હમણાં હમણાં શિક્ષણ અને સાહિત્યસંસ્થાઓની સ્વાયત્તતા પર હુમલાઓ વધી રહ્યાં છે. ઠેકઠેકાણેથી આવા સમાચારો મળી રહ્યાં છે. ગુજરાત સરકારે ગુજરાત સાહિત્ય અકાદમીનો ખાતમો બોલાવીને આ પરંપરાને દઢાવી છે.
ગઈકાલે જ સમાચાર પ્રાપ્ત થયાં કે દક્ષિણ ગુજરાતની નર્મદના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટીએ આવો જ એક આઘાતજનક નિર્ણય લીધો. એક વર્ષ પૂર્વે બોર્ડ ઑફ સ્ટડીઝ નિર્ધારિત કરેલ પાઠ્યપુસ્તકો ‘એકએક’ બદલી નાંખ્યા! એમાં ભીષ્મ સહાનીની કૃતિ ‘તમસ’ને કોર્ટમાં વિવાદ થયો હોઈ કાઢી નાંખી! જે કૃતિને નારાયણ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદિત કરી છે. ભારતીય વિચારમંચ, અખિલ ભારતીય પરિષદના અગ્રણી અને ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી ડૉ. ભરત ઠાકોરે આ કૃતિને ‘વિવાદી’ ગણાવી! ગૂજરાત વિદ્યાપીઠના કેળવણીને લાગેલું આ લાંછન ગણાય. ભલા ભાઈએ કૃતિ પર ફિલ્મ બની ત્યારે હિંદુ, મુસ્લિમ અને શીખ ત્રણેય સાંપ્રદાયિકોએ કેસ કરેલાં અને હારેલાં ત્યારે સુમન શાહે લખેલું કે ‘લોકડિયાં જાગે એ કોઈને પોષાતું નથી.’ ફિલ્મ દ્વારા ઝળહળતો મેસેજ કરોડો સુધી પહોંચવાનો હતો.
ખાસ મિટિંગ બોલાવી, એમાં કુલપતિની નિકટ મનાતા ડૉ. ભરત ઠાકોરને ખાસ ‘આમંત્રિત’ કરીને આ કૃતિને ‘અભ્યાસક્રમનિકાલ’ની સજા ફરમાવવામાં આવી! કરુણતા એ છે કે આ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી શરીફા વીજળીવાળાને ‘વિભાજનની વ્યથા’ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. તેથી આ કૃતિનો નિર્ણય એમના સિવાય કોણ આપી શકે? છતાં એમના વિરોધને બાજુએ મૂકીને, પદ-ગરિમા ચૂકીને નિર્ણય લેવાયો. વળી, ગુજરાતી વિષયના બોર્ડમાં સરકારી રાહે નિમણૂક પામેલા (વિજ્ઞાનપ્રવાહના) સિન્ડિકેટ સભ્યને પણ ઉપસ્થિત રખાયા! આ વિષયની સ્વાયત્તતા પર સીધો હુમલો છે. દુઃખની વાત એ છે કે નર્યા ગાંધીવાદી નારાયણ દેસાઈ અનુવાદિત કૃતિને ગૂજરાત વિદ્યાપીઠમાંથી જ ભણેલા ડૉ. ભરત ઠાકોરે દૂર કરાવી! જે વિદ્યાપીઠની કેળવણીને લાગેલું લાંછન છે. જ્યારે સુદર્શન આયંગાર, ગોવિંદ રાવલ કે અનામિક શાહ, ચંદ્રકાન્ત શેઠ આ સાંભળે તો શું અનુભવે? કેવળ કુલપતિના ખીલાના જોરે કૂદતા વાછરડાં જેવું આ લાગે છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આ બોર્ડમાં મારાં બે આદરણીય વડીલો પણ વિષયનિષ્ણાતની રૂએ હાજર હતા. ડૉ. નીતિન વડગામા અને ડૉ. ઉષા ઉપાધ્યાય. એમાં ય ઉષાબહેન તો ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ સુદ્ધાં છે. શું એમણે વિષય નિષ્ણાત તરીકે એન.બી.ટી. પ્રકાશિત, નારાયણ દેસાઈ અનુવાદિત કૃતિની હકાલપટ્ટી સાંખી જ લીધી ? શું આ વિચારધારાની શરણાગતિ નથી? વળી, વાત આટલેથી નથી અટકતી આ કૃતિ સુલભ બને એ માટે નારાયણભાઈના પુત્રના સૂચનથી એન.બી.ટી.એ ૨૦૦૦ નકલો સુદ્ધાં છાપી. એક વરસ પછી નિર્ણય બદલવાની જરૂર કેમ પડી? ઉષાબહેન વળી પાછાં પ્રકાશક પણ છે. જરૂરિયાત માટે છાપેલાં પુસ્તકો પડ્યાં રહે ત્યારે શું થાય એ એમને તો ખબર જ હોય.
આનાથી આગળ વધી ગુજરાત સાહિત્ય અકાદમીએ કલાપીનાં કાવ્યોનું એક ચયન શ્રી હરિકૃષ્ણ પાઠકના સંપાદનતળે ‘આપની યાદી’ નામે પ્રગટ કરેલું છે. એ સંપાદનને પણ હટાવવામાં આવ્યું એવું કહીને કે કલાપીમાં પ્રેમ, પ્રેમ, પ્રેમ સિવાય બીજું છે શું? અરે ! ભાઈ હવે કલાપીને પણ કતલ! એ પણ બે ગઝલકારો(નીતિન વડગામા અને ઉષા ઉપાધ્યાય)ની રૂ-બ-રૂમાં !
ખરે જ! આવા સમાચારો દુઃખી કરે છે. યુનિવર્સિટીમાં અભિવ્યક્તિની, વિચારની સ્વતંત્રતા પર તરાપ મારતાં આવાં ‘રાજકીય હાથાઓ’ ગુજરાતના ઉચ્ચશિક્ષણને બેહાલ કરી મૂકશે.
જે યુનિવર્સિટીના કુલપતિશ્રીની લાયકાત જ સ્વયં પ્રશ્નાર્થ હેઠળ હોય એ કુલપતિની સત્તાની આવી તુમાખી, બોર્ડના સભ્યો પણ સાંખી લે એ ગુજરાતની શરમજનક ઘટના છે.
આવી જ રીતે ઇતિહાસવિભાગની મીટિંગમાં સલ્તનતકાળ અને મોગલકાળ ભણાવવામાંથી જ કાઢી નાંખવાની સૂચના અપાઈ! શું આ યુનિવર્સિટીઓનું ભગવાકરણ નથી?
નિરંજન ભગતે નર્મદને અંજલિ આપેલી તે જ અંજલિ નર્મદના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટીને સંભળાવવાનું મન થાય છે.
“ક્યાં તુજ જોમ જુસ્સો ?
ક્યાં આ જંતુ માણહા ?
માથા પરની રેફ, નર્મદ સહેજ ફરી ગઈ !”