
જન્મ: 25-12-1924 • મૃત્યુ: 16-8-2018
શું અટલ બિહારી વાજપેયીનું ઉદાત્ત નેતૃત્વ અને કવિહૃદય તેમની વિચારધારાની મર્યાદાઓ વચ્ચે ખરેખર એક એવું ગીત બનીને રહી ગયું જે પૂર્ણ રીતે વિલસી ન શક્યું?
અટલ શતવર્ષી સમારોહ (ડિસેમ્બર ’23 – ડિસેમ્બર ’25) જોતજોતાંમાં વિદાય પણ થઈ ગયો! પક્ષપરિવારની બહાર વ્યાપક ચાહના અને સ્વીકૃતિની દૃષ્ટિએ એમની કારકિર્દી અક્ષરશ: પ્રતિમાન રૂપ હતી. એમના કરતાં વધુ બેઠકો અને લાંબાં સત્તાવર્ષો છતાં મોદી કરતાં એમને માટેની પ્રીતિ અને ચાહના આગળ ને આગળ વરતાય છે.

પ્રકાશ ન. શાહ
તમે નિ:શંક કહી શકો કે વક્તૃત્વના ધણી વાજપેયી પક્ષપરિવારની સંગઠનાત્મક તાકાત વિના દિલ્હીમાં ગાદીનશીન થઈ શક્યા હોત એવું કલ્પી શકાતું નથી, તો સાથેલગું જેની અપીલ પક્ષ અને પરિવારને વટી ગઈ હોય એવી બીજી શખ્સિયત પણ કલ્પી શકાતી નથી.
ઇતિહાસમાં લાંબે નહીં જતાં એક સંવાદ સંભારી આગળ વધુ. યાદ નથી, સુકેતુ કે ધનપાલે મને કહ્યું કે 1967ની લોકસભાની ચૂંટણી પૂર્વે જુનિયર ચેમ્બરે વિવિધ પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની અત્યંત સફળ વ્યાખ્યાનશ્રેણી યોજી ત્યારે દીનદયાલે કહ્યું હતું કે ‘માસ કન્ઝપ્શન’નો મામલો છે એટલે મને નહીં પણ અટલને ઊંચકી જાઓ. (જો કે પછી મધોક પ્રગટ્યા હતા અને ઝળકી ઊઠ્યા હતા.) સંઘનું શીર્ષ નેતૃત્વ મધોક કરતાં વધુ વાજપેયીને ઇચ્છતું હશે તે પછીના ઘટનાક્રમથી સમજાઈ રહે છે. જો વિચારધારાકીય કસોટી જ હોય તો તો વાજપેયીને મુકાબલે મધોક દોઢ હિંદુ રાષ્ટ્રવાદી હતા – પણ ચોક્કસ તરેહની નમનીયતા અને લોકસ્વીકૃતિ, એમાં વાજપેયીની જોડ એમને જણાઈ નહીં હોય.
એ 1957માં બલરામપુર-ગોંડાથી ચુંટાઈ સંસદમાં પહોંચ્યા અને ગૃહમાં પહેલી તક સાથે જ એવા તો ઝળક્યા કે નેહરુ મુખે કથિત રૂપે એમને ‘ભાવિ વડા પ્રધાન’ કહેવાયા. વસ્તુત: આવો કોઈ ઉદ્દગાર ક્યાં ય નોંધાયેલો નથી તેવું સ્પષ્ટ વિધાન અભિષેક બેનરજીએ વાજપેયીની અધિકૃત જીવનીમાં ખાસી ખણખોદ બાદ નોંધ્યું છે. છતાં, આ લોકોક્તિમાં વાજપેયીની પ્રતિભાનો સ્વીકાર નથી એવું તો કહી શકાતું નથી.
વાજપેયી માટે નહીં પણ વાજપેયી મુખે મુકાયેલી એક બીજી ઉક્તિ પણ જાણીતી છે : બાંગલા ઘટના પછી એમણે ઇંદિરા ગાંધીને ‘દુર્ગા’ કહ્યાં હતાં. આ ઉક્તિ પણ ખુદ વાજપેયીએ ‘આપ કી અદાલત’માં રજત શર્માને ઓન રેકોર્ડ કહ્યા પ્રમાણે કાલ્પનિક છે. છતાં, અન્યની શક્તિ પ્રતિભાનો સમાદર કરવાની વાજપેયીની સહજ પ્રતિભા જોતાં અને એ ક્ષણનું ઇંદિરાઈ નેતૃત્વ જોતાં ‘દુર્ગા’ પ્રયોગ કેવો સહજ લાગે છે!
ભેગંભેગા એક ત્રીજી જ ઉક્તિ સંભારી લઉં. અયોધ્યા આંદોલનને પરવાન ચડી હશે એ દિવસોમાં એમને અન્યત્ર જોઈને કુલદીપ નાયરે પૂછેલું – તમે ત્યાં નથી ગયા? વાજપેયીએ લાગલું જ કહેલું – રામભક્તો ત્યાં છે, અને દેશભક્તો અહીં! એ અલબત્ત જાણીતી વાત છે, અને અડવાણીએ આત્મકથામાં નોંધ્યું પણ છે કે અમે ભાગ્યે જ અસમ્મત થતા હોઈશું, પણ રથયાત્રાના મારા વિચાર સાથે વાજપેયી સમ્મત નહોતા.
એક રીતે, આ વિધાન સાથે શતાબ્દીપુરુષ વાજપેયીના નેતૃત્વ વિશે વિમર્શની શરૂઆત થઈ શકે. કારણ, એક બાજુ જો આ અસમ્મતિ છે તો બીજી બાજુ અડવાણીનું એ અદ્દભુત અવલોકન છે કે લોકો એમને ઉદાર માને છે, અને મને હાર્ડ લાઈનાર માને છે, પણ અમે સામાન્યપણે એક જ વૈચારિક ફ્રિકવન્સી પર હોઈએ છીએ. માત્ર, લોકોની આ લાગણી બેઉ છેડેથી એકત્ર થઈ પક્ષને સારુ સમર્થનકારી શક્તિ બની રહે છે.
આ ધોરણે વિચારીએ તો વાજપેયીને ‘આધા કાઁગ્રેસી’ માનતી ઋતંભરાની સમજ એક છેડેથી કંઈક અધકચરી ને પૂર્વગ્રહદૂષિત પણ લાગે અને નેહરુનીતિ માટેના પ્રેમ ને પક્ષપાતને પરિણામે પંડિત અટલ બિહારી નેહરુ કહેવાતા (વળી વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત) અટલબિહારીનો પાટલો ઊંચે આસને પણ પડી શકે. 1977માં મોરારજી પ્રધાન મંડળમાં વિદેશ મંત્રીનો અખત્યાર સંભાળ્યા પછી અદકપાંસળા ઉત્સાહી સ્ટાફે ખસેડેલ નેહરુ છબીને સાઉથ બ્લોકમાં પુન:પ્રતિષ્ઠ કરાવનાર અટલબિહારીએ નેહરુના નિધન વખતે લોકસભામાં આપેલી અંજલિ અપ્રતિમ છે – એક ગીત થા, જો અધૂરા રહ ગયા!
અટલબિહારીનું જાહેર જીવન પણ ચોક્કસ જ એક ગીત હતું જે અધૂરું રહી ગયું જો કે, ખરું જોતાં આ એક ગીત હતું જે વંકાઈ ગયું, અને રમતું ગમતું પણ કંઈક રોળાઈ ગયું.
છતી મુદ્દાપકડે તકચૂક એ એમની કમનસીબી રહી. પક્ષને જયપ્રકાશના આંદોલનમાં સહભાગી કર્યો તે મોટી ઘટના હતી. અમે જ્યારે (રાષ્ટ્રભક્તિના ગર્જનતર્જનથી ઉફરાટે) આમ જનતાના આંદોલનમાં જોડાઈએ છીએ ત્યારે રાજકીય કાર્યકર્તા તરીકેના અમારા ચારિત્ર્યમાં પણ બદલાવ આવે છે, એવી એમની આશ્વસ્તકારી પ્રતીતિ કોઈક તબક્કે હવાઈ ગઈ. જનસંઘના જનતાવતાર પછી પક્ષભંગાણ વખતે એમણે સંઘશ્રેષ્ઠીઓને પાયાનો પ્રશ્ન કીધો, નક્કી કરો, તમે આર્યસમાજની જેમ સુધાર સંસ્થા છો કે રાજકીય પક્ષ છો.
ભારતીય જનતા પક્ષની રચના વખતે પાયાના સિદ્ધાંત તરીકે સકારાત્મક બિનસાંપ્રદાયિકતા અને ગાંધીવાદી સમાજનો સ્વીકાર કરાવી શક્યા. વડા પ્રધાન તરીકે 1999માં લાહોર બસયાત્રા સાથે મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતનું નૈતિક સાહસ દાખવ્યું. 2002માં રાજધર્મના પાલનની તાકીદ કરી પણ રાજીનામું ન લઈ શક્યા.
અહીં આપેલ દરેક દાખલે નવી ભોં ભાંગવાની શક્યતા ખૂલી ખૂલીને ઠીંગરાઈ ગઈ. તાળી અલબત્ત બે હાથે વાગે. પણ પોતે કરેલી પહેલને તહેદિલ આવકારતો પક્ષપરિવાર? એ કાં તો ગાયબ કે પછી પેટમાં રહીને …
‘રાઈટ મેન ઈન રોંગ પાર્ટી’ એ કદાચ એમની ઇતિહાસનિયતિ રહી. પહેલો સાચો અવાજ નીકળે એની ફરતે ભળતાસળતા અવાજોને અવકાશ આપે: એક કવિહૃદય હતું જે રોળાઈ ગયું, એક ગીત હતું જે મોચવાઈ ગયું. એમની સંભાવનાઓ ને એમની મર્યાદાઓ, કાશ, વૈકલ્પિક વિમર્શ સારુ દીવાદાંડી બની રહે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 ડિસેમ્બર 2025
![]()

