઊતરે એવું ન્હૉતું બલકે એણે આખા દૃશ્યની રેખા રેખા દર્શાવી. આપણે જાણીએ છીએ કે ટોળે વળીને બેઠા હોય ને પછી સંગાથે મારગડે પળ્યા ય હોય એવા ઘણા આ સંસારમાં મળી આવે છે. તેમછતાં એ સાથીસંગાથીના હાથ છૂટી જાય ને ફંટાઇ જવાય એવા અસાધારણ બનાવ પણ બનતા હોય છે. સાવ સ્વાભાવિક છે. મને થાય છે, કશાં અ-ચૉકક્સ કારણોને કારણે જ હશેને એવા અકલ્પ્યાં ફંટાવાં …

વૃદ્ધો
બગીચાના બાંકડા પર બેઠા છે (૧૦)

ઘાસની પત્તીઓ પર રંગબેરંગી પતંગિયાંનું ઊડવું, છોકરાંની કૂદાકૂદભરી ધમાચકડી, પંખીઓના ફફડાટથી ઝૂલતી ઝાડની ડાળીઓ, ત્રુટકત્રુટક થઇ વેરાઇ જતા સાંજના સોનેરી તડકાને ય પકડવા કરતાં છોકરાં, ક્યારેક નજીક તો ક્યારેક દૂર હડસેલી દેતો પવન – વગેરેને વૃદ્ધો જોઈ રહે એ તો બરાબર, પણ –

નદીને કાંઠે
વહેતું પાણી જોઇ રહ્યા હોય એમ
જોયા કરે છે

… એવું ચિત્ર કલ્પવાનું પ્રોટેગનિસ્ટને ન આવડે. અને ત્યારે –

બાંકડેબેઠા વૃદ્ધોના ખભે
અંધારું
હળવેકથી આવીને
બેસી જાય છે

… એવા બનાવને તો એ શી રીતે કલ્પી શકવાનો’તો? કવિ કલ્પી શક્યો. સુવિદિત છે કે ગમે એટલી રમણીય પણ વૃદ્ધો માટે સાંજ સાંજ હોય છે ને અંધારું તો એના સમયે ઊતરી જ આવે છે. બને કે ખભાને એની ખબર પડે, કદાચ ન પણ પડે. પણ ઉમેરું કે એમ બનવું અસંગત ને નિષ્કારણ નથી બલકે સકારણ અને સ્વાભાવિક છે.

વૃદ્ધો
આજે આનન્દમાં છે (૧૩)
એક, લાકડી વિના બે ડગ માંડી શક્યો
એકથી ઝાખુંપાંખું કશુંક જોવાયું
એકને આછુંપાછું કંઇક સંભળાયું
એકના ફફડતા હોઠોમાંથી
અસ્પષ્ટ ઉચ્ચાર પણ નીકળ્યો
એક, લાકડું થઇ ગયેલી આંગળીઓ વાળી શક્યો

… આમ નિત્યની મર્યાદા-ભાંજગડો તો પતી પણ કવિએ અસામાન્ય એ જોયું કે એકે, શ્વાસના ઉછાળાને પણ શાંત પાડી દીધો ! જોયું કે પંખીઓ જોઇને બધા વૃદ્ધોની આંખો ફરકી, કંટાળો ન આવ્યો, ત્રુટક ત્રુટક હસી શક્યા. પણ અસામાન્ય એ બન્યું કે –

આજે
વૃદ્ધો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા.

મને થાય કે એવું કેમ -? જો કે તરત થાય કે એ પરિણામ જ સ્વાભાવિક હતું. વૃદ્ધો માટે નીરવ રુદન જ સ્થાયી હોય છે. એઓ ક્યાં લગી આનન્દમાં રહી શકે, ભલા …

વૃદ્ધો જાણે છે
બકરું કાઢો તો ઊઁટ પેસે એમ છે
ઊંટ કાઢે તો વરુ…(૧૪)

પણ કવિ જાણે છે કે પછડાટ તો નક્કી છે. કેમ કે વરુની પાછળ છલાંગ દેવા તત્પર ખૂંખાર વાઘની આગઝરતી ત્રાડ છે. વારંવાર વીંટળાઇ વળતા ને થડકતી છાતી પરથી સરી જતા ફણાં ફૂંફાડતા નાગ છે. ને ઘટમાં ઘોડા તો થનગનતા નથી. એટલે જાતને કહે છે –

બકરા સાથે ભાઈબંધી કરી લે તો ય
વાત પતે એમ નથી
કારણ બકરું જ ઊંટ થઈ જાય એમ છે

… કવિને જાણ છે કે બકરું હાલ જંગલનો રાજા છે ને સિંહનું રાજ આવવું બાકી છે. વૃદ્ધો વિશે આટલું બધું આટલી બધી કથાની રીતનું જાણવું કવિ માટે સામાન્ય છે. પણ કેમ? કેમ કે વૃદ્ધો માટે ય એ એટલું જ સામાન્ય હતું. ઉમેરું કે એમનાં અન્તરતમમાં આવું કશું કલ્પનામય નિરન્તર ભજવાતું જ હોય છે.

વૃદ્ધો
મુઠ્ઠી ભીડીને દોડી રહ્યા છે…(૩૨)

કવિ ઠીક ઠીકના અલંકારો વાપરીને બોલે છે – સ્નાયુઓ, ધધગતા સળિયા. શ્વાસોચ્છ્વાસ, મધદરિયે ફૂંકાતા પવનમાં પડતી વીજળી. ફસડાતા-ઊંચકાતા પવનના, મહાકાય પર્વતો. વગેરેથી દર્શાવે છે કે વૃદ્ધો દોડતા ઘોડાને આંબી જઇ સવાર થઈ જતા હોય છે. પેટમાં પગની એડી દાબે ને ઘોડા ઊડવા લાગે. કવિએ સૂચવ્યું છે –

ક્યારેક વૃદ્ધોની
આવી સવાર પણ
પડતી હોય છે

દેખીતું છે કે પ્રોટેગનિસ્ટને આટલું બધું ન જ દેખાય. પણ ઉમેરું કે જાણકારોને જાણ છે કે કશા અમાપના ઉત્સાહો કોઇ સવારે વૃદ્ધોને એવા જબરાટ સાથે દોડાવતા હોય છે.

આ ઉપરાન્ત –

કેટલીક વાર કવિ એવું ય જણાવે છે કે અમુક ચૉક્કસ વૃદ્ધ શું કરી રહ્યો છે : જેમ કે,

વૃદ્ધના ખોળામાં
ક્યારનું એક ગલુડિયું રમે છે… વગેરે (૧૧)

વૃદ્ધના વાંસામાં
ભારે ખંજવાળ ઊપડી છે… વગેરે (૧૫)

એ
ભડવીર હતો
છાતી કાઢીને ટટ્ટાર ચાલતો ત્યારે
શિકારે નીકળેલો સાવજ લાગતો…વગેરે (૨૪)

વૃદ્ધ
વારંવાર એકનો એક પ્રશ્ન
વારંવાર પૂછ્યે રાખે છે…વગેરે (૨૮)

વૃદ્ધની સામે
ફળફળતી ચાનો એક કપ પડ્યો છે…વગેરે (૪૪)

વૃદ્ધની
આંખો ઝાઝું વરતતી નહીં…વગેરે (૬૩)

સમીસાંજ સુધી
ખાટલામાં ચસીયે ન શકતો વૃદ્ધ
અચાનક
નિસરણી વિનાની નિસરણી પર
એક પછી એક પગથિયું ચડતો હોય એમ
ડગ માંડવા લાગતો…વગેરે (૬૮).

કવિએ કોઇ કોઇ ડોસા-વૃદ્ધને પણ જોયા છે : જેમ કે,
કેડેથી વાંકા વળી ગયેલા ડોસાઓ
બીડી, ચલમ કે સિગારેટ ફૂંકી રહ્યા છે… (૩૬)

ડોસો વારેઘડીએ હસ્યા કરે… (૬૯).

કોઇ કોઇ ડોસી-વૃદ્ધોને પણ ભાળી છે. જેમ કે, કહે છે :

એક ડોસી
ભળભાંખળું થાય તે અગાઉ
ચૂલામાં ફેફસાં ઠાલવી
અગ્નિ પેટાવે છે…(૪૭)

ડોસી
અડધુંપડધું વૈદું જાણતી…(૫૧)

ડોસી પાસે
એક પોટલી હતી…(૫૩)

ડોસી બજરની બંધાણી
બજર પાછી જે તે તો નહીં જ… (૬૬)

જમ ભાળતો નહીં અને
ડોસી મરતી નહીં…(૬૭)

કવિએ કોઇ કોઇ દમ્પતી-વૃદ્ધોને પણ જોયા છે. જેમ કે, કહે છે :

આજની ખુશનુમા સવારે
વૃદ્ધ દંપતી
વરંડામાં ચા પીવા બેઠું છે…(૧૭)

પહાડના શિખર પરથી
એક વૃદ્ધ દંપતી
ખીણમાં આથમી રહેલા સૂર્યને
જોઇ રહ્યું છે…(૩૪)

કવિ કથા પણ માંડે છે. જેમ કે, આ દૃષ્ટાન્તોમાં :

છે…ને…એક વખત એક હતો ડોસો
ને એક હતી ડોસી…(૫૨)

ડોસી પાસે
એક પોટલી હતી…(૫૩)

એક હતો ડોસો એને બે ડોસી
એક માનીતી
બીજી અણમાનીતી…(૫૫)

ઊડાઊડ કરતી એક ચકલી
વૃદ્ધના ખભા પર બેસી જાય છે…(૫૬)

ડોશ્મા ડોશ્મા તમારા દાંત ક્યાં ગ્યા…(૭૨)

પરન્તુ નોંધપાત્ર હકીકત એ છે કે કવિએ જે જાણ્યું હોય કે જોયું હોય, કહે છે હંમેશાં વિધાનની રીતભાતમાં. કથા માંડે તેમ છતાં કથનસૂરે બંધાયેલો નથી રહેતો. પોતાનો નિત્યનો વિધાનસૂર પકડી લે છે.

આટલા દાખલા પરથી બીજાં એવાં વર્ણનોને શોધી કાઢીને આ પ્રકારે પામવાનું મુશ્કેલ નથી. અને વધારે દાખલા આપીને મુદ્દાને ટીપ્યા કરવાનું મને ગમતું પણ નથી …

: ૮ :

તેમ છતાં, અતિ ઘડપણ અને મરણોન્મુખ અવસ્થાનાં કવિએ કરેલાં વર્ણનોને મારે ઉમેરવાં જોઇશે. એ વર્ણનોને કવિએ સાવ સાદાં પણ ચોખ્ખી વીગતોથી વધારે તાદૃશ કરી આપ્યાં છે. એ માટે વાણીને ઝડપી કરી નાખી છે. જેમ કે,

કવિના સીધા વિધાન પ્રમાણે, ૯૬-માં છે એ વૃદ્ધ એટલો બધો ઘરડો થઇ ગયો હતો કે –

એના એકેય અંગમાં
જરા સરખોય સંચાર નહોતો

… સંચાર નથી એનો એને ખ્યાલ પણ નહોતો બલકે પોતે જીવતો હોય કે મરેલો એનો ય એને કોઇ ફેર નહોતો.

એવા જ સીધા વિધાન પ્રમાણે, ૯૭-માં છે એ વૃદ્ધને ખબર પડતી નહોતી કે –

એ ઘરડો થઇ ગયો હતો
એટલે એકલો પડી ગયો હતો
કે એકલો પડી રહ્યો હતો
એટલે ઘરડો થઇ રહ્યો હતો

… ઘરડાપા અને એકલતાની આ ન ઉકલી શકે એવી આંટીને કારણે ખરેખર તો એ ઘરડાથી ઘરડો અને એકલાથી એકલો પડી ગયેલો છે.

૪૬-માં વર્ણવાયેલા વૃદ્ધની જ્ઞાનેન્દ્રિયબોધ ક્ષીણ થવા માંડ્યો છે –

નમી ગયેલી કેડને
ડગુમગુ ટેકો દેતી લાકડી
હાથમાંથી સરી ગઇ…

પછી જે જે થતું ગયું એનું એમ થવું સ્વાભાવિક હતું. અવાજો ઓલવાતા ગયા. અજવાળું કાળુંભમ્મ થઇ ગયું. પગ હેઠળ જમીન ન રહી. પવનનો ફફરાટ ગયો. –

ઉઘાડબંધ આંખોમાંથી
જોવું જતું રહ્યું
આકાશ તો હતું જ નહિ

કાંચળીમાંથી સાપની જેમ
શરીરમાંથી શરીર નીકળી ગયું

૮૫-માં વર્ણવાયેલો વૃદ્ધ વાણીનું સામર્થ્ય ગુમાવી રહ્યો છે. કવિ કહે છે કે –

એક શબ્દ બોલવા અગાઉ
એ ક્યાંય સુધી વિચાર કરે છે
મનોમન અક્ષરોને ગોઠવે છે
… પણ બોલવા વિશે અસમર્થ એ લાચાર વૃદ્ધ –
કોણ જાણે ક્યારનો બેઠો હતો એ ખુરશી પરથી
ઊભા થવાનો વિચાર આવતાં જ
એ ભાંગી પડે છે…

૭૭-માં એ એટલે જ કદાચ કો’કને લગાવપૂર્વક નિમન્ત્રણ આપે છે –

આવ,
તારે માટે
પોષના આ તડકામાં
નેતરની ખુરશી ઢાળી રાખી છે.

પણ ૭૮-માં કવિ દર્શાવે છે કે –

એ ખુરશી પર બેઠો હોય અને
બાજુમાંથી પસાર થઇ જનારની
નજરે સુદ્ધાં ન ચડે એ તો એને સમજાતું
પણ એ બેઠો હોય એની એનેય ખબર ન પડે
એ વાતે એ અકળાતો

… દેખીતું છે કે બીજાઓ વડે થતી રહેતી અવગણનાને ભલે એણે ખમી ખાધેલી પણ એથી લાધતી શૂન્યતાએ એને સાચકલું આત્મજ્ઞાન સંપડાવ્યું. એ રીતે કે –

ઘરડા થવા અગાઉ એણે કલ્પના કરી રાખેલી કે
ઘડપણથી બૂરું કંઇ નહીં હોય

… પણ હવે એની એ ધારણા બદલાઇ ગઇ છે ને તેથી એને થાય છે કે –

આ હોઇને ન હોવું તો
ન હોવા કરતાં ય ભૂંડું …

૭૬-માં જ્ઞાનેન્દ્રિયબોધની ક્ષીણતા અને વાર્ધક્યબોધનું બળ, બન્ને વિકસે છે –

એ જાણતો હતો
હવે ઘણું બધું અધૂરું રહી જવાનું હતું

… એ જુએ છે કે થયું ન થયુંના છેડા ગૂંચવાઇ ગયા’તા. જોયું-જાણ્યું-જીવ્યુંનો મેળ ખોરવાઇ ગયો’તો. તેમ છતાં, છેક છેવટનો સાર કે અ-સાર શું તેની જરા અમથીયે ખબર પડતી નહોતી.

૯૦-માં વર્ણવાયેલો વૃદ્ધ સરળ ગતિ ખોઇ બેઠો છે બલકે એની જ્ઞાનેન્દ્રિયો ખોટકાવા લાગી છે –

એ
ડગલાં માંડતો
એનાં કરતાં વધુ લથડતો
લથડતો એના કરતાં વધુ ઠેબાં ખાતો
ઠેબાં ખાતો એનાથી વધારે વાર
ચાલવાનું માંડી વાળતો

… એવું તો પછી એની આંખો સાથે, કાન સાથે, જીભ સાથે ય બનવા લાગે છે ને એને –

ઘરડા થવું એટલે
પથ્થર જેવા થતા જવું
એવો આછો વિચાર ઊભરતો ખરો

… પણ પોતે ખરેખરનો પથ્થર જ હોય એમ એ અણસાર પણ ખોઇ બેસે છે. પછી તો સપનામાં પણ બધું એવું જ થયા કરે છે – ડગલાં માંડે એ કરતાં એ વધુ લથડે વધુ ઠેબાં ખાય.

૯૫-માં વર્ણવાયેલા વૃદ્ધની મનોદશામાં ઘડપણ ચૉંટી ગયું છે. ઘડપણને વિશેની એની સભાનતા ચિન્તા એને ઘણું પજવે છે, મૂંઝવી મારે છે –

દેખાતો એના કરતાં એ વધુ ઘરડો હતો
અને હતો એના કરતાં
ઓછો ઘરડો છે એવું માનતો
ઘડપણ કરે એના કરતાં વધુ
શરીર અને મન વચ્ચે વધતા જતા આ અંતરથી
એ હેરાન થતો

… પછીથી એ અંતર ઘટાડવા ક્યારેક શરીરને મનની નજીક તો મનને શરીરની નજીક લઇ જવા મથે છે પણ કૂતરું ગામ ભણી ને શિયાળ સીમ તાણેનો ઘાટ થાય છે ને એ વધુ ગૂંચવાઇ જાય છે. ઘરડો નહોતો ત્યારથી ઘડપણ વરતાયેલું ને ઘરડો છે છતાં ઘડપણ એને સમજાતું નથી.

૯૮-મા વર્ણનમાં છે એ અવસ્થાએ પહોંચેલો વૃદ્ધ, લાગશે કે સમયને વિશેની સુધબુધ ખોઇ બેઠો છે. એનો સમય ક્યાંક ઠરી ગયો છે. એનો દિવસ બગડી બેઠો છે. એને માટે –

આમ તો જાણે બધું ઠીક
એને કેટલુંક સમજાતું કેટલુંક ન સમજાતું

… પોતાનો સમય કેમ કેમેય પસાર થતો નથી તે ન સમજાતાં એ જાતભાતની ગડમથલમાં પરોવાય છે. એની સવાર તો પડતાં પડે છે. એ પૅંતરો કરે છે કે ઊંઘમાં બપોર નીકળી જાય. પણ જાગે ત્યારે તડકો જરાક જ આઘોપાછો થયો હોય. સાંજ પડે પણ આથમવાનું નામ ન લે. રાત પડશે કે નહીં એની રાહ જોયા વિના ઘરડાખખ્ખ શરીરમાં એ ઊંડે સરી જાય.

કેટલાંક વર્ણનો દર્શાવે છે કે વૃદ્ધો મરણોન્મુખ અવસ્થામાં કેવી તો જુદી જુદી રીતેભાતે સપડાયા છે. જેમ કે,

૭૯-માં કવિ જણાવે છે કે – પછી અજાણ્યા જેવો એક શખ્સ વારંવાર આવીને એની પાસે બેસી જાય છે… ચીડાયેલો વૃદ્ધ એનો સામનો કરે છે –

પણ કળ વળે તે અગાઉ એ ઇસમ ગાયબ થઇ જતો
ફરી પાછો અણધાર્યો નક્કી આવી ચડતો

… એને થાય છે, એ –

છુમંતરિયા આગંતુક સાથે કેમ પનારો પાડવો
તેની ગડ બેસાડ્યા વિના છૂટકો નહોતો

… પણ એ અજાણ્યો જણ છેલ્લી વાર આવ્યો ને –

ક્યારે એની બાજુમાં ગોઠવાઇ જઇને
આખેઆખો (એને) પોતાની અંદર સમાવી લીધો

… એની એને ખબર પણ ન પડી. આમ છુમંતરિયા શખ્સ જોડે હારની અનિવાર્ય ઘટના ઘટી છે.

૮૦-માં કહ્યું છે એમ એને ખબર હતી કે –

આમ તો છેવટ સુધી
એને નખમાંય રોગ નહોતો

તેમ છતાં ફટાકડાની જેમ એ ફૂટી ગયો તે ઘડી
ચોથ હતી કે પાંચમ કે છઠ હતી
એની છેવટ સુધી
કોઇને ખબર ન પડી તે ન જ પડી.

જુદી જુદી તિથિઓની એણે માથાકૂટભરી ગણતરીઓ કરી જોયેલી, તે છતાં.

૮૪-માં વર્ણવાયેલી ડોશીની નિ:સામાન્ય દૈનંદિનીનું અવસાદમય સમાપન છે –

આજે
ભળભાંખળું થાય તે અગાઉ એ ઊઠી ગઇ
વળી ગયેલી કૅડમાં ખીલા ભૉંકાઇ રહ્યા હોવા છતાં
આખી ઓરડીમાં ચીવટથી સાવરણી ફેરવી લીધી
પાણિયારું ચોખ્ખું કર્યું
થોડીવાર બેસી રહી

… વગેરે બધાં રોજિંદાં કામ એણે સમ્પન્ન કીધાં. કવિએ પણ એ કામોને એટલી જ ચીવટથી રેખાન્કિત કીધાં. જેને ગ્રાફિક ડિસ્ક્રિપ્શન કહે છે એ કર્યું. પણ છેલ્લે તો આમ જ બન્યું :

ઘરને છેલવેલ્લું જોઇ રહેતી
લાંબી ડાંફો ભરતી
પાછું જોયા વિના ચાલી નીકળી ત્યારે
ઊગમણે સાત ઘોડે સવાર સૂર્ય
અજવાળું રેલાવી રહ્યો હતો …

૮૯-માં છે એ વૃદ્ધને –

જીવતેજીવત
બોધ તો થઇ ગયેલો : જીવવું અઘરું છે
પણ મરવું એથીયે અઘરું

… પણ ‘કોણ જાણે ડોસાનો જીવ શેમાં અટવાયો છે તે મરવાનું નામ નથી લેતો’ એવું વૅણ સાંભળીને એને સાર સાંપડે છે કે – ન મરી શકવું તો સહુથી અઘરું છે. બાકી એણે ધારી રાખેલું કે -એક વસ્ત્ર ઉતારવાનું અને બીજું પહેરવાનું

પણ સાવ સામે ઊભા રહી ડાકલાં વગાડતું
એકધારું ઘૉંચપરોણા કરતું
છાતી પર ચડી જઈ છાણાં થાપતું
શ્વાસમાં ફૂંફાડાભેર ઊતરી જતું
હાડનાં પોલાણોમાં ધમપછાડા કરી આવતું
મરવું

… તો એણે ભાળેલું જ. એટલે સુધી કે મરણને મારવા કરતાં રંજાડવું એમ ધારણ બાંધીને બેઠેલો. પણ ધારણા ઊંધી પડી ગઇ.

૯૩-માં મરણોન્મુખ વૃદ્ધની ક્ષણોએ કવિની વર્ણનશક્તિની ભારે કસોટી કરી છે. બધાં વિધાનો એ અવિનાભાવી ઘટનાને ચીંધતાં ભવિષ્યવાચક બની ગયાં છે. એક વાત કાનમાં કહી દઉં – ‘વૃદ્ધશતક’ કોઇની પણ મધ્યસ્થી વગર આખેઆખું માણી શકાય એમ છે. જુઓને, પૂર્વોક્ત વર્ણનોનું હું પણ જેવુંતેવું પૅરાફ્રેઝિન્ગ જ કરી શક્યો છું. પરન્તુ આ વર્ણન તો મને એમ કરતાં ય થકવે એવું છે. આખું ઉતારતાં ય મને સંકોચ થાય છે. વૃદ્ધની એ ક્ષણોને ભાળવા જતાં કવિએ શું શું જોયું તેની અછડતી યાદી આપી દઉં :

બારી પર ઝૂકી આવેલી ફૂલપાંદડાંથી ભરચક્ક ડાળખી. ખરી પડીને બારીના કાચને વળગેલી એની એકાદ-બે પાંદડીઓ. રાતું પતંગિયું. જે પાંખો ફફડાવવાનું છે. ત્યારે એની ઝાંય ચશ્માંમાં અટવાતી કપાઇ જવાની છે. ફડફડતા કોરા કાગળ. તરડાઇ ગયેલી ટાંકમાંથી શાહીનું ટીપું ટપકતું ન-ટપકતું અટકી પડવાનું છે. ગાદલાના સળ દાબમાં ખૂંપીને ગૂંચળું વળી જવાના છે, ચમ્પલની પટ્ટી ઊંચીનીચી થતી હશે ખરી. આડી પડેલી લાકડી હલબલતી હશે ખરી. તાંબાના કળશનું પાણી આછર્યું નહીં હોય. ઓરડો આખો તડકાથી છલોછલ ઊભરાતો હશે … પછી એ જ બધું થનાર તે થશે :

પતંગિયું ઊડી જશે
અને ડાળખી સીધી થઇ
ફરી હવામાં ઝૂલવા લાગશે.
બારીના કાચની બન્ને તરફ
પાંખોની છાયા ઊડાઊડ કરતી રહેશે.

ના-ના કરતાં મેં એમાં છે એને જ કહી નાખ્યું. માટે, સૌએ જાતે જ વાંચી લેવું.

: ૯ :

છતાં, એક વર્ણન વિશે મારે વીગતે કહેવું જ જોઇશે :

કામૂ આપઘાતને મહામોટો પ્રશ્ન ગણતા. કેમ કે એ રીતે મરનારાંને જીવન અર્થહીન અને અસંગત લાગ્યું હોય. પણ કામૂ એમ પણ પૂછે છે કે તો પછી આપઘાત આપણે બધાં કેમ કરતાં નથી -? કેમ કે માણસમાત્ર અનર્થ જોડે લડીઝઘડીને એની વચ્ચે વસતી સંગતતાને શોધી પણ લે છે.

મારી વાચનસૂઝ અનુસાર જણાવું કે આ શતકનો એક પણ વૃદ્ધ મને આપઘાત કરતો કે કરવા વિચારતો જોવા નથી મળ્યો. કેમ કે એ વૃદ્ધોને જીવન અસંગત નથી લાગ્યું. બલકે કામૂ કહે છે એમ, ઇનસ્પાઇટ ઑફ – તેમ છતાં – અસંગત છે છતાં – તેઓએ એને જેવું છે એવું પૂરા દિલોદિમાગથી સ્વીકારી લીધું છે. આ વાતનું જ્વલન્ત દૃષ્ટાન્ત ક્રમાંક ૯૯ પરનું વર્ણન છે : જેમ કે,

નવ્વાણુ વૃદ્ધો
વનમાં ઊંડે સુધી
એની પૂંઠે પૂંઠે પહોંચી આવ્યા છે

… એની એટલે કોની પૂંઠે? એ જે સતત એક હતો તે જ એ એક છે? તેની પૂંઠે? અને નવ્વાણુ વૃદ્ધો તે કયા? ક્રમાંક ૧-માં વન વચોવચ અંધારાથી ઘેરાઇને છેવટે થાકી ગયેલા એ બધા? હા, એ જ. તેમછતાં આ પ્રશ્નો થવા જરૂરી છે. તેમછતાં એના ઉત્તર શોધવાની જરૂર નથી. અહીં આવી પહોંચેલા બધા નવ્વાણુ વૃદ્ધો જે એકને દેખાયા તે છેલ્લા વૃદ્ધને સમજવાની જરૂર છે. એ બધા તો –

એકમેકમાં ગૂંચવાઇ જાય છે
હેઠા પડી જાય છે
એમની આંખો જરાક વાર માટે ખૂલી રહે ત્યારે

એને એમનાં અલપઝલપ બિંબ દેખાઇ જાય છે
ઢળી પડતાં પોપચાં વચ્ચેથી
એ પણ સામટો વેરાઇ જઇ
અંધારાને વધુ ઘેરું કરી નાખે છે

… પછી શું થાય છે? –

એમનો નકરો ગણગણાટ 
એના બહેરા કાન પર પડે છે
પણ પાછીપાની કરવા માટે
એનાં ગાત્રોમાં લગીરે સંચાર નથી

… પણ પેલા થાકી ગયેલા વૃદ્ધો (જે ૧-માં વર્ણવાયા છે) લથડતી પણ મક્કમ ચાલે આગળ વધે છે, એની ભીતર ઊતરે છે, ને એઓના એ વર્તનને એ અટકાવી નથી શકતો. અને –

છેવટે
એય ફસડાઇને બેસી પડે છે

મારી ધારણા છે કે આ વૃદ્ધમાં કવિએ ઘણી રહસ્યમયતા ભાળી છે. છેવટે કવિ ઉપસંહારની રીતે દર્શાવે છે કે એ –

ચૂપચાપ
એકલો
એકલો બેઠો વિચારે છે

… કે –

શત શરદનું આ વન, વિશાળ છે
શત વળે ચડેલું અંધારું અહીંનું, અપાર છે
છાતીના થડકારથી શતગણી ચુપકીદી,
અતાગ છે
ને એ થાકી ગયો છે

વૃદ્ધોને વિશેનો કવિનો એ ઉપસંહાર સૂચવે છે કે શત શરદ તે જીવનઆશાભર્યાં સૉ વરસ. પણ વિરોધાભાસ એ છે કે એ તો વન છે, વળી વિશાળ છે. શત વળે ચડેલું ખરું, પણ અંધારું છે, વળી અપાર છે. છાતીના થડકાર સાચા, પણ એથી શતગણી તો ચુપકીદી છે. જીવન એવી પાયાની નરી અસંગતતાથી રસાયું છે, તેમછતાં આ વૃદ્ધ એને પામી શક્યો છે. સૂચવાય છે કે અસંગત ખરું, પણ જીવન અજ્ઞેય નથી. એવો એ જ્ઞાની છે. છતાં થાકી ગયેલો છે. પણ પછી કદાચ નથીયે રહ્યો. છેવટની અસંગતતાને વર્યો હશે. ૧૦૦-મું કોરું પાન કદાચ એટલે જ શ્વેત અવકાશ છે.

: ૧૦ :

મૂળ પાઠ અને મારાં કંઇક કંઇક ઉમેરણો સહિતનાં ઉપર્યુક્ત વિવરણો ૭ બાબતો સવિશેષે સૂચવશે :

(૧) પ્રોટેગનિસ્ટની નિરીક્ષા અને કવિની અભિવ્યક્તિ પરની વૃદ્ધોનાં જીવનોની આ સરસાઇ જબરી હતી. ખૂબ નોંધપાત્ર છે. કેમ કે એથી એ બન્ને વિનમ્રભાવે વૃદ્ધોના જીવનની વાસ્તવિકતાને વશ રહી શક્યા છે. વૃદ્ધોની જીવનશૈલીમાં એવી ઝીણી ભાત કે પ્રોટેગનિસ્ટની નિરીક્ષાશક્તિને ધારદાર થવા કહે. ભાત એવી સંકુલ કે કવિને મજબૂર કરે હંફાવે એની અભિવ્યક્તિને કસોટીએ ચડાવે, અલંકારોની શોધે ચડાવે. પણ એ સઘળી જરૂરતોને એઓ પ્હૉંચી વળ્યા છે. બન્ને પાસે દુષ્કર ઘટપટને હૂ-બ-હૂ વર્ણવી શકે એવું કુશાગ્ર છતાં સુગમ ગદ્ય છે. પણ એને એમણે વટાવી ખાધું નથી. હંમેશાં નિયમનમાં રહ્યા છે. કવિએ તો વળી, પોતાની સર્જનવૃત્તિને બ્હૅકી જવા દીધી નથી, અંકુશમાં રાખી છે. લગભગ વાજબી રહ્યો છે.

(૨) એકેય વર્ણન પ્રોટેગનિસ્ટના કે કવિના કશા વિશિષ્ટ સર્જકસંકલ્પને આભારી નથી. વર્ણનોનાં મૂળ તો વૃદ્ધોનાં જીવનમાં હતાં —પિપાસા અધૂરપ વિચ્છિનન્તા લાચારી કે ચસકેલ-અવસ્થા રૂપે, જફા ધૂંધવાટ કે ઉન્માદ રૂપે. પહેલેથી હતાં જ. સંતાયેલાં હતાં, પરિસ્થિતિવશાત્ પ્રગટેલાં. એ પ્રાગટ્યોને કંઇ એમણે હેતુપૂર્વક ઘડી કાઢ્યાં નથી.

(૩) વાર્ધક્ય નકરી હકીકત છે. પણ આ વૃદ્ધો એ હકીકતે જન્માવેલી તીવ્ર જિજીવિષાના માર્યા સર્વસામાન્ય ટ્રૅક પરથી ફંટાઇ ગયા છે. સામાન્ય વર્તણૂકોને વટાવી ગયા છે. છતાં ઝઝૂમી રહ્યા છે. પણ ખાસ એ કહેવાનું કે પ્રોટેગનિસ્ટ પાસે કે કવિ પાસે કશો જ પૉઇન્ટ ઑફ વ્યૂ નથી. એટલે એમનાં વિધાનોને સ્વકીય કે પરકીય અર્થઘટનોનો વળગાળ નથી. એમણે વૃદ્ધો પર ટીકાટિપ્પણી નથી કરી. આશ્ચર્ય અફસોસ કે પ્રશ્નો થયા હશે પણ એ પરત્વે એમણે હરફ નથી ઉચ્ચાર્યો, મૌન સેવ્યું છે. એઓ તો વૃદ્ધોમાં સ્થિત વિરોધાભાસને જ વશ વર્ત્યા છે. એમણે જોયું કે વૃદ્ધોને વાસ્તવિકતા દબાવે તો દબાઇ જાય છે પણ કલ્પના ચગાવે તો ચગીયે જાય છે. અસહાય હોઇને દયનીયતા અનુભવે છે પણ જોર કરીને આશ્વસ્ત પણ થઇ જાય છે. કોઇ ક્ષણોમાં અસ્તિત્વ એમને અર્થહીન ભાસે છે પણ તરત ત્યાંથી પાછા ફરી જાય છે. મૃત્યુના એમને અંદેશા થતા રહે છે, સંદેશા મળતા રહે છે, પણ ડગી નથી જતા, લડી લેવાની હિમ્મત એકઠી કરે છે.

(૪) જરાજર્જર શરીર, અસહાયતા, એકલતા, અમૂંઝણ, જડતા, અસમંજસતા, લાચારી, પરવશતા, નિરાશા વગેરેથી સમ્પૃક્ત ન ખૂટતી જિજીવિષા અને સમ્મુખે ખડું મૃત્યુ જે બોલાવ્યું આવે નહીં એવા વાર્ધક્યને એમણે જોયું જરૂર છે પણ કશા ચિન્તકની જેમ વાર્ધક્યચિન્તન નથી કર્યું. ખરેખર તો એઓ વૃદ્ધોના જીવનવાસ્તવની સુન્દરતાને શોધી રહ્યા છે અને નક્કી રાખ્યું છે કે શબ્દસૌન્દર્ય ભલે એને અનુસરતું રહે.

(૫) તેઓ કદી ફર્સ્ટ વૉઇસમાં બોલ્યા નથી. ‘પોએટ ટૉકિન્ગ ટુ હિમસેલ્ફ ઑર ટુ નોબડી’ તે ફર્સ્ટ વૉઇસ એવું ભલેને ઍલિયટે કહેલું. કદીપણ ‘હું જોઉં છું’ કે 'મને દેખાય છે’ જેવા ‘હું’-પદથી બોલ્યા નથી. એમણે પોતાની કે કોઇની પણ સામે વૃદ્ધો વિશે કશો આલાપવિલાપ નથી લલકાર્યો. એઓએ તો હંમેશાં બીજાને, આપણને, સમ્બોધ્યા છે.

(૬) આ હકીકતો સૂચવે છે કે પોતે માત્ર જોનારા છે – સાક્ષી – ઑનલૂકર. અને એમનાં સમ્બોધનો પણ લીલાંસૂકાં વિધાનોથી વિશેષ નથી.

(૭) પરિણામે, બન્ને જણા ચીંધી શક્યા છે કે વૃદ્ધોનાં અસામાન્ય છતાં સ્વાભાવિક જીવનો જે છે એ, સ્વ રૂપે જ એમ છે. સૂચવી રહ્યા છે કે જીવનની એ સમવિષમ અસલિયત પોતે જ આકર્ષક અને કાવ્યસદૃશ થઇને શોભી રહી છે.

એથી મને તો વૃદ્ધો ખૂબ રસપ્રદ અનુભવાયા છે. સમજાયું છે કે અસંતુલન જ વાર્ધક્યની સ્વાભાવિક પરિભાષા છે બલકે વાર્ધક્ય પોતે જ રમ્ય પરિસ્થિતિ છે. જાણે ‘વૃદ્ધશતક’-નો દરેક વૃદ્ધ એને મૉજથી ખેલી રહ્યો છે. જાણે એમની રમતમાં કોઈ મહા ખેલાડી જીવનસુન્દર લીલા ખેલી રહ્યો છે.

: ૧૧ :

પણ મારે એમ તો કહેવું જ જોઇશે કે એ સૌન્દર્યને ધારણ કરે છે વિધાનકર્તાની વાણી. એ વાણી સુઘડ છે. એથી વિધાનો ચોખ્ખાં નીવડ્યાં છે. ચોખ્ખાં કેવા અર્થમાં?

આવા અર્થમાં : વર્ણનના ઉદ્દેશ્ય રૂપે વૃદ્ધો છે અને વિધેય રૂપે વિધાનો છે. આમ છે, આવું બની રહ્યું છે, કહેનારાં મોટાભાગનાં વિધાનો વર્તમાનકાળમાં છે. એમાં કર્તા કર્મ ક્રિયાપદની વ્યવસ્થિત અન્વીતિ છે. ભલે વિરામચિહ્નો નથી પણ વાક્યના નાનામોટા ટુકડા પ્રશ્ન ઉદ્ગાર અચરજ વગેરેને સાચવે છે. કાકૂ સમ્પન્ન થયા છે. વિધાનો હોઇને ઘણું જણાવે છે. પ્રગટ કરે છે. દૃઢ કરે છે. અર્થવિલમ્બન કે કશા જ વ્યવધાન વિના સંક્રમણ સાધે છે. શબ્દો પોતાનાં કામ પતાવીને ચાલ્યા જાય છે. બધું પારદર્શક છે. વિધાનો વૃદ્ધોના આછાપાતળા કે અતિશયિત, ગ્રાહ્ય કે દુર્ગ્રાહ્ય, ભૂતકાલીન સંદર્ભોમાંથી પ્રગટેલી તેમની પ્રવર્તમાન અવસ્થાને ઉકેલે છે અને તેને એક ભાવમાં બાંધીને રજૂ કરે છે.

દરેક વર્ણન એવો ભાવપુદ્ગલ છે. શતકના દરેક પાને એક ભાવપુદ્ગલ દીપ બનીને અજવાળાં પાથરે છે.

હું એમ પ્રસ્તાવ મૂકું કે અહીં કશી રસસૃષ્ટિ નથી પણ એ બધા ભાવપુદ્ગલોથી જે ભાવસૃષ્ટિ પ્રગટી છે એ જ છે ‘વૃદ્ધશતક’-ના કવિ કમલ વોરાની કવિતા, તો આઘાતક નીવડશે. મુખ્ય કારણ તો એ કે કમલે અહીં વિભાવાદિનો સંયોગ કરીને કોઇ જ રસની નિષ્પત્તિને તાકી નથી. એમ કહું કે આ સુગઠિત વર્ણનવાણી છે, પરમ્પરાગત કાવ્યભાષા ઓછી છે, માટે આ કવિતા સાંભળવા માટે છે, વાંચવા માટે નથી, તો પણ ચૉંકી જવાશે. વળી અહીં રૂપાન્તરણને માટેનાં સાધનોને અગ્રિમ-તા નથી અપાઇ. કલ્પન ક્યારેક છે પણ કલ્પનરસ કાજે નથી. દૃશ્યને વફાદાર રહેવા માટે છે. સૂરજ તડકો સાંજ જંગલ વન અંધારું પવન પતંગિયું બારી વગેરે પ્રતીકો છે પણ તે-તેના પ્રતીકાર્થોને આગળ નથી કરાયા, ખાલી તેના અધ્યાસોને જોડ્યા છે. ક્યારેક ઉપમા જેવા અલંકાર ફરકે છે પણ તેમની આગવી શોભાને ડાબી કરી દેવાઇ છે. અહીં કોઇ કાવ્યપ્રકાર નથી. એટલે સૉનેટની જેમ આ ભાવપુદ્ગલ પર ચિન્તોર્મિનો ઢોળ નથી ચડાવાયો. અતિ વાર્ધક્ય અને મરણોન્મુખ અવસ્થાઓનાં વર્ણનો છે છતાં એમાં મૃત્યુમીમાંસાનો છાંટો નથી. કથા છે પણ ટેકણ માટે, આખ્યાન કે ખણ્ડકાવ્યમાં થાય એમ માંડીને કહેવા માટે નહીં. નિયમિત લય સંપડાવનારું છાન્દસ કે અનિયમિત લયે દોરી જતું અછાન્દસ કાવ્યમાધ્યમ પણ અહીં નથી. એટલે એવી ઢાંચાઢાળ કાવ્યબાની પણ નથી. ગદ્ય છે પણ પારદર્શક છે.

આમ, અહીં પરમ્પરાગત કાવ્યમાધ્યમ કાવ્યપ્રકાર કે બાની નથી પણ કાવ્યવિષય જરૂર છે -વાર્ધક્ય. સૌને વિદિત મનુષ્યજીવનાનુભવનો ધીંગો અન્તિમ સંવિભાગ. જેને સફળતાપૂર્વક ઓળખવા મથ્યા પ્રોટેગનિસ્ટ અને કવિ તેમ જ એ બન્નેની પાછળ ઊભેલા એ બન્નેના માલિક કમલ વોરા.

આ બધાંનું પરિણામ એ આવે છે કે વાચક ભાવપુદ્ગલોનો સદ્ય સાક્ષાત્કાર કરી શકે છે. ત્યારે એનું સહૃદય ભાવક હોવું અનિવાર્ય નથી. એ એક સંવેદનશીલ ભાષક હોય, પૂરતું છે. વિધાનોની પેલી ચોખ્ખાઇ ભાષકને જે ઉમેરવું હોય એ ઉમેરવાની જગ્યા આપે છે. જેથી એની ચેતના વાર્ધક્યમાં તદાકાર થઇને એક જાતની મનમુદિતામાં ઠરે છે. એ ઘટનાને રસાનુભવ કહેવાની જરૂર નથી રહેતી. કાવ્યશાસ્ત્રી ભલે શોધી કાઢે કે એને એમ કહેવાય કે તેમ કહેવાય.

: ૧૨:

સઘળો આ છે, વર્ણનાત્મક વિધાનોને કાવ્યત્વ અર્પનારો પુરુષાર્થ – જેના ખરા સર્જક છે, કવિ કમલ વોરા.

: ૧૩:

નિત્શે કહેતા કે વસ્તુઓ સરખેસરખી છે એમ કહેવું સહેલું છે પણ તે કેવી રીતે જુદી છે એ કહેવું અઘરું છે. હું પણ એ જ અનુભવી રહ્યો છું. મારા માટે એમ કહેવું સરળ છે કે આમ તો આ કવિતા, કવિતા જેવી કવિતા છે. પણ એમ કહેવું કે ના એ કવિતા જેવી કવિતા નથી કેમ કે કવિતાકલાનાં સિદ્ધ-પ્રસિદ્ધ ઉપકરણોને ચાતરીને જીવનને જ લક્ષમાં લેનારી અનોખી છે, તો અઘરું છે. વિધાનકવિતા છે કહેવું સાચું છે પણ સામાના ગળે ઉતારવું અઘરું છે. સ્ટેટમૅન્ટ પોએટ્રી છે કહેવું અઘરું નથી પણ એ અંગ્રેજી પર્યાયથી ભડકી જવાય તો આખ્ખું ઑર અઘરું થઇ જવાનું છે. તેમ છતાં સમજાશે કે એ સર્વ જુદાપણાને હું ઘણી આત્મશ્રદ્ધાથી ખાસ્સા વિસ્તારથી અને શક્યતમ સરળતાથી મૂકી શક્યો છું.

પણ એટલે આ કવિતા રીઢી વિવેચનાની પકડમાં નહીં આવે. આ પ્રકારે જીવન તરફ બલકે અસલિયત તરફ વળેલી કવિતાને ઉકેલવાનું રૂપનિર્મિતિવાદીઓ માટે મુશ્કેલ છે. ભાષાક્રીડા, કલ્પન-પ્રતીકસજ્જ અર્થવત્તા, લયવિધાન, જાણીતા સર્જકતાવિશેષો, વગેરે અહીં છે નહીં ને તેથી એની શોધમાં વ્યસ્ત પૃથક્કરણકારો માટે પણ આ ભાવપુદ્ગલો અપ્રસ્તુત છે. તો એ રૂપલક્ષી વિવેચનાએ અહીં શેના પર ખોડાવું? એવી એની જાણીતી ‘ઑન ધ પેજ’ પ્રવૃત્તિને અશક્ય સમજીને ધારો કે કોઇ વિવેચક ‘ઑફ ધ પેજ’ પ્રવૃત્તિ તાકે તો એને પણ અહીં તક નથી. કેમ કે આ તમામ વર્ણનો કશી સામાજિક સાંસ્કૃતિક સ્થિતિ-પરિસ્થિતિને રીફર નથી કરતાં. તાત્પર્ય એ કે અહીં માર્જિન-સૅન્ટરની અદલબદલવાળું સગવડિયું મૉડેલ પણ ચાલે એમ નથી. પણ કાવ્યવિષય, વાર્ધક્ય, સનાતન વિષય. મૃત્યુસમ્મુખે વિકસતી દારુણ અવસ્થાઓમાં અટવાતા અસ્તિત્વની કઠિનાઇ. અવિનાભાવી. અને એને દર્શાવતાં અવશ્યંભાવી વિધાનો. અને એથી બંધાયેલા ભાવપુદ્ગલો. અને એથી થતો જીવનસાક્ષાત્કાર. શું પર્યાપ્ત નથી?

કમલને હૃદયપૂર્વકનાં અભિનન્દનો.

===

‘વૃદ્ધશતક’ : કાવ્યસંગ્રહ : કમલ વોરા : પ્રકાશક – ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, A-403, Parasnath, Sudha Park, Shanti Path, Ghatkopar (East), MUMBAI – 400 077, India : e.mail –etadindia@gmail.com : પહેલી આવૃત્તિ – 2015 : પૃ. 112 : મૂલ્ય –રૂિપયા – 150

 

e.mail : suman.g.shah@gmail.com

[પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”, પુસ્તક : 83; અંક : 2; એપ્રિલ-જૂન 2018; પૃ. 48-60]

Loading

23 December 2018 admin
← ‘વિટનેસ પ્રોટેક્શન સ્કીમ’ : સાક્ષીઓને સુરક્ષા મળશે?
Just Like That →

Search by

Opinion

  • દીપોત્સવ તારા અજવાળે જ છે …
  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને

Poetry

  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved