Opinion Magazine
Number of visits: 9446339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોબા વાઙમયનું આચમન

રમજાન હસણિયા|Gandhiana|19 October 2021

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સૌ સંવાહકો અને વિશ્વભરમાંથી જોડાયેલાં સૌ સ્વજનો, સૌને પ્રણામ; – જય જગત.

ગાંધી-વિનોબા મૂળે પ્રયોગના માણસ હતા એટલે આચાર્ય વિનોબાની સવાશતાબ્દી અવસરે આયોજિત કાર્યક્રમમાં પણ સ્નેહી વિપુલભાઈ કલ્યાણીએ મારા જેવા નવા નિશાળિયાને આટલા મોટા ગંભીર વિષય ઉપર વાત કરવાનું કહીને એક પ્રયોગ જ કર્યો છે, એ કેટલો સફળ રહશે, તે તો રામ જાણે ! પણ આ પ્રયોગ કરીને મને મારા પ્રિય વિનોબાની વધુ નજીક લાવી દેનાર વિપુલભાઈ પ્રત્યે હું આરંભે જ અહોભાવ વ્યક્ત કરી લઉં !

વાત માંડતા પહેલા ધ્રુવ ભટ્ટે ‘મુઠ્ઠી ઊંચેરા માનવી શ્રેણી’માં સ્નેહી ભદ્રાયુભાઈ વચ્છરાજાનીને કરેલી એક વાત કરીને મારી મનોદશાને વ્યક્ત કરવા ઇચ્છીશ.

ધ્રુવદાદાએ એક વાત એવી કરેલી કે એક વખત દરિયાકિનારે બાળકોને કેંપમાં લઈ ગયેલાં ત્યાં થોડાં માણસો પોતાના ભાભુ એટલે કે બાની જેઠાણીને દરિયે લઈ આવેલાં. એમણે એ લોકોને  કારણ પૂછ્યું તો કહે, ‘બા ત્રણ દિ’થી વેણ લઈને બેઠાં છે કે અમાસનો દરિયો ન્હાવો છે.’ એટલે ધ્રુવદાદા કહે, ‘એક કામ કરો, એમને અહીં બેસાડી ડોલમાં પાણી ભરીને નવડાવો, અમથાં ક્યાંક હેરાન થઈ જશે.’ આવું સાંભળી બા બોલ્યાં, ‘દીકરા ! દરિયો ડોલમાં નૈ હમાય ! દરિયાને ડોલમાં કેમ ભરી લાવવો ?

એ પ્રશ્ન મારા માટે પણ અહીં ઊભો છે. વિનોબાનાં અખૂટ શબ્દસિંધુમાંથી મારી નાનકડી ડોલમાં કેટલું જળ ભરી શકાશે, તેની મૂંઝવણ છે. મારી સ્થિતિ સમંદરમાં ચરકલડે ચાંચ બોડી જેવી થવાની છે. પણ એમાં કામ લાગશે બાળપણમાં ભણેલું એક ગીત ..    

 ‘ગણ્યા ગણાય નહી, વિણ્યા વિણાય નહિ
                     તોય મારી છાબડીમાં માય.’

અગણિત તારાને નાનકડી છાબડીમાં ભરીને ઊભેલી નાનકડી કિશોરીની જેમ હું પણ તમારી સામે વિનોબા વાઙમયને લઈને હાજર છું. ‘વિનોબા વાઙમયનું આચમન’ વિષય-શીર્ષકમાં આચમન એવો શબ્દ વિપુલભાઈએ મારા પર કૃપા કરીને વાપર્યો હોય એવું અનુભવું છું.

હું આ વાત કરી શકું એ માટે સહાયક બનેલા ઉષાબહેન વોરા અને એમની સમગ્ર ટીમ-પવનાર, પારુલબહેન દાંડીકર – યજ્ઞ પ્રકાશન-વડોદરા, ગુરુજન ડૉ. દર્શનાબહેન ધોળકિયા, રમેશભાઈ સંઘવી, મુકતાબહેન ભાવસાર, નિરંજનાબહેન ક્લાર્થી, વિદ્યાર્થી મિત્ર કરણસિંહ પરમાર, આદિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી મારી વાત માંડું છું.

વિનોબાજીના સાહિત્યની વાત માંડવાની છે ત્યારે આરંભે વિનોબાજીએ આપેલી સાહિત્યની વ્યાખ્યા પર એક નજર કરી લઈએ. તેઓ કહે છે, ‘જે સત્યનો યશ ગાય, જીવનનો અર્થ સમજાવે, વ્યવહારમાં માર્ગદર્શન કરે અને ચિત્તની શુદ્ધિ કરે તે સાહિત્ય’.

સાહિત્યમાં સત્યતા, જીવન સાથેની નિસબત, વ્યવહારજ્ઞાન આપવાની ક્ષમતા અને સૌથી વધુ ચિત્ત શુદ્ધિ પર ભાર મુકતા વિનોબા પોતે આ જ આદર્શને અનુસરે તે સ્વાભાવિક છે. વિનોબાજીના શબ્દે સત્યનો યશ ગાયો છે. એટલું જ નહીં પણ સત્ય જગતને સમજાવ્યું છે. વિનોબાજીની વાત આટલી બધી અસરકારક કેમ બની છે એનું એક કારણ એ છે કે વિનોબાનો શબ્દ જીવાયેલો શબ્દ છે. એટલે એમના શબ્દની અસરકારકતા વધી ગઈ છે. મીરાંએ રામ રાખે તેમ રહ્યા પછી ગાયું કે, ‘રામ રાખે તેમ રહીએ, ઓધવજી … રામ રાખે તેમ રહીએ’. સાદી સરળ બાનીમાં આટલી અસરકારકતા આવી છે કેમ કે એ પ્રથમ જીવ્યાં છે ને પછી બોલ્યાં છે. એમનો શબ્દ અનુભૂતિની અગ્નિમાં પાકીને, પરિશુદ્ધ બનીને આવ્યો છે. વિનોબાની વાત પણ આ જ કારણસર આટલી પ્રભાવક બની છે.

બીજી વાત છે જીવન સાથેની નિસબતની. નિસબત બહુ મોટો શબ્દ છે, આપણે એને છાશવારે જયાં ત્યાં વાપરી દેતાં હોઈએ છીએ, પણ વિનોબા જેવાંના સંદર્ભમાં આ શબ્દપ્રયોગ એક્દમ સાર્થક સાબિત થાય. વિનોબા જીવનના પરમ ચાહક છે. જીવન સાથેની એમની નિસબત એમનાં શબ્દે શબ્દે અનુભવાય છે.

ત્રીજું વ્યવહારજ્ઞાન આપવાનું બહુ મોટું કામ એમના સાહિત્યએ અનાયાસ કર્યું છે. આચાર્ય મમ્મટએ કહેલ કાન્તાસંમિત ઉપદેશ તેમની વાણીમાં સહજ રીતે આવીને માનવજીવનનાં ઉર્ધ્વીકરણનું  કારણ બને છે.

ચોથું ચિત્તની શુદ્ધિ કરે તેને વિનોબા સાહિત્ય કહે છે. આધુનિક માપદંડોની લ્હાયમાં કે કલા ખાતર કલાની દોટમાં ચિત્તને ભ્રમિત કરી દેનાર સાહિત્ય તરફ ઝૂકી ગયેલ સમાજને એક ઋષિ તો ચિત્ત શુદ્ધિને માર્ગે જ વાળે ને ! અધ્યાત્મ માર્ગના આ પથિકે ચિત્તશુદ્ધિની કેડી પોતાના શબ્દોમાં કંડારી આપી છે. આમ, પોતે આપેલી વ્યાખ્યાને વિનોબાએ પોતે સાર્થક કરી આપી છે.

વિનોબાની શબ્દશ્રી એમનાં દળદાર ૨૦ ખંડોમાં સંગૃહિત થયેલી છે. પવનાર આશ્રમ દ્વારા એ પ્રકાશિત થયેલ છે અને હવે તો એ ઓનલાઈન પી.ડી.એફ. ફોર્મેટમાં પણ ઉપલબ્ધ છે. આ ખજાનો એવો છે કે જેણે અનેકને વિચારસમૃદ્ધ કર્યાં છે, ભાવસમૃદ્ધ કર્યાં છે અને આત્મસમૃદ્ધ પણ કર્યાં છે.

ઉષાબહેન વોરા ‘કૃતયોગી વિનોબા’ પુસ્તિકાના પૃષ્ઠ નં. ૩૮-૩૯ પર નોંધે છે તેમ, ‘વેદથી લઈને ગાંધી અને અણુયુગ સુધીનું તેમનું એ ચિંતન, પાંચસો પાનાંનો એક એવા વીસ ખંડોની માલિકારૂપે પણ પ્રકાશિત થયું છે. આજના યુગને માટે એ અણમોલ ચિંતન ખજાનો છે …….. તેમની પ્રજ્ઞા, મેઘા, પ્રતિભા, આત્માનુભૂતિના રસે રસાયેલું એ સાહિત્ય સપાટી પર છબછબિયાં મારતા આજના સમાજને ‘ગહેરે પાની પૈઠ’નું દિશાદર્શન કરાવી જાય છે.’

વિનોબાજીએ આપણે જેને સર્જનાત્મક સાહિત્ય કહીએ છીએ એવું ઓછું લખ્યું છે. પણ, તેમણે સાચા અર્થમાં સર્જનાત્મક – વ્યક્તિ અને સમાજનું ઘડતર કરનારું, ચારિત્ર્ય નિર્માણ કરનારું – સાહિત્ય રચ્યું છે. એમની આ જુદા પ્રકારની સર્જનાત્મકતાની કદાચ આજે સમાજને વિશેષ જરૂર છે. કોઈ સંતની કરુણા શબ્દોમાં વહીને આવે તો કેવું રૂપ ધારણ કરે એ કોઈએ જોવું હોય તો તેમણે વિનોબા વાઙમયમાંથી પસાર થવું રહ્યું.

વિનોબા વાઙમયની એક બહુ મોટી વિશેષતા છે એની ભાષાની કુમાશ. એમની પદાવલી નરસિંહની જેમ એકદમ કોમળ પદાવલી છે. તેથી એમની વાણીમાં ક્યાં ય ભાર અનુભવાતો નથી. હળવી ફૂલ જેવી વાતોમાં વિનોબા જીવનના ભારેખમ સત્યો સમજાવી દે છે. એમનો શબ્દ વાચકને ઉર્ધ્વીકરણની દિશામાં લઈ જનાર બની રહે છે.

વિનોબાની વાણીમાં જેમ કુમાશ અનુભવાય છે તેમ જ અનુભવાય છે વિચારનું નાવીન્ય. ‘ભૂમિપુત્ર’ના પ્રથમ પાને વિનોબાને વાંચીએ ત્યારે એમ થાય કે વાહ ! કેવી નવી વાત, નવો વિચાર લઈને આવ્યા છે ! તેઓ ‘दिने दिने नवम नवम’ છે. ‘અહિંસાની ખોજમાં’ નામક તેમની આત્મકથા કહેવાયેલ પુસ્તકમાં તેમનું વિધાન કઈંક આ રીતે અંકિત થયું છે. પોતાના વિશે વિનોબા કહે છે, ‘હું એટલો બેભરોસાવાળો માણસ છું કે આજે હું એક મત વ્યકત કરીશ અને કાલે મને બીજો મત યોગ્ય લાગશે તો તેને વ્યક્ત કરતા થોથવાઈશ નહીં. કાલનો હું બીજો હતો અને આજનો હું બીજો છું. હું પ્રતિક્ષણ ભિન્ન ચિંતન કરું છું. હું સતત બદલતો જ આવ્યો છું.’ (‘વિનોબાની વાણી’ પૃષ્ઠ- ૨-૩)

વળી, એમના લેખનમાં એક પ્રકારની તાજગી છે. તાજાં ખીલેલાં સુગંધી પુષ્પ જેવા તેમના શબ્દોના સંપર્કમાં આવે તેની સ્થિતિ અત્તરની દુકાનમાં લટાર મારનાર જેવી થાય છે . ખરીદે નહીં તો ય સુગંધ તો એને આલિંગન આપી જ દે છે.

વિનોબાનો શબ્દવૈભવ પાણી પર તરતી હિમશીલા જેવો છે; ઉપર દેખાય છે તેથી ઘણો મોટો ભાગ અંદર છે, અછતો છે. વિનોબાએ જ આ વાતને  ટેકો આપતા કહ્યું છે કે ‘મારું જીવન તમે સપાટી પર જુઓ છો એટલું જ નથી, હું જુદી જ દુનિયાનો માણસ છું.’ આશ્રમમાં આકાશવાણીના કોઈ પ્રતિનિધિ તેમની સાથેનો વાર્તાલાપ ધ્વનિમુદ્રિત (રેકોર્ડ) કરવા આવ્યા ત્યારે બાબાએ કહેલું કે, ‘મને બ્રોડકાસ્ટમાં નહીં, ડીપકાસ્ટમાં રસ છે.’ ને પછી હસતાં હસતાં પૂછેલું કે, ‘તમારું ટેપરેકોર્ડર મારું બોલેલું તો રેકોર્ડ કરી લેશે, પણ શું એને મારું મૌન રેકોર્ડ કરતા આવડશે ?’ (વિનોબા ચિંતન- પ્રસાદ, સં. – રમેશ સંઘવી, અંતિમ પૃષ્ઠ)

એમનું મૌન પકડવાની તાકાત તો મારામાં નથી પણ એમના શબ્દોનો હાથ પકડીને થોડી વાત કરું છું. વિનોબાજીએ ગાંધીજીએ એકાદશ વ્રત વિશે લખેલી નાનકડી પુસ્તિકા ‘મંગળ પ્રભાત’નો મરાઠીમાં ‘અભંગ વ્રતેં’ નામે પદ્યાનુવાદ કર્યો છે. એની પ્રસ્તાવનામાં એમની વિનમ્રતા તો જુઓ. એમણે કહ્યું કે, ‘અનુવાદની પ્રેરણા પરમાત્મા તરફથી મળી, પ્રસાદ મહાત્માજી દ્વારા મળ્યો અને તે પ્રસાદ વહેંચવા માટે વાણી સંતોની કૃપા દ્વારા મળી … આમાં વિન્યાનું કોઈ કર્તૃત્વ નથી.’

વિનોબા સફળ સંપાદક, ઉત્તમ અનુવાદક અને લલિત નિબંધ જેવા ચિંતનાત્મક ગદ્યના સ્વામી છે. એમના સંપાદન અને ગદ્યની વાત પછી કરું. ‘મંગળ પ્રભાત’નો પદ્યાનુવાદ કરનાર વિનોબાનો શ્રેષ્ઠત્તમ અનુવાદ હોય તો તે છે – ‘ગીતાઈ’. વિનોબાજીના માએ કહ્યું કે, ‘ગીતા વાંચવી છે, પણ સંસ્કૃત આવડતું નથી. તું મરાઠીમાં એનો અનુવાદ કરે તો કેવું !’ આમ, માની પ્રેરણાથી વિનોબાજીએ ગીતાનો મરાઠીમાં અનુવાદ કર્યો ને ગીતાના દર્શનને માતૃભાષામાં લાવી દઈ સર્વજન સુલભ બનાવી દીધું. ‘ગીતાઈ’ = ગીતા+આઈ (મા).  એમણે કહ્યું છે, ‘गीताई माउली माज़ी’ (ગીતા મારી મા).

ગીતાના અભ્યાસુ, પંડિતો, ટીકાકારો, વિદ્વાનો તો ઘણા થયા હશે પણ ગીતાનું સંતાન તો વિનોબા જ થઈ શકે! અને એટલે ગીતા પોતાના રહસ્યો તેમની પાસે ઉદ્ઘાટિત કરે ને જેલમાં ‘ગીતા પ્રવચનો’નું પ્રાગટ્ય થાય ! શ્રીકૃષ્ણ જેલમાં જન્મ્યા હતા, વિનોબાએ ગીતા પ્રવચનોની વાતો જેલમાં કરીને પુનઃ કૃષ્ણને, તેમના દર્શનને જેલમાં જન્માવ્યા. આ છે વિનોબાની પ્રજ્ઞાનો પ્રતાપ.

ગીતાના પ્રવચનો વિશે તો કેટલુયે બોલાયું, લખાયું છે એટલે ઝાઝું કહેતો નથી. વિનોબાની પરિણીત પ્રજ્ઞાનું ફળ તે ગીતા પ્રવચનો છે. કવિતા પણ આવા સાધકો પાસે પોતાનું અંતઃસત્વ ઉઘાડવા તત્પર હોય છે. એમણે જે રીતે સ્વધર્મની વ્યાખ્યા સમજાવી છે કે સ્થિતપ્રજ્ઞની વાત કરી છે તે વાંચીએ ત્યારે તેમના દર્શન પાસે ઝૂકી જવાય. અને તે પણ પાછું સાદી સરળ બાનીમાં. વિનોબા વિશે સમજાવતા મારા ગુરુજન દર્શનાબહેન ધોળકિયાએ કહેલું કે ગાંધીયુગીન ગદ્યનો ઉત્તમ દૃષ્ટાંત વિનોબાનું સાહિત્ય છે. સરળ છતાં એટલું જ ઊંડું ને અર્થસભર. એકાદ ઉદાહરણ આપ્યા વિના રહી શકતો નથી. સ્વધર્મની વાત સમજાવવા પુંડલિકનું ઉદાહરણ વિનોબાજીએ  આપ્યું. માતા-પિતાની સેવારૂપી કર્તવ્યમાં નિમગ્ન પુંડલીક સામે ભગવાન આવે તો ય તે પોતાના સ્વધર્મથી ચ્યુત થતા નથી. વિનોબા કહે છે કે, ‘ફળત્યાગી પુરુષની કર્મસમાધિ આવી ઊંડી હોય છે.’

 ‘ઉપનિષદોનો અભ્યાસ’ નામે તેમનું પ્રથમ પુસ્તક ૧૯૨૩માં તેમની ૨૮ વર્ષની ઉંમરે લખાયેલું. પોતાના જ લખાણને વિનોબા જટિલ અને છતાં ઊંડું કહે છે. ઉપનિષદોનું મૂલ્ય સમજાવતા તેઓ એવી વાત કરે છે કે જેના તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. વિનોબા પાસે અર્થઘટનની જબરદસ્ત તાકાત છે. વેદ-ઉપનિષદ કેટલા ય વિદ્વાનોએ વાંચ્યા હશે પણ વિનોબાજીના અર્થઘટન જોશો તો ખ્યાલ આવશે કે એમાં કેટલું નાવીન્ય છે. આપણે સ્વર્ગના પ્રલોભનો આપવામાં ને નરકની બીક બતાડવામાં જ અટવાઈ ગયા, જ્યારે વિનોબા ઉપનિષદને કઈ રીતે જુએ છે તે જુઓ …

‘ઉપનિષદે ત્યાં સુધી કહેવાની હિંમત કરી છે કે જે ગ્રંથોનો અંત્યત ઉપકાર આપણે માનતા હોઈએ તેમનુંયે વિસર્જન કર્યા વિના જ્ઞાન નથી થતું. ‘वेदान अपि संन्यसति’ નારદને કહેવામાં આવ્યું કે વેદોનો ય સંન્યાસ કરવો પડશે, વેદોનોયે છોડવા પડશે. કોઈ છે એવો બીજો ધર્મગ્રંથ જે પોતાનું જ ખંડન કરે, પોતાનો જ નિષેધ કરે અને કહે કે એ પોતે પણ બોજરૂપ છે અને એને ય છોડવો પડશે ? એને છોડ્યા વિના અસીમ સુધી નહીં પહોચી શકાય, સીમામાં જ રહીશું.’ (ઉપનિષદોનો અભ્યાસ, પૃષ્ઠ-૫)

ઉપનિષદોએ વિનોબાને શું આપ્યું ? તો જવાબ છે પાપી કે દોષી હોવાના ગીલ્ટમાંથી મુક્તિ.   એમણે લખ્યું કે, ‘ઉપનિષદોએ એમ ન કહ્યું કે તું મારી પાસે આવ, હું તને પુણ્ય માર્ગ બતાવીશ, સાધનાનો માર્ગ દાખવીશ. એણે તો સીધું એમ જ કહ્યું કે તું પાપી-બાપી છે નહીં, તું તો બ્રહ્મ જ છે. આ ગ્રંથે મને એટલી બધી હિંમત આપી છે કે દુનિયા આખી મારી સામે ઊભી હોય, તો પણ મારી ઇચ્છા વિરુદ્ધ મને દબાવી શકે નહીં, એવો આત્મવિશ્વાસ હું અનુભવું છું. (ઉપનિષદોનો અભ્યાસ, પૃષ્ઠ-૫) ઉષાબહેન વોરા નોંધે છે તેમ પુ.લ. દેશપાંડેએ આ પુસ્તક વાંચીને કહેલું કે, ‘લાગે છે, જાણે ઉપનિષદનું દૂધ પીને જ વિનોબાએ માના ગર્ભમાં પ્રવેશ ન કર્યો હોય !  ગાંધીજીની માગણીથી વિનોબાજીએ ઈશોપનિષદના ૧૮ મંત્રો પરની તેમની સૂત્રરૂપ ટીપ્પણી લખી તે ‘ઈશાવાસ્યવૃત્તિ’ નામે પ્રગટ થઈ.

‘જ્ઞાનદેવ ચિંતનિકા’ નામે તેમણે જ્ઞાનદેવના ભજનોની ઊંચાઈ, ઊંડાણ, માધુર્ય અને ગાંભીર્યને આત્મસાત કરીને પ્રતિધ્વનિત કર્યાં છે. જ્ઞાનદેવ વિનોબાના આરાધ્યોમાંના એક છે. પોતે ત્રણ મહાપુરુષોના ઋણી છે એવું કહી એ પ્રથમ મહાત્મા ગાંધી, પછી આદ્ય શંકરાચાર્ય અને ત્રીજું નામ જ્ઞાનદેવનું આપે છે. ‘ગાંધીજીનો સહવાસ પ્રાપ્ત થયો. શંકરાચાર્યે મારી શંકાઓનું સમાધાન આપ્યું.’ – એમ કહેનાર વિનોબાએ જ્ઞાનેશ્વર સાથે તો સીધો અંતરનો અનુબંધ જાણે અનુભવ્યો છે. તેઓ કહે છે કે, ‘મેં જેટલું સાહિત્ય લખ્યું તે જ્ઞાનદેવના ચરણોમાં સમર્પિત છે. મેં જે કાંઈ બે અક્ષરો પાડ્યા, એનું સઘળું શ્રેય એમને જ છે. એમણે મને ભાવ આપ્યો – ભાષા આપી, મૂળે પથ્થર જેવો કઠોર હતો. આ પથ્થરમાંથી ઝરણું વહેતું કર્યું તો તે જ્ઞાનદેવ મહારાજે જ.’ વિનોબાના લેખનમાં આ પ્રકારે અનુભવાય છે તેમની ભારોભાર કૃતજ્ઞતા. વેદના અભ્યાસ તરફ વાળનાર શંકરાચાર્ય – જ્ઞાનેશ્વરને યાદ કરવાનું તેઓ ચુકતા નથી.

અધ્યયન કોને કહેવાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવું હોય તો ‘ઋગ્વેદ સાર’ જોવું રહ્યું. માના મુત્યુના દિવસે જ તેમણે ઋગ્વેદ વાંચવાનું શરૂ કર્યું. તેઓ લખે છે ‘જ્યાં એક માતા ગઈ, ત્યાં બીજી માતાનો આશ્રય લીધો’. વિનોબા લખે છે, ‘આ રીતે મેં વેદનું અધ્યયન ૫૦ વર્ષ કર્યું. ચાર-સાડાચાર હજાર મંત્ર મને કંઠસ્થ છે. તેમાંથી જ મેં ૧૩૧૯ મંત્ર ચૂંટી લીધા. ઋગ્વેદમાં કુલ ૧૦,૫૫૮ મંત્ર છે. તેનો અષ્ટમાંશ કર્યો …… અને ઋગ્વેદ-સાર પ્રકાશિત કર્યો. પચાસ વરસના અધ્યયનનો આ નીચોડ ….’ (વેદ : આધુનિક નજરે – પૃષ્ઠ-૯)

વિનોબા કેવળ અભ્યાસના જ નહીં પણ આચરણના પણ માણસ છે. તેમણે કહ્યું કે ‘ઠીક છે કે વેદમાં મારી શ્રદ્ધા છે અને હું વેદોનું અધ્યયન કરું છું. પરંતુ મારું આચરણ જો એવું હોય કે જેનાથી દુનિયામાં વેદો માટે નફરત પેદા થાય, તો મેં ખુદને વેદાભ્યાસી કહીને વેદનું મહત્ત્વ દુનિયામાં ઓછું કરી નાખ્યું. મારું આચરણ એવું હોવું જોઈએ, જેના પરથી લોકો કહે કે આ વેદાભ્યાસીનું આચરણ આટલું પવિત્ર છે, તો સ્વયં વેદો કેટલા પવિત્ર હશે ! આપણા આચરણ ઉપરથી આપણા સ્વાધ્યાયનું મહત્ત્વ નક્કી થશે.’ (વેદ : આધુનિક નજરે – પૃષ્ઠ-૯) અધ્યયન કરનાર વ્યક્તિની જવાબદારી કેટલી વધી જાય એની અહીં પ્રતીતિ થાય છે, ને બીજી વાત એ પણ સમજાય છે કે અધ્યયનનો અધિકાર આચરણથી પરિપૂર્ણ થાય છે. જો કે એવું વિચારનાર કેટલા ?

વિનોબાજી કોઈ કામ કરે ત્યારે કેવી નિષ્ઠાથી કરે એનું વધુ એક ઉદાહરણ ઉષાબહેન વોરાના શબ્દોમાં નોંધું. ઉષાબહેન સાનંદ નોંધે છે કે, ‘૧૯૩૯માં તેમને કુરાનનું અધ્યયન કરવાનો વિચાર આવ્યો. કુરાનનો અંગ્રેજી અનુવાદ જોયો. પરંતુ મૂળ જોયા વગર ચેન ન પડ્યું તે માટે અરબી ભાષા શીખી. સાત વાર કુરાન વાંચ્યું. ઓછામાં ઓછું વીસ વર્ષ શ્રદ્ધાપૂર્વક અધ્યયન કર્યું. રેડિયો પરથી કુરાનના ઉચ્ચારણ શીખ્યા. અરબી ભાષામાં શુદ્ધ ઉચ્ચારણની કાબેલિયત હાંસલ કરી. જેટલી શ્રદ્ધથી હિન્દુ ધર્મગ્રંથનું અધ્યયન કર્યું, તેટલી જ શ્રદ્ધાથી કુરાનનું પણ કર્યું. ગીતા વાંચતી વખતે તેમની આંખોમાં આંસુ આવતા. તે જ અવસ્થા કુરાન અને બાઈબલ વાંચતી વખતે પણ થતી. કેમ કે તેમની દૃષ્ટિ મૂળતત્ત્વને જ પકડતી. એમનું ‘કુરાન-સાર’ પુસ્તક ૧૯૬૨માં પ્રથમવાર પ્રકાશિત થયું. એ પુસ્તક અંગે સુપ્રસિદ્ધ મૌલાના મસુદીએ કહ્યું – ‘પચ્ચીસ મૌલવી દસ વરસ બેસીને, લાખો રૂપિયા ખર્ચ કરીને જે કામ ન કરી શકે, તેવું આ કામ થયું છે.’ (કૃતયોગી વિનોબા, પૃષ્ઠ-૩૬)

નિસબતની જે વાત આગળ કરી એ વાતને અહીં પણ જોડી શકાય. કોઈ કામ કેટલો પરિશ્રમ માંગે છે ને એમાં કેવી ચીવટ જરૂરી છે તેનું ઉદાહરણ અહીં મળશે. આવી જ નિસબત ને જહેમતથી તેમણે ખ્રિસ્તીધર્મ સાર, ભાગવતધર્મ સાર, જપૂજી, ધમ્મપદ વગેરેનું સંકલન કર્યું છે. સર્વધર્મનો અભ્યાસ રામકૃષ્ણ પરમહંસ પછી વિનોબાજીએ જ કર્યો છે. પોતપોતાના ધર્મમાં ઊંડા ઊતરનાર અનેકાનેક સંતો-મહંતો આપણને મળશે. સમાનતાની વાતો કરનાર પણ થોડાં–ઘણા જડી આવે. પણ આ રીતે એક-એક ધર્મનો અભ્યાસ કરનાર ને તેનાં ઊંડાણ સુધી પહોંચનાર જવલ્લે જ જડે.

આ સાર આપવાં પાછળનો તેમનો ઉદેશ્ય પણ નિરાળો છે. વિનોબા કહેતા કે, ‘લોકો પુસ્તકનો સાર પ્રકટ કરે છે જેથી મૂળ પુસ્તક વાંચવાની પ્રેરણા મળે, જ્યારે મારી દૃષ્ટિ છે, વિસ્તારમાં જવાની જરૂર ન પડતા સારતત્વ હાથમાં આવે.’ – (કૃતયોગી વિનોબા, પૃષ્ઠ-૩૭ ) ધર્મગ્રંથોમાંથી પણ સાર લેવાની વૃત્તિએ તેમની પાસેથી આ પ્રકારના કામ કરાવ્યા છે. તેમણે કહેલું , ‘સાર લો અસાર છોડો …… ’

વિનોબા પરમ આસ્તિક વિભૂતિ છે પણ એમની ઈશ્વરની વાતોમાં જડ ધાર્મિકતાની ગંધ નથી આવતી, પણ આધ્યાત્મિકતાની સુગંધ પ્રસરે છે. અધ્યાત્મની ઉપાસના ઘણીવાર નિષ્ક્રિયતા તરફ દોરી જાય, એકાંત ભણી લઈ જાય એવું બને. વિનોબાએ તો સમાજ સેવા કરતાં–કરતાં અધ્યાત્મનો એકડો ઘૂંટવાની કલા હસ્તગત કરી લીધેલી ને અન્યને શીખવી પણ ખરી. એમણે કહેલું કે, ‘હૃદયમાં રામ, મુખમાં નામ, અને હાથમાં સેવાનું કામ – આ જ છે આજની સાધના.’

સંતસાહિત્યના ચયનમાં પણ વિનોબાજીનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. મહારાષ્ટ્ર ઉપરાંત આસામ, દક્ષિણ ભારતના અન્ય સંતો સહિત તુલસીદાસજીનાં ભજનોનાં એક-એક ચયનાત્મક પુસ્તકો તેમણે આપ્યાં છે. તેઓ બહુ સારા સંપાદક પણ છે, એની સાબિતીરૂપ આ તમામ ગ્રંથો છે. તુલસીદાસજીનાં ભજનોનું પુસ્તક ‘વિનયાંજલિ’ નામે પ્રગટ થયેલું છે.

ભૂમિ સંપાદનનું કામ કરતાં કરતાં હૃદય અને દિલોનું સંપાદન-સમન્વય કરવાનું બહુ મોટું કામ વિનોબાજીએ કર્યું છે. ગાંધી અને વિનોબાએ દિલોને જોડવાનું કામ જ કર્યું છે. વિનોબાજી તો શબ્દશઃ આ વિધાન કહે છે કે, ‘મારી જિંદગીનાં બધાં કામ દિલોને જોડવાના એકમાત્ર ઉદ્દેશથી પ્રેરિત છે.’ વિનોબાની વાતોમાં ખંડનાત્મકતાનો અભાવ અને વિધાયકતાનો પ્રભાવ નિરંતર અનુભવાય છે. વિનાયક મૂળે વિધાયક છે.

વિનોબાના લેખનમાંથી પસાર થઈએ ત્યારે લખાયેલા શબ્દોમાં બોલતા વિનોબા સતત અનુભવાય છે. કોઈ ઋષિ ઓટલે બેસીને તેમના શિષ્યોને વાત કરતા હોય એવું તેમને વાંચતાં અનુભવાય. આ ઋષિએ પોતાના દર્શનની લ્હાણી છૂટે હાથે કરી છે. તેમનું બોલતું ગદ્ય એટલું તો રસાળ બન્યું છે કે જાણે કોઈ લલિત નિબંધ વાંચતા હોઈએ એવું લાગે ! આ લાલિત્ય તેમના ચરિત્રનું લાલિત્ય છે, જે શબ્દે-શબ્દે વાચકને શાતા આપતું જાય છે.

વિનોબા વાર્તાના માણસ છે. એવી એવી સરસ કથાઓ મૂકીને વાતો કરે કે એમની વાત એકદમ ગળે ઉતરી જાય … એમણે કહેલી ઘણી વાર્તાઓ-પ્રસંગો પ્રસિદ્ધ થયા છે. કેવી કેવી માર્મિક વાત કેવી અસરકારક રીતે કરતા તેમને આવડે છે તે જુઓ ….

‘એક વાર એક છોકરો મારી પાસે આવ્યો. એના કાનમાં દર્દ થતું હતું. તે રડી રહ્યો હતો. મેં એને વિનોદમાં પૂછ્યું અલ્યા, દર્દ તો કાનમાં થાય છે તો પછી તારી આંખો કેમ રડી રહી છે ? પણ કાનના દુઃખનો આંખની સાથે સંબંધ એ જ જીવતા શરીરનું લક્ષણ છે. એવી જ રીતે જે ગામમાં એક પડોશીનું દુઃખ બીજા પડોશી સુધી પહોચતું નથી, એ ગામનો સમાજ મડદા જેવો છે; એમ સમજવું રહ્યું.’ કાન પકડાવીને કબૂલ કરાવે તે વિનોબા. કોઈ પણ વાત દાખલા-દલીલ વગર ન કરે. વિનોબામાં એક જબરદસ્ત કન્વીન્સીંગ પાવર છે.

વિનોબા અને ગાંધીએ માસ(Mass) સાથે કામ લેવાનું હતું. તેથી સામાન્યજનને સમજાય એવી ભાષામાં આ બન્ને મહાપુરુષોએ વાતો કરી છે, લખી છે. પણ, તેથી એનું સ્તર જરાય ઓછું નથી આવ્યું. સાદગીમાં ઊંચાઈ જોવી હોય તેણે ગાંધી-વિનોબા વાંચવા રહ્યાં. ગાંધી કરતાં પણ મને અંગતભાવે વિનોબાનું લેખન વધુ  સરળ અને આસ્વાદ્ય લાગ્યું છે.

કચરો કાઢવા જેવી સાદી-સીધી ક્રિયાને અધ્યાત્મની ઊંચાઈ પર લઈ જાય તે વિનોબા. ‘જે માણસ બહાર જરા પણ કચરો સહન કરતો નથી, તે અંદરનો કચરો પણ સહન નહી કરે. એને અંદરનો કચરો કાઢવાની જોરદાર પ્રેરણા મળશે.’

વિનોબાની ‘વિચાર-પોથી’માં તેમના ચિંતનનો અર્ક જોવા મળે છે. વિચાર-પોથીમાં તેમના ૭૦૦ વિચારો સંગ્રહિત થયા છે. થોડાં ઉદાહરણ જોઈએ …

 * વેદમાં ‘सहते’ ધાતુના બે અર્થ થાય છે : (૧) સહન કરવું  (૨) જીતવું – જે સહે છે તે જીતે છે.

 * અંતરમાં જે વિવેકબુદ્ધિ છે, એ જ આપણો ગુરુદેવ છે. અખાએ કહેલી ‘ગુરુ થા તારો તું જ’ની વાત જાણે તેમના મુખે બોલાય છે.

 *  સાચા ગુરુની તાલીમ કેવી હોય, જુઓ ! – ‘ઉત્સાહમાં મર્યાદા છૂટી જવાનો પ્રશ્ન રહે છે. ઉત્સાહ સાથે ધૃતિ એટલે કે ધૈર્યના ગુણની જરૂર છે.’

 * ટૂંકું ને ટચ છતાં કેટલું મોટું વિધાન

  રાજનીતિ+વિજ્ઞાન = સર્વનાશ; અધ્યાત્મ+વિજ્ઞાન = સર્વોદય

 * મોહનો ક્ષય તે મોક્ષ …

વિનોબાજીએ ‘મહારાષ્ટ્ર ધર્મ’ નામક શરૂ કરેલ માસિકમાં તેમની કેટલીક લેખમાળાઓ ચાલી, જેમાંથી ‘મધુકર’ જેવાં પુસ્તકો થયાં. અત્યારે પણ પવનાર આશ્રમથી પ્રગટ થતું ‘મૈત્રી’ અને વડોદરાથી પ્રગટ થતું ‘ભૂમિપૂત્ર’ વિનોબાના વિચારોને લોકહૃદય સુધી પહોંચાડી રહ્યાં છે. ગુજરાતી ભાષામાં વિનોબા વિચારને પ્રસરવવામાં ‘યજ્ઞ પ્રકાશને’ પ્રશસ્ય કાર્ય કર્યું છે.

વિનોબાજીનો શબ્દ કેવી રીતે ફૂટે છે તેનું એક ઉદાહરણ જોઈએ. ૨૧ માર્ચ ૧૯૫૫, ફ્રાંસની એક મહિલાને જગન્નાથપુરીના મંદિરમાં પ્રવેશ ન આપવામાં આવે ને આપણા બાબા ‘ભગવાન કે દરબાર મેં નિવેદન’ નામે પ્રવચન આપે જે સાંભળનારા શબ્દશઃ લખી લે ને પછીથી તે પુસ્તક આકારે પ્રગટ થાય. વિનોબાના વચનોને ઝીલીને તેને ગ્રંથસ્થ કરી લેનાર એમના સાથીઓએ બહુ મોટું કામ કર્યું છે. ઋષિની ચેતનામાંથી પ્રગટેલા શબ્દોને એમણે વેડફાઈ જવા નથી દીધા. આવા ઝીલનારાનું પણ એટલું જ અદકેરું મૂલ્ય છે.

વિનોબાજીને બોલતાંયે આવડ્યું ને ચૂપ રહેતાંયે આવડ્યું છે. ગાંધીજી હતા ત્યાં સુધી ક્યાં ય પોતે ચિત્રમાં ન આવ્યા. ચુપચાપ કામ કરતા રહ્યા. તેમણે કહ્યું કે ગાંધી હોત તો હજુ હું પ્રકાશમાં ન આવત. પ્રજ્ઞાવાન હોવાં છતાં જાતને ગૌણ બનાવીને બેસી રહેવાની કળા પણ એમણે હસ્તગત હતી.

વિનોબાજી પાસે સુક્ષ્મ અભ્યાસ દૃષ્ટિ છે. આખા ઋગ્વેદમાં એક જ વાર પ્રયોજાયેલો શબ્દ ‘વિશ્વમાનુષ’ને તેઓ પકડે છે. એટલું જ નહિ વિશ્વમાનવીની વેદની કલ્પનાને સાકાર કરવા તેમણે જીવનભર મથામણ કરી છે, ને સૂત્ર આપ્યું તે – જય જગત. રાષ્ટ્રવાદના સંકુચિત કોચલામાં બંધાઈ રહે તેવો આ સાધુ ન્હોતો.

આટલું બધું સર્જન કરનાર વિનોબાજીએ અઢળક પુસ્તકો વાંચ્યાં છે. આઠ વર્ષની ઉંમરે એમણે ‘જ્ઞાનેશ્વરી’ વાંચી લીધી હતી. વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીનાં મોટાં ભાગનાં પુસ્તકો વાંચી લીધાં હતા. સ્મૃતિ પણ એવી જ જબરદસ્ત હતી. ૨૫-૩૦ હજાર પદો તો બાળપણમાં જ એમને કંઠસ્થ હતા. અત્યંત પ્રજ્ઞાવાન યુવાન વિનાયકને એક તરફ બંગાળની ક્રાંતિ ખેંચતી હતી ને બીજી તરફ ખેંચતી હતી હિમાલયની શાંતિ. ગાંધીજીમાં તેમને બંનેનો સમન્વય જોવા મળ્યો ને તેમની પાસે ઠરીઠામ થયા. પોતાની ભૂમિકા અદા કરી ઉચિત સમયે ક્ષેત્રસંન્યાસ લેતાં પણ તેમને આવડ્યું. ઉષાબહેન વોરા ઉચિત રીતે જ નોંધે છે કે, ‘વિનોબા સાધક પણ હતા, સેવક પણ હતા, શોધક પણ હતા. સાધકની તીવ્રતા, સેવકની તત્પરતા અને શોધકની જિજ્ઞાસાના માનો વિનોબા ત્રિવેણીસંગમ.’ (કૃતયોગી વિનોબા – પૃષ્ઠ-૧૪)

વિનોબાજી પોતાના વચન અને લેખન દ્વારા આજીવન માનવધર્મને સ્થાપિત કરવા પ્રયત્ન કરતા રહ્યા. આ માટે કેટલીક અનિવાર્ય એવી પરહેજની વાત તેમણે કરી જેની કદાચ આજે વધારે જરૂર છે. એમણે કહેલું કે, ‘અમે શ્રેષ્ઠનો ભાવ છોડવો પડશે.’

બધા પોતાને જ શ્રેષ્ઠ માને છે, એનું અભિમાન કરે છે, મુક્તિ તો અમારા માર્ગે જ મળે એવી વાત કરે છે. અમારાથી ચડિયાતું કોઈ હોઈ ન શકે. મુક્તિ અમારા સિવાય કોઈ અપાવી ન શકે એવું વિચારનાર-બોલનારને વિનોબા માર્મિક રીતે કહે છે, ‘કેટલી અજબ વાત છે! સામાન્ય મનુષ્યના ઘરના બે-ત્રણ દરવાજા હોય છે, પણ ધર્મવાળાઓએ ઈશ્વરના ઘરમાં પ્રવેશવાનો એક જ દરવાજો રાખ્યો છે !’ વિનોબા તો બહુ જ ક્રાંતિકારી છે, એ તો ત્યાં સુધી કહે છે કે ધર્મ જન્મજાત નહીં ૧૮ વર્ષની ઉંમરે પસંદ થાય તો કેવું ?

વિનોબા આજીવન શિક્ષક રહ્યા છે. પોતાની જાતને એમણે શિક્ષક તરીકે ઓળખાવી છે. શિક્ષકો માટે ભાષણ આપતા તેમણે કહેલું કે, ‘મને જો પૂછવામાં આવે કે, તમારો ધંધો શું ? તો હું એ જ કહું કે, મારો ધંધો શિક્ષકનો છે.’ ને તેથી તેઓ આજીવન વિદ્યાર્થી પણ છે. જે પ્રાંત-પ્રદેશમાં જાય તે પહેલા તેની ભાષા શીખે છે. અધ્યયન-અધ્યાપન જ કરતાં રહે છે. એમ એમણે પોતાના આચાર્ય વિનોબા નામને સાર્થક કર્યું છે. તેમણે વિદ્યાર્થીને શિક્ષકનો દેવ ગણાવ્યો છે ને શીખવનાર ગુરુમાં પ્રેમ અને જ્ઞાનના સાયુજ્યની વાત કરી છે.

વિનોબા સતત નવું નવું વિચારે છે, બોલે છે ને લખે છે. ગાંધીજીએ આપેલ ‘સત્યાગ્રહ’ શબ્દ એમને બહુ ગમતો નથી કેમ કે એમાં સત્ય ઘણીવાર બાજુ પર રહી જાય છે ને આગ્રહ જ કેન્દ્રમાં રહી જાય છે એવું તેઓ માને છે. એટલું જ નહીં ‘સત્યાગ્રહી’ને બદલે ‘સત્યગ્રાહી’ એવો નવો શબ્દ તેઓ પ્રયોજે છે. નવાં નવાં શબ્દો બનાવવાની તેમને હથરોટી છે. એમને અનુસરતા ગુણવંતભાઈ શાહ પણ નવા નવા શબ્દો બનાવે છે. એમણે પ્રહ્લાદને પ્રથમ સત્યાગ્રહી ગણાવ્યો છે, જેણે પિતા હિરણ્યકશ્યપુ સામે અહિંસક સત્યાગ્રહ ચાલુ રાખ્યો હતો.

વિનોબાના આટલા ઊંડા અધ્યયન-અભ્યાસ અને નૂતન દૃષ્ટિકોણના કારણે તેમનાં સાહિત્યમાં આપણને એક પ્રકારની વ્યાપકતાના દર્શન થાય છે. આવા નખશીખ સર્જક વિનોબાએ સર્જકત્વનો ભાર પણ નથી રાખ્યો. સર્જક્ત્વના ભારથી મુક્ત થવા વિનોબાજીએ પોતાનાં કાવ્યો પાણીમાં વહાવી દીધાં છે, અગ્નિમાં બાળી દીધાં છે. તેઓ પોતે જ કહે છે કે, ‘મારા વિચારોને કવિતામાં ગોઠવવાનો મને શોખ હતો. હું રચના કરતો. એક-એક કવિતા રચવામાં બબ્બે, ત્રણ-ત્રણ કલાક, ક્યારેક તો દિવસ આખો લાગી જતો. પછી એને ગાતો. કોઈ ઊણપ લાગે તો ઠીક કરી લેતો અને જ્યારે પૂરું સમાધાન થઈ જતું કે કવિતા સારી બની ગઈ, ત્યારે એને અગ્નિનારાયણમાં હોમી દેતો … કાશી ગયા પછી ત્યાં ગંગાકાંઠે બેસીને આમ જ કવિતા બનાવતો અને સમાધાન થઈ જાય પછી ગંગામાં વહેવડાવી દેતો.’ (વિનોબાની વાણી, પૃષ્ઠ-૫૧)

આ છે આપણા વિરલ વિનોબા અને એમના જેવું જ વિરલ તેમનું વાઙમય. હું અહીં માત્ર અમી છાંટણા જ કરી શકયો છું. સમયની અને મારી મર્યાદાઓથી પર એવો વિનોબા વાઙમયમાં આપ સૌ ડૂબકી લગાવી ‘માંહે પડ્યા તે મહાસુખ માણે’ની સ્થિતિને વરશો એવા ભાવ સાથે વિરમું  છું.

અંતે વિનોબાજી વિશે લખાયેલાં બે-ત્રણ કાવ્યોની એક-બે પંક્તિઓ ગાઈને મારી વાત સંકેલું.

* (૧) નારાયણ દેસાઈ

સતયુગનો સંત દ્વાર આવિયો રે, તને કરતો આહવાન. (૨)

      હૈયાના દ્વાર આજ ખોલજો, કરો પ્રેમ તણું દાન … (૨)

                             ભૂમિદાન મંત્ર સંત લાવિયો ……..

* (૨) બબલભાઈ મહેતા

ચાલ્યા પૈદલ વિનોબા ગામ ગામડે રે,

એને બાપુના મંત્ર બધા આવડે રે ……

* (૩) જયંતીલાલ માલધારી 

                         કોણ જાણે કેમ ધરતી જાગી ને જાગ્યા પાણી ને પવન,
                         આભ ગોરંભમાં ચેતના જાગી ને જાગ્યાં મૂંઝાયેલા મન.
                                       જાગ્યાં વન વગડા ઝાડી,
                                       જાગી ઊઠી દૂબળી માડી !
                            કોણે ગરીબને ઝૂંપડે  જઈને ઉપાડી લીધાં બાળ ?
                           હૈયે ચાપી કોણે હેત કીધાં ? બહુ ઠરી છે હૈયાવરાળ ?
                                      વ્હાલો મારો કોણ છે એવો ,
                                        જાણે ગાંધી બાપુ જેવો ?
                           માનવતાએ પ્રેમને કીધું કે હાલ લઈએ અવતાર,
                           બેય ભેળાં થઈ માનવકુળના, બની ગયાં તારનાર,
                                   વિનોબાજી સંતને નામે
                                   ફરે આજ ગામડે ગામે

……………… સૌનો આભાર; જય જગત ……………..

 (તા. ૦૪/૦૯/૨૦૨૧ ને શનિવારના રોજ યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા આયોજિત ઓનલાઈન કાર્યક્રમમાં આપેલ વક્તવ્ય)

વક્તવ્યની લિન્ક – https://www.youtube.com/watch?v=Kz0R3jLdfPY

Loading

19 October 2021 admin
← Review of Movie – Rashmi Rocket
ગાંધી અને મુંબઈ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved