સાંપ્રત સમાજ વિશે અભ્યાસપૂર્ણ પ્રસ્તુત સંશોધનો આપનારા, સમાજશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ડૉ. એડવીન મસીહીનું ૬ જૂન, ૨૦૧૭ના રોજ ચોર્યાંશી વર્ષેની વયે ટૂંકી માંદગી બાદ અમદાવાદમાં અવસાન થયું. મસીહીસાહેબ સ્પર્ધા કે પ્રસિદ્ધિથી દૂર રહીને પ્રગતિશીલ અભિગમ સાથે પોતાના ક્ષેત્રમાં દિશાપૂર્વક એકાગ્ર રહીને જ્ઞાનરાશિમાં દૂરગામી મહત્ત્વનું પ્રદાન કરનાર વિદ્વાનોમાંના હતા.
ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના સમાજશાસ્ત્ર વિભાગમાં ત્રણ દાયકા અધ્યાપન કરીને ૧૯૯૪માં નિવૃત્ત થયા. ત્યાર બાદ તેઓ ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ’ નામની પોતે જ શરૂ કરેલી સંસ્થા થકી સમાજ-અભ્યાસ અને સંશોધકોના માર્ગદર્શનમાં પ્રવૃત્ત રહ્યા. જાહેર સામાજિક બાબતો સાથે બુદ્ધિજીવી વર્ગના જોડાણને લગતો તેમનો અભ્યાસ ‘સોશ્યલ એન્ગેજમેન્ટસ ઑફ ઇન્ટેલેકચ્યુઅલ્સ ઇન સિવિલ સોસાયટી’ (૨૦૦૬) પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું પ્રકાશન કરનાર નારીવાદી સંસ્થા ‘અવાજ’ના ઉપક્રમે ગુજરાતમાં આત્મહત્યાઓ અંગે જે અભ્યાસ કરવામાં આવ્યો તેના મુખ્ય માર્ગદર્શક મસીહીસાહેબ હતા. ‘ઓલવાયેલા દીવા’ (૨૦૧૧) નામે બહાર પડેલા આ અભ્યાસમાં ઇલાબહેન પાઠક અને નલિનીબહેન ત્રિવેદી સહસંશોધકો હતાં. ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનની સ્થાપનામાં પહેલ કરનાર ગાંધીવાદી અધ્યાપક તારાબહેન પટેલનાં માર્ગદર્શનમાં તેમણે ૧૯૭૬માં ‘ટ્રેડ યુનિયન લીડરશીપ ઇન ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ઑફ અહમદાબાદ’ વિષય પર ડૉક્ટરેટ મેળવી. ગુજરાતનાં કોમી રમખાણો દરમિયાન તેમણે નાગરિક સમાજનાં કેટલાંક જૂથોને માહિતી એકત્રીકરણ-વિશ્લેષણમાં મદદ કરી. ‘અભિદૃષ્ટિ’ના ઉપક્રમે અધ્યાપકો માટેની સંશોધન તાલીમની કાર્યશાળાઓમાં પણ તેમનો સહયોગ મળતો રહ્યો હતો. તેમનું સંતુલિત છતાં ક્રિટિકલ પિંકિંગ ગુજરાતના પાક્ષિક વિચારપત્ર ‘નિરીક્ષક’માં તેમણે ગયા દસેક વર્ષ દરમિયાન લખેલા લેખોમાં જોવા મળે છે.
જંબુસરમાં જન્મ અને ત્યાંની મ્યુિનસિપલ હાઇસ્કૂલમાં શાળાનું શિક્ષણ લેનારા મસીહીસાહેબને પોતાને ‘ડૉક્ટર થવાની આકાંક્ષા હતી’ એમ તેમણે ‘સમાજકારણ’ સામયિકના આ વર્ષના પહેલા અંકમાં પ્રસિદ્ધ થયેલા એક લાંબા સ્વકથનાત્મક લેખમાં નોંધ્યું છે. તેમાં આગળ તેઓ જણાવે છે કે મૅટ્રિકમાં વિજ્ઞાનના વિષયમાં ઓછા ગુણ આવતાં તે વિનયનના વિષયો તરફ વળ્યા. તેમાં તેમને તેમના શિક્ષક અને આપણા અગ્રણી કર્મશીલ ભાનુભાઈ અધ્વર્યુનો પત્ર મળ્યોઃ ‘તું ભાષા અને વિનયનના વિષયોમાં હોશિયાર હતો તેથી આર્ટસમાં ગમે તે વિષય લઈશ તે તારા માટે સારું રહેશે.’ મસીહી લખે છે કે ‘સમાજશાસ્ત્ર વિષયની પસંદગી વિષય અંગેની જાણકારીમાંથી થઈ નહોતી’, એક મિત્રએ સલાહ આપી હતી કે સમાજશાસ્ત્ર ‘નવો વિષય છે તેથી તેમાં આગળ વધવાની તકો વધારે રહેશે’. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રમાં અનુસ્નાતક થયા તે વર્ષોમાં ત્યાં એમ.એન. શ્રીનિવાસ, આઈ.પી. દેસાઈ અને પી.કે. મિશ્રા જેવા નામાંકિત અધ્યાપકો હતા. આ ત્રણેયમાંનું ઉત્તમ એડવીને આત્મસાત્ કર્યું. તદુપરાંત ગણિતના પ્રોફેસર રાવજીભાઈ પટેલ ‘મોટા’ની પહેલથી નડિયાદમાં ચાલતી રેનેસાન્સ ક્લબની રૅશનાલિસ્ટ વિચારધારાની અસર પણ તેમણે ઝીલી. વડોદરાની યુનિવર્સિટીમાં દેશના અનેક ભાગમાંથી વિદ્યાર્થીઓ આવતા હોવાને કારણે કૉસ્મોપોલિટન વાતાવરણનો લાભ મળ્યો. ‘સ્ટુડન્ટ ક્રિશ્ચિયન મૂવમેન્ટ’માં સામેલ થયા, ‘રૅડિકલ હ્યૂમાનિસ્ટ’ વિચારપત્ર મગાવીને વાંચતા થયા. આઈ.પી. દેસાઈના માર્ગદર્શન હેઠળ રૉકફેલર ફાઉન્ડેશનના અનુદાનથી મહુવાની કુટુંબ વ્યવસ્થા વિષયના અભ્યાસના પ્રોજેક્ટમાં જોડાયા. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ અને નવસારીની ગાર્ડા કૉલેજમાં અધ્યાપક તરીકેનાં કુલ પાંચેક વર્ષના હળવા અનુભવો મસીહીએ ઉપરોક્ત લેખમાં વર્ણવ્યા છે.
તેઓ ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયા. અહીં સમાજશાસ્ત્ર વિભાગમાં તેમને ઉત્તમ સાથી અધ્યાપકો, સમૃદ્ધ ગ્રંથાલય, જુદાં જુદાં પ્રશ્નપત્રો ભણાવવાની તક અને એકંદર અનુકૂળ બૌદ્ધિક વાતાવરણ મળ્યાં. તેની વાત એડવીન સર માંડીને કરે છે. ધીરુભાઈ દેસાઈની સાથે ત્રણ પ્રોજેક્ટ કર્યાઃ નર્મદા યોજનાના ભાગરૂપે નડિયાદ-માતર તાલુકાનો બેન્ચમાર્ક સર્વે, પશ્ચિમ વિભાગની યુનિવર્સિટીઓની હૉસ્ટેલોનો અભ્યાસ અને અમદાવાદમાં નશીલા પદાર્થોનાં સેવન તેમ જ વ્યસનમુક્તિ કેન્દ્રોનું સર્વેક્ષણ. નિવૃત્તિનાં નજીકનાં વર્ષોમાં બંધ મિલોના કારીગરો અંગેનો પ્રોજેક્ટ તેમણે પૂરો કર્યો. સ્વકથનાત્મક લેખમાં દરેક તબક્કે તેમણે ઉપયોગમાં લીધેલાં પુસ્તકોની વાત આવે છે જે અત્યારના દિવસોમાં ખાસ નોંધપાત્ર લાગે છે. પ્રાધ્યાપક મસીહીએ તેમનાં વર્ગશિક્ષણનાં સંભારણાં પણ ટાંક્યાં છે. તેમાં નોટસ-ગાઈડસના પ્રાદુર્ભાવ તેમ જ વિદ્યાર્થીઓની મહેનતના અભાવનો પણ તે ઉલ્લેખ કરે છે. અણગમતા થવાના ડર વિના તે લખે છે : ‘ … વિદ્યાર્થી સમૂહનો પ્રતિભાવ ઘણો નબળો રહેતો. દર વર્ષે એકાદ-બે વિદ્યાર્થી સિવાય મોટા ભાગનાનો રસ પાસ થવા પૂરતો જ રહેતો.’ આમ છતાં, ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં સમાજશાસ્ત્રના સંશોધકો-શિક્ષકોની જે અનેક પેઢીઓ તૈયાર થઈ તેમાં અન્ય અધ્યાપકો સાથે મસીહી સાહેબનો ફાળો નોંધપાત્ર છે.
આ વિભાગે ગુજરાતની બધી યુનિવર્સિટીઓના સમાજશાસ્ત્ર વિભાગો, સમાજશાસ્ત્ર અધ્યાપક મંડળ, ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ જેવાં સમૂહોના સંયુક્ત ઉપક્રમે ૨૦ જૂનના મંગળવારે અમદાવાદના સમાજવિદ્યા ભવનમાં મસીહીસાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેની સભાનું આયોજન કર્યું હતું. તેમાં મસીહીસાહેબના નિવૃત્ત સાથીઓ ઉપરાંત વિભાગના અત્યારના તેમ જ અન્ય કૉલેજોના અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. આ સભામાં સ્વાભાવિકપણે જ મસીહીની અનેક ક્ષમતાઓ અને સ્વભાવ લક્ષણોને યાદ કરવામાં આવ્યાં. સોશ્યોલૉજી થિયરી જેવો અઘરો વિષય ભણાવવાની તેમ જ મહત્ત્વના અંગ્રેજી ગ્રંથો વાંચીને ગુજરાતીમાં સમજાવવાની તેમની હથોટીની વાત થઈ. તેઓ વિદ્યાર્થીઓ માટે અપ્રોચેબલ હતા. તેમની સાલસતાને કારણે એ બધાં તેમને ભાર રાખ્યા વિના મળી શકતા. વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગુજરાતી ગ્રંથો વાંચતા કરનારા સર ભાષાશુદ્ધિના આગ્રહી હતા. ખેડા પંથકના નવાગામના સંદર્ભે સમાજ પરિવર્તનનો અભ્યાસ હાથ ધરનાર માત્ર એમ.એ.ની એક વિદ્યાર્થિની માટે થઈને મસીહી સર ખસૂસ એ ગામ જઈ આવ્યા હતા. તેમની પાસે ડૉક્ટરેટ કરતી એક વિદ્યાર્થિનીને તેમણે કેટલી ય વખત જાતે ચા બનાવીને પીવડાવી હતી. આંબાવાડી વિસ્તારમાં હિમ્મતલાલ પાર્ક પાસે આવેલી તેમની સંસ્થામાં નિવૃત્તિ પછી ય કેટલાય વિદ્યાર્થીઓને કામ કરવા માટે માર્ગદર્શન અને જગ્યા પૂરાં પાડ્યાં હતાં. સાથે વિદ્યાર્થીઓમાં એક નાસ્તિક કે નિરીશ્વરવાદી, રૅશનલ, સેક્યુલર, નૉનકન્ફર્મિસ્ટ વિચારો તરફની દિશા પણ આપી હતી.
મસીહીસાહેબ કોઈ પણ કામ પુષ્કળ સિન્સિયારિટીથી કરતા, એ વાત તેમના તમામ સહઅધ્યાપકો, સહસંશોધકો અને સમવ્યાવસાયિકોએ જણાવ્યું. સમાજશાસ્ત્ર વિભાગના પૂર્વ વડા વિમલભાઈ શાહે જણાવ્યું કે ‘ઍક્ટિવિસ્ટ પ્રકારની વિચારસરણી ધરાવતા મસીહી’ સંસ્થા ખૂબ કરકસરથી ચલાવતા. તેમની ઑફિસ અમદાવાદના ઉનાળામાં પણ એક જ પંખે ચાલતી અને ચોમાસામાં તેમાં ઠેકઠેકાણેથી પાણી ટપકતું. તેમના સ્વકથનનો ઉલ્લેખ કરીને જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીએ કહ્યું કે નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવેલો એક નીતિમાન માણસ ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે કેવી રીતે પ્રગતિ કરે તેનો આલેખ તે લખાણમાંથી મળે છે. વિદ્યુતભાઈના શબ્દોમાં ‘એ એથિસ્ટ હતા, પણ ચર્ચમાં જતા; રગે રગમાં લેફ્ટિસ્ટ હતા, પણ રાઇટિસ્ટ સાથે પનારો પાડતા’.
સમાજશાસ્ત્ર વિભાગના એક પૂર્વ અધ્યાપક ધીરુભાઈ દેસાઈ મસીહીસાહેબના ખૂબ નજીકના મિત્ર. મસીહીસાહેબે તેમના – પીએચ.ડી.ના મહાનિબંધના ઋણ સ્વીકારમાં પોતાના ‘ટેન્શન મૅનેજર’ કહ્યા છે. દેસાઈસાહેબે કહ્યું : ‘મસીહી યુનિવર્સિટીમાં સહુથી પહેલા આવે અને સહુથી છેલ્લા જાય. તે મૂર્ખ લાગે તેટલા સાદા – સિમ્પલટન હતા. પોતાને તકલીફ થાય તો પણ વેઠી લે, પણ બીજાને દુઃખી ન થવા દે. અનેક નાની બાબતમાં તેમની બિનસાંપ્રદાયિકતા દેખાતી. જેમ કે, એ પ્રાર્થનાનો વિરોધ કરતા, અને સીધા જ કામે લાગી જવામાં માનતા. કૉલેજ ગુરુવારે જ શા માટે શરૂ કરવી તેવો સવાલ તે ઉઠાવતા. એ રીતે તે સાચા અર્થમાં મેથોડિસ્ટ હતા. તેઓ વિટી એટલે કે ચાતુરીભરી રમૂજ કરવાની સૂઝ ધરાવતા હતા. એ કહેતા કે જો બાઇબલની રીતે ભૂગોળ ભણાવવામાં આવે તો બધા ભૂગોળશાસ્ત્રીઓએ આપઘાત કરવો પડે. સરળ હતા એટલે ન સમજાય તે ચોખ્ખું કહી દેતા. પૈસાની બાબતમાં તેમની ચીવટ કંજૂસ કહેવાય તેટલી હતી, પણ એને કારણે જ તેમની સંસ્થા લાંબો સમય ટકી. સાદામાં સાદા માણસે તેમનું કામ કર્યું હોય કે તેમને મદદ કરી હોય તો તેના માટે મસીહીસાહેબ ઊંડી સેન્સ ઑફ ઍકનૉલેજમેન્ટ – કૃતજ્ઞતાની લાગણી ધરાવતા. આપણે એક સારો પ્રામાણિક સમાજશાસ્ત્રી અને મેં એક નજીકનો મિત્ર ગુમાવ્યો છે.’
જાહેર જીવનના બૌદ્ધિક પ્રકાશ ન. શાહે સંભાર્યું કે મસીહીએ ગુજરાતમાં સમાજશાસ્ત્રના પ્રતીમાપુરુષ એવા આઈ.પી. દેસાઈનો એટલો વિશ્વાસ સંપાદન કર્યો હતો કે જૂનાગઢમાં અધ્યાપક તરીકે નોકરી કરતા એડવીનને દેસાઈસાહેબે એમ.એસ. યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રોજેક્ટમાં જોડાવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું. પ્રકાશભાઈના મતે મસીહી ‘સમાજશાસ્ત્ર વિષયના લોકોની વચ્ચેના સ્વરૂપને ધ્યાનમાં રાખીને ઍકેડેમિક દૃષ્ટિકોણથી ચાલ્યા’. ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈના કહેવા મુજબ ‘ધર્મએ સેલ્ફ-એનાલિસિસ કરવું જોઈએ તો જ એ ટકે’ એવી મસીહીની માન્યતા હતી. તે ‘નિરીક્ષક’માં ૨૦૦૨માં હિંદુત્વ અને ગાંધીવિચારની ચર્ચામાં મસીહીએ લખેલા લેખોમાં મળી.
‘નિરીક્ષક’ના લેખોમાં અસલ રૅશનલ, તટસ્થ, વ્યાસંગી અને ઇવન વિવાદાસ્પદ મસીહીસાહેબ જોવા મળે છે. તેમની બૌદ્ધિક તાકાત, તેમનો જુસ્સો અને ગુસ્સો અભિવ્યક્તિના સંયમ સાથે વ્યક્ત થાય છે. ‘સૂર્યનમસ્કારઃ સમ્યક અભિગમ કે કેસરીકરણનો પ્રયાસ?’ (‘નિરીક્ષક’, ૧/૪/૨૦૦૭) લેખમાં તે કહે છે કે સૂર્ય એક કુદરતી તત્ત્વ છે, મનુષ્ય તેને નમસ્કાર કરે છે, પણ આજે ઈશ્ચરને વિજ્ઞાનમાં ખપાવવું એ ‘બેહુદો પ્રયાસ’ છે. તેમને મતે ‘મનુષ્યના દેહ માટે સૂર્યના પ્રકાશની જરૂર છે, પણ નમસ્કારની જરૂર નથી.’ આ લેખમાં ‘ભાજપ દ્વારા કેસરીકરણ’ના તે દાખલા આપે છે – યોજનાઓનું ‘અષ્ટાવક્ર’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘સુજલામ સુફલામ’ તરીકે નામકરણ; ભૂકંપ પછી ધરતી પૂજન કે એચ.આઈ.વી. નિવારવા માટે રામનામ જેવાં ગતકડાં. લેખનું છેલ્લું વાક્ય છેઃ “વૈજ્ઞાનિકના અંચળા હેઠળ સૂર્યનમસ્કાર દાખલ કરી અને જરૂરી બાબતોને દૂરના નમસ્કાર કરવા વધારે સહેલું છે.”
સામાજિક વિજ્ઞાનના દસમા ધોરણ માટેના પાઠ્યપુસ્તક પરના લેખ(નિરીક્ષક ૧૬/૧૦/૨૦૦૬)માં તે બાર ભાષાંતરકારો સહિત અઠ્ઠાવન વિદ્વાનોના કાફલાએ બહાર પાડેલા અંગ્રેજી અનુવાદમાં ગાબડાં અને પ્રતિશબ્દો ઉપરાંતની અનેક ખામીઓ બતાવે છે. પુસ્તક “કોઈપણ જાતની ઝીણવટ અને ચોકસાઈના આગ્રહ વિના બહુ જ ઉપરછલ્લી રીતે તૈયાર કરવામાં આવ્યું છે” એમ તે નોંધે છે. પુસ્તકના લેખકોમાં પરિભાષાનું અજ્ઞાન અને વ્યાખ્યાઓ કરવાની અણઆવડત, એથ્નોસેન્ટ્રીઝમ – સ્વજૂથવાદ, ઝેનોફોબિયા – વિદેશીઓનો વધારે પડતો ડર અને ગર્ભિત કોમવાદ પ્રવર્તે છે તે મસીહી દાખલા સાથે બતાવી આપે છે. તેમને મતે આ પુસ્તક “કાલ્પનિક સમાજનું ખોટું અને ખોખલું ચિત્ર ઊભું કરે છે”. તેમાં “સત્યને અસત્ય અને અસત્યને સત્ય તરીકે રજૂ કરવાનો પ્રયાસ’ થયો છે.”
ગુજરાતી ડાયસ્પોરા વિશેના એક પુસ્તક પરના લેખ (નિરીક્ષક ૧૬/૧૨/૧૦)માં મસીહી પુસ્તકનાં મહત્ત્વ અને તેની ઉપયોગિતાને નકારતા નથી, પણ તેના મર્યાદિત, બિનતટસ્થ અભિગમની અને સંશોધન-લેખન પદ્ધતિની કચાશો દાખલા સાથે બતાવે છે. તેના બે લેખકોએ બ્રિટનના ભેદભાવો માટે ‘રંગભેદ’ને બદલે વાપરેલો ‘આભડછેટ’ શબ્દ કેવો ખોટો છે તે બતાવે છે. ગેરકાયદે પ્રવેશ, ઘરેલૂ હિંસા જેવી બાબતોમાં દેખાતી ગુજરાતી ડાયસ્પોરાની બીજી બાજુ બતાવવાનું લેખકો ચૂકી ગયા છે એમ મસીહી કહે છે. લેખકોએ ‘સાઠ જણની’ વ્યક્તિગત મુલાકાત લીધી તેમાં લેખકોની અંગ્રેજી સમજવાની ક્ષમતા અંગે મસીહી શંકા વ્યક્ત કરે છે. વળી તે કહે છેઃ ‘ગુજરાતીઓની વધુ પડતી પ્રશંસા કરતાં લેખકો કેટલાંક વહિયાત વિધાનો કરે છે’. આવું એક વિધાન મસીહી ટાંકે છેઃ ‘બ્રિટિશ ગુજરાતીઓએ બ્રિટનમાં વસતા તમામ નબળા અને કચડાયેલા માણસોને બેઠા કરવાની જરૂર છે, અને આવું કપરું કામ ગુજરાતીઓ સિવાય બીજું કોઈ કરી શકે નહીં.’ આની સામે મસીહી સવાલ કરે છે : ‘જે ગુજરાતીઓ ભારતમાં, આફ્રિકામાં અને બ્રિટનમાં નાત, જાત, ધર્મ, સંપ્રદાય અને કોમના વાડામાં આનંદવિભોર છે તેમની પાસે તેમના સ્વભાવ વિરુદ્ધની અપેક્ષા લેખકો કેમ રાખે છે?’
હિંદુ સહિતના ધર્મો અંગે ટીકાસ્પદ લખાણોનો એક સિલસિલો ‘નિરીક્ષક’માં ૨૦૦૩ના મધ્યમાં ચાલ્યો હતો. તેમાંના એક લેખ(૧/૬/૨૦૦૩)માં મસીહી ખંડન-મંડન સાથે લખે છેઃ “હિંદુ ધર્મ ભારતનો મુખ્ય ધર્મ છે. તેની માન્યતાઓ, રીતરિવાજો, સંસ્થાઓ, મૂલ્યો વગેરે આ દેશની લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને વિકાસ માટે સહુથી વધારે મહત્ત્વનાં છે. આ સંદર્ભમાં ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ કરતાં તેમાં સુધારાની જે આવશ્યકતા છે તેની પર ધ્યાન આપવું જરૂરી છે અને તે ટીકાઓનો અસ્વીકાર કરવાથી શક્ય બનવાનું નથી.” ‘ધર્મ અને ધર્માંતર’ (નિરીક્ષક ૧૬/૪/૨૦૦૬) લેખમાં મસીહી લખે છેઃ “ધર્માંતરનો વિરોધ હકીકતમાં એટલા માટે છે કે પોતાના ધર્મમાં જેમને છેવાડાનું સ્થાન છે તેવા ઘણાંના ધર્માંતરથી સંખ્યા ઘટે છે. બીજું એ કે જેમ ભારતમાંથી અમેરિકા જવા લોકો ખાસ પ્રયત્ન કરે છે, કારણ કે અમેરિકા વધારે સગવડવાળા જીવનની તક આપે છે તેમ ધર્માંતરમાં એક સરખામણી રહેલી છે જે સ્વીકારવી ગમતી નથી.”
‘માતૃભાષા બચાઓ આંદોલન અને સંબંધિત મુદ્દાઓ’ (નિરીક્ષક ૧૬/૮/૨૦૧૦) લેખમાં અંગ્રેજી માધ્યમની શાળાઓની વધતી સંખ્યા માટેનો ભય તેમને વધારે પડતો લાગે છે. તદુપરાંત દુનિયાના જ્ઞાન માટેની અભ્યાસ સામગ્રી ગુજરાતી માધ્યમમાં પૂરતાં પ્રમાણમાં નહીં હોવાની હકીકતની પણ તે છણાવટ કરે છે. લેખનું સહુથી મૌલિક વિધાન આ છે : “પ્રશ્ન માધ્યમ તરીકે માતૃભાષા હોવી જોઈએ કે નહીં એટલો સાદોસીધો નથી. શિક્ષણ લેવા માટે માતૃભાષા સિવાય ઘણી બાબતો મહત્ત્વની છે અને તેની સરખામણીમાં માતૃભાષાનો મુદ્દો તો ઘણો ગૌણ બની જાય છે. મારી દૃષ્ટિએ તે મુદ્દો મહત્ત્વનો રહેતો નથી.” આવાં નમૂનારૂપ અવતરણોથી રખે એવો ખ્યાલ બંધાય કે મસીહી વિવાદ કે ઉશ્કેરણી માટે લખતા હતા. લેખોને જો ધીરજપૂર્વક વાંચવામાં આવે તો તે ડિસ્કોર્સ-ડિબેટ-ડિસેન્ટ એટલે કે વિમર્શ-વિવાદ-વિરોધના ઉત્તમ દૃષ્ટાન્તો હોવાનું સમજાય છે. તેમાં જરૂરી અભ્યાસ, તટસ્થતા અને રિગર કહેતાં આકરાપણું જોવા મળે છે.
આ જ ગુણવત્તા જાહેર સામાજિક બાબતો સાથે ગુજરાતના બુદ્ધિજીવીઓનાં જોડાણ વિશેના તેમના અભ્યાસમાં જોવા મળે છે. આ લખનારને તે (ખુદના મર્યાદિત વાચન મુજબ) સમાજશાસ્ત્રીય અભ્યાસનો સાધારણ વાચકને સમજાય તેવો નોંધપાત્ર નમૂનો લાગ્યો છે. આ અભ્યાસ ‘વિથ સ્પેશ્યલ રેફરન્સ ટુ પ્રોફેશનલ્સ ઑફ ગુજરાત’ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડને પગલે ગુજરાતમાં થયેલાં રમખાણો પછી તરતના ગાળામાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. તેમાં ગુજરાતના પાંચ શહેરોના છસો દસ વ્યાવસાયિકોના પ્રતિભાવો રૂબરૂ મુલાકાત અને લાંબી પ્રશ્નોત્તરી દ્વારા મેળવવામાં આવ્યા હતા. આ શહેરો હતાંઃ અમદાવાદ, ભાવનગર, ગોધરા, પાલનપુર અને નસવાડી. વ્યાવસાયિક વર્ગો હતાઃ શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, પત્રકાર અને સમાજસેવક. આ અભ્યાસનાં તારણો ચિંતાજનક છે. તેમને અહીં ખપ પૂરતાં વધારે પડતી સપાટ અને સરળ રીતે મૂક્યાં છે, અને જે દરેક તારણમાં અલબત્ત અપવાદ છે. તારણો આ મુજબ છેઃ ગુજરાતના વ્યાવસાયિકો પોતાનાં વ્યાવસાયિક જૂથમાં જ સંકોચાયેલાં રહે છે. તેમનાં અન્ય જોડાણોમાં મુખ્યત્વે જ્ઞાતિના કે ધર્મના વિવિધ પ્રકારના સમૂહો હોય છે. સામાજિક સમસ્યાઓનો તેમનો ખ્યાલ ગરીબી-બેકારી-નિરક્ષરતાથી આગળ વધીને અસમાનતા-શોષણ-સામાજિક ભેદભાવ ભણી પહોંચેલો હોતો નથી. વંચિતતા કે વંચિત વર્ગોની વિભાવના તેમને બહુ સ્વીકાર્ય હોતી નથી. તેમનું વાચન મર્યાદિત હોય છે. તેમના ઘડતર પર પ્રભાવ પાડનારાં પરિબળોમાં દેશ કે દુનિયાના બનાવો કે વૈચારિક અગ્રણીઓ હોતા નથી. કલ્યાણરાજ્યના લાભાર્થી એવા બુદ્ધિજીવીઓમાંથી મોટા ભાગના, સમાજના વ્યક્તિ પરના ઋણના ખ્યાલને સ્વીકારતા નથી. આ બુદ્ધિજીવી વર્ગો એવા સમાજનો નિર્દેશ કરે છે જે આર્થિક રીતે ચોક્કસ વાઇબ્રન્ટ હોય તો પણ તે વિદ્યાકીય અને સામાજિક રીતે ખાસ વાઇબ્રન્ટ નથી.
વાઇબ્રન્ટ ગુજરાતમાં મસીહી સાહેબ જેવા બૌદ્ધિકોને આપણે વેળાસર પારખીને જાહેરજીવન પરનાં તેમનાં મંતવ્યોને બહોળા વાચકવર્ગ તેમ જ નીતિ ઘડનારાની સામે મૂકવા જોઈએ. તે તરફનું પહેલું પગથિયું કદાચ નજીકમાં મસીહીસાહેબના લેખોનો સંચય પ્રગટ કરવો એ હોઈ શકે.
૪ જુલાઈ ૨૦૧૭
’સામગ્રી સૌજન્ય : કેતન રૂપેરા
શ્રી એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, જુલાઈ 2017; પૃ. 13-16