એક પા સોમવારથી સંભવિત છૂટછાટની હવા છે અને બીજી પા ત્રીજા દોરમાં ઊંચે જઈ શકતા કોરોના-આંકની શક્યતા પણ હવામાં છે. શું કહીશું, આ એક દ્વિધાવિભક્ત પરિસ્થિતિ છે, કે પછી આપણે દ્વિભેટે ઊભા છીએ? ગમે તેમ પણ, એક વાત ચોક્કસ છે કે ઘરબંધીવશ આપણે ઉઘાડ નથી ઝંખતા એવું તો નથી. સરસ પ્રયોગ કર્યો રાહુલ ગાંધીએ કે લૉક ડાઉન તે કંઈ પોતે કરીને પૂરા કદનો ઈલાજ નથી. તમે એને કોઈ જડીબુટ્ટી નહીં પણ વિરામબુટ્ટી (પૉઝ બટન) જરૂર કહી શકો. નહીં કે રાહુલ ગાંધી કોઈ નેતૃત્વસિદ્ધ પ્રતિભા અગર તો અધિકારી વિદ્વાન છે. પણ દેશમાં ઘણી વાર દુર્મિળ જણાતી સામાન્ય સમજ એમના આ વિધાનમાં અસામાન્યપણે પ્રગટ થઈ છે, એ નિઃશંક. યુવરાજસહજ ઉછાંછળાપણું પરહરી એ રાજપુરુષોચિત મુદ્રા ભણી જઈ રહ્યાનો વહેમ પણ જાગે, પણ એમાં ઉતાવળ થશે. માત્ર, એટલું ખરું કે મેં તો કે’દીનું કીધું’તું – છેએએક 12મી ફેબ્રુઆરીએ ટ્વીટની રાંગેથી પોકાર્યું’તું – એવો ટાઢો ડામ દેવાને બદલે એમણે મતભેદો બરકરાર છતાં મતભેદ દરકિનાર એવી ઠાવકી ભૂમિકા લઈ સત્તાપક્ષ અને વિપક્ષ સહિત સૌએ સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો છે. ચાલુ ઢબની રાજકીય તૂતૂમૈંમૈંનો આ સમય અલબત્ત નથી.
મુખડો જરી લંબાઈ ગયો. પણ આ નોંધ રાગ રાહુલના આલાપ વાસ્તે નથી. વાત આ વિરામચાંપ કે વિરામબુટ્ટીનો પૂરો રચનાકસ કાઢી આગે બઢવાની છે. ભારત સરકાર જશ્ને ટ્રમ્પની લાયમાં અંગડાઈ લેતેલેતે લડખડાઈ એ ચોખ્ખું દેખાય છે. અમેરિકામાં ટ્રમ્પની આત્મરતિનાં ગુલાંટગડથોલિયાં વિશે શું કહેવું. એવો રાબેતો છે એ કે એમાં નવીનાઈ પણ હવાઈ ગઈ છે. જપાનની જિકર કરીએ તો સમજાતી વાત એ છે કે પોતે ઑલિમ્પિકની તક જવા દેવા માગતું નહોતું એથી કોરોનાના આરંભિક તબક્કા સામે એ ઓછું ઉતર્યું. ટ્રમ્પને કથિત અમેરિકી સવાઈ સત્તાની જવાબદારીનો અહેસાસ નથી (ગર્વ ચોક્કસ હશે), વિશ્વ આરોગ્ય સંસ્થા WHO સાથેનો એનો હમણેનો ઉદ્દંડ વહેવાર એની વધુ એક સાખ પૂરે છે.
તમે એને જવાબદારીનું ઉલાળિયું કહો કે મોડેથી જાગેલી સમજ, ટ્રમ્પે છેવટેછેવટે આ દિવસોમાં એમ કહ્યું છે કે અમેરિકી રાજ્યોએ આ બધું સંભાળી લેવું રહે છે. પહેલેથી સૌને સાથે રાખવાની સહૃદય સમવાયી ભૂમિકા યુનાઈટેડ સ્ટેટ્સને આટલી મોડી સૂઝે ! હશે ભાઈ, ઘડીભર માની લો કે હાલના વિરામચાંપ ગાળાની આ એક લબ્ધિ હશે. આપણે ત્યાં લૉક ડાઉને સંપડાવેલ ગાળો, જ્યાં સૌથી પહેલો કેસ નોંધાયો, ત્રીસમી જાન્યુઆરીએ, તે કેરળે શરૂનો તબક્કો અને પછી પરદેશથી બધા પાછા ફરવા લાગ્યા ત્યારે વધેલ ભય અને ભીંસનો બીજો તબક્કો કેવી રીતે યશસ્વીપણે પાર પાડ્યો તે સમજવાનો છે. કંઈક અનધિકાર તો કંઈક વિસ્તારભયવશ મર્યાદામાં રહીને ઉતાવળે આ સંદર્ભમાં બે વાનાં નોંધું? એક તો, કેરળમાં છે એવી ને એટલી સુસજ્જ, સુગઠિત જાહેર સ્વાસ્થ્ય સેવા દેશના અન્ય રાજ્યમાં નથી. બ્રિટનમાં શરૂની મજૂર સરકાર અને કેરળમાં ડાબેરી સરકાર, એમણે કાયમ કરેલી આ એક મિસાલ છે. બીજું એ કે એનો અમલ પ્રમાણમાં ધોરણસર સર્વસ્તરે પહોંચે છે એનું કારણ તળપદ લોકશાહી છે.
જ્યાં સુધી ભારત સરકારનો સવાલ છે, હજુ લગી તે ધોરણસરની સ્વાસ્થ્ય સેવાશૃંખલા માટે જાણીતી નથી. સરસ કહ્યું હમણાં કોરોનાપીડિતોની સેવાનિરત એક તરુણ તબીબે કે ભારતમાં કોરોના મોરચે આ ‘એટલી મોમેન્ટ’ છે. એનો ઈશારો બીજા વિશ્વયુદ્ધમાં કૉન્ઝર્વેટિવ નેતા ચર્ચિલ અને લેબર પાર્ટીના ક્લૅમેન્ટ એટલી સહિતની રાષ્ટ્રીય સરકાર અને તે પછી તરતના ગાળાનો હતો. ચર્ચિલ જ્યારે સિંહનાદથી રણભૂમિ ધ્રુજાવતા હતા ત્યારે ક્લૅમેન્ટ એટલી જરૂરી સેવાઓ વાટે દેશનો સામાન્ય માણસ સુસજ્જ બને એમાં પરોવાયેલા હતા. એ એમની રીતનો યુદ્ધયત્ન હતો અને યુદ્ધોત્તર બ્રિટનમાં વિકસેલ નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એની નમૂનેદાર પેદાશ હતી. નરેન્દ્ર મોદી અને ભા.જ.પ.નો મુખ્ય યુદ્ધનાદ સુરક્ષા અને મજબૂત રાષ્ટ્ર રહ્યો છે. સ્વસ્થ સામાન્યજન ભણી એનો પુરુષાર્થ વળી શકે? થોભો અને રાહ જુઓ. વિરામચાંપે મોકો તો આપ્યો છે.
રાજીવ ગાંધીની પહેલથી પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળ્યો, પણ રુધિરાભિસરણ અને ચયાપચય અનિરુદ્ધ જારી રહે એવો વિકેન્દ્રિત, કહો કે બૉટમ-અપ, સંસ્કાર હજુ આપણો સ્થાયી ભાવ નથી બન્યો. કેન્દ્રે આ દિવસોમાં રાજ્યો સાથે જે ઘનિષ્ઠ આપલે કરવી જોઈતી હતી એમાં એ મોડું અને મોળું પડ્યું છે. એક તો, રાજકીય પ્રથાની પોતાની મર્યાદા અને હાલની ટૉપ ડાઉન નેતૃત્વશૈલી, બંનેની એમાં જવાબદારી તો ખરી જ. નહીં તો, 2005ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને અન્વયે જરી વહેલાં આગળ જઈ તો શકાયું હોત.
જલંધર ઊભે હિમાલયનાં દર્શન થવાં કે દિલ્હીમાં જમનાજળ કંઈક નિર્મળાં વરતાવાં, એ લૉક ડાઉન લબ્ધિએ પ્રદૂષણ ને પર્યાવરણી સંતુલિતતાને મુદ્દે આપણને જરૂર જાગ્રત કર્યા અને કંઈક ઝકઝોર્યાં પણ ખરાં. એમાં ય મને ઝકઝોરી ગઈ સુદૂર આઈસલેન્ડની એ મનહર ને મનભર સમાચારવાર્તા કે સોશિયલ ડિસ્ટન્સની દુર્નિવાર તાકીદના દિવસોમાં અહીંનું માણસ વૃક્ષને ભેટીને હૂંફ ને સધિયારો પામે છે. પ્રકૃતિ અને મનુષ્યનો શો વિરલ નાતો ! સાસરે સંચરતી શકુન્તલાને વિદાયવાસ્તે નીચે લળતી વૃક્ષમંજરીનું જે ચિત્ર કાલિદાસે આલેખ્યું છે તે સાંભરે છે, નહીં? ભાઈ, આપણું રોજિંદું જીવન પણ પ્રકૃતિસાંનિધ્યે આવું જ સહૃદય અને સોજ્જું હોઈ શકે છે અને તે માટે વિધિવત્ કોઈ કાલિદાસની જરૂર હોવાની નથી. કોઈ ઠોસ લેખ લખતે લખતે જરી વિચારતરંગે ચડી જવાયું. મ્યુઝિંગ્ઝ કહોને. એવું છે કે વિરામબુટ્ટીએ બીજા પ્રશ્નો વચ્ચે અને છતાં ક્ષણભર પણ જે નિરાંતના અનુભવનું સુખ આપ્યું એની વચ્ચે આ સહજ સૂઝી આવ્યું. પડકારની પળો અને સર્જનાત્મક ઉદ્રેક વચ્ચે કશોક એકમેક વિના ન ચાલે એવો અવિનાભાવ સંબંધ હશે? કદાચ છે જ.
કેમ કે તમે અને હું સામાજિક પ્રાણી છીએ, ‘આઈ થિન્ક ધેરફોર આઈ એમ’ એ જો સાચું છે તો ‘વી કોમ્યુનિકેટ ધેરફોર વી આર’ પણ એટલું જ સાચું છે. શરીર અને મનને જેમ સ્વાયત્તિ તેમ ખીંટીઠેકાણાં અને ખૂંટીઠેકાણાં પણ જોઈતાં તો હોય જ છે. વ્યાપક સમાજ, નાગરિક સમાજ એમાં વિકસવા, વિલસવા, એની સાથે કામ પાડવા, નર્મદે ‘ડાંડિયો’ શરૂ કર્યું એ આગમચનો એનો દોર સભારૂપે મળવા વિશે, મંડળીરૂપે મળવા વિશે, કંઈ નહીં તો ‘ટેબલટાક’ (ટેબલટૉક) વાસ્તે હિમાયતકોશિશનો રહ્યો. અનિવાર્ય એકાન્તવાસના આ દિવસોમાં ‘કમ્પેરિંગ નોટ્સ’ના ધોરણે લગરીક પણ દિલભર હોઈ શકતી ચેષ્ટા આ દૈનંદિન ડિજિટલ મુખોમુખતાની છે. નિરીક્ષક, તું એમાં ભિલ્લુ છો, અને ભાગિયું પણ. કહ્યું ને, પડકાર તેમ જ તાવણીની પળો અને સર્જનાત્મક ઉદ્રેક વચ્ચે કશુંક અવિનાભાવ છે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 ઍપ્રિલ 2020