Opinion Magazine
Number of visits: 9449207
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વાસની વાટે ચાલનારનો અદનો પ્રતિનિધિ – સિમોન કુરેની (Simon of Cyrene)

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|9 May 2021

હરિનો માર્ગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો,

પરથમ પહેલું મસ્તક મૂકી વળતાં લેવું નામ જોને.

મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રિતમદાસની આ પંક્તિઓ પ્રભુને માર્ગે ચાલવાની શરત બતાવે છે. પરમેશ્વરને ખાતર મસ્તક મુકવાની તૈયારી હોય તેને માટેનો આ માર્ગ છે. અને સ્વાભાવિક છે કે જે મસ્તક મુકવા, પ્રભુને નામે બલિદાન આપવા તૈયાર હોય તે શૂરો જ હોય, કાયરનું, ડરપોકનું આમાં  કામ જ નથી. પ્રભુ ઇસુ સ્વયં કહે છે કે, –   ‘… જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્થંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.’ (માર્ક 8.34) પોતાનો, પોતાની જાતનો, પોતાના વ્યક્તિત્વનો નકાર કરવો (Self Denial) એ આજના સ્વકેન્દ્રિત અને ગુમાની વિશ્વમાં અશક્ય બાબત છે. પોતાના પાપોનો સ્વીકાર કરવો અને પ્રાયશ્ચિત કરવું એ શિષ્યપણાની પ્રાથમિક શરત છે. ‘બાઈબલ’ના ‘નવાકરાર’માં શિષ્યપણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું એક ઓછું જાણીતું, માત્ર એક જ પ્રસંગે થોડીવાર માટે આવતું Simon of Cyrene / ગ્રીકમાં simon Kyrenaios. (kurene – રોમનાઈઝ ગ્રીક નામ)   ગુજરાતી અનુવાદ મુજબ સિમોન કુરેનીનું પાત્ર છે. મેરી મેગ્ડેલીનની જેમ જ સિમોન કુરેની વિશે પણ ઝાઝી ચર્ચા આપણે ત્યાં થઇ નથી.

બાઈબલના નવા કરારમાં ઈસુના ક્રુસિફિકેશન પૂર્વેની ઘટનાના સમયે સિમોન કુરેની(Simon of Cyrene)નું પાત્ર આપણી સમક્ષ આવે છે. ચાર પૈકીના ત્રણ સુવાર્તા લેખકો માત્થી, માર્ક અને લુક એક સમાન રીતે આ પ્રસંગ અને પાત્રને આલેખે છે. જુઓ –

માત્થી 27.32 – ‘તેઓ બહાર જતાં હતા ત્યારે કુરેનીનો સિમોન નામે એક જણ તેઓને મળ્યો, તેની પાસે તેઓએ તેનો વધસ્થંભ પરાણે ઊંચકાવી લીધો.’

માર્ક 15.21 – ‘સિમોન કરીને કુરેનીનો એક માણસ, જે એલેકઝાંડરનો તથા રૂફસનો પિતા હતો, તે સીમમાંથી આવતાં ત્યાં થઈને જતો હતો, તેની પાસે તેઓએ બળજબરીથી તેનો વધસ્થંભ ઊંચકાવ્યો’.

લુક 23.26 –‘તેઓ તેને લઇ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનેનો એક માણસ સીમમાંથી આવતો હતો, તેને પકડીને તેઓએ તેની ખાંધે વધસ્થંભ ચઢાવ્યો, કે તે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે.’

યોહાન 19.17 – ‘પછી તે પોતાનો વધસ્થંભ ઊંચકીને ખોપરીની જગા, જે હેબ્રી ભાષામાં ગલગથા કહેવાય છે, ત્યાં બહાર ગયો.’

ઉપરોક્ત હકીકત જોતાં માત્થી, માર્ક અને લુક ત્રણે સિમોનના પ્રસંગની નોંધ લે છે,  માત્ર સંત યોહાન જ આ પ્રસંગમાં સિમોનના પાત્રનો નામોલ્લેખ  કરતા નથી. નોંધપાત્ર બાબત એ છે કે ચારેય સુવાર્તા (Gospel) ઈ.સ.70થી 110ની વચ્ચે લખાઈ હોવાનું મનાય છે અને ઇસુના સેવાકાર્યોના સાક્ષી આ ચારમાંથી કોઈ નહોતા. આ ચારેય પુસ્તકોના સમયને જોઈએ તો સૌ પ્રથમ સુવાર્તા માર્કની લખાઈ હોવાનું મનાય છે . ઈ.સ.60થી 70ની વચ્ચેનો એનો સમયકાળ છે. 70 CE જ્યારે યરુશાલેમના મંદિરનો બીજીવાર નાશ કરવામાં આવ્યો એ સમય હશે. માત્થી અને લુકની સુવાર્તા માર્કના લખાણથી પ્રેરિત છે, તેઓ માર્કને અનુસરે છે. માર્કની સુવાર્તા પ્રભુ ઈસુના શિષ્ય પિતરના ઉપદેશ કે તેની સાથેની ચર્ચા પર આધારિત છે. પ્રભુ ઈસુના શિષ્ય પિતર, ઇસુની સાથે પ્રત્યક્ષ હોવાથી માર્કનું લખાણ વધુ વિશ્વાસપાત્ર લાગે છે. માર્ક પિતરનો આધ્યાત્મિક પુત્ર છે.  હા, માર્કના ગોસ્પેલ વિશે બી.એચ. સ્ટ્રિટર કંઇક આમ કહે છે – ‘Mark reads like a shorthand account of a story by an imprompty speaker’ માર્ક પિતરની વધુ નજીક હતો, લોકો ઇસુ વિશે પિતર પછી માર્કને પૂછતા. લુક એક સીરિયન ડોક્ટર હતો gentile હતો. લુકની સુવાર્તા ઈ.સ.85ની આસપાસ, રોમન શાસક ડૉમીશનના સમયમાં લખાઈ હોવાનું માનવામાં આવે છે. માત્થીની સુવાર્તા 80-90ની વચ્ચે સંકલિત થઇ હોવાનું મનાય છે. યોહાનની સુવાર્તા 90થી 110ની વચ્ચે લખાઈ; આ સુવાર્તા વધુ સુચારુ રીતે લખાઈ છે અને માટે વધુ વ્યવસ્થિત રીતે ઈસુનાં જીવનકાર્યોને દર્શાવે છે.

સિમોન ઉત્તર આફ્રિકાના પૂર્વ લિબિયાના ત્રિપોલી પાસે આવેલા કુરેન પ્રાંત જે  ગ્રીક વસાહત હતી ત્યાંનો વતની હતો. કુરેન(Cyrene)માં લગભગ એક લાખ જેટલા યહૂદીઓ રહેતા હતા, જેઓને તત્કાલીન ગ્રીક શાસક Ptolemy soterના સમયમાં 323 – 285 ADમાં  યહૂદિયા પ્રાંતથી બળજબરી પૂર્વક સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. કુરેનના યહૂદીઓ દર વર્ષે પાસ્ખાપર્વ ઉજવવા પોતાના વડવાઓના દેવ પ્રભુ યહોવાહના મંદિરમાં City of David  યરુશલેમ ઉપાસના માટે આવતા. પછીથી કુરેની (Cyrene) પ્રારંભિક ખ્રિસ્તીઓનું મોટું કેન્દ્ર બન્યું  હતું.

ગ્રીક વસ્તીની વચ્ચે રહેતા હોવા છતાં કુરેનીના લોકો પોતાના પૂર્વજોના દેવ યહોવાહમાં વિશ્વાસ ધરાવનાર સમર્પિત યહૂદી હતા. તેઓમાંનો સિમોન કુરેની પણ પાક્કો વિશ્વાસી હતો, એના વિશ્વાસે કરીને તો એ ઉત્તર આફ્રિકાના કુરેન(Cyrene)થી ઘણાં યાત્રાળુઓ સાથે 800 -900 milesની દરિયાઈ મુસાફરી કરી જોપ્પા બંદરે ઉતર્યો, જોપ્પાથી જેરુસલેમની 60-70 km પર્વતો, રણ અને ધૂળિયા માર્ગની દુર્ગમ યાત્રા કરી પાસ્ખાપર્વ (Pass Over) માટે આવે છે, કદાચ બીજા બધા યહૂદીઓ આ રીતે આટલી તકલીફ વેઠીને નહિ આવતા હોય.

એક કાલ્પનિક કથા પ્રમાણે સિમોનને યરુશલેમમાં રહેવા ઘર કે જગ્યા ન મળતાં તે નજીકના ગામમાં રોકાય છે અને બીજા દિવસે યરુશલેમ આવતાં નગરની સુંદરતા જોઈ આનંદિત થાય છે, પોતાના બાપ દાદાના દેવ પ્રભુ યહોવાહના મંદિરમાં પૂજા અને મસીહાના દર્શનનું સ્વપ્ન લઇ આવેલા સિમોનની નજર, નગરની શેરીઓમાં ફરતાં એક આશ્ચર્યજનક દ્રશ્ય પર પડે છે.  કશુંક અસાધારણ – અસામાન્ય એને દેખાય છે, લોકોનું એક મોટું ટોળું તે જુએ છે અને ઉત્સુકતાવશ તે પણ ટોળાંનો ભાગ બને છે . સિમોનની નજર રોમન સૈનિકોની બે હારમાં ચાલતી ટુકડીની વચ્ચે ચાલતા ત્રણ જણ (ત્રણ કેદી) પર પડે છે. દરેકે પોતાનો વધસ્થંભ (Cross) ઊંચક્યો હતો, મરવાને માટે, ક્રુસિફિકેશન માટે. સિમોનની નજર ત્રણ પૈકીના એક પર સ્થિર થાય છે, જેનાં લૂગડાં લોહીથી લથપથ હતા, શરીર પર કોરડાના મારને કારણે ઊંડા ઘા પડેલા હતા જેમાંથી લોહી વહી રહ્યું હતું, માથા પર કાંટાનો મુગટ પહેરાવેલો હતો … આ દર્દનાક દ્રશ્ય જોઈ સિમોન દ્રવી ઊઠે છે, એ વિચારમાં પડી જાય છે કે, શા માટે ? શા માટે આ એકલા પર આટલો બધો અત્યાચાર ? તે અશક્ત અને થાકી ગયેલો લાગતો હતો, ક્રોસ ઊંચકવા એ અસમર્થ લાગતો હતો, પડી જવાની તૈયારીમાં હતો …. સિમોનના હૃદયમાં અનુકંપા જન્મી, તે ઘેરા  શોક અને આઘાતમાં સરી પડ્યો. તેને પ્રશ્ન થયો કોણ છે આ ? સિમોનના પ્રશ્નના જવાબમાં ચારે બાજુથી યહૂદીઓના ઠઠ્ઠાભર્યા અનેક પ્રતિભાવો આવ્યા, – કોઈકે કહ્યું કે એ ઈસુ છે. ‘એણે કહ્યું હતું કે હું દેવનો દીકરો છું’ તો દેવ આવાં સમયે ક્યાં છે ?, એણે બીજાઓને બચાવ્યા હતા પણ હવે પોતાને બચાવી શકતો નથી ! તો વળી કોઈકે કહ્યું કે, એ મંદિરને પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનું કહેતો હતો, તે પોતાને યહૂદીઓનો રાજા કહે  . કોઈક વળી બોલ્યો કે, એણે લાજરસને અને વિધવાના દીકરાને જીવન આપ્યું હતું પણ પોતાનું જીવન કેમ બચાવતો નથી ? તો બીજા એકે બૂમ પાડીને કહ્યું કે, એણે પાંચ રોટલી અને બે માછલી વડે પાંચ હજારને જમાડ્યા ત્યારે હું પણ ત્યાં હતો, તો આજે કેમ કોઈ ચમત્કાર કરતો નથી ? તેનામાં જીવન છે, તે સર્વશક્તિમાન છે તો આજે શું થયું ? એ નાઝરેથનો ઇસુ છે જે પોતાને યહૂદીઓનો રાજા (King of Jews)  કહેતો હતો. સિમોન આ સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો. તેને અત્યાર સુધી આ ઈસુ છે એવી ખબર નહોતી, હા, એ ચોક્કસ જાણતો હતો કે, એક ઉદ્ધારક આવશે, Messiah will come કેમ કે યહોવાહ વિશેની દરેક કથાનો સાર એ છે કે, Messiah will come. તમારે માટે એક ઉદ્ધારક આવશે.

સર્વ સત્તાધીશ હોવાને કારણે રોમન સૈનિકો કોઈ પણ વ્યક્તિને પોતાનાં કામ કે ઉપયોગ અર્થે પકડી શકતા, સિમોનના આંતરમનમાં ઈસુ પ્રત્યે જન્મેલી અનુકંપાના ભાવોનું રેખાંકન તેના ચહેરા પર જોઈ, રોમન સૈનિકોએ સિમોનને પકડ્યો અને … પરાણે ઇસુનો વધસ્થંભ તેની કાંધે મૂક્યો. કેમ કે રોમન સૈનિકો ઈસુને હજુ વધસ્થંભની વધુ ક્રૂર યાતના અને વેદના માટે બચાવી રાખવા માંગતા હતા ! ઉપરાંત સિમોન આફ્રિકન નીગ્રો હોવાને કારણે દેખાવે બીજા યહૂદીઓથી અલગ પડતો હતો અને શારીરિક રીતે મજબૂત હતો. એટલું જ નહિ યહૂદીઓ ઈસુના વિરોધી અને તેને સજા કરાવવા માંગતા હતા માટે એક આગંતુક વ્યક્તિને એમણે ટોળાંમાંથી પસંદ કર્યો, સિમોન માટે આ એક અણધારી આફત હતી, કદાચ તેણે પોતે કોઈ ગુનો કર્યો ન હોય આવું કપરું કામ કરવા તે તૈયાર નહિ હોય. પણ … ઈસુ પ્રત્યે એને અનુકંપા હતી, તેનામાં એને વિશ્વાસ બેઠો કે તે નિર્દોષ છે, સિમોનનું નસીબ અહીં વિમોચક વળાંક લે છે, અણધારી આફત તેને માટે અવસર બની. તે યરુશલેમના મંદિરમાં પૂજા માટે આવ્યો હતો, પણ ખોટાં સમયે ખોટી જગ્યાએ તેનું હોવું તેની મુક્તિનું કારણ બન્યું ! સિમોનની મનોદશા કદાચ પેલા માત્થી 21.28,29માં આવતા ખેડૂતના પ્રથમ દીકરા જેવી હશે … ખેડૂતનો પ્રથમ દીકરો દ્રાક્ષાવાડીમાં કામ કરવા જવાની પહેલાં ના પાડે છે પણ .. પછી પસ્તાઈને જાય છે, જ્યારે બીજા દીકરાએ એ હા તો પાડી પણ ગયો નહિ ..! સિમોન સત્યને જાણ્યા પછી તૈયાર થયો. સિમોન આપણા જેવા સામાન્ય લોકોનો, દમિત પીડિત લોકોનો પ્રતિનિધિ છે. સામાન્ય રીતે ટોળાંને કોઈ ચહેરો (face) હોતો નથી .. પણ આ પ્રસંગે સિમોન ટોળાંનો ચહેરો બને છે. રોમન સૈનિકો ટોળાંમાંથી યહૂદીઓ કરતાં એક અલગ માણસની પસંદગી ઇસુનો વધસ્થંભ ઊંચકવા કરે છે. એક વિદેશીની ઈસુના મદદગાર તરીકેની પસંદગી એ દેવની યોજના જ ગણી શકાય ! 

સિમોન જેવો સામાન્ય માણસ વિદેશીઓના વિશ્વાસનું પ્રતીક બને છે. સિમોન કુરેનીની કથા એ બદલાણ(રૂપાંતર)ની કથા છે, તેની વધસ્થંભ ઊંચકી ઈસુને અનુસરવાની કથા, વિશ્વાસની કથા છે, પ્રેમ અને આશાની કથા છે, આત્મિક વિજયની કરુણ કથા છે.

સિમોનનો માર્ગ કઠિન છે – જેવાતેવાનું કામ નથી, જેના વિશે સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય તેવું કામ અચાનક આવી પડે તો શું કરવું ? અનઅપેક્ષિત રીતે વધસ્થંભ ઊંચકવા જેવી ઘટના બને, જેની મંજિલ મૃત્યુ હોય, ગોલ્ગથા (ખોપરીની જગ્યા) માનવકંકાલથી ભરેલું કબ્રસ્તાન હશે, નામ લેતા ડર લાગે તો જવાનું તો કોણ વિચારે ?  જીવનનું કઠિનમાં કઠિન કામ છે આ. સિમોનને ખબર નથી તે શાને માટે પસંદ થયો છે ? સિમોનને એ ખબર છે કે, ‘ચાહવું અને ચાલવું બંનેની મંજિલ એક છે, મૃત્યુ.’ પણ … સિમોન એને પરમેશ્વરની યોજના હશે એમ સમજે છે. વિશ્વના સર્જન પહેલાં પણ દેવ પાસે યોજના હતી, આ પણ દેવની યોજના જ છે. દેવે તેને ખાસ હેતુ માટે પસંદ કર્યો હતો. નહિ તો આજે પણ આફ્રિકન નીગ્રો કે હબસીને સેકન્ડ ક્લાસ સિટીઝન, બીજા વર્ગના નાગરિક ગણવામાં આવે છે. એનું કાળાપણું આજે પણ શાપ રૂપ છે. પણ દેવની યોજનામાં તે પસંદ થયો જે તેણે વિશ્વાસપૂર્વક સ્વીકાર્યું, આજે જો આપણને ખબર પડે કે દેવે આપણને ક્રોસ ઊંચકવા પસંદ કર્યા છે તો ? વિચારો આપણે શું કરીએ ? આપણે તો પ્રભુ હું જ શા માટે ? મને  જ કેમ ? Why me ? કેટલી ફરિયાદ કરીએ ? સિમોન તો કદાચ ઈસુ વિષે કશું જાણતો પણ નહિ હોય ? આપણે તો જાણીએ છીએ ને ?

રોમન સૈનિકોએ એક અજાણ્યા માણસ  પાસે ‘…. તેનો વધસ્થંભ પરાણે ઊંચકાવી લીધો. અને ગલગથા નામે એક જગા, જે ખોપરીની જગા કહેવાય છે, ત્યાં તેઓ પહોંચ્યા.’ સિમોને વધસ્થંભ ઊંચક્યો એ સાથે જ ઈસુ અને સિમોનની ઠઠ્ઠામશ્કરી શરૂ થઇ, લોકો તેના પર હસતા હતા, આ સમયે ઘણાં લોકો બીક અને શરમથી છુપાઈ ગયા હતા, ઘણાં યહૂદીઓ મોટેથી બૂમો પાડતા હતા એને ફાંસી આપો. એને વધસ્થંભે જડો .. પરંતુ સિમોન કોઈ પણ પ્રકારની શરમ વિના, દૃઢ મનોબળ સાથે આગળ વધે છે અને સૌ પ્રથમ પ્રભુ ઈસુને ઊભા થવામાં મદદ કરે છે, અને પછી તેમનો વધસ્થંભ પોતાની ખાંધે ઊંચકી લઇને ઈસુની પાછળ ચાલે છે. (Follow Jesus, follower બન્યો) પ્રભુ ઇસુ તેની સામે જુએ છે, સિમોન પણ પ્રભુની સામે જુએ છે, બંને વચ્ચે મનોમન સંવાદ થાય છે. સિમોન કહે છે કે ‘આ મારો વધસ્થંભ છે’. સિમોન ઈસુના દુઃખમાં ભાગીદાર થયો, પ્રભુ ઈસુએ નમ્રતા સાથે તેની સેવાનો સ્વીકાર કર્યો. સિમોને પ્રભુ ઈસુને કહ્યું હશે કે, હું તમને ઓળખી ગયો છું, પ્રભુ, તમે માનવના રૂપમાં દેવ છો, જે સ્વપ્ન સાથે હું અહીં આવ્યો હતો તમે એ જ મસીહા છો. તમારી પાછળ ચાલવું મારું સૌભાગ્ય છે. તમે મારા દોરનાર છો, એ મારે માટે આનંદની વાત છે, આ વધસ્થંભ આમ તો ભારે છે (વધસ્થંભનું વજન લગભગ 300 pound / 136 kg. હતું ) પણ તમે સાથે છો તો મને એનો બોજ લાગતો નથી. લોકો ભલે કંઈ પણ બોલે તમારી સાથે જોડાવાને કારણે મને મારું ભાવિ ઉજ્જવળ લાગે છે. પ્રભુ ઈસુ અને સિમોન, એક દેવપુત્ર અને એક સામાન્ય માણસ, એક યહૂદી એક આફ્રિકન, એક સર્જક અને સર્જન બંને કાલવરી તરફ મહાપ્રસ્થાન આદરે છે.

આ ઘટનાની દુઃખદ બાબત એ હતી કે કોઈ યહૂદી કે તેમનો કોઈ પ્રસંશક કે કોઈ શિષ્ય પણ મદદ માટે આગળ આવતો નથી ! પ્રભુ ઇસુ દ્વારા એક સમયે ઉચ્ચારાયેલ શબ્દો ચરિતાર્થ થયા એક વિદેશી દ્વારા, – કે, ‘… જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્થંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.’ (માર્ક 8.34) પ્રભુ ઇસુની પાછળ ચાલવું સહેલ નથી … શિષ્યપણાની પહેલી શરત જ એ છે કે  – પોતાનો નકાર કરવો, પોતાના વ્યક્તિત્વનો નકાર કરવો, Self denial ! કેટલું કઠિન કામ છે ! … આપણો ‘હું‘ CAPITAL ‘I‘ કેટલો મોટો છે ? હું આમ, હું તેમ, મારો હોદ્દો, મારુ સ્ટેટસ .. આ સઘળું છોડવું પડે છે શિષ્ય બનવા. જુઓ, પ્રભુ ઈસુ પોતે પોતાના વ્યક્તિત્વનો ઇન્કાર કરે છે, શેતાનના પરીક્ષણ સમયે હોય કે પછી પિલાતની સભામાં હોય, સ્વયં દેવપુત્ર, રાજાઓના રાજા હોવા છતાં પોતાના દેવત્વનો  ઇનકાર કર્યો, સર્વશક્તિમાન હોવા છતાં પોતાની શક્તિ અને સત્તાનો ઇન્કાર કર્યો, Self denial કાચા પોચાનું કામ નથી.

કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કહે છે તેમ કે, –

તારું કશું ન હોય તો છોડીને આવ તું ,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું

ભક્તિનો માર્ગ, પ્રભુ ઈસુની પાછળ ચાલવાનો માર્ગ બલિદાનનો માર્ગ છે. પ્રભુ ઇસુ સ્વયં કહે છે કે. – ‘Because strait is the gate, and narrow is the way, which leadth unto life, and few there be that find it’. માત્થી 7.14 (કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા છે.’ સિમોન એ માર્ગને અનુસર્યો – He has dream One day he will see the Massiah જે મસીહાને સાક્ષાત્‌ જોવાનું સ્વપ્ન લઇ આફ્રિકાથી આવ્યો હતો, એ બીજા વર્ગનો નીગ્રો નાગરિક સિમોન ધન્ય થઇ ગયો. દુનિયામાં આજ પર્યંત સિમોન જેટલો નસીબદાર કોઈ માણસ થયો નથી. પ્રભુ ઈસુને સ્પર્શવાનો એને લ્હાવો મળ્યો, પ્રભુ ઈસુનો વધસ્થંભ તેણે ઊંચક્યો, ઈસુના લોહીથી લથપથ વધસ્થંભ ઊંચકતાં એ દિવ્ય રક્તનો સ્પર્શ એને થયો એટલું જ નહિ પ્રભુ ઈસુના લોહી સાથે એનું લોહી ભળ્યું. વિચારો આવી તક કોને મળે ? પ્રભુ ઇસુનો દિવ્ય સ્પર્શ કેટલો મહાન છે, જુઓ  – એક કોઢિયો પ્રભુને કહે છે કે – ‘ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો, ત્યારે તેમણે હાથ લાંબો કર્યો ને તેને અડકીને કહ્યું – ‘હું ચાહું છું, તું શુદ્ધ થા’ અને તે તરત કોઢથી શુદ્ધ થયો.(માત્થી 8.2,3) સિમોનને એ સ્પર્શ અહીં પ્રાપ્ત થયો. શું તમને નથી લાગતું કે પાપરૂપી કોઢ(Leprosy)થી આખી માનવજાત ગ્રસિત છે. એની શુદ્ધિ માટે ઈસુએ પોતાનું રક્ત વહેવડાવ્યું, આ પ્રસંગે સિમોને પણ યથાશક્તિ યોગદાન કરતાં કહ્યું હશે કે, તમારા સ્પર્શે મારું વ્યક્તિત્વ ખૂલ્યું છે, ખીલ્યું છે, શુદ્ધ થયું છે. સિમોનનું વધસ્થંભ ઊંચકવું એ આખી માનવજાતનાં સાજાપણાં માટેનું મહત્ત્વનું અને પ્રતીકાત્મક કાર્ય હતું’. (Simon’s crossing – A novel by Charles W. Asher & Denis Petric Slatery) સિમોનનો ક્રોસ એ માનવતાનો ક્રોસ હતો. સિમોનને ઈસુના રક્તનો સ્પર્શ થયો, ઈસુના આત્માનો સ્પર્શ થયો સિમોન ઈસુના રક્તથી બાપ્તિસમા પામ્યો. શું થાય છે જ્યારે કોઈ માણસ બાપ્તિસમા પામે છે ? જુઓ રોમન 6.3 શું કહે છે  – ‘… શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઇસુમાં બાપ્તિસમા પામ્યા તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસમાં પામ્યા ? તે માટે આપણે બાપ્તિસમા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવ્યા કે, જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૂએલામાંથી ઉઠાડવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ’. સિમોન અને આપણ સૌનું જુનું માણસપણું ઈસુની સાથે વધસ્થંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય અને આપણે સૌ પાપની ગુલામગીરીથી મુક્ત થઈએ. Jesus blood washed and clean our sin. પ્રભુ ઈસુ અને સિમોન વધસ્થંભ ઊંચકીને યરુશલેમની બહાર ગોલગથાની નાની ટેકરી જે ખોપરીની જગાને નામે ઓળખાતી, જેને લેટિનમાં કાલવરિયા અને ગ્રીકમાં ક્રેઇનિયનને નામે ઓળખાતી મોતની મંજિલે પહોંચ્યા. સત્યને જાણી ચુકેલો સિમોન પ્રભુ ઈસુને કહે છે કે, – ‘તમારાથી છૂટા થવાનું દર્દ હોવા છતાં, આનંદ એ વાતનો છે કે હું તમને પામી શક્યો, એક મસીહાના દર્શન કરી શક્યો, એ ક્ષણ મારી સ્મૃતિમાં સદા ય અકબંધ રહેશે, આંખોમાં આંસુ સાથે સિમોન વધસ્થંભની ઘટનાનો સાક્ષી બને છે. આ ઘટના સિમોન અને માનવજાતના ઇતિહાસ પર દૂરગામી અસર છોડનારી બની રહી.

ભલે તેનું નામ બાઈબલના ‘નવા કરાર’માં એક જ વાર આવતું હોય, પણ તે અમર થઇ ગયો. વિદેશીઓના વિશ્વાસને તેણે સ્થાપિત કર્યો, સમાજના ઉપેક્ષિત, તરછોડાયેલા અને અપમાનિત થયેલા હબસી કે નીગ્રો આફ્રિકન જ નહિ પણ સમગ્ર વિશ્વના સામાન્ય લોકોનો એ પ્રતિનિધિ બન્યો. સિમોન વિશ્વાસ, આશા અને પ્રેમનું પ્રતીક છે. શિષ્યપણાનું ઉત્તમ ઉદાહરણ સિમોને પૂરું પાડ્યું ઈસુને (Help) મદદ કરવી, વધસ્થંભ ઊંચકી પાછળ ચાલવું (follower બન્યો.) સિમોન પસંદ થયેલ આફ્રિકન (વિદેશી) છે. આફ્રિકાનો પ્રથમ ખ્રિસ્તી સંત છે.

પ્રભુ યહોવાહ પોતાની યોજનામાં કશા પણ ભેદભાવ વિના પોતાના ઉપયોગી પાત્રને પસંદ કરે છે. સામાન્યવર્ગના હોવા છતાં, આમોસ જેવા ગોવાળિયાને, અનિચ્છા હોવા છતાં યુના કે પાઉલને, લઘુતાગ્રંથિવાળા જાખ્ખી દાણીને, ઉપેક્ષિત મરિયમ કે સિમોનને પસંદ કર્યા, ઈશ્વરે એવા લોકોને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચેથી પસંદ કર્યા છે જેઓ પછીથી પ્રભુના મોટા સેવકો બન્યા. અચાનક આવી પડેલ મુશ્કેલ કાર્ય માટે સિમોન કદાચ આવું જ વિચારતો હશે કે, – ‘પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા સારું યહોવાહે મને અભિષિક્ત કર્યો છે.’ (યશાયાહ 61.1) ગરીબ, વિદેશી, અજનબી દેવનું રાજ્ય લાવવામાં મદદ કરે છે. સિમોન એક વિદેશી આફ્રિકન નીગ્રો હતો. ઈસુની કાલવરી સુધીની મુક્તિયાત્રામાં મદદ કરવાની પ્રથમ તક એક વિદેશીને મળી. જેને કોઈ ઓળખતું નથી તેવો એક વિદેશી યાત્રી છે પણ .. દેવને તે પસંદ છે. સંત લુક દ્વારા કરાયેલી પ્રભુ ઈસુની  ભવિષ્યવાણીનું ઈંગિત અહીં જોઈ શકાય છે, કે જુઓ – ‘તેઓ પૂર્વ તથા પશ્ચિમથી, ઉત્તર તથા દક્ષિણથી આવીને ઈશ્વરના રાજ્યમાં બેસશે, જુઓ છેલ્લા છે તેઓ પહેલાં થશે.(લુક  13.29, 30.)

ત્રણ સુવાર્તા લેખકો, માત્થી, માર્ક અને લુકમાં, માર્ક થોડો જુદો પડીને સિમોનના   દીકરાઓનાં નામ પણ જણાવે છે. જુઓ, માર્ક 15.21 –  સિમોન કરીને કુરેનીનો એક માણસ, જે એલેકઝાંડરનો તથા રૂફસનો પિતા હતો,’ માર્કના લેખનની એ વિશેષતા રહી છે કે તે પાત્રને કોઈક સંબંધની ઓળખથી સ્પષ્ટ કરે છે, (દા.ત. યુસફ અરિમથાઈ) તેની પાછળ તેનો ચોક્કસ હેતુ છે. ચારે ય સુવાર્તોમાં માર્કની સુવાર્તા સૌથી વધુ જૂની અને વિશ્વાસ પાત્ર છે, કેમ કે, માર્ક પ્રભુ ઈસુના શિષ્ય પિતરનો સાથીદાર હતો અને તેના દ્વારા પ્રભુ ઈસુ સંબંધી વિશ્વાસપાત્ર માહિતી માર્કને મળી છે. લાંબો સમય તે પિતરનો અનુવાદક કે દુભાષિયો પણ રહ્યો હોય.    પિતરના મુખે સાંભળેલી વાતોને માર્ક પોતાની સુવાર્તામાં આલેખે છે. એટલે એ વધુ વિશ્વસનીય લાગે છે. સિમોનના પુત્રોનો નામોલ્લેખ કદાચ એ તરફ જ ઈંગિત કરે છે. પ્રભુ ઈસુ સાથેના મિલન પછી સિમોનનું બદલાણ થયું, બદલાયા વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. એક આફ્રિકન યહૂદી ઈસુના રક્તથી બાપ્તિસમા પામી ખ્રિસ્તી થયો, અને તેની અસર તેના કુટુંબ પર પણ પડી, એના પુત્રોએ પિતાની પ્રેરણાથી ખ્રિસ્તીધર્મનો પ્રચાર કર્યો. શક્ય છે કે સિમોન પ્રભુ ઈસુના વધસ્થંભ પરના મૃત્યુની વેદનાથી આહત થયો હોય અને થોડા સમય પછી મરણ પામ્યો હોય. રિચાર્ડ બેકહમ નામના અભ્યાસી લખે છે તે પ્રમાણે – એલેકઝાંડર અને રુફસ એમના પિતાના જીવંત સાક્ષીઓ હતા. માર્ક તેમને મળ્યો પણ હોય ! અને  સિમોનના વધસ્થંભ ઊંચકીને ઈસુની પાછળ ચાલવાના પ્રસંગની વાત એણે એમની પાસેથી જાણી હોય. માર્ક પોતે જે લખે છે તે સત્ય છે તેની ખાતરી આપી શકે એ માટે સિમોનના પુત્રોનો સંદર્ભ તેણે આપ્યો છે. પ્રારંભિક ખ્રિસ્તી આંદોલનોમાં સિમોનના બંને પુત્રોની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. તત્કાલીન સમયમાં તેના પુત્રો ધાર્મિક રીતે જાણીતી વ્યક્તિઓ બન્યા હશે. ઘણી વાર પુત્રોની પ્રતિષ્ઠા પણ પિતાની ઓળખ બનતી હોય છે.

યરુશાલેમની શેરીઓમાં ઘણા યહૂદીઓનાં ટોળાં હતાં છતાં, આ ટોળાંઓમાંથી સિમોન પસંદ થયો. એના આત્માનું બદલાણ થયું, એક આફ્રિકન યહૂદી ઇસુનો અનુયાયી  થયો, એનું કુટુંબ વિશ્વાસી કુટુંબ થયું. એના પુત્રો અને પત્નીએ પ્રારંભિક સમયમાં સુવાર્તા પ્રચારનું મહત્ત્વનું કામ ઉપાડી લીધું, ખ્રિસ્તની મંડળી સ્થાપી અને સેવાકાર્યો માટે દુનિયાભરમાં મિશનરીઓ  મોકલ્યા. અંત્યોખથી સમગ્ર વિશ્વમાં સુવાર્તાનો પ્રચાર અને પ્રસાર કર્યો. જુઓ પ્રેરિતોના કૃત્યોમાં સ્તેફનની સતાવણી પછી વિખરાય ગયેલા લોકો સાઈપ્રસ અને અંત્યોખ સુધી પહોંચ્યાં પણ તેઓએ માત્ર યહૂદીઓ સિવાય બીજા કોઈને પ્રભુની વાત પ્રગટ કરી નહોતી. આ સમયગાળામાં કુરેનીમાં વિશ્વાસીઓની સંખ્યા વધતી જતી હતી. પ્રભુ ઈસુના સંદેશને, સુવાર્તાને જન સામાન્ય સુધી પહોંચાડવાનું કામ કુરેનીના લોકો કરે છે. જુઓ – ‘… પણ તેઓમાંના કેટલાએક સૈપ્રસ તથા કુરેનીના માણસો હતા, તેઓ એ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઇસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી ‘જેને કારણે ઘણાં લોકો ઈસુખ્રિસ્ત તરફ વળ્યા. શિષ્યો અંત્યોખમાંજ પ્રથમવાર ખ્રિસ્તી તરીકે ઓળખાયા. રોમનોની મંડળીને પત્ર લખતાં પાઉલ પ્રેરિત સિમોનના પુત્ર અને પત્નીને યાદ કરતાં લખે છે કે, – ‘પ્રભુમાં પસંદ કરેલા રુફસને અને તેની તથા મારી માને સલામ કહેજો’. (રોમન 16.13)  પોતાની પ્રત્યક્ષ મુલાકાતોનો સંદર્ભ આપતા પાઉલ કહે છે કે, – ‘જેમણે પ્રભુ ઈસુનું દર્શન કર્યું તેમાંના ઘણાં હજુ હયાત છે’. (1 કોરીન્થી 15.3,7) આ સંદર્ભો રુફસ અને તેની મા (સિમોનની પત્ની?) વિષે નોંધે છે. અહીં સિમોનના કુટુંબ દ્વારા થયેલ ઈશ્વરીય કાર્યની વિગતો મળે છે. એક ગુજરાતી દૂહા પ્રમાણે સિમોનની ઓળખ કરીએ તો, એમ કહી શકાય કે,

 જનની જણે તો ત્રણ જણજે . ભક્ત, દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર

સિમોન કુરેની ભક્ત, દાતા અને શૂર છે. જેણે ભક્ત (શિષ્ય) બનીને ઈસુની પાછળ વધસ્થંભ ઊંચકી ચાલવાનું પસંદ કર્યું, દાતા બની પોતાનું અને પોતાના કુટુંબનું સમર્પણ ખ્રિસ્તને માટે કર્યું અને લોકોની ઠઠ્ઠા મશ્કરી વેઠી હિમ્મતપૂર્વક એક શૂરાની જેમ પ્રભુની પડખે રહ્યો.

સમય સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે સમયે સમયે ઈશ્વર તેડું આપે છે. ઈશ્વરની પસંદગી પામેલો વ્યક્તિ હિંમતવાન, બહાદુર અને પ્રતિકૂળ સંજોગો સામે ઝીંક ઝીલનાર હોય છે. પોતાના પુત્ર પ્રભુ ઈસુનો વધસ્થંભ ઊંચકવા એક સામાન્ય માણસની, એક અજાણ્યા વિદેશીની પસંદગી પરમેશ્વરની યોજનાનો ભાગ છે, જેના પરિણામો આજે સમગ્ર વિશ્વમાં જોઈ શકાય છે. દેવના વચનની પૂર્ણતા માટે સિમોન કુરેની માધ્યમ બન્યો. જુઓ એફેસી 2.19 – ‘માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો’.  સિમોનનું આ કાર્ય મનુષ્યત્વનો દરવાજો ખોલી આપણને હાંક મારી રહ્યું છે.

– ‘ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ’. – માત્થી 11.28

e.mail : arvindvaghela1967@gmail.com

Loading

9 May 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—94
ફર્સ્ટ ક્લાસ દેશની થર્ડ ક્લાસ સ્વાસ્થ્ય વ્યવસ્થા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved