ગ્રંથયાત્રા – 20

માર્ગરેટ મિચલ
અંગ્રેજીમાં જેને એક્સિડન્ટ-પ્રોન કહે છે તેવી હતી એ સ્ત્રી. ત્રણ ત્રણ વખત મોટર એક્સિડન્ટનો ભોગ બની. બે વખત હાડકાં-પાંસળાં ભાંગ્યાં, લાંબો વખત પથારીવશ રહી. પણ ૧૯૪૯ના ઓગસ્ટની ૧૧મી તારીખે જે ત્રીજો મોટર અકસ્માત થયો તે જીવલેણ નીવડ્યો. પાંચ દિવસ બેભાન રહ્યા પછી ઓગસ્ટની ૧૬મી તારીખે તેનું અવસાન થયું. એ સ્ત્રીનું નામ માર્ગરેટ મિચલ. પણ તેના જીવનમાં સૌથી મોટો અને સુખદ અકસ્માત બન્યો તે તો ૧૯૩૬ના જુલાઈની ૩૦મી તારીખે. તે દિવસ સુધી તે એક અનામી, અજાણી સ્ત્રી હતી. તે દિવસ પછી તેનું નામ અમેરિકામાં ઘરે ઘરે જાણીતું થઇ ગયું, તેણે લખેલી નવલકથા ‘ગોન વિથ ધ વિન્ડ’ને કારણે. એક અકસ્માતમાં ઘૂંટણ ભાંગ્યો અને લાંબો વખત પથારીમાં સૂઈ રહેવું પડ્યું ત્યારે સ્થાનિક લાયબ્રેરીમાં એટલાન્ટાના ઇતિહાસ અંગેનાં હતાં તેટલાં પુસ્તકો વાંચી નાખ્યાં. પતિએ કહ્યું કે હવે નવું પુસ્તક વાંચવું હોય તો તે તારે જ લખવું પડશે. બસ, આટલી અમથી ટકોર, ને માર્ગારેટે ‘ગોન વિથ ધ વિન્ડ’ નવલકથા લખવાનું શરૂ કર્યું. પૂરાં દસ વર્ષ તેણે આ નવલકથા પર કામ કર્યું. નવા લેખકોની શોધમાં નીકળેલો મેકમિલન પ્રકાશક કંપનીનો હેરોલ્ડ લેથામ નામનો પ્રતિનિધિ ૧૯૩૫માં માર્ગારેટને મળ્યો. અચકાતાં અચકાતાં પોતાની હસ્તપ્રત માર્ગરેટે તેને આપી. પછી એ વાત પણ એ તો ભૂલવા આવી હતી. ત્યાં જ અચાનક ૨૧મી જુલાઈએ મેકમિલન તરફથી તાર મળ્યો : ‘તમારું પુસ્તક પ્રગટ કરશું. પહેલી દસ હજાર નકલ પર દસ ટકા અને પછીની નકલો પર પંદર ટકા રોયલ્ટી આપશું. તારથી જવાબ મોકલો એટલે કોન્ટ્રેક્ટ મોકલીએ.’
આપણે ત્યાં તો લેખક જે, જેવું, જેટલું લખી મોકલે તે તેમનું તેમ પ્રકાશકો છાપી નાખે. પણ યુરપ-અમેરિકામાં ભલભલા લેખકો પણ પ્રકાશકના એડિટરનાં સૂચનો પ્રમાણે ફેરફાર કરવા તૈયાર રહે. ત્યારે આ તો હતી સાવ નવી લેખિકા. પ્રકાશકના એડિટરની સૂચના પ્રમાણે માર્ગરેટે કેટલાક ફેરફાર કર્યા. કેટલોક ભાગ ફરી લખ્યો. પ્રકાશકના એડિટરે કથાના મુખ્ય પાત્ર ‘પેન્સિ’નું નામ બદલવા કહ્યું અને તેનું નામ છેવટે પડ્યું સ્કાર્લેટ ઓહારા. ફરી આખી હસ્તપ્રતમાં નામ બદલવાનું કામ માર્ગરેટે કરવું પડ્યું. પુસ્તક પ્રગટ થાય તે દિવસે ન્યૂ યોર્કમાં હાજર રહેવાનું પ્રકાશકનું આમંત્રણ નબળી તબિયતને કારણે માર્ગરેટે નકાર્યું એટલે પછી એટલાન્ટા લાયબ્રેરી ક્લબમાં પ્રકાશકે માર્ગરેટનું ભાષણ ગોઠવ્યું. પુસ્તક પ્રગટ થતાંવેંત લેખિકા રાતોરાત સેલિબ્રીટી બની જશે એની પ્રકાશકને ખાતરી હતી. એટલે પ્રકાશકે પુસ્તકની એક લાખ નકલ છાપીને તૈયાર રાખેલી. પુસ્તક પ્રગટ થયું તે દિવસે માર્ગરેટ એટલાન્ટાની ડેવિડ સન્સ નામની પુસ્તકોની દુકાને ગઈ અને પોતાની નવલકથા ખરીદવા માટે લોકો જે રીતે પડાપડી કરી રહ્યા હતા તે જોઈ આભી જ બની ગઈ. વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા પ્રગટ થઇ ચૂકી હતી. આજ સુધીમાં તેની ત્રણ કરોડ નકલ વેચાઈ ચૂકી છે. માર્ગરેટને ૧૯૩૭નું પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું અને નવલકથા પરથી ફિલ્મ બનાવવાના હક્ક પચાસ હજાર ડોલરમાં વેચાયા. અગાઉ આટલી મોટી રકમ બીજા કોઈ લેખકને આ માટે ચૂકવાઈ નહોતી. ૧૯૩૯ના ડિસેમ્બરની ૧૫મી તારીખે ‘ગોન વિથ ધ વિન્ડ’ ફિલ્મ રીલીઝ થઇ અને તેને પણ રાતોરાત અસાધારણ સફળતા મળી. ૧૯૪૦માં બેસ્ટ ફિલ્મ સહિતના કુલ આઠ ઓસ્કર એવોર્ડઝ આ ફિલ્મને મળ્યા.
આ નવલકથામાં લેખિકાએ અમેરિકાનાં ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચેના આંતરવિગ્રહની વાત અત્યંત કુશળતાથી વાણી લીધી છે. ‘સોળ વરસની કન્યા આળસ મરડે રે’ એવી સ્કાર્લેટને આપણે કથાના આરંભમાં જોઈએ છીએ, એક સાથે બે પુરુષ સાથે ફલર્ટ કરતી. પણ તે ચાહે તો છે એશલે નામના એક ત્રીજા જ યુવકને. પણ એશલે ચાહે છે મેલોની નામની છોકરીને. પાર્ટીમાં બધા પુરુષો આવી રહેલા આંતરવિગ્રહની ચર્ચા કરતા હોય છે અને ગુલામી તરફી દક્ષિણનાં રાજ્યો જીતી જશે એમ કહેતા હોય છે. ત્યારે રેહટ બટલર નામનો એક પુરુષ સાવ જુદો જ અભિપ્રાય વ્યક્ત કરે છે. અને અહીથી જ પ્રેમ, દ્વેષ, ઈર્ષાની કથા સાથે લેખિકા આંતરવિગ્રહને સાંકળી લે છે. સંકોચને આઘો મૂકીને સ્કાર્લેટ એશલેને કહે છે કે હું તને ચાહું છું ને તારી સાથે લગ્ન કરવા માગું છું. પણ એ માટીડો તો આપણા સરસ્વતીચન્દ્રનો ભાઈ નીકળે છે. એ કહે છે કે મને પણ તારા માટે પ્રેમ છે, પણ એક ભાઈને તેની બહેન માટે હોય તેવો! પણ સ્કાર્લેટ કાંઈ અલકકિશોરી નહોતી, એટલે જવાબમાં આપે છે ગાલ પર સણસણતો તમાચો. ઓરડામાં છુપાયેલો બટલર આ બધું જુએ છે અને એશલેના ગયા પછી સ્કાર્લેટ સામે પ્રગટ થાય છે ત્યારથી બંને વચ્ચે લવ-હેટનો સંબંધ શરૂ થાય છે. ચાર્લ્સ હેમિલ્ટન નામનો એક યુવક લગ્નની દરખાસ્ત રજૂ કરે છે અને માત્ર એશલેને જલાવવાના હેતુથી સ્કાર્લેટ તેની સાથે પરણી જાય છે. પણ લગ્ન પછી ચાર્લ્સ આંતરવિગ્રહમાં લડવા જાય છે અને મરાય છે. તે પછી સ્કાર્લેટ અને રેહટ એકબીજાંની નજીક આવે છે. એટલાન્ટા પર દુશ્મનનો હુમલો થતાં શહેર ખાલી થવા લાગે છે. એ જ વખતે એશલેની પત્ની મેલોનીને પ્રસૂતિની પીડા ઉપડે છે. કોઈ ડોક્ટર ન મળતાં સ્કાર્લેટ તેની સુવાવડ કરાવે છે, અને પુત્રનો જન્મ થાય છે. પહેલાં જ્યાં રહેતાં હતાં તે તારા પ્લાન્ટેશન જવા માટે સ્કાર્લેટ, રેહટ, મેલોની, અને તેનું બાળક ગાડીમાં નીકળે છે. પીછેહઠ કરતા દક્ષિણના લશ્કરે ધીખતી ધરા કરવાના હેતુથી લગાડેલી આગમાંથી બધાં પસાર થાય છે. પછી લૂંટારાઓના હુમલાનો ભોગ બને છે. પણ છેવટે બધાં તારા પહોંચે છે. બધાંને મૂકીને રેહટ લડાઈમાં જોડાવા જાય છે.
તારા ખાતે બધું ખેદાનમેદાન થઇ ગયું છે, સ્કાર્લેટની મા મૃત્યુ પામી છે, પિતા ચિત્તભ્રમની અવસ્થામાં છે. ઘર લૂંટાઈ ગયું છે. ગુજરાન ખાતર સ્કાર્લેટ ખેતરમાં કપાસ વીણવાનું કામ કરે છે. આંતરવિગ્રહ પૂરો થતાં એશલે ઘરે પાછો ફરે છે. આંતરવિગ્રહ પછીના નવા વ્યવસ્થાતંત્રમાં તારા પ્લાન્ટેશનને માથે ૩૦૦ ડોલરનો ટેક્સ ભરવાનો આવે છે. આ રકમ મેળવવા ખાતર સ્કાર્લેટ ફ્રેન્ક કેનેડી નામના પુરુષને પરણી જાય છે. થોડા વખત પછી એક ધીંગાણામાં એશલે ઘવાય છે અને ફ્રેંક કેનેડીનું મૃત્યુ થતાં સ્કાર્લેટ બીજી વાર વિધવા બને છે. થોડા વખત પછી રેહટની દરખાસ્ત સ્વીકારી સ્કાર્લેટ તેની સાથે પરણી જાય છે. બંનેને એક દીકરી થાય છે, બોની. પણ સ્કાર્લેટના મનમાંથી હજી એશલે ખસ્યો નથી એટલે ધૂવાંપૂવાં થયેલો રેહટ દીકરીને લઈને લંડન ચાલ્યો જાય છે. પણ બોનીને ત્યાં ગમતું નથી એટલે સ્વદેશ પાછો આવી સ્કાર્લેટ સાથે રહેવા લાગે છે. સ્કાર્લેટ ફરી સગર્ભા થાય છે, પણ દાદર પરથી પડી જતાં બાળકને ગુમાવે છે. ઊંચેથી કૂદવાનો અખતરો કરવા જતાં બોની પણ મા-બાપની નજર સામે જ મૃત્યુ પામે છે. હવે સ્કાર્લેટને ખ્યાલ આવે છે કે હકીકતમાં તે ક્યારે ય એશલેને ચાહતી નહોતી. પણ એશલેએ તેની અવગણના કરી તેથી તે તેની પાછળ પડી હતી. પોતે ખરેખર તો રેહટને જ ચાહે છે એમ તેને લાગે છે, પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. સ્કાર્લેટને છોડીને ચાર્લ્સટન જવાનો નિર્ણય રેહટે લઇ લીધો છે. સ્કાર્લેટ તેને પૂછે છે : ‘હવે હું ક્યાં જઈશ? હવે હું શું કરીશ?’ અને ત્યારે આખી નવલકથામાંથી સૌથી વધુ જાણીતા થયેલા વાક્ય દ્વારા રેહટ જવાબ આપે છે : ‘માય ડિયર, આઈ ડોન્ટ ગીવ અ ડેમ!’
XXX XXX XXX
10 ડિસેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com
![]()

