પહેલી મેની સાંજે ટી.વી. પડદે ટૂંક સમયમાં સેના પ્રમુખોની પ્રેસ કૉન્ફરન્સની જાહેરાત જોઈ ત્યારે મહામારીના દિવસોમાં દેશ સમક્ષ કોઈ મોટું સંકટ તો નહીં આવ્યું હોય ને, એ વાતે ફિકર થઈ હતી. પણ પછી જ્યારે એમની પ્રેસ કૉન્ફરન્સનું પ્રયોજન સાંભળ્યું ત્યારે તો ચિંતા ઓર ઘેરી થઈ. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સાથે સેનાના ત્રણેય વડાઓએ, એક પણ મહિલા પત્રકાર વિનાની આ પ્રેસ કૉન્ફરન્સમાં કોરોના વૉરિયર્સ પ્રતિ આભાર પ્રગટ કરવા સેનાની ત્રણેય પાંખોએ કરેલા આયોજનની વિગતો આપી.
ત્રીજી મેના રવિવારે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમોનું આયોજન થયું છે. વાયુસેનાનાં લડાકુ વિમાનો શ્રીનગરથી તિરુઅનંતપુરમ્ અને દિબ્રુગઢથી કચ્છ સુધીની કોવીડ હોસ્પિટલો પર વિમાનમાંથી પુષ્પવર્ષા કરે, ભૂમિસેના છેક જિલ્લા લેવલે કોવીડના દરદીઓની સારવાર કરતી હોસ્પિટલોની બહાર આર્મી બેન્ડની સૂરાવલિ રેલાવે અને સાંજે સમુદ્રકિનારે નૌકાદળનાં જહાજો પર રોશની કરવામાં આવે. આ આયોજનથી મહામારી સામેના પ્રયત્નોમાં શું લાભ? એવો પ્રશ્ન કરવાની જરૂર નથી. અગાઉ દેશે થાળી વગાડી, દીવા પ્રગટાવ્યા હતા ને? તો સેનાની પણ ફરજ બને છે ને કે તે કોરોના સામે દેશવાસીઓને સુરક્ષિત રાખવા સતત મહેનત કરતાં આરોગ્યકર્મીઓ, પોલીસ અને મીડિયા પ્રત્યે પોતાની લાગણી દર્શાવે. એક યોદ્ધા બીજા યોદ્ધા માટે આટલું તો કરે જ ને?
શ્વસનયંત્ર મારફત શ્વાસ લઈ રહેલા ગંભીર દરદીઓને સંગીતના સૂર રાહત પહોંચાડવાના છે. અને હા, લૉક ડાઉનમાં નેવીનું લાઈટિંગ જોવા કોણ જશે? એવો સવાલ નથી પૂછવાનો. યાદ છે ઘરે અંધારપટ કરી બહાર દીવા પ્રગટાવ્યા ત્યારે એ બધું દુનિયાને કોણે દેખાડ્યું હતું? ગોદી મીડિયા ભલે કોરોના પૉઝિટવ આવેલા દિલ્હીના ૧૬૮ વૉરિયર્સ કે ૧૨૨ સી.આર.પી.એફ. જવાનો સુધી ન પહોંચે, લાઈટિગ દેખાડવા આખા દેશના સમુદ્રકિનારે રિપોર્ટર્સ ગોઠવાઈ જશે. અને બાકીનું કામ આઈ.ટી. સેલ અને સેલિબ્રિટીસની ટ્વીટ કરી દેશે. પી.પી.ઇ. કીટ, આઈસોલેશન બેડ, વૅન્ટિલેટર, આઈ.સી.યુ.ની સગવડ, હોસ્પિટલ અને સ્ટાફની અછત જેવા સવાલો નહીં પૂછવાના. અને હા, પેલા પરપ્રાંતીય મજૂરોનું તો નામ પણ નહીં લેવાનું. સેના આકાશમાંથી પુષ્પવર્ષા કરશે તો રસ્તે ચાલતાં, બસમાં કે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં જતાં કે પોતાના ઘર-ગામના ક્વૉરન્ટીન સૅન્ટરમાં મોજ કરતાં મજૂરો પર પણ ફૂલોની થોડી પાંખડીઓ તો પડશે જ ને?
આ માટેનો ખર્ચ? એની ચિંતા ન કરો. આપણે ડિફેન્સ બજેટમાં કોઈ કાપ મુકવાના નથી. વળી દેશના દયાળુ દાતાઓએ પી.એમ. કેર્સ ફંડ છલકાવી દીધું છે અને દોઢ વરસ સુધી સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પણ નથી આપવાનું. ચિંતા છોડો. સોગિયું મોં જરા હસતું રાખો. પોઝિટિવ કેસ ડબલિંગ થવાના રેટના દિવસો ઘટી રહ્યા છે. દર દસ લાખે ટેસ્ટિંગમાં દેશ દુનિયામાં આગળ છે, સાજા થનારા વધી રહ્યા છે અને હા, હવે ઘરે જ લોકો કોરોનાની સારવાર લેવાના છે. એટલે આ યુદ્ધ તો આપણે જીતવાના છીએ. આફતને પણ અવસર અને સંકટને સેલિબ્રેશનમાં ફેરવવામાં તો આપણે વિશ્વગુરુ ઠરવાના છીએ.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 મે 2020