
હિતેશ રાઠોડ
કોઈપણ રાષ્ટ્ર કે સમાજનો પાયો વ્યક્તિ છે. વ્યક્તિ થકી જ સંસ્કૃતિઓ ઉદ્દભવે છે, ફૂલેફાલે છે, વિકસે છે અને એમાંથી સમાજ અને રાષ્ટ્ર નિર્માણ પામે છે, અને એ અર્થમાં પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્ર અને સમાજ માટે પાયાની ઈંટ સમાન છે. વ્યક્તિ થકી જ સર્જન થાય અને વિનાશ વેરાય થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સર્જક અને વિધ્વંસક પણ આખરે તો વ્યક્તિ જ છે. આ સકારાત્મક સર્જન અને વિનાશક વિધ્વંસનો આધાર પોતાને મળેલ ભૂમિકા દરેક વ્યક્તિ કેવી અને કેટલા શુભ આશય અને સત્ય-નિષ્ઠાથી નિભાવે છે એના પર રહેલો છે. ટૂંકમાં ઈષ્ટ અને અનિષ્ટ બંનેના પાયામાં પણ મૂળે તો વ્યક્તિ જ હોય છે. સામાન્યત: શુભ, સારું, સત અને ઈષ્ટ સર્જનના પાયામાં જે વ્યક્તિ હોય તે પૂજનીય અને અશુભ, ખરાબ, અસત અને અનિષ્ટ નિર્માણના પાયામાં જે વ્યક્તિ હોય તે નિંદનીય ગણાતી હોય છે. પૂજનીય અને નિંદનીય એમ બંને પ્રકારની વ્યક્તિઓ સારા-નરસા પ્રસંગોપાત લોકમુખે ચર્ચાતી રહેતી હોય છે અને આ બંને પ્રકારની વ્યક્તિઓના સારા અને નરસા યોગદાનને યથાપ્રસંગ લોકો વાગોળતા રહેતા હોય છે.
પોતાનાં કાર્યો હંમેશાં સદ્દભાવ અને સારા આશયથી અને અન્યોના ભલા માટે કરતા હોય છે એવી વ્યક્તિ માટે કરવામાં આવતી વ્યક્તિપૂજા એ કોઈ નવી વાત નથી. આદિ-અનાદિકાળથી વ્યક્તિપૂજા થતી આવી છે અને આગળ પણ થતી રહેશે. સત્યપ્રિય, નિષ્ઠાવાન, કાબેલ, કુશળ, વિદ્વાન, વિચક્ષણ અને નખશીખ નિર્મળ બૌદ્ધિક અને સાત્ત્વિક પ્રતિભા ધરાવતી અને પોતાનાં કાર્યો થકી દેશ અને સમાજમાં પોતાના સકારાત્મક કાર્યોનો પમરાટ ફેલાવતી વ્યક્તિની પૂજા સામે કોઈને ક્યારે ય વાંધો ના હોઈ શકે. આવી વ્યક્તિની વ્યક્તિપૂજા અન્યોને સારુ કરવાની પ્રેરણા પૂરી પાડતી હોય છે. જો કે, હાલમાં જે રીતે અમુક લોકો પોતાની સમજણ અને વિવેકબુદ્ધિના દ્વાર સાવ બંધ કરી, આંધળી વિવેકહીન વ્યક્તિપૂજાને અનુસરી રહ્યા છે એનો રાષ્ટ્ર અને સમાજ પર વિઘાતક પ્રભાવ પડી શકે છે.
વ્યક્તિપૂજા એ વ્યક્તિની અંગત બાબત છે એની સામે કોઈને વાંધો ન હોઈ શકે પણ જો એ વ્યક્તિપૂજા સમજણ વિનાની અને ગાડરિયા પ્રવાહની માફક સામૂહિક રૂપ ધારણ કરી એકબીજાનું આંધળું અનુકરણ કરે, ત્યારે એ અંધશ્રદ્ધાથી વિશેષ કંઈ નથી. આવી વ્યક્તિપૂજા બેશક નિંદનીય છે. ખાસ કરીને જાહેર જીવનની કોઈ વ્યક્તિ કે જેનું દરેક કૃત્ય લોકોને વ્યાપક રીતે પ્રભાવિત કરતું હોય ત્યારે સમજણના દ્વાર બંધ કરી પૂજાને લાયક ન હોય એવી વ્યક્તિ માટે કરવામાં આવતી વ્યક્તિપૂજા આવી ના-કાબેલ વ્યક્તિના અહંનો પારો સાતમો આસમાને પહોંચાડી દેતી હોય છે, અને પોતાના સંકુચિત માનસ અને અધકચરી બૌદ્ધિકક્ષમતાના પરિણામ સ્વરૂપ એ વ્યક્તિ પોતાને ભગવાન સમકક્ષ માનવા લાગે છે અને પોતાના પ્રત્યેક કૃત્યને દૈવિક ગણવાની ધૃષ્ટતા કરી બેસતી હોય છે, જેના માઠાં પરિણામો પછીથી જનતાએ ભોગવવા પડી શકે છે.
જાહેર જીવનમાં કોઈ પદ પર આસિન કે પછી અન્ય કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિ આખરે વ્યક્તિ છે, કંઈ ભગવાન તો નથી જ નથી, અને એ નાતે વ્યક્તિમાં અમુક અથવા કહો કે ઘણી બધી માનવસહજ ઊણપો, નબળાઈઓ અને ખામીઓ તો રહેવાની જ, અને આ ઊણપો, નબળાઈઓ અને ખામીઓને લીધે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે તે જાણે-અજાણે બીજાનું અહિત કરી શકે છે, બીજાને નુકસાન પહોંચાડી શકે છે, બીજાના જીવ જોખમમાં મૂકી શકે છે. જેમનામાં કોઈ શક્તિ, ક્ષમતા, કાબેલિયત, આવડત કે એવી વિચક્ષણ બૌદ્ધિક પ્રતિભા નથી એવી વ્યક્તિની વ્યક્તિપૂજા કરવાથી એને પોતાની ભૂલો, પોતાની નબળાઈઓ, ખામીઓ કે ઊણપો દેખાતી જ નથી. આવી વ્યક્તિ હંમેશાં એવું માનવા પ્રેરાય છે કે પોતે જ સર્વશક્તિમાન છે અને પોતાના કરતાં વધું કોઈ બુદ્ધિશાળી, સમર્થ કે તાકતવાર નથી, અને એ વ્યક્તિની આ માનસિકતા જ બીજા માટે હાનિકારક સાબિત થાય છે. સમજણ વિનાની અને વિવેકહીન વ્યક્તિપૂજાના અતિરેકમાં માનવસહજ નબળાઈઓ અને ઊણપો સામે આંખ આડા કાન કરી અથવા તો નબળાઈઓ અને ઊણપોને દૈવીગુણમાં ખપાવી વ્યક્તિના પ્રત્યેક કૃત્યને મહાન ગણી પ્રશંસાની અતિશયોકિતનો તડકો લગાવી સ્વાદિષ્ટ વાનગી તરીકે રજૂ કરી લોકોને પીરસાવામાં આવે એને અજ્ઞાનતાની (અપ્રિય શબ્દોમાં કહીએ તો મૂર્ખતા) પરાકાષ્ટા સિવાય બીજું કંઈ ન કહી શકાય! અને હદ તો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિપૂજકો આવી ના-કાબેલ વ્યક્તિને મહામાનવ અથવા ભગવાન સમકક્ષ માનવા લાગે છે અને એનાથી કોઈ ભૂલ થાય જ નહિ એવી અવધારણા લોકોના મનમાં ઠસાવવા અથવા ભૂલ થઈ હોય તો એને પણ વ્યાજબી ઠરાવવા સતત પ્રયાસ કરવા લાગે છે.
જાહેર જીવનમાં આવતી વ્યક્તિ પોતાની સ્વમરજીથી અને નિષ્કામભાવે લોકોની સેવા કરવાના ઉદ્દેશથી આવતી હોય છે. અલબત્ત જાહેર જીવનમાં પ્રવેશતી વ્યક્તિની પોતાની મહત્ત્વાકાંક્ષા હોવી એક અલગ વાત છે પણ એ મહત્ત્વાકાંક્ષા ક્યારે ય લોકહિતના ભોગે ન હોવી જોઈએ. ઉપરાંત, હવેના સમયમાં લોકોની આ કહેવાતી ‘સેવા’ કોઈ જાહેર સેવકો મફતમાં કરતા નથી. આ સેવાના બદલામાં એ ‘સેવકો’ને સારા એવા ‘મેવા’ મળતા હોય છે. ટૂંકમાં, જાહેર જીવનમાં પડેલ વ્યક્તિ જે કંઈ કાર્યો કરે છે એ સેવાનાં નામે એમના પોતાના વ્યક્તિગત ફાયદા માટે પણ હોય છે એટલે એમના ‘સેવા’નાં કાર્યો માટે એમને અનાવશ્યક રીતે બિરદાવી લોકોએ એમના કૃતજ્ઞ થવાની પણ જરૂર નથી. કેમ કે સેવાના આ કાર્યો એ એમના ખિસ્સાના પૈસે નહિ પણ પ્રજાની પરિશ્રમની કમાણીમાંથી કરે છે, અને એમને ખુદને પણ પ્રજાની કમાણીમાંથી જ અધધ ‘માનદ વેતન’ મળતું હોય છે. લોકશાહી એ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા સંતોષવાનું નહિ પરંતું જનસમૂહની આંકાક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે પોતાની ક્ષમતા, કૌવત અને કાબેલિયત પુરવાર કરવાનું સાધન છે.
વ્યક્તિપૂજા એવા લોકોની થવી જોઈએ જેઓ સદાય સામાન્ય જનસમુદાયનું ભલું વાંછતા મુઠ્ઠી ઊંચેરા માનવી છે. સામાન્ય લોકોની પીડા, વેદના, વ્યથા, હાડમારીઓ અને પરેશાનીઓને પોતાની માની છે, દેશની આમજનતાના શરીર પર વસ્ત્રો ન હોય ત્યારે જેમણે વસ્ત્રોનો ત્યાગ કર્યો છે, જેઓ આમ જનતાના દુ:ખે દુ:ખી થયા છે, જેમણે વ્યક્તિગત સુખોપભોગ અને દુન્યવી મોહમાયાને બાજુએ રાખી નિસ્વાર્થ ભાવે દેશહિત અને જનસેવા કાજ પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું હોય અને જરૂર પડ્યે દેશહિત કાજ જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી છે.
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()

