તમારા સંતાનો કે સંબંધીઓના સંતાનો આઈ.એ.એસ. / આઈ.પી.એસ.ની તૈયારી કરતા હોય તો તેમણે ‘શિક્ષાપત્રી’ કોણે લખી, ક્યારે લખી, તેમાં કેટલા શ્લોક છે, તેમાં કઈ અદ્દભુત ફિલોસોફી છે, નિષ્કર્મ કર્મયોગી એટલે શું, શિક્ષાપત્રીએ કઈ રીતે શૂદ્રોનો ઉદ્ધાર કર્યો હતો? વગેરે બાબતોની જાણકારી મેળવવી પડશે’ હોંશિયાર ઉમેદવારો ચેરમેન અને ઈન્ટરવ્યૂ બૉર્ડના સભ્યોની પૃષ્ઠભૂમિ જાણી લેતા હોય છે! દેશમાં ધર્મસંસદ / હિન્દુ મહાપંચાયતના ભડકાઉ ભાષણોની ચર્ચાઓમાં વડા પ્રધાન પોતાનું કામ સીફતપૂર્વક આગળ ચલાવે છે. અદાણીને સરકારી મિલકતો / સરકારી મદદો અપાઈ રહી છે. લોકો હિન્દુ-મુસ્લિમની ચર્ચામાં ગૂંચવાઈ ગયા છે. ૫ એપ્રિલ, ૨૦૨૨ના રોજ વડા પ્રધાને, મનોજ સોનીને (જન્મ : ૧૭ ફેબ્રુઆરી ૧૯૬૫) દેશના ઉચ્ચ નોકરશાહોની પસંદગી કરતી યુ.પી.એસ.સી. – યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન બનાવી દીધા છે ! જો કે તેઓ યુ.પી.એસ.સી.ના સભ્ય તો હતા જ.
કોણ છે મનોજ સોની? તેમની નિમણૂક થતાં ફેસબૂક ઉપર સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલ કેટલાંક મિત્રોએ ‘સત્સંગી મનોજ સોની’ને અભિનંદન આપ્યા હતા! મનોજ સોની સ્વામિનારાયણ સંપ્રદાયના એક ફાંટા અનુપમ મિશન સાથે જોડાયેલા છે. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦માં તેમણે ‘નિષ્કર્મ કર્મયોગી’ તરીકે દીક્ષા લીધી હતી. કપાળે હંમેશાં તિલક-ચાંદલો કરે છે. ૨૦૦૨માં ગુજરાતમાં નરસંહારની ઘટનાઓ બની હતી, તે અંગે તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન ઉપર સખ્ત માછલાં ધોવાઈ રહ્યા હતા / આલોચના થઈ રહી હતી, તે સમયે મનોજ સોનીએ પુસ્તક લખેલ – In Search of a Third Space. તેમાં તેમણે તત્કાલીન મુખ્ય મંત્રીનો બચાવ કરેલ. તેથી ઈનામ તરીકે ૨૦૦૫થી ૨૦૦૮ સુધી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કુલપતિનું પદ સૌથી યુવાન વયે તેમને મળ્યું હતું. ૨૦૦૯ અને ૨૦૧૫માં તેઓ બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીના કુલપતિ હતા. તેમને માન/સન્માન/એવોર્ડ મળ્યા છે. તેમની નિયુક્તિને 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ આ રીતે દર્શાવી હતી -‘Meet the monk who will now head UPSC!’ તે અહેવાલમાં જણાવ્યું હતું કે પિતાના નિધન બાદ મનોજ સોનીએ અગરબત્તી વેચીને પરિવાર ટકાવ્યો હતો. તેઓ ૧૨ સાયન્સ પ્રવાહમાં ફેઈલ થયા હતા, તેથી આટ્ર્સ પ્રવાહ લઈને આગળ વધ્યા હતા. M.A. કર્યા બાદ તેમણે આંતરરાષ્ટ્રીય બાબતોમાં Ph.D. કર્યું હતું. તેમણે ટાઈપિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. તેમણે બે વખત યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપી; પ્રથમ પ્રયાસમાં સફળતા મળી ન હતી; બીજા પ્રયાસમાં ઇન્ટરવ્યૂમાં સફળતા મળી ન હતી. અગરબત્તી વેચનાર સંઘર્ષ કરીને યુ.પી.એસ.સી.ના ચેરમેન બને તે ઘટના નાની નથી. તે અંગે કેટલાકે ‘મોટિવેશનલ સ્ટોરી’ પણ લખી !
સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મપુસ્તક છે – ‘શિક્ષાપત્રી.’ તે મનુસ્મૃતિની લઘુ આવૃતિ જ છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને આર.એસ.એસ.ની વિચારસરણી સરખી છે, બન્ને સામંતી મૂલ્યોમાં માને છે. મનોજ સોની જ્યારે એમ.એસ. યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે તેમણે યુનિવર્સિટીનું ભગવાકરણ કર્યું હતું. મે ૨૦૦૭માં એક ઘટના બની હતી. ફાઈન આર્ટ ફૅકલ્ટીના ૨૩ વર્ષના વિદ્યાર્થી શ્રીલમંથુલા ચંદ્રમોહને coursework assessmentના ભાગ રૂપે ચિત્રો દોર્યા હતા, તેનું યુનિવર્સિટી-પરિસરમાં ચિત્ર પ્રદર્શન યોજ્યું હતું. વી.એચ.પીએ. ધાર્મિક લાગણી દૂભાવવાના કારણે ચિત્રોનો વિરોધ કર્યો હતો. મનોજ સોનીએ વી.એચ.પી.નું સમર્થન કર્યું હતું, જ્યારે ફાઈન આર્ટ ફેકલ્ટીના ડીન પ્રોફેસર Shivaji Panikkar – શિવાજી પાણિકકરે, ચંદ્રમોહનને સપોર્ટ કર્યો હતો; તેથી મનોજ સોનીએ, શિવાજી પાણિકકરને ચાર વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા હતા! શિવાજી પાણિકકરે છેવટે રાજીનામું આપી દીધું હતું ! ચંદ્રમોહન સામે આઈ.પી.સી. કલમ-૧૫૩ (છ) હેઠળ ધાર્મિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સબબ ગુનો દાખલ કરાવી જેલમાં પૂરાવેલ! ચંદ્રમોહનને ચાર દિવસ જેલમાં રહેવું પડેલ અને ગુજરાત નહીં છોડવાની શરતે જામીન ઉપર છૂટેલ. ચંદ્રમોહન ડિગ્રી વિના અજાણ્યા રાજ્યમાં કઈ રીતે રહી શકે? ચંદ્રમોહને ૨૦૦૭માં માસ્ટર ડિગ્રી પૂરી કરી હતી; તેમ છતાં ૧૧ વરસ સુધી તેમને ડિગ્રી આપી ન હતી. તેથી તીવ્ર હતાશામાં, ફેબ્રુઆરી ૨૦૧૮માં, ચંદ્રમોહને વાઇસ ચાન્સેલરની ઓફિસમાં આગ લગાડવાનું કડક પગલું ભર્યું હતું! તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ અને કેટલાક મહિનાઓ બાદ હાઈકોર્ટે જામીન પર છોડેલ ! ચંદ્રમોહને કહ્યું હતું કે “મેં વી.સી.ને ૩૦-૪૦ પત્રો લખ્યા. મને મારું પરિણામ જાહેર ન કરવા માટેનું કારણ આપતા નથી કે પરિણામને ૧૧ વર્ષ સુધી રોકવા માટેનું કારણ પણ આપતા નથી!” ચંદ્રમોહન, આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીના એક ગામના હતા. તેમના ગામમાંથી ચંદ્રમોહને પ્રથમ વખત યુનિવર્સિટી જોઈ હતી. તેમના પિતા સુથાર તરીકે કામ કરે છે અને તેમને આશા હતી કે ચંદ્રમોહન તેની કળાથી પરિવારને ટેકો આપશે; પણ એવું ક્યારે ય બન્યું નહીં. તેમને યુનિવર્સિટીમાંથી તેમની ડિગ્રી અને આર્ટ ગેલેરીમાં જગ્યા આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો ! ચંદ્રમોહન તેજસ્વી કલાકાર છે; છતાં તેમની કળાને પ્રદર્શિત કરવા માટે કોઈ આર્ટ ગેલેરી તૈયાર થતી નથી ! મનોજ સોનીએ, ચંદ્રમોહનની કારકિર્દીની શરૂઆત થવા ન દીધી; તેની કળા માટે તેને ગુનેગાર બનાવી દીધો! મનોજ સોનીને યુ.પી.એસ.સી.માં સફળતા ન મળી; પરંતુ યુ.પી.એસ.સી.ના ચેરમેન જ બની ગયા! કઈ જડ્ડીબુટ્ટી છે? યાદ રહે, ગુજરાતમાં મનોજ સોની કરતાં વધુ વિદ્વાન ૧,૦૦૦ માણસો હોવાના, પરંતુ વિદ્વાનો ક્યારે ય સફળતાની જડ્ડીબુટ્ટીનો ઉપયોગ કરતા નથી; ગોડસેવાદી અને સામંતી સંસ્થાઓ સાથે જોડાતા નથી; એટલે તેમને મનોજ સોનીની જેમ હોદ્દો મળતો નથી!
(રમેશ સવાણીની ફેસબુક વૉલપરથી સાભાર)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 14